રશિયાની સ્પુતનિક વી રસીની અછત કેમ સર્જાઈ, એક ડોઝ લીધા પછી બીજો ન મળે તો શું થશે?

    • લેેખક, વૅરોનિકા સ્મિન્ક
    • પદ, બીબીસી ન્યૂઝ મુન્ડો, બ્યૂનોસ એરિસ

કોરોના સંકટ વચ્ચે દુનિયામાં બહુ ઝડપથી રસીનું સંશોધન થયું અને ઇતિહાસમાં ક્યારેય જોવા ના મળી તે ઝડપે નવીનવી રસીની જાહેરાત થવા લાગી હતી.

રસીની શોધ તો ઝડપથી થઈ શકી, પરંતુ મોટા પાયે તેનું ઉત્પાદન એટલી ઝડપે કરવાનું દુનિયાના ઘણા દેશોમાં મુશ્કેલ બની રહ્યું છે.

સૌથી પહેલી મુશ્કેલી વિશાળ પાયે ઉત્પાદન કરી શકવાની બાબતમાં છે.

આ ઉપરાંત ઍસ્ટ્રાઝેનેકા અને ઓક્સફૉર્ડ યુનિવર્સિટીએ તૈયાર કરેલી રસીના ઉત્પાદન વિશે પણ શંકાઓ હતી તેથી ઘણા દેશોએ તેના વિકલ્પરૂપે બીજી રસીઓ તરફ નજર દોડાવી હતી.

તે કારણે ઘણા દેશોએ સૌપ્રથમ અમેરિકામાં શોધવામાં આવેલી રસીઓ તરફ નજર દોડાવી હતી.

અમેરિકામાં બે રસી તૈયાર થઈ હતી, ફાઇઝર-બાયોનટેક અને મૉડર્ના.

જોકે ભૌગોલિક રાજકીય મુદ્દાઓ અને આર્થિક ગણતરીઓને કારણે (આ રસીઓ બહુ મોંઘી છે) ઘણા દેશોએ, ખાસ કરીને લેટિન અમેરિકાના દેશોએ બીજી વૈકલ્પિક રસી તરફ નજર દોડાવી હતી.

તે હતી રશિયાએ તૈયાર કરેલી, પરંતુ હજી સુધી વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) તરફથી મંજૂર ન થયેલી - સ્પુતનિક વી.

દુનિયામાં સૌપ્રથમ વૅક્સિનની જાહેરાત રશિયાએ જ કરી હતી. 11 ઑગસ્ટ, 2020ના રોજ કોરોનાની રસી તૈયાર થઈ ગઈ હોવાની જાહેરાત કરી દેવાઈ હતી.

જોકે રસીની ખરાઈ વિશેના ડેટાની બાબતમાં પ્રારંભમાં શંકાઓ વ્યક્ત થઈ હતી.

જોકે ફેબ્રુઆરીમાં વૈજ્ઞાનિક સામયિક લાન્સેટમાં આ રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલનાં પરિણામો પ્રગટ થયાં હતાં. તેમાં જણાવાયું હતું કે સ્પુતનિક વી વિશ્વમાં સૌથી વધુ - 92% સુરક્ષા સાથે અસરકારક છે અને તેના કારણે સૌને તેમાં રસ પડ્યો હતો.

રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) આ સ્પુતનિક વી રસીનું વિશ્વભરમાં માર્કેટિંગ કરે છે અને તેણે 69 દેશને રસીનું ઉત્પાદન કરવાની મંજૂરી આપી છે.

આમાંના કેટલાક દેશોને 13 કરોડ ડોઝ પૂરા પાડવા માટેનો કરાર રશિયાએ કર્યો છે.

જોકે ઍસ્ટ્રાઝેનેકાના કિસ્સામાં થયું હતું તે પ્રમાણે ઉત્પાદન કરતાં આ રસીની માગ પણ ઘણી વધારે હતી. તેના કારણે સ્પુતનિક વી રસી મેળવવા માટે કરાર કરનારા મોટા ભાગના દેશોમાં આજે રસીની અછત ઊભી થઈ છે.

આ મુશ્કેલીમાં વળી એક અનોખી બાબત પણ છે: બીજી રસીની જેમ આ રસી પણ બે ડોઝમાં આપવાની છે, પરંતુ સ્પુતનિક વી રસીની વિશેષતા એ છે કે બંને ડોઝમાં જુદા-જુદા પદાર્થોનો ઉપયોગ થયો છે.

આના કારણે ઘણા દેશોએ ફરિયાદ કરી છે તેમને ધાર્યા પ્રમાણે પૂરતી સંખ્યામાં બંને ડોઝ મળ્યા નથી.

મૂળે તો એટલે મુશ્કેલી થઈ છે કે મોટા ભાગના દેશોને રસી મળી તે પ્રથમ ડોઝની હતી.

તેના કારણે હવે એવી સ્થિતિ ઊભી થઈ છે કે સ્પુતનિક વી રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો હોય તેમને બીજો ડોઝ મળ્યો નથી. બીજા ડોઝની રસીનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે તેના કારણે આવી વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે.

સૌથી વધારે અસર આર્જેન્ટિના પર

સૌથી મોટી સમસ્યાનો સામનો કરી રહેલો દેશ છે આર્જેન્ટિના. આર્જેન્ટિના અને બેલારુસે જ સૌપ્રથમ 29 ડિસેમ્બર, 2020ના રોજ સ્પુતનિક વીની રસીનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું.

આર્જેન્ટિનાએ રશિયા પાસેથી બે કરોડ ડોઝ ખરીદવા માટે ઑર્ડર આપ્યા હતા, પરંતુ તેમાંથી અડધા પ્રમાણમાં જ રસી મળી છે. તેમાંય જે જથ્થો મળ્યો તેમાંથી બે તૃતીયાંશ પ્રથમ ડોઝનો છે.

આર્જેન્ટિનાએ ઝડપથી નાગરિકોને રસી આપવાનું નક્કી કર્યું હતું અને સ્પુતનિક વી રસીના પ્રથમ ડોઝનો જથ્થો મળ્યો તેનાથી 90 લાખ નાગરિકોને રસી આપી દીધી હતી.

પરંતુ તે પછી બીજો ડોઝ લેવાનો સમય આવ્યો ત્યારે માત્ર 25 લાખ લોકોને જ રસી મળી શકી છે. આ રીતે પૂર્ણ રસી લેવામાં બીજા બાકી રહી ગયા છે.

આજે આર્જેન્ટિનામાં લગભગ 60 લાખ લોકો એવા છે, જેમણે રસીનો બીજો ડોઝ લેવાનો બાકી છે.

બીજું કે એક ડોઝ લીધા પછી બીજો ડોઝ ત્રણ મહિનામાં લઈ લેવાનો હોય પણ લગભગ 15 લાખ લોકો માટે તે સમયગાળો વીતી ગયો છે.

આર્જેન્ટિના જેવી જ સ્થિતિ બીજી દેશોમાં પણ થઈ રહી છે, ભલે તે ઓછા પ્રમાણમાં હોય. મૅક્સિકો, ગ્વાટેમાલા, બોલિવિયા, હોન્ડુરાસ, પેરાગ્વે અને વેનેઝુએલા જેવા દેશોમાં પણ આવી જ રીતે અછત સર્જાઈ છે.

રશિયાની RDIFએ માન્યું છે કે રસીનો જથ્થો પૂરો પાડવામાં 'કામચલાઉ વિલંબ' થયો છે, કેમ કે સ્પુતનિક વી રસી વધારે લોકપ્રિય થઈ હતી અને તેની માગ પણ વધારે હતી.

"વિશ્વભરમાંથી અભૂતપૂર્વ માગને કારણે બધા જ રસી ઉત્પાદકો ટૂંકા ગાળે પુરવઠો પૂરો પાડવાની બાબતમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે," એમ એક અધિકારીએ 28 જુલાઈના રોજ સ્પુતનિક વી રસીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટમાં પોસ્ટ કરી હતી.

આર્જેન્ટિનામાં આ મામલો બહુ ચગ્યો છે અને સરકાર નુકસાનીનો દાવો કરી રહી છે ત્યારે રસી તૈયાર કરનાર સંસ્થા અને રશિયન સરકાર બંનેએ જણાવ્યું છે કે તેમની પ્રાથમિકતા પોતાની વસતીને રસી આપવાની છે.

એજન્સીએ જણાવ્યું હતું , "નવા કોરોના વાઇરસનો ચેપ ફેલાઈ રહ્યો છે ત્યારે RDIF રશિયન નાગરિકોના રસીકરણને પ્રાથમિકતા આપે છે."

જોકે RDIF તથા રશિયન સરકાર બંનેએ ખાતરી આપી છે કે રશિયાની રસી માટે કરાર કરનારા દરેક દેશને રસી મળશે.

ક્રેમલીનના પ્રવક્તા દીમિત્રી પેસ્કોવે જુલાઈના અંતમાં જણાવ્યું હતું "વિદેશી બજાર માટે જરૂરિયાતો છે, જેમાં આર્જેન્ટિનાનો પણ સમાવેશ થાય છે, તે બધી પૂરી કરવામાં આવશે."

પ્રવક્તાએ ઉમેર્યું હતું, "RDIF આ સમસ્યાના નિવારણ માટે પ્રયાસરત્ છે."

સમસ્યા શું છે?

સવાલ એ છે કે શા માટે બીજા ડોઝનો જથ્થો ઓછો પડી રહ્યો છે?

રશિયાના સત્તાધીશોએ આ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.

તેના બદલે પ્રથમ ડોઝ કેટલો ઉપયોગી છે તેના ગુણગાન ગાવાનું તેમણે શરૂ કર્યું છે. આ પ્રથમ ડોઝને "સ્પુતનિક વી લાઇટ" એવું નામ પણ આપવામાં આવ્યું છે.

સ્પુતનિક વી રસીની સત્તાવાર વેબસાઇટ પર કહેવામાં આવી રહ્યું છે કે "ઘણી રસીઓના બે ડોઝ લેવા પડે છે, પણ તેની સામે સ્પુતનિક વી રસી કોરોના વાઇરસ સામે 80% ટકા જેટલી અસરકારક છે જે અન્ય ઘણી રસી કરતાં વધુ છે."

રશિયાની જે કંપનીઓને રસીનું ઉત્પાદન કરવા માટેનું કામ સોંપાયું છે તેમણે રૉઇટર્સને જણાવ્યું હતું કે બંને ડોઝ માટે જુદા-જુદા વેક્ટર્સ વપરાય છે તેના કારણે ઉત્પાદનનું કામ અઘરું બન્યું છે.

"આ રસીનું ઉત્પાદન ઘણું મુશ્કેલ છે અને તમારે બંને અલગ-અલગ ડોઝ તૈયાર કરવાના હોય છે," એમ બાયોકેડ કંપનીના સીઈઓ દીમિત્રી મોરોઝોવે જણાવ્યું હતું.

આ કંપની સ્પુતનિક વી રસીનું ઉત્પાદન કરનારી અગ્રણી કંપનીઓમાંની એક છે.

રસી ઉત્પાદક કંપનીઓ એવું પણ જણાવી રહી છે કે પ્રથમ ડોઝ કરતાંય બીજા ડોઝનું ઉત્પાદન કરવું 'વધુ મુશ્કેલ છે'.

શા માટે અઘરું છે તેની કોઈ વિગતો આપવામાં આવી નથી, પરંતુ મુખ્ય ચર્ચા એવી છે કે બીજા ડોઝના (જેમાં એડિનો વાઇરસના પાંચ ટકા વેક્ટરનો ઉપયોગ થાય છે તે) ઍક્ટિવ કમ્પોનન્ટ તૈયાર થતા વધારે સમય લે છે. (પ્રથમ ડોઝમાં એડિનો વાઇરસ 26 હોય છે).

રૉયટર્સના જણાવ્યા અનુસાર આના કારણે મુશ્કેલી થઈ છે અને "રશિયામાં રસીઉત્પાદક એકમો પાસે આનો મર્યાદિત જથ્થો છે."

બીબીસીએ RDIF અને બાયોકેટ કંપની બંનેની પૃચ્છા કરી હતી કે શું બીજો ડોઝ તૈયાર કરવામાં વધારે સમય લાગે છે અને તેના કારણે ઉત્પાદનક્ષમતા ઓછી થઈ છે કે કેમ. જોકે બેમાંથી એકેય તરફથી પ્રતિસાદ મળ્યો નહોતો.

એ વાત સાચી કે ઘણા આરોગ્ય નિષ્ણાતોએ કહ્યું છે કે સ્પુતનિક વી રસીના પ્રથમ ડોઝની અસરકારકતા ઘણી સારી છે, પરંતુ કોરોના વાઇરસના ડેલ્ટા જેવા નવા વૅરિયન્ટ આવી રહ્યા છે ત્યારે રસીના બંને ડોઝ મળી જાય તે જરૂરી છે.

ઉપાય શું?

સ્પુતનિક વી રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો હોય અને બીજા માટેની રાહ જોઈ રહ્યા હોય તેવા લોકો માટે શું કરવું?

રશિયન સત્તાધીશો ધીરજ રાખીને રાહ જોવાની સલાહ આપી રહ્યા છે.

રશિયાની સત્તાવાર વેબસાઇટ પર ચાર ઑગસ્ટે આવી અખબારી યાદી મૂકવામાં આવી હતી: "સ્પુતનિક વી રસીની ટીમ જણાવે છે કે રસીના બીજા ડોઝનો પુરવઠો પૂરો પાડવામાં કામચલાઉ સમસ્યા થઈ છે તેનું નિવારણ ઑગસ્ટ મહિનામાં કરી લેવામાં આવશે."

રશિયાની રસીની અછત ઊભી થઈ છે તેવા પ્રકારના બીબીસી રશિયન સર્વિસના અહેવાલ માટે બીબીસીએ સવાલો મોકલ્યા હતા.

તેના જવાબમાં RDIF તરફથી પ્રત્યુતર આપવામાં આવ્યો હતો કે "સ્પુતનિક વી રસીનું ઉત્પાદન ઑગસ્ટના અંત સુધીમાં વધારવામાં આવશે અને સપ્ટેમ્બર 2021થી તેના ઉત્પાદનમાં સારો એવો વધારો થશે."

જોકે રસીનો જથ્થો તૈયાર થશે તેમાંથી બીજા ડોઝની સંખ્યા કેટલી હશે તેની વિગતો એજન્સીએ આપી નહોતી.

રસીના ઉત્પાદનમાં સહયોગી કંપની તરીકે આર્જેન્ટિનાની લૅબોરેટરીઝ રિચમન્ડનો પણ સમાવેશ થાય છે, જેણે ગત ફેબ્રુઆરીમાં બ્યૂનોસ એરિસમાં સ્પુતનિક વી રસીનું ઉત્પાદન કરવા માટે કરાર કર્યો હતો.

આર્જેન્ટિના આરોગ્યમંત્રી કાર્લા વિઝોટ્ટીએ ઑગસ્ટમાં જણાવ્યું હતું કે આ કંપની 30 લાખ જેટલા બીજા ડોઝનું ઉત્પાદન કરશે. તેના માટે મુખ્ય કાચો માલ રશિયાથી મોકલવામાં આવશે.

રસીનું મિશ્રણ

રશિયા સહિત ઘણા દેશો એ માટેનું પરીક્ષણ કરી રહ્યા છે કે શું સ્પુતનિક વી રસીના પ્રથમ ડોઝ પછી બીજી કોઈ વૅક્સિનનો ડોઝ લઈ શકાય ખરો?

ઍસ્ટ્રાઝેનેકા રસીની અછત સર્જાઈ ત્યારે તેના માટે પણ આવો ઉપાય કરવાની કોશિશ થઈ હતી. જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલ સહિત ઘણાએ અન્ય રસી લીધી હતી.

આ વિશે કોઈ પુરાવા મળ્યા નથી પણ ઘણા નિષ્ણાતો માને છે કે બે જુદીજુદી રસી લઈને મિશ્રણ કરવાથી વધારે સારી ઍન્ટીબૉડી તૈયાર થઈ શકે છે.

બીબીસી રશિયન સર્વિસને આપેલા ઉત્તરમાં RDIFએ જણાવ્યું હતું કે રસીના મિશ્રણના પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. જોકે તેનો સંબંધ સ્પુતનિક વીના બીજા ડોઝની અછત સાથે હતો કે કેમ એ વિશે કશું જણાવ્યું નહોતું.

તેમણે જણાવ્યું હતું, "સ્પુતનિક વી તરફથી બે જુદી-જુદી રસી માટે પ્રયોગો થયા હતા અને તેમાં બે જુદા-જુદા એડિનો વાઇરસનાં બે ઇન્જેક્શન્સ વપરાયાં હતાં (અન્ય રસીઓમાં એક જ પ્રકારની રસી બંને ડોઝમાં આપવામાં આવે છે)."

તેમણે ઉમેર્યું હતું, "RDIF તરફથી અન્ય રસીઉત્પાદકો સાથે મળીને રસીઓનું મિશ્રણ કરવા માટેનો પ્રયાસ થયો હતો અને તે માટે 23 નવેમ્બર, 2020ના રોજ ઍસ્ટ્રાઝેનેકાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પ્રયોગો પરથી આવું મિશ્રણ સલામત હોવાનું જણાયું હતું અને સારી અસરકારકતા પણ જણાઈ હતી."

રસીના મિશ્રણ અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું હતું, "રસીના જથ્થાની બાબતમાં કે તેના ઉત્પાદનની સમસ્યાને કારણે જુદી-જુદી રસીને સાથે જોડવાનો અભ્યાસ થઈ રહ્યો છે એવું નથી, પરંતુ કોરાના વાઇરસ સામેની રસીની અસરકારકતા વધે તે માટેની RDIFની વૈશ્વિક વ્યૂહરચનાના ભાગરૂપે તે થઈ રહ્યું છે."

ઍસ્ટ્રાઝેનેકા સાથે રસીના મિશ્રણ અંગેનાં છેલ્લાં પરિણામો 2022માં જ જાહેર થશે, પરંતુ આર્જેન્ટિના આરોગ્ય વિભાગે આ દિશામાં કામ કરવા માટેના સંકેતો આપી દીધા છે.

આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયાની મંજૂરી સાથે પોતાની રીતે કરેલાં પરીક્ષણોના આધારે સ્પુતનિક વી રસીની સાથે ઍસ્ટ્રાઝેનેકા અથવા અમેરિકાની મૉડર્ના રસી આપવાનું શરૂ થઈ શકે છે.

આર્જેન્ટિનામાં આ માટેનો અભ્યાસ હજી થઈ રહ્યો છે અને તેમાં દેશના જુદા-જુદા ભાગોમાં ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી રહી છે. 1800 સ્વંયસેવકો સાથે આ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

આ પ્રયોગોમાં રશિયાની રસી સાથે ઉપલબ્ધ બીજી રસીના ડોઝ આપીને ચકાસણી થઈ રહી છે. ઍસ્ટ્રાઝેનેકા અથવા ચીનની સીનોફાર્મની રસીનો બીજો ડોઝ આપીને તેનાં પરિણામોની ચકાસણી થઈ રહી છે.

જુલાઈના મધ્યમાં અમેરિકાની સરકારે 35 લાખ મૉડર્નાના ડોઝ દાનમાં આપ્યા છે. તેથી સ્પુતનિક વી સાથે આ રસીનું પણ મિશ્રણ થઈ શકે છે કે કેમ તે માટેના પ્રયાગો પણ શરૂ કરાશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

સૌપ્રથમ પરીક્ષણ આર્જેન્ટિનાની રાજધાની બ્યૂનોસ અરિસમાં જ થઈ હતી અને તેમાં 180 સ્વંયસેવકોનો સમાવેશ થાય છે. આ લોકોએ સ્પુતનિક વી રસીનો પ્રથમ ડોઝ લીધેલો છે.

60 સ્વંયસેવકોને રશિયન રસીનો બીજો ડોઝ અપાયો, 60 સ્વંયસેવકોને ઍસ્ટ્રાઝેનેકાનો, જ્યારે 60ને સીનોફાર્મનો ડોઝ અપાયો છે.

"સારાં પરિણામો"

બ્યૂનોસ એરિસમાં આ પરીક્ષણ શરૂ થયું તેના એક મહિના પછી હાલમાં જ આર્જેન્ટિના આરોગ્યમંત્રી કાર્લા વિઝોટ્ટીએ જણાવ્યું હતું કે પરીક્ષણો "સંતોષકારક" અને "પ્રોત્સાહક" રહ્યા છે.

આ રીતે સારાં પરિણામો પછી હવે સ્પુતનિક વીનો એક ડોઝ લઈ લીધો હોય તેમને ઍસ્ટ્રાઝેનેકા અથવા મૉડર્ના રસી બીજા ડોઝ તરીકે લઈ લેવા માટે સલાહ આપવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.

"આ વિકલ્પ સ્વેચ્છાએ સ્વીકારવાનો રહેશે. જો કોઈ વ્યક્તિ એક જ રસીનો બીજો ડોઝ લેવા માટે રાહ જોવા તૈયાર હોય એટલે કે મૂળ રસી જ (સ્પુતનિક વી) લેવા માગતી હોય તો તેમાં કોઈ વાંધો નથી," એમ તેમણે કહ્યું હતું.

આ જ રીતે ઍસ્ટ્રાઝેનેકા અને મૉડર્ના વૅક્સિનનું મિશ્રણ પણ લેવામાં આવે તો તે માટે પણ મંજૂરી આપવામાં આવશે.

આ માટેના સફળ પ્રયાગો યુકેમાં થયા છે અને એન્જેલા મર્કલે આ બે રસી જ લીધી હતી.

જોકે હાલના તબક્કે રશિયાની રસી સાથે કે અન્ય સાથે સીનોફાર્મના બીજા ડોઝનું મિશ્રણ કરવા અંગે આર્જેન્ટિનાના સત્તાધીશોએ મંજૂરી આપી નથી.

રશિયાની RDIF એજન્સીએ જણાવ્યું હતું તે રીતે જ આર્જેન્ટિના અધિકારીઓ પણ કહી રહ્યા છે કે રસીનું મિશ્રણ કરવામાં કોઈ સમસ્યા નથી.

તેમનું કહેવું છે કે મૂળ સ્પુતનિક વી રસી "પોતે જ એક પ્રકારનું મિશ્રણ છે."

આર્જેન્ટિનાએ કરેલી જાહેરાત અને રસીના મિશ્રણ પછી બીજા દેશોની નજર તેનાં પરિણામો પર રહેશે. બીજા જે દેશો રશિયાની રસીનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમને પણ બીજા ડોઝની અછતની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તે દેશો પણ આ પ્રકારના વિકલ્પ પર વિચાર કરી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો