જૂનાગઢ : રાતે તોડફોડ કરાઈ, સવારે કાટમાળ લઈ જવાયો અને આમ પરવીન બાબીનું ઘર તોડી પડાયું

કેટલાક દિવસ પહેલાં ગુજરાતના જૂનાગઢમાં સ્થિત દિવંગત બોલીવૂડ ઍક્ટ્રેસ પરવીન બાબીનું પૈતૃક ઘર તોડી પાડવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.

પોતાના ભવ્ય ઇતિહાસ અને નવાબી સમયના વારસાને લીધે ઓળખાતા જૂનાગઢમાં આ ઘટના સામે આવતાં ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે.

આ સવાલો ઊભા થવાનું કારણ એ છે કે ગુજરાતમાં હાલ છાશવારે જોવા મળે છે એમ આ ડિમોલિશનની કામગીરી કોઈ સરકારી આદેશ કે તંત્ર દ્વારા ન કરાઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

જૂનાગઢમાં નવાબી કાળના જૂના મહેલ પાસે આવેલા દીવાનચોક વિસ્તારમાં પરવીન બાબીનું આ પૈતૃક ઘર આવેલું હતું. નોંધનીય છે કે આ સમગ્ર વિસ્તારમાં પરવીન બાબીના ઘરની માફક જ જૂની અને ઐતિહાસિક ઇમારતો આવેલી છે.

સ્થાનિકોનો દાવો છે કે આ ડિમોલિશનનું આ કામ 'સરકારી તંત્ર' દ્વારા કરાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ એ અંગે ચોકસાઈપૂર્વક કંઈ ખબર નહોતી. પરવીન બાબી ચૅરિટેબલ ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટીએ આ ડિમોલિશનને 'ગુંડા તત્ત્વોનું કામ' અને 'સરકારી તંત્રની બેદરકારી' ગણાવી કાયદાકીય પગલાંની માગ કરી છે.

તો સામેની બાજુએ જૂનાગઢના સરકારી તંત્રનું કહેવું છે કે, "આ મામલે હજુ સુધી તેમની પાસે કોઈ ફરિયાદ આવી નથી. સંપત્તિની વિગતો અને તેની સંબંધિત માહિતી કાઢવાનું કામ ચાલી રહ્યું છે."

બીબીસી ગુજરાતીએ સમગ્ર મામલે વધુ વિગતો મેળવવા માટે સ્થાનિકો અને પક્ષકારો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો.

કેવી રીતે થયું ડિમોલિશન?

પ્રાપ્ત થઈ રહેલી માહિતી મુજબ, પરવીન બાબીના ઘરનું ડિમોલિશનનું આ કામ મોટા ભાગે 'રાત્રે જ' હાથ ધરવામાં આવતું.

દીવાનચોકની પાછળની બાજુએ હરકિશન વેડિયાનો પરિવાર 60 વર્ષથી મિસ્ત્રીકામની દુકાન ચલાવે છે.

તેઓ કહે છે કે, "પ્રથમ દૃષ્ટિએ તો આ કામ સરકારી તંત્ર દ્વારા જ હાથ ધરાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. મોટા ભાગે રાતના સમયે જ જેસીબી ચલાવવામાં આવતું. લગભગ 15 દિવસ સુધી આ કામ ચાલતું રહ્યું હતું. રાત્રે તોડફોડ કરાતી અને સવારે કાટમાળ ભરીને લઈ જવાતો."

હરકિશનભાઈ આ સમગ્ર ડિમોલિશિનની કામગીરીને કારણે સ્થાનિકોને પરેશાની થઈ હોવાની વાત પણ કરે છે, "બંને બાજુએ પતરાં મારીને રસ્તા બંધ કરી દેવાયાં હતાં. જેથી સ્થાનિકોને હાલાકી પડી હતી. આ સિવાય આ કામ માટે લગભગ બે દિવસ સુધી વીજળી પણ કાપી નાખવામાં આવી હતી. જેના કારણે આસપાસના ધંધાદારીઓએ દુકાનો બંધ રાખવી પડી હતી."

"અમારે પોતે ત્રણ-ચાર દિવસ સુધી તોડફોડને કારણે દુકાન બંધ રાખવી પડી હતી." તેઓ કહે છે કે આ ડિમોલિશનની કામગીરી નવેમ્બર માસમાં હાથ ધરવામાં આવી હતી.

તેઓ કહે છે કે, "આ ઘરની કોઈ એટલી સારસંભાળ નહોતું રાખતું છતાં તેનું બાંધકામ ખૂબ મજબૂત જણાઈ રહ્યું હતું. તેની કમાન એટલી મજબૂત હતી કે જો આ ઘર તોડી ન પાડ્યું હોત તો એ કમાન હજુ કદાચ 200 વર્ષ સુધી ટકી રહી હોત."

સ્થાનિક પત્રકાર બિપિન પંડ્યાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "પરવીન બાબીનું આ પૈતૃક ઘર આશરે 100 વર્ષ જૂનું હતું. પરવીન બાબી ફિલ્મોમાં ખૂબ મોટાં ઍક્ટ્રેસ હતાં, અને એ પણ બાબી વંશના વારસદાર. તેથી આ ઘરમાં ઘણી ઍન્ટિક અને ઐતિહાસિક વસ્તુઓ પણ હતી. જે બધું આ તોડફોડ કરનારા લોકો ટ્રેક્ટરમાં ભરીને લઈ ગયા છે."

વધુ એક સ્થાનિક પત્રકારે જણાવ્યું કે, "પરવીન બાબી આ ઘર સહિત પોતાની સંપત્તિ તેમણે બનાવેલા એક ટ્રસ્ટને નામે કરી ગયાં છે, જે મામલે તેમના પરિવારજનોએ વાંધો ઉઠાવી કોર્ટ કેસ પણ કર્યો હતો. પરંતુ અહીં આ બંને પક્ષ વચ્ચે અહીં સ્થાનિક કેટલાંક એવાં તત્ત્વો છે, જે આ સંપત્તિ પચાવી પડવા માગતાં હતાં, અને તેમણે જ આ ડિમોલિશન હાથ ધર્યું હોવાની શંકા છે."

હવે આગળ શું?

મુંબઈમાં પરવીન બાબી ચૅરિટેબલ ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટ જિતેન્દ્ર જોશીએ પરવીન બાબીનું પૈતૃક ઘર તોડી પડાયાની ઘટના સામે રોષ પ્રગટ કરતાં કાયદાકીય પગલાં લેવાની વાત કહી હતી.

જિતેન્દ્ર જોશીએ કહ્યું કે, "પરવીન બાબીના વિલ મુજબ તેમની કુલ સંપત્તિના 70 ટકા એક ટ્રસ્ટનું નિર્માણ કરી તેના સંચાલનમાં લગાડવાની વાત કરાઈ હતી. જ્યારે બાકીની સંપત્તિમાંથી 20 ટકા તેમના મામા મુરાદ ખાન, પાંચ ટકા જૂનાગઢ ખાતેની તેમની કૉન્વેન્ટ સ્કૂલ અને અન્ય પાંચ ટકા અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજને આપવાની ઇચ્છા વ્યક્ત કરાઈ છે."

જિતેન્દ્ર જોશી પ્રમાણે તેમના વિલ સામે ઊભા થયેલા વાંધાઓને કારણે સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. જે બાદ મુંબઈ હાઇકોર્ટે વર્ષ 2016માં પરવીનના વિલ પ્રમાણે તેમની સંપત્તિનો ઉપયોગ કરવાનો હુકમ કર્યો હતો.

આ હુકમ બાદ 2018માં પરવીન બાબી ચૅરિટેબલ ટ્રસ્ટનું નિર્માણ કરાયું હતું.

તેઓ કહે છે કે, "પરવીનના વિલ પ્રમાણે જૂનાગઢનું ઘર, બૅન્કનાં બે લૉકર અને અન્ય સંપત્તિનાં નાણાંનો ઉપયોગ મહિલાઓના ઉત્થાન માટે કરવાનો હતો. પરંતુ અમારી વારંવાર કરાયેલી વિનંતીઓ છતાં જૂનાગઢના સરકારી તંત્રે અમને એ ઘરનો કબજો આપ્યો નહોતો."

"ઉપરાંત તેનાં બે લૉકર અંગે પણ અમને કોઈ જાણકારી નથી અપાતી."

જિતેન્દ્ર જોશીનો આરોપ છે કે જૂનાગઢમાં પરવીન બાબીનું પૈતૃક ઘર એ વિસ્તારના સ્થાનિક 'ગુંડા'એ ઘરમાં રહેલાં કિંમતી લાકડાં કાઢવા માટે પાડી દેવાયું છે.

તેમણે જૂનાગઢના સરકારી તંત્ર પર પણ 'બેદરકારી' દાખવ્યાનો આરોપ કર્યો છે.

તેમણે કહ્યું કે, "હાલની ઘટનાને જોતાં અમે જૂનાગઢના સરકારી તંત્રને ફરીથી પત્ર લખી રહ્યા છીએ અને આ ડિમોલિશન માટે જવાબદાર વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહીની માગ કરવાના છીએ."

"અમારી પાસે હાઇકોર્ટના ઑર્ડર છે, જો સરકારી તંત્રે બેદરકારી ન દાખવી હોત તો પરવીનના વિલ પ્રમાણે આ સંપત્તિનો ઉપયોગ થઈ શક્યો હોત."

"અમે આ મામલે કોર્ટની અવમાનના માટેની કાર્યવાહી પણ કરવાના છીએ."

જૂનાગઢના સબડિવિઝનલ મૅજિસ્ટ્રેટ ચરણસિંહ ગોહેલે આ સમગ્ર મામલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "હાલ આ ડિમોલિશન અંગે અમારા સુધી કોઈ ફરિયાદ નથી આવી."

"મને જૂનાગઢમાં આવેલી પરવીન બાબીની સંપત્તિ તોડી પડાયાની વાતની જાણ મીડિયાના મિત્રો મારફતે જ થઈ હતી. મને મળેલી મૌખિક સૂચના અનુસાર હાલ આ સંપત્તિના ટાઇટલની ચકાસણી ચાલી રહી છે. તેની વિગતો કાઢી તેની માલિકી અને અન્ય સંબંધિત માહિતી મેળવવામાં આવી રહી છે. સાંજ સુધી એ તપાસ પૂરી થઈ જશે."

"આ માહિતી મળે એ પછી જ જવાબદારો સામે કાર્યવાહી થઈ શકે અને એ બાદ જ સરકારી તંત્ર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવાની થતી હતી કે કેમ એ ખબર પડી શકે."

પરવીન બાબી : સફળતાની ઊંચાઈથી એકલતામાં મોત સુધી

તારીખ 4 એપ્રિલ, 1949ના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢના એક મધ્યમ વર્ગના મુસ્લિમ પરિવારમાં જન્મેલાં પરવીન બાબીએ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી.એ. કર્યું હતું. તેઓ મૉડલિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતાં હતાં.

70ના દાયકામાં પરવીન બાબી રૂપેરી પડદે એ પ્રકારનાં દૃશ્યો ભજવી રહ્યાં હતાં જે દૃશ્યો ભારતીય સમાજમાં મહિલાઓની પ્રસ્થાપિત રૂઢિગત છબિથી જુદાં પડતાં હતાં.

રૂપેરી પડદે પરવીન બાબી મોટા ભાગે એક આત્મવિશ્વાસુ મહિલાની ભૂમિકા ભજવતાં જોવા મળતાં હતાં.

લોકો આજે પણ પરવીન બાબી અને તેમણે ભજવેલી ભૂમિકાઓને યાદ કરે છે.

1976માં, પરવીન બાબીની સફળતાને સેલિબ્રેટ કરતાં એ વર્ષે પ્રતિષ્ઠિત મૅગેઝિન ટાઇમે તેમની તસવીર કવર પેજ પર છાપી હતી. આ સાથે જ તેઓ ટાઇમ મૅગેઝિનના કવર પેજ પર ચમકનારાં પ્રથમ બોલીવૂડ અભિનેત્રી બની ગયાં હતાં.

પરવીન બાબીની સફળતાનો અંદાજ તેમણે એશિયા નેટવર્ક ગોલ્ડને વર્ષ 1978માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહેલી વાત પરથી પણ આવે છે. આ ઇન્ટરવ્યૂના હોસ્ટ કહેતા સંભળાય છે કે, "પરવીન બાબી એક એવાં અભિનેત્રી છે, જેમને કોઈ રજા નથી."

પરવીન બાબી પોતાની વ્યસ્તતા અંગે ચહેરા પર સ્મિત સાથે વાત કરતાં કહે છે કે, "હાલની ઘડીએ મારી પાસે 55 ફિલ્મો સાઇન કરેલી છે. હું હાલ લગભગ 15 ફિલ્મોમાં કામ કરી રહી છું. થોડું ઝાઝું લાગે છે, હેને?"

તેમને તેમના અંગત જીવનમાં એટલી સફળતા ન મળી, જેટલી તેમને ફિલ્મી કારકિર્દીમાં મળી હતી.

કેટલાક પ્રેમસંબંધોમાં નિષ્ફળતા મળ્યા બાદ પરવીન બાબી માનસિક બીમારીથી પીડાવા લાગ્યાં હતાં.

પરવીન બાબીએ પણ બાદમાં સ્વીકાર્યું હતું કે તેઓ આનુવંશિક માનસિક બીમારીથી પીડિત છે.

આ દરમિયાન અચાનક જ તેમનું ફિલ્મોનું કામ બંધ થઈ ગયું. પોતાના ઇલાજ માટે તેઓ અમેરિકા પહોંચ્યાં, જ્યાં પણ તેમની આ બીમારીનો કોઈ ઇલાજ નહોતો.

મુંબઈ મિરરના એક અહેવાલ અનુસાર તેઓ 22 જાન્યુઆરી 2005ના રોજ પોતાના જુહુસ્થિત ફ્લૅટમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. તેઓ ચાર બેડરૂમ હૉલ કિચનના આ ફ્લૅટમાં એકલાં જ રહેતાં હતાં.

અહેવાલ મુજબ ડાયાબિટીસની સમસ્યાને કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું મનાઈ રહ્યું હતું.

અહેવાલ પ્રમાણે જૂનાગઢના નવાબે જૂનાગઢસ્થિત ધનબાઈ નામક હવેલી તેમના પિતા, વલી મોહમ્મદ ખાનને લીઝ પર આપી હતી. વિલમાં પરવીન બાબીએ આ હવેલીનો કબજો મેળવી અને તેને બાબી વંશના સભ્યો માટે એક હાઉસિંગ ફૅસિલિટીમાં તબદીલ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન