શંખપુષ્પીનાં ફૂલ : જેમાંથી ચા બને છે એ વાવીને ખેડૂતો કેવી રીતે કમાણી કરી રહ્યા છે

    • લેેખક, પ્રીતિ ગુપ્તા
    • પદ, ટેકનૉલૉજી રિપોર્ટર

"હજુ થોડાં વર્ષો પહેલાં સુધી મારા ગામમાં અપરાજિતા એક સાવ સામાન્ય વેલ ગણાતી હતી," દેશના ઉત્તર-પૂર્વીય રાજ્ય અસમના અન્થાઇગવલાઓ ગામનાં નીલમ બ્રહ્માએ વાતની પૂર્વભૂમિકા બાંધી.

ભારતમાં અપરાજિતા તરીકે ઓળખાતી અને અંગ્રેજીમાં "બટરફ્લાય પી" તરીકે ઓળખાતી વેલને નીલા રંગનાં આકર્ષક ફૂલો બેસતાં હોય છે.

લગભગ બે વર્ષ પહેલાં બ્રહ્માને જાણ થઈ કે, સ્થાનિક મહિલાઓ આ ફૂલો વેચીને નાણાં કમાઈ રહી હતી. ફૂલમાંથી ચા કે વાદળી રંગ બનાવી શકાય છે.

બ્રહ્માએ પણ તેમની સાથે જોડાવાનું નક્કી કર્યું.

તેઓ કહે છે, "પરિણામ જોઈને મને પણ આશ્ચર્ય થયું. સૂકાં ફૂલો વેચીને પ્રથમ વખત મેં 50 ડૉલર (37 પાઉન્ડ)ની કમાણી કરી, ત્યારે મને આંચકો લાગ્યો. તેનાથી મને વિશ્વાસ બેઠો કે, મારું ભવિષ્ય મારા હાથમાં છે."

આ પ્રયોગને પગલે એક નાના વ્યવસાયનાં મંડાણ થયાં.

તેઓ કહે છે, "મેં નાની રકમની લોન માટે અરજી કરી અને સોલાર ડ્રાયર્સમાં રોકાણ કર્યું. આ મશીનો ફૂલોને ઝડપથી સૂકવવામાં, તેમનો રંગ જાળવી રાખવામાં તથા ખરીદકર્તાઓની માગ અનુસાર ગુણવત્તાના માપદંડોને સંતોષવામાં મદદરૂપ થતાં હતાં."

આ વેલને હજુ સુશોભન માટે ગણવામાં આવે છે...

થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયા અપરાજિતાનાં ફૂલોના અગ્રણી ઉત્પાદકો તથા વપરાશકર્તા રહ્યા છે.

પરંતુ, ફૂલ માટેની વૈશ્વિક માગ સતત વધી રહી છે, જેણે ભારતના ઉદ્યોગ સાહસિકોને આકર્ષિત કર્યા છે.

કુદરતી રંગો અને એડિટિવ્ઝ (ખોરાકમાં ઉમેરવામાં આવતા પદાર્થો)ની નિકાસ કરતી ટીએચએસ ઇમ્પેક્સનાં સ્થાપક વર્ષિકા રેડ્ડી જણાવે છે, "કુદરતી રંગીન પદાર્થોની વૈશ્વિક માગમાં ભારે ઉછાળો નોંધાયો છે."

માગમાં આવેલા આ ઉછાળા પાછળ કુદરતી દ્રવ્યો માટે ગ્રાહકોની વધી રહેલી રુચિ તેમજ યુરોપ અને અમેરિકામાં સિન્થેટિક ખાદ્ય કલર પર લાગુ ચુસ્ત નિયંત્રણો કારણભૂત છે.

2021માં અમેરિકન ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ ખોરાકમાં ઉમેરવામાં આવતા પદાર્થ તરીકે અપરાજિતાના ફૂલને મંજૂરી આપી હતી.

જોકે, 2022માં યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી (ઈએફએસએ)એ ફૂલનો ઉપયોગ કરવા સામે સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

યુરોપિયન સંઘ તથા બ્રિટન, બંને અપરાજિતાના ફૂલને "નવતર" ખાદ્ય પદાર્થ તરીકે વર્ગીકૃત કરે છે. અર્થાત્, તેના વ્યાપક વપરાશ માટે હજુ મંજૂરીની જરૂર છે.

તેમ છતાં ભારતીય ઉદ્યોગસાહસિકોને તેમાં સંભવિતતા જણાઈ રહી છે અને તેઓ ભારતના બજારને વિકસાવવા માગે છે.

રેડ્ડી જણાવે છે, "આ પાકને હજુ વ્યાવસાયિક કોમોડિટી તરીકે નહીં, બલ્કે ઘરના વાડાના સુશોભન માટેની કે પછી ઔષધીય ગુણો ધરાવતી વેલ તરીકે જોવામાં આવે છે. આ બાબતે બજારમાં કોઈ સંગઠિત જાગૃતિ, સરકારી વર્ગીકરણ જોવા મળતું નથી કે ન તો ભાવની આદર્શ વ્યવસ્થા મોજૂદ છે. તેના કારણે ખેડૂતોના વળતરને લઈને અનિશ્ચિતતા પ્રવર્તે છે."

ઉત્પાદનના માપદંડો વધારવા માટે તેઓ ખેડૂતો સાથે કામ કરી રહ્યાં છે.

તેઓ કહે છે, "અમે ઉત્તર પ્રદેશમાં ખેડૂતોના સમર્પિત જૂથ સાથે કામ કરીએ છીએ, જેમાં મહિલા ખેડૂતો પણ સારી એવી સંખ્યામાં છે."

તેમણે કહ્યું હતું કે, "અમે ઔપચારિક કરારો કર્યા છે... અમે સિંચાઈ વ્યવસ્થાપન, પાક માટેની ચોક્કસ તકનીકો તેમજ ખેતીની શ્રેષ્ઠ પ્રણાલી પર માર્ગદર્શન આપવા સહિત કૃષિ સંબંધિત વ્યાપક સહાયતા પૂરી પાડીએ છીએ."

ભારતમાં તેના વેપારની અપાર સંભાવનાઓ

ભારતના અન્ય લોકોએ પણ આ વ્યાવસાયિક તકને પારખી લીધી છે.

દિલ્હીના બહાર વિસ્તારમાં રહેતા નિતેશ સિંહે જણાવ્યું હતું કે, "ફૂલને ગરમ પાણીમાં નાંખતાં પાણી વાદળી થઈ જાય છે અને જો તેમાં લીંબું નીચોવીએ, તો તેનો રંગ જાંબલી થઈ જાય છે. તે ચમત્કાર જેવું લાગે છે."

રેડ્ડીની માફક જ નિતેશ સિંહનું માનવું છે કે, આ ફૂલ માટે ભારતમાં ઘણી સંભવિતતાઓ રહેલી છે.

નિતેશ સિંહે ઉમેર્યું હતું કે, "આ વેલ હજ્જારો વર્ષોથી અહીં અસ્તિત્વ ધરાવે છે, પણ કોઈ નહોતું જાણતું કે, તે સ્વચ્છ અને તંદુરસ્ત ખાદ્ય પદાર્થ બની શકે છે."

આથી, 2018માં તેમણે અપરાજિતાનાં ફૂલો દ્વારા ભારતીય બ્રાન્ડ વિકસાવવાની આશા સાથે બ્લૂ ટીની સ્થાપના કરી. શરૂઆતમાં આ સાહસ એટલું સફળ ન રહ્યું.

"શરૂઆતમાં ભારતમાં સારી ગુણવત્તાનાં ફૂલ ન મળતાં હોવાથી અમારે ફૂલો આયાત કરવાં પડતાં હતાં. અહીંનાં ફૂલોમાં ઓછી પાંખડીઓ આવતી હતી અને તેને સૂર્યના તડકામાં સૂકવ્યા પછી તેમાં કશું બચતું નહોતું. અમને વધુ રંગદ્રવ્ય ધરાવતાં, વધુ પાંખડીઓ ધરાવતાં ફૂલો જોઈતાં હતાં, જેથી તેમને સૂકવ્યા બાદ પણ રંગ અકબંધ રહે."

છેલ્લાં સાત વર્ષોથી સિંહ ગુણવત્તા તથા જથ્થો વધારવા માટે ખેડૂતો સાથે કામ કરી રહ્યા છે.

તેમણે પાંચ ખેડૂતો સાથે મળીને શરૂઆત કરી હતી, જ્યારે અત્યારે તેઓ દેશના 600 ખેડૂતો સાથે કામ કરી રહ્યા છે.

તેમના મતે, "તાલીમ અને ગુણવત્તા નિયંત્રણ સૌથી મોટો પડકાર છે."

ફૂલો ચૂંટવાં એ આ પ્રક્રિયાનો ચાવીરૂપ ભાગ છે. આ કામ મુખ્યત્વે મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.

સિંહે જણાવ્યું હતું કે, "તેમના હાથ પ્રમાણમાં કોમળ હોય છે અને છોડને નુકસાન પહોંચાડ્યા વિના નાજુક ફૂલોને ચૂંટવાંની કળા તેમનામાં સ્વભાવગત રહેલી હોય છે. આથી, ચૂંટવા લાયક ફૂલની ઓળખ કેવી રીતે કરવી, તે માટે તેમને તાલીમ અપાય છે."

એક વાર લણણી થઈ ગયા બાદ ફૂલોને સૂકવવાં પડે છે, જે કામ પણ સાવધાનીપૂર્વક કરવાનું રહે છે.

આગળ તેઓ જણાવે છે, "આ ફૂલને સૂકવવા માટે તાપમાનનું નિયંત્રણ ખૂબ જરૂરી છે - બસ એક ભૂલથી સઘળી મહેનત પર પાણી ફરી વળે છે."

ફૂલો બ્લૂ ટી સુધી પહોંચે, તે પહેલાં ખેડૂતો થોડી સૂકવણી કરી દેતા હોય છે. બ્લૂ ટી ખાતે ફૂલોમાં ભેજની ચકાસણી થયા પછી વધુ સૂકવણીની પ્રક્રિયા કરવામાં આવે છે.

સિંહ આ વિશે માહિતી આપે છે, "અમે લાંબા સમય સુધી હળવા તાપમાનનો ઉપયોગ કરીએ છીએ. જો ગરમી આકરી હોય, તો ફૂલ બળી જાય છે અને તેમાં રહેલા ઔષધીય ગુણો અને રંગ નાશ પામે છે."

અપરાજિતાનાં ફૂલો આરોગ્ય માટે લાભકારી હોય છે?

આકર્ષક રંગ ઉપરાંત અપરાજિતાનાં ફૂલો આરોગ્ય માટે લાભકારી હોવાના પણ કેટલાક પુરાવા મળ્યા છે. જોકે, આ મામલે વધુ સંશોધન થવું જરૂરી છે.

ચેન્નઈ સ્થિત શ્રી રામચંદ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાયર ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચનાં ઍસોસિએટ પ્રોફેસર વી સુપ્રિયા જણાવે છે, "અમે સાહિત્યની સમીક્ષા કરી, ત્યારે માલૂમ પડ્યું કે, અપરાજિતાનાં ફૂલોમાં ઔષધીય ગુણો રહેલા હોવા છતાં તેના પર ભાગ્યે જ કોઈ અભ્યાસ થયો છે. મોટાભાગનાં ઉપલબ્ધ સંશોધનો ઉંદરો પર જ થયાં છે."

વી સુપ્રિયાએ પ્રિ-ડાયાબિટીક લોકો પર નાનો અભ્યાસ હાથ ધર્યો હતો. આ અભ્યાસમાં જે લોકોએ અપરાજિતાનાં ફૂલથી બનેલી ચાનું સેવન કર્યું, તેમના શરીરમાં બહેતર શુગર કન્ટ્રોલ જોવા મળ્યું હતું.

સુપ્રિયાએ કહ્યું હતું કે, "અપરાજિતાનાં ફૂલોની ઉપેક્ષા કરવામાં આવે છે, પણ હવે ખાસ કરીને માનવ પરીક્ષણોને કારણે પુરાવા પ્રાપ્ત થઈ રહ્યા છે. આથી, તેના સ્વાસ્થ્ય લાભો આ ફૂલને લોકપ્રિય બનાવે, એવી શક્યતા છે."

'આ પાકને લીધે મારું સર્વસ્વ બદલાઈ ગયું'

પુષ્પલ બિશ્વાસ પશ્ચિમ બંગાળમાં એક નાના ખેતરના માલિક છે. બ્લૂ ટીએ તેમને અપરાજિતા વિશે માહિતી પૂરી પાડી હતી.

તેઓ જણાવે છે, "હું મારા ખેતરમાં ડાંગર અને શાકભાજી ઉગાડતો હતો, પણ ઘણી વખત ઊપજ વેચાતી ન હોવાથી મારે ખોટ સહન કરવી પડતી હતી."

પણ, આ નવા પાકને કારણે છેલ્લાં સાત વર્ષોમાં બધું બદલાઈ ગયું છે.

તેમના મતે, "આ પાક ઉગાડવો ઘણો સરળ છે. વૈજ્ઞાનિક પદ્ધતિની મદદથી મારું ઉત્પાદન 50 કિલોગ્રામથી વધીને 80 કિલોગ્રામ થઈ ગયું. આ કમાણીમાંથી મેં વધુ જમીન ભાડાપેટે લીધી. મારી જમીનની ક્ષમતા વધી, મારું ઉત્પાદન વધ્યું અને ધીમે-ધીમે મારી આવક પણ વધી."

આ ફૂલે અમુક ભારતીય સમુદાયો પર નોંધપાત્ર અસર ઉપજાવી છે.

બિશ્વાસ કહે છે, "છેલ્લાં કેટલાંક વર્ષોમાં નજીકના ગામના ઘણા લોકો આ ફૂલની ખેતીમાં અમારી સાથે જોડાયા છે."

"હવે આ કેવળ ખેતી ન રહેતાં તેણે એક નેટવર્ક, એક સમુદાય, એક વ્યાવસાયિક પરિવારનું સ્વરૂપ ધારણ કરી લીધું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન