You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હમીરજી ગોહિલ : આક્રમણકારીઓથી બચાવવા સોમનાથની સખાતે ખપી જનાર લડવૈયાની કહાણી
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
ઇતિહાસ પ્રમાણે, સોમનાથનું મંદિર પ્રાચીનયુગ તથા મધ્યકાલીન યુગમાં કેટલીક વખત ખંડિત અને પુનઃનિર્મિત થયું છે.
જ્યારે-જ્યારે સોમનાથના મંદિરની વાત આવે, ત્યારે-ત્યારે તેની સાથે સંકળાયેલા કેટલાંક ઐતિહાસિક પાત્રોનો ઉલ્લેખ અચૂકપણે આવે.
ઇતિહાસનાં પન્નાંમાં આવાં કેટલાંક નામો સોમનાથ પર કરાયેલા આક્રમણ સાથે સંકળાયેલાં છે, તો કેટલાક તેની પુનઃસ્થાપના કે જીર્ણોદ્ધાર સાથે જોડાયેલાં છે.
સ્વતંત્રતા બાદ તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. જેમાં તત્કાલીન નાયબવડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુન્શી સહિતના નેતાઓએ અગ્રણી ભૂમિકા ભજવી હતી.
જોકે, હમીરજી ગોહિલ આ નામ અલગથી તરી આવે, કારણ કે તેઓ 'સોમનાથની સખાતે' ગયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું.
લોકકથા, ડાયરા, નવલકથા, પુસ્તકો, નાટક તથા ફિલ્મ સ્વરૂપે હમીરજી ગોહિલનો કિસ્સો કહેવાતો રહ્યો છે.
ગોહિલો અને ગુજરાતમાં ગોહિલવાડ
ગુજરાતી વિશ્વકોશમાં 'ગોહિલો' વિશે આપવામાં આવેલી માહિતી પ્રમાણે : ગુહિલ ઉપરથી 'ગુહિલપુત્ર', 'ગુહિલુત્ત' અને 'ગુહિલોત'એ વંશવાચક શબ્દો છે. 'ગેહિલોત' અને 'ગૈહલોત' શબ્દો પણ પ્રચલિત છે. અલગ-અલગ શિલાલેખોમાં 'ગોભિલ', 'ગૌહિલ્ય' અને 'ગોહિલ' જેવી વંશવાચક અટકો પણ જોવા મળે છે.
આ વંશના સ્થાપક ગુહદત્ત કે ગુહા બ્રાહ્મણ હતા. તેઓ તથા તેમના વંશજો મેવાડના (હાલ રાજસ્થાનના) રાજકર્તા હતા. ઈ.સ. 977, ઈ.સ. 1270 અને ઈ.સ. 1285ના શિલાલેખો પ્રમાણે, ગુહિલ કે ગુહદત્ત બ્રહ્યકર્મને બદલે ક્ષાત્રકર્મ સ્વીકાર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આગળ જતાં ગોહિલ શાસકોએ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત અને છેક નેપાળમાં રાજ સ્થાપ્યાં હતાં. સૌરાષ્ટ્રના દક્ષિણપૂર્વે આવેલો ભૂભાગ 'ગોહિલવાડ' તરીકે ઓળખાય છે. ભાવનગર, પાલિતાણા, લાઠી અને વળનાં રાજ્યો ગોહિલવંશી હતા.
ગોહિલવાડના આદ્યપુરુષ સેજકજી હતા. લૂણી નદીના કિનારે આવેલાં ખેરગઢ ઉપર રાઠોડોએ આક્રમણ કર્યું, એ પછી ગોહિલોમાંથી કુંવર સેજકજી, તેમનો પરિવાર તથા બાકી રહેલા ગોહિલોએ આજીવિકા માટે સ્થળાંતર કરવાનું નક્કી કર્યું.
સેજકજીની સરદારીમાં સૌપ્રથમ વખત ઈ.સ. 1250માં ગોહિલોએ કાઠિયાવાડમાં સૌપ્રથમ વખત પ્રવેશ કર્યો. એ સમયે જૂનાગઢની ગાદી ઉપર મોહોદાસનું (કે મહીપાલ તૃતીય) શાસન હતું. જેણે સેજકજીને રાજ્યમાં મહત્ત્વપૂર્ણ હોદો આપ્યો.
એટલું જ નહીં, સેજકજીને પાંચાળ અને શાહપુર સહિત 12 ગામની જાગીર આપી. સેજકજીનાં પુત્રી વાલમકુંવરબાનું લગ્ન જૂનાગઢના 'રા કુંવર ખેંગાર સાથે કરાવડાવ્યું હતું, જેના કારણે તેમનું સ્થાન અને સ્થિતિ મજબૂત થયાં હતાં.
જૂનાગઢના રાજવીએ સેજકજીના વારસદારોને બીજાં કેટલાંક ગામોની જાગીરો આપી હતી અને તેમણે આપબળે પોતાની હદોનો વિસ્તાર પણ કર્યો હતો.
સેજકજીના ત્રણ પુત્રો પૈકી રાણોજીના વંશજોએ ભાવનગરમાં, શાહજીના વારસોએ પાલિતાણામાં અને સારંગજીના વંશનાઓએ લાઠીમાં પોતપોતાનાં અલગ રાજ્યો સ્થાપ્યાં હતાં.
કોણ હતા હમીરજી ગોહિલ?
લાઠીમાં વિસ્તરી રહેલી ગોહિલોની શાખામાં હમીરજી ગોહિલ જન્મયા અને આગળ જતાં સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કવિ 'કલાપી'નો જન્મ થયો હતો.
'સૌરાષ્ટ્રનો ઇતિહાસ' (પેજ નંબર 252-253) પુસ્તકમાં શંભુપ્રસાદ દેસાઈ લખે છે : ઈ.સ. 1490 આસપાસ ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડાને માહિતી મળી હતી કે સોમનાથની પુનઃપ્રતિષ્ઠા થઈ છે અને ત્યાં પૂજા પણ થાય છે એટલે 'ગાઝી'નું પદ પામવા માટે સોમનાથની સવારી કરી.
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું જીવનચરિત્ર લખનારા પ્રો. નવલરામ ત્રિવેદી તેમના પુસ્તક 'કલાપી'માં લખે છે કે આ સુબા ઝફરખાને સોમનાથ પાટણને રંજાડ્યું અને ભાંગ્યું હતું અને મંદિરનું રક્ષણ કરતા હમીરજીનું મૃત્યુ થયું હતું.
'ગૅઝેટિયર ઑફ બૉમ્બે પ્રેસિડન્સી : કાઠિયાવાડ'માં આપવામાં આવેલી માહિતી (પૃષ્ઠ ક્રમાંક 450-451) પ્રમાણે, સારંગજીના વારસ દૂદોજી અરઠિલા (લાઠી પહેલાં રાજધાની) ઉપર રાજ કરતા હતા.
એક દિવસ દૂદોજીનાં પત્ની અને તેમના દિયર હમીરજી વાત કરી રહ્યાં હતાં, ત્યારે તેમની વચ્ચે સોમનાથ ઉપર ચઢાઈની ચર્ચા ચાલી. ત્યારે હમીરજીનાં ભાભીએ ટોણો મારતા કહ્યું, 'જો બીજું કોઈ ખરું ક્ષત્રિય નથી રહ્યું, તમે ગોહિલ છો. શૂરવીર છો, તમે કેમ ઘરમાં બેઠા છો?'
હમીરજીને આ વાતનું લાગી આવ્યું અને તરત જ પોતાના બસ્સો જેટલા મિત્રો સાથે સોમનાથની સખાતે નીકળી પડ્યા.
પ્રચલિત લોકવાયકા પ્રમાણે, રસ્તામાં હમીરજીએ એક વિધવા વૃદ્ધાને મરસિયા ગાતા સાંભળ્યાં. તેમનો જુવાનજોધ દીકરો થોડા દિવસ અગાઉ જ મૃત્યુ પામ્યો હતો.
કેસરિયા કરવા માટે નીકળેલા હમીરજીએ ઉંમરલાયક મહિલાને પોતાના મરસિયા ગાવા માટે વિનંતી કરી, પરંતુ હમીરજી કુંવારા રાજપૂત હોય, વૃદ્ધાએ તેમના મરસિયા ગાવાનો ઇનકાર કર્યો.
સાથે જ સલાહ આપી કે સોમનાથ જતા રસ્તામાં કોઈ યુવતી હા પાડે તો તેની સાથે લગ્ન કરી લેવું.
શંભુપ્રસાદ દેસાઈ તેમના પુસ્તકમાં લખે છે કે પ્રભાસ જતા રસ્તામાં સિહોર પાસે સરોડના ડુંગરમાં આ લોકોએ વેગડા ભીલને ત્યાં આશરો લીધો. હમીરજી સોમનાથની સખાતે નીકળ્યા છે એવી વાત સાંભળીને વેગડા ભીલે પણ તેમની સાથે જોડાવાનું નક્કી કર્યું.
જોકે, કુંવારા હમીરજી રણભૂમિમાં મૃત્યુ પામે તો તેમની સદ્ગતિ ન થાય, એવી માન્યતા સાથે વેગડા ભીલે પોતાની કન્યા તેમની સાથે પરણાવી.
ઝવેરચંદ મેઘાણી તેમની નવલકથા ''રા ગંગાજળિયો'ની પ્રસ્તાવનામાં ઐતિહાસિક પુસ્તકોને ટાંકતા લખે છે કે 'હમીરજી તેમની ભીલકન્યા સાથે એક રાત રહ્યા અને ઓધાન રહ્યું.'
ગૅઝેટિયરમાં ઉલ્લેખ પ્રમાણે, હમીરજી અહીં થોડા દિવસો માટે રહ્યા હતા. એ પછી હમીરજી તેમના સાથીઓ અને વેગડો ભીલ પોતાના માણસો સાથે સોમનાથની સખાતે ગયા હતા. ફાર્બ્સ તેમના પુસ્તક 'રાસમાળા'માં પણ આવો જ ઘટનાક્રમ ઉલ્લેખે છે.
એ પછી આક્રમણકારીઓ સામે લડતા-લડતા હમીરજી અને વેગડો ભીલ તથા તેમના સાથીઓ મૃત્યુ પામ્યા. ભીલકન્યાના કૂખે જન્મેલા વારસો ગોહિલોથી ઇત્તર અલગ વંશવેલા તરીકે વિસ્તર્યા.
ભાઈનાં મૃત્યુ પછી દૂદોજી પણ ગુજરાતને પડકારવાનું શરૂ કર્યું. આથી, તેમને કાબૂમાં કરવાનું કામ સુલતાને જૂનાગઢના 'રા માંડલિકને સોંપ્યું. એક જ ઝાટકે દૂદોજીની સેનાની હાર થઈ અને તેઓ લાઠીમાં સ્થાયી થયા અને ત્યાં જ તેમનો વિસ્તાર થયો.
આગળ જતા કલાપીએ પણ 'હમીરજી ગોહિલ'ના નામથી મહાકાવ્ય લખ્યું. આજે સોમનાથના જૂના મંદિરની પાસે હમીરજી તથા વેગડા ભીલની ખાંભીવાળી દેરીઓ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન