You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્ર : ગૌરી લંકેશ હત્યા કેસના આરોપી અને આક્રમક હિંદુત્વના સમર્થક શ્રીકાંત પંગારકરનો વિજય
- લેેખક, પ્રવીણ સિંધુ
- પદ, બીબીસી મરાઠી
પત્રકાર ગૌરી લંકેશ હત્યા કેસના આરોપી શ્રીકાંત પંગારકરે જાલના મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીત હાંસલ કરી છે.
ચૂંટણી પહેલાં શ્રીકાંત પંગારકરને શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના જાલના વિધાનસભા બેઠકના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જોકે, ટીકા બાદ તેમની નિમણૂક રદ કરી દેવાઈ હતી. પંગારકરને શિવસેનામાંથી પણ હાંકી કઢાયા હતા.
ઑગસ્ટ 2018માં ઍન્ટિ-ટેરરિઝ્મ સ્ક્વૉડ (એટીએસ)એ મુંબઈ નજીક નાલા સોપારા ખાતેથી વિસ્ફોટકોનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો, જેમાં ક્રૂડ બૉમ્બ અને દેશી બનાવટની બંદૂકો સામેલ હતી.
આ કેસની તપાસ દરમિયાન ડૉ. નરેન્દ્ર દાભોલકરના હત્યારાઓ અંગે માહિતી મળી હતી. આ જ કેસમાં, શિવસેનાના જાલનાના ભૂતપૂર્વ કૉર્પોરેટર શ્રીકાંત પંગારકરની પણ એટીએસે ધરપકડ કરી હતી.
પત્રકાર અને સામાજિક કાર્યકર ગૌરી લંકેશની હત્યાના આરોપી પંગારકરને થોડા દિવસો અગાઉ જ જામીન પર મુક્ત કરાયા હતા. ત્યાર બાદ તેમને પૂર્વ મંત્રી અને શિવસેના (શિંદે જૂથ)ના ઉપનેતા અર્જુન ખોટકરની હાજરીમાં જાલના વિધાનસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી હતી.
અર્જુન ખોટકરે તેમના સત્તાવાર ફેસબુક પેજ પર એક પોસ્ટ શૅર કરતાં લખ્યું, "શ્રીકાંત પંગારકર શિવસેના જાલના વિધાનસભા બેઠકના વડા તરીકે ચૂંટાયા છે."
પરંતુ ટીકા બાદ આ નિમણૂક રદ કરી દેવાઈ.
જનતાની અદાલતમાં મારા માટે ન્યાય - પંગારકર
શ્રીકાંત પંગારકર જાલના મ્યુનિસિપલ કૉર્પોરેશનના વૉર્ડ નંબર 13 (ડી)માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચૂંટણી જીત્યા બાદ, શ્રીકાંત પંગારકર તેમના કાર્યકરો સાથે ઉજવણી કરતા જોવા મળ્યા.
જીત બાદ મીડિયા સાથે વાત કરતાં પંગારકરે કહ્યું, "આ વિજય માટે મારા તમામ સાથીદારોએ ઘણી મહેનત કરી છે. મામલો હજુ પણ કાયદાની અદાલતમાં પેન્ડિંગ છે અને મને લોકોની અદાલતમાં ન્યાય મળ્યો છે. હું ફક્ત વૉર્ડની જરૂરિયાતો જ નહીં, પરંતુ યુવાનો માટે મારાથી શક્ય એટલું બધું કરવાનો પ્રયાસ કરીશ."
'રાજકીય ગુનાનું નૉર્મલાઇઝેશન'
પંગારકરની ઉમેદવારી અંગે વિવાદ ઊભો થયાો ત્યારે બીબીસીએ માનવાધિકાર કાર્યકર્તા અને વકીલ અસીમ સરોદે સાથે વાત કરી હતી.
તે સમયે અસીમ સરોદેએ કહ્યું, "થોડાં વર્ષો પહેલાં, ઓછામાં ઓછું રાજકારણમાં ગુનાહિત પ્રવૃત્તિઓની ચર્ચા થતી હતી. જોકે, હવે એ બધું એટલું સામાન્ય થઈ ગયું છે કે તેના અંગે જ ચર્ચા બંધ થઈ ગઈ છે."
"ઘણા ગુંડાઓએ ફક્ત ચૂંટણીલક્ષી યોગ્યતાના આધારે રાજકારણમાં સ્થિરતા પ્રાપ્ત કરી છે."
"સંકેત એવો હતો કે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને સીધી રાજકીય નિમણૂકો ન મળવી જોઈએ. જોકે, કેટલાક પક્ષોએ આ શરમ નેવે મૂકી દીધી છે. તેઓ વિચારે છે કે એક વાર આવા લોકો સત્તામાં આવશે, તો લોકો બધું સ્વીકારી લેશે."
"મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે ધ્યેય સુધી પહોંચવા માટેનાં માધ્યમો શુદ્ધ હોવાં જોઈએ. જોકે, હાલમાં 'ધ્યેય' અને 'માધ્યમ' વચ્ચે કોઈ સુમેળ નથી."
અર્જુન ખોટકરનો પંગારકરે મુદ્દે 'યુ-ટર્ન'
2018માં જ્યારે શ્રીકાંત પંગારકરની ધરપકડ કરાઈ ત્યારે અર્જુન ખોટકર મહારાષ્ટ્ર કૅબિનેટમાં રાજ્ય મંત્રી હતા અને પંગારકરની ધરપકડ વિશે વાત કરતી વખતે તેમણે કહ્યું હતું કે શ્રીકાંત પંગારકરનો હવે શિવસેના સાથે કોઈ સંબંધ નથી.
અર્જુન ખોટકરે કહ્યું હતું કે, "2011માં ઉમેદવારી નકારાયા બાદથી તેમનો પક્ષ સાથે કોઈ સંબંધ નહોતો રહ્યો. ચૂંટણીમાં લાખો લોકો કામ કરે છે. આવી સ્થિતિમાં આ વ્યક્તિ પક્ષ માટે કામ કરી રહી હતી એ વાતની કેવી રીતે ખબર પડે? એ બાદમાં કયા સંગઠન માટે કામ કરી રહી હતી એની મને ખબર નથી."
2018માં એબીપી માઝાને આપેલા એક જવાબમાં અર્જુન ખોટકરે કહ્યું હતું કે, "શ્રીકાંત પંગારકર શિવસેનામાં હતા ત્યાં સુધી આવી કોઈ મુશ્કેલીમાં નહોતા. શિવસેના છોડ્યા પછી ભગવાન જાણે પંગારકર ક્યાં અને કોની સાથે જોડાયા. જોકે, આગામી દસ વર્ષમાં તેમનું જીવન કેવું હશે તેની અમને ખબર નથી અને અમારા હવે તેની સાથે કોઈ લેવાદેવા નથી."
અર્જુન ખોટકરને બીબીસીએ જ્યારે (20 ઑક્ટોબર, 2024) વર્ષ 2018ના પંગારકર અંગેના તેમના વિરોધાભાસી નિવેદન અંગે પૂછ્યું તો તેમણે કહ્યું, "તે સમયે, મેં કહ્યું હતું કે શ્રીકાંત પંગારકર શિવસેનાના કૉર્પોરેટર નથી. જોકે, અમને પણ એ નથી ખબર હોતી કે મીડિયાને અમારા તરફથી શું પ્રતિક્રિયા મેળવે છે અને શું છાપે છે."
ગૌરી લંકેશની હત્યા સાથે ખરેખર પંગારકરનું શું કનેક્શન છે?
ઑગસ્ટ 2018માં, ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ)એ મુંબઈ નજીક નાલા સોપારા ખાતેથી વિસ્ફોટકોનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો, જેમાં ક્રૂડ બૉમ્બ અને દેશી બનાવટની બંદૂકો પણ સામેલ હતી.
આ કેસમાં શિવસેનાના જાલનાના ભૂતપૂર્વ કૉર્પોરેટર શ્રીકાંત પંગારકરની પણ એટીએસે ધરપકડ કરી હતી.
આરોપ છે કે રાજ્યમાં અનેક સ્થળોએ હુમલા કરવાનાં કાવતરાં માટે નાણાકીય સંશાધનો પૂરાં પાડવા માટે પાંગરકર જવાબદાર હતા.
પંગારકર 2001થી 2011 દરમિયાન બે વખત જાલના મ્યુનિસિપાલિટીના કૉર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. જોકે, પાછલાં કેટલાંક વર્ષોથી પંગારકર અને તેમનો પરિવાર ઔરંગાબાદ ખાતે રહે છે.
ઑગસ્ટ 2018માં બીબીસીએ નાલાસોપારા ખાતે એટીએસ ઑપરેશન અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. તે સમયે બીબીસીએ મહેશ બલ્ગે સાથે વાત કરી હતી. મહેશ બલ્ગે જાલનાસ્થિત અખબાર 'આનંદનગરી'માં પત્રકાર છે અને પંગારકરના વર્ષો જૂના મિત્ર છે.
મહેશ બુલ્ગેએ કહ્યું હતું કે, "પંગારકરના પિતા ભાજપમાં હતા. પરંતુ શ્રીકાંત શરૂઆતથી જ આક્રમક હિંદુત્વ સમર્થક હોવાથી શિવસેનામાં જોડાયા. બે વાર કૉર્પોરેટર બન્યા બાદ તેમની ટિકિટ કપાઈ ગઈ. બાદમાં તેમણે તેમનાં પત્નીને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યાં, પરંતુ તેઓ પણ હારી ગયાં."
અશોક પંગારકર શ્રીકાંત પાંગરકરના પિતરાઈ છે અને 2018થી જાલના મ્યુનિસિપાલિટીમાં ભાજપના કૉર્પોરેટર હતા. તેમના મતે, તેમના ભાઈ સામેના આરોપો ખોટા છે. તેમણે પૂછ્યું, "તેમની આર્થિક સ્થિતિ બહુ સારી નથી. તો આવા કામ માટે તેઓ નાણાકીય મદદ કેવી રીતે કરી શકે?"
અશોક પંગારકરે કહ્યું હતું કે તેમના ભાઈ હજુ પણ શિવસેનાના સંપર્કમાં છે.
"તેઓ શરૂઆતથી જ હિંદુ સંસ્કૃતિને બચાવવા માટે કામ કરતા હતા. તેઓ બળજબરીપૂર્વક જેમના આંતરધર્મીય લગ્ન કરાવાયાં હોય તેવી દીકરીઓને લાવવા માટે કાર્યક્રમો યોજી ચૂક્યા છે. તેઓ રક્તદાન શિબિરો પણ યોજતા હતા. તો તમે કેવી રીતે કહી શકો કે તેમણે રાજકારણથી પોતાની જાતને દૂર કરી લીધા છે? 2014માં તેમણે અર્જુન ખોટકરની ચૂંટણીમાં શિવસેના માટે કામ કર્યું હતું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન