આપણે 2026માં પ્રવેશ્યા અને એ 2976માં, દુનિયાથી લગભગ 1000 વર્ષ આગળ જીવતા લોકોની કહાણી

    • લેેખક, વાડેલી ચિબેલુશી
    • પદ, બીબીસી સંવાદદાતા

આખાય ઉત્તર આફ્રિકામાં અમેઝિઘ લોકો ઉજવણી કરી રહ્યા છે, આ ઉજવણી છે તેમના 2976મા વર્ષના આગમનની.

આ લોકો કંઈ ટાઇમ ટ્રાવેલ કરીને કે અમસ્તા જ એક હજાર વર્ષ આગળ નથી પહોંચી ગયા. જોકે, આ લોકો બાકીના વિશ્વ કરતાં લગભગ એક હજાર વર્ષ આગળ તો ખરા, કારણ કે તેઓ જે કૅલેન્ડર અનુસરે છે તેની શરૂઆત ઈસવીસન પૂર્વે 950ની સાલથી થાય છે.

એ જ વર્ષે, રાજા શેશોંક ઇજિપ્તની ગાદીએ આવ્યા હતા.

અમેઝિઘ નવા વર્ષને યેન્નૈર કહેવાય છે, તેની શરૂઆત 12થી 14 જાન્યુઆરીની વચ્ચે થતી હોય છે. આ લોકોના વસવાટના સ્થળના આધારે તેની તારીખ બદલાતી હોય છે, જેમ કે, અલ્જિરિયા, મોરોક્કો, ટ્યુનિશિયા અને લિબિયા.

રંગબેરંગી કપડાં સાથે નવા વર્ષનું સ્વાગત

આ દેશોમાં રહેતા અમેઝિઘ લોકો પાછલા થોડા દિવસથી ઉત્સાહમાં હતા, આ લોકો મિજબાની માણીને, અગ્નિ પ્રજ્વલિત કીરને અને પોતાનાં સાંસ્કૃતિક ગીતો ગાઈને ઉજવણી કરે છે.

આ લોકોનાં ગામડાં અને નગરો બધે, 'અસ્સેગાસ અમેગાસ'ના સૂત્રોચ્ચાર સંભળાય છે. જેનો અર્થ છે 'નવા વર્ષની શુભકામનાઓ.' આ પ્રસંગે, દરેક વ્યક્તિ પરંપરાગત, રંગબેરંગી ભરતકામવાળાં કપડાંમાં સજ્જ જોવા મળે છે.

અમેઝિઘ એટલે મુક્ત અથવા માનનીય લોકો. અમેઝિઘ લોકો નોંધાયેલા ઇતિહાસના પ્રારંભથી જ ઉત્તર આફ્રિકન પ્રદેશમાં વસતા ત્યાંના મૂળ નિવાસી છે.

સત્તાવાર આંકડાના અભાવે અમેઝિઘ લોકોની ચોક્કસ સંખ્યા કેટલી છે તેની કોઈને ખબર નથી, પરંતુ એવો અંદાજ છે કે સમગ્ર ઉત્તર આફ્રિકામાં તેમની સંખ્યા લાખોમાં છે.

અલ્જિરિયા અને મોરોક્કો ખાતે તેમની સંખ્યા સૌથી વધુ છે, મોરોક્કન વસતીના અંદાજે 40 ટકા લોકો અમેઝિઘ છે.

યેન્નૈર તહેવાર એ પરિવારો માટે એકબીજા સાથે ભેગા થવાનું નિમિત્ત છે. તેની ઉજવણી કુદરત સાથે અમેઝિઘ લોકોના ગાઢ જોડાણને યાદ રાખવા અને જીવનમાં નવી શરૂઆતના આશયથી કરવામાં આવે છે.

દરિયાઈ ભોજન

અમેઝિઘ લોકો વૈવિધ્યસભર જૂથો સાથે જોડાયેલા હોઈ યેન્નૈર ઉત્સવ દરમિયાન ખવાતી વાનગીઓ પ્રદેશાનુસાર બદલાય છે.

મોરોક્કોના હાઇ ઍટલાસ ક્ષેત્રમાં, આ ઉત્સવ દરમિયા અવેર્કેમેન નામની વાનગી ખવાય છે. કઠોળ, મસાલા અને અનાજના મિશ્રણથી બનતી આ વાનગી નવા વર્ષની ઉજવણી માટેનું ખાસ વ્યંજન છે.

અલ્જિરિયામાં સૂકાં ફળો અને બદામમાંથી બનેલો નાસ્તો ટ્રેજે ભોજન બાદ લેવામાં આવે છે.

યેન્નૈર ફક્ત એક પારિવારિક તહેવાર નથી. તેની ઉજવણીમાં આખેઆખાં ગામ સામેલ થાય છે અને શેરીઓમાં શોભાયાત્રા, સંગીત સમારોહ અને કાર્નિવલ સાથે ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરે છે.

આ સમુદાયના લોકો ઇતિહાસમાં લાંબા સમયથી જુલમનો ભોગ બનતા આવ્યા છે, આ જ કારણે તેઓ પોતાની સંસ્કૃતિને આટલી ગર્વભેર રજૂ કરે છે.

ભાષા અને સંસ્કૃતિની ઓળખ

આરબોએ સાતમી સદીમાં ઉત્તર આફ્રિકાને જીતી લીધું. તેઓ પોતાની સાથે અરબી ભાષા અને ઇસ્લામ ધર્મ લઈ આવ્યા.

બાદમાં, અરબી ભાષા અને સંસ્કૃતિને અમેઝિઘ ભાષા અને સંસ્કૃતિ પર સત્તાવાર રીતે પ્રાથમિકતા આપવામાં આવી.

ઉદાહરણ તરીકે, લિબિયામાં કર્નલ મુઅમ્મર ગદ્દાફીના શાસનકાળ દરમિયાન, શાળાઓમાં અમેઝિઘ ભાષા તામાઝાઇટ પ્રતિબંધિત હતી. માતાપિતાને પણ પોતાનાં બાળકોને અમેઝિઘ નામ આપવાની છૂટ નહોતી.

જોકે, અમેઝિઘ અને અન્ય ઍક્ટિવિસ્ટ્સના પ્રયાસોને લીધે પાછલાં દસ વર્ષમાં તેમની ભાષા અને સંસ્કૃતિને વધુ માન્યતા મળી છે.

2011માં, મોરોક્કોએ તામાઝાઇટને સત્તાવાર ભાષાનો દરજ્જો આપ્યો.

અલ્જિરિયાએ 2017થી 1 જાન્યુઆરીના રોજ અને મોરોક્કોએ 2023થી આ દિવસે રજા જાહેર કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન