You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આદુ ખાવાથી કળતરમાં લાભ થાય ખરો?
ગર્ભાવસ્થા, તણાવ, પેટમાં જીવડાંની બીમારી અને મુસાફરી દરમિયાન થતી ઊલટી જેવી તકલીફો આપણા પૈકીના ઘણા માટે સમસ્યાનું કારણ બનતી હોય છે.
સવાલ એ છે કે ખોરાકમાં સામાન્ય રીતે વપરાતી કેટલીક ચીજો તે સમસ્યાઓનું નિવારણ કરવામાં મદદરૂપ થઈ શકે? એ સામગ્રીના સ્વાસ્થ્ય વિષયક અન્ય લાભો પણ છે?
એવી એક સામગ્રી આદુ છે. તે ઊબકા સહિતની ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે, પરંતુ તે આપણા સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે? નિષ્ણાતો શું કહે છે?
આની પાછળનું વિજ્ઞાન સારી રીતે પ્રમાણિત છે. અસંખ્ય અભ્યાસોએ દર્શાવ્યું છે કે આદુના સેવનથી ઊબકાના ઘણાં લક્ષણોમાં ઘટાડો થાય છે.
યુનાઇટેડ કિંગ્ડમની રાષ્ટ્રીય આરોગ્ય સેવા પણ ઊબકાની સારવાર માટે આદુવાળી ચા પીવાની ભલામણ કરે છે, પરંતુ આદુ તેમાં કેવી રીતે ઉપયોગી થાય છે?
બ્રિટિશ ડાયેટિક ઍસોસિએશનનાં પ્રવક્તા અને આહારશાસ્ત્રી એના ડેનિયલ્સ સમજાવે છે, "તેનું કારણ આદુનો શક્તિશાળી ઍન્ટી-ઇન્ફ્લેમટરી ગુણ છે."
"તે પાચનતંત્રમાં બળતરા ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેનાથી અસ્વસ્થતામાં રાહત થાય છે અને પેટની ખરાબીમાં સુધારો થાય છે."
અનેક અભ્યાસમાં આદુની ગોળી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાથે-સાથે આદુનાં બિસ્કિટ, આદુના રસ અને આદુની ચાની અસરકારકતાનું પરીક્ષણ કરતા અભ્યાસો પણ થયા છે.
આ બધા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે આદુના સેવનથી ઊબકાનાં લક્ષણોમાં ઘટાડો થાય છે.
આદુ રોગપ્રતિકારક શક્તિને કેવી રીતે વધારે છે?
આદુ માત્ર ઊબકાની સારવારમાં જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય સંબંધી અન્ય સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે.
દાખલા તરીકે, તે બળતરાનું શમન કરે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવું કોઈ ચમત્કારિક ઉત્પાદન નથી.
નિષ્ણાતોના કહેવા મુજબ, તમારા શરીર માટે જરૂરી હોય તેવા બધા વિટામિન્સ અને મિનરલ્સ સામેલ હોય તેવો સ્વસ્થ અને સંતુલિત આહાર લેવો મહત્ત્વપૂર્ણ છે.
ડેનિયલ માને છે કે ચોક્કસ ખાદ્ય પદાર્થ મદદરૂપ થઈ શકે છે, કારણ કે તેમાં શક્તિશાળી ઍન્ટી-ઑક્સિડન્ટ્સ હોય છે અને આદુ એક એવો ખાદ્ય પદાર્થ છે.
તેઓ કહે છે, "આદુમાં જીંજરોલ નામના જૈવિક રીતે સક્રિય સંયોજનો હોય છે. તેમાં શક્તિશાળી ઍન્ટી-ઑક્સિડન્ટ ગુણધર્મો હોય છે."
"એક ચમચી કે લસણની એક કળી જેટલી ઓછી માત્રામાં આદુના સેવનથી પણ તમને અસંખ્ય ફાયદા થશે."
તેઓ ઉમેરે છે, "આદુમાં ઍન્ટી-ઑક્સિડન્ટ્સ અને જૈવિક રીતે સક્રિય સંયોજનો હોવાથી તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં અને ચેપનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે."
આદુના ઍન્ટી-ઑક્સિડન્ટ ગુણધર્મો પર પ્રકાશ પાડતા અભ્યાસ આ વાતની પુષ્ટિ કરે છે.
ઍટોઇમ્યુન રોગોથી પીડાતા લોકો માટે તે પ્રોત્સાહક છે. (ઑટોઇમ્યુન રોગોમાં રોગપ્રતિકારક શક્તિ શરીરનું રક્ષણ કરવાને બદલે સ્વસ્થ કોષો પર ભૂલથી હુમલો કરતી હોય છે)
કોલોરાડો યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસનું તારણ સૂચવે છે કે તે શરીરમાં ઇન્ફ્લેમેશન સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે.
લોકો આવાં લક્ષણોની સારવાર માટે પહેલાંથી જ આદુનું સેવન કરતા હોવાથી પ્રોફેસર ક્રિસ્ટન ડેમોરુએલે આ અભ્યાસ હાથ ધરવાનું નક્કી કર્યું હતું.
તેમણે કહ્યું હતું, "ઑટોઇમ્યુન બીમારીથી પીડાતા મારા ઘણા દર્દીઓ આદુના સપ્લિમેન્ટસ લે છે. શરીરમાં આદુની ઍન્ટી-ઇન્ફ્લેમેટરી અસરનું પરીક્ષણ કરતા બહુ ઓછા અભ્યાસ થયા છે."
"તેથી, ન્યુટ્રોફિલ્સ નામના ચોક્કસ પ્રકારના કોષ પરની આદુની અસરનો અભ્યાસ કરીને અમે તેની ઍન્ટી-ઇન્ફ્લેમેટરી અસરની તપાસ કરવા ઇચ્છતા હતા."
"રૂમેટૉઇડ આર્થરાઇટિસ, લ્યુપસ અને ઍન્ટીફોસ્ફોલિપિડ સિન્ડ્રોમ જેવા ઘણા ઑટોઇમ્યુન રોગોમાં ન્યુટ્રોફિલ કોશિકાઓ અતિસક્રિય થઈ જતી હોય છે."
તેમણે ઉમેર્યું હતું, "આદુ માનવ શરીરમાં વધારાના ન્યુટ્રોફિલ્સને નિયંત્રિત કરી શકે છે, એવું પ્રતિપાદિત કરતો પહેલો અભ્યાસ અમારો છે."
"આદુ નિયંત્રિત કરી શકે તેવા એક ચોક્કસ કોષની ઓળખ અમે કરી શક્યા. તેથી આદુની ઍન્ટી-ઇન્ફ્લેમેટરી અસરથી કયાં જૂથોને સૌથી વધારે ફાયદો થશે એ નિર્ધારિત કરવામાં અમારાં તારણો મદદરૂપ થશે."
આ હકીકત સૂચવે છે કે આદુનું સેવન કેટલાક ઑટોઇમ્યુન રોગોનાં લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે.
અલબત, ડેમોરેલ કહે છે, "અમારા અભ્યાસમાં આદુના સપ્લિમેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો."
"આદુવાળી ચા કે આદુનું સેવન કરવાથી એટલી જ અસર થશે એ જાણવું મુશ્કેલ છે, કારણ કે આદુના સપ્લિમેન્ટ્સની સરખામણીએ આદુના આ સેવનથી શરીરમાં તેની માત્રા સામાન્ય રીતે ઓછી હોય છે."
તેમના કહેવા મુજબ, "ભવિષ્યમાં ચા અને ખાદ્ય પદાર્થોમાં આદુની અસરોનું સેવન કરવું જરૂરી છે, કારણ કે તે મહત્ત્વપૂર્ણ છે."
"ઑટોઇમ્યુન રોગોથી પીડાતા ન હોય તેવા લોકોનો જ સમાવેશ અમારા અભ્યાસમાં કરવામાં આવ્યો હતો, એ પણ નોંધવું જરૂરી છે."
તેમણે ઉમેર્યું હતું, "ઑટોઇમ્યુન રોગો અને ખાસ કરીને રૂમેટૉઇડ આર્થરાઇટિસ, લ્યુપસ, વાસ્ક્યુલાટિસ અને ઍન્ટિફોસ્ફોલિપિડ સિન્ડ્રોમ જેવી બીમારીથી પીડાતા લોકોમાં પણ આવી જ અસર જોવા મળશે, તેવી અમારી અપેક્ષા છે, પરંતુ આ સંબંધે વધુ વિગતવાર અભ્યાસ હાથ ધરવાની જરૂર છે."
આદુ પીડા નિવારક તરીકે પણ કામ કરે છે?
ડેનિયલ્સ કહે છે, "આદુમાં પીડા નિવારક ગુણધર્મો પણ છે. તે સ્નાયુના દુખાવા અને જડતાને દૂર કરવામાં મદદ કરી શકે છે."
કસરતને લીધે સ્નાયુઓમાં થતા દુખાવા પર કેન્દ્રિત અભ્યાસોમાં આ વાતની પુષ્ટિ થઈ છે.
એક અન્ય અભ્યાસના તારણ મુજબ, આદુના ઍન્ટીઇન્ફ્લેમેટરી ગુણધર્મો તીવ્ર શારીરિક પ્રવૃત્તિ પછીના સ્નાયુના દુખાવાને ઘટાડી શકે છે.
શક્તિ પ્રશિક્ષણમાં સહભાગીઓમાં, કાચા કે બાફેલા આદુનું સેવન કરવાથી તેમના સ્નાયુના દુખાવામાં રાહત થાય છે કે નહીં તેની તપાસ બીજા અભ્યાસમાં કરવામાં આવી હતી.
બ્લડ પ્રેશર, કૅન્સર અથવા કફથી આદુ કેવી રીતે બચાવે છે?
ડેનિયલ્સ કહે છે, "આદુ કૉલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરે છે. તેમાં હૃદય-સહાયક ગુણધર્મો હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં અને હૃદય રોગનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે."
આ દાવાની ચકાસણી ઈટલીની યુનિવર્સિટી ઑફ કેટાનિયાના પ્રોફેસર બિયાગિયો ફાલિગોએ કરી હતી.
તેઓ કહે છે, "આદુ હજારો વર્ષોથી દક્ષિણ એશિયામાં રોજિંદા આહાર અને પરંપરાગત ચીની દવાઓમાં એક મહત્ત્વપૂર્ણ ભાગ બની રહ્યું છે."
"ખોરાકમાં સ્વાદ અને સુગંધ ઉમેરવા ઉપરાંત આદુનો ઉપયોગ અસ્થમા, તાવ, અપચો અને પેટની તકલીફ સહિતની અનેક બીમારીઓની સારવાર માટે પણ કરવામાં આવે છે."
ફેલિગોનું સંશોધન વ્યાપક હતું.
તેઓ આદુના જૈવિક રીતે સક્રિય ઘટકોની અને તે સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે લડવામાં ખરેખર મદદ કરે છે કે કેમ તેની તપાસ કરવા ઇચ્છતા હતા.
તેઓ જણાવે છે કે "આદુમાં જીંજરોલ નામનું સંયોજન હોય છે. તેમાં ઍન્ટી-ઇન્ફ્લેમેટરી, ઍન્ટી-બેક્ટેરિયલ અને કૅન્સર વિરોધી ગુણધર્મા હોય છે."
તેમાં જૈવિક રીતે સક્રિય એવું શોકોલ-6 નામનું એક અન્ય સંયોજન પણ હોય છે.
તેમાં ઇન્ફ્લેમેશન, અલ્સર વિરોધી, પ્રોસ્ટાગ્લાન્ડિન વિરોધી અને કૅન્સર વિરોધી સહિતના અનેક ઔષધીય ગુણધર્મોનો સમાવેશ થાય છે.
એ ઉપરાંત તે એક શક્તિશાળી કફનાશક પણ હોય છે. તે બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરે છે.
માનવો પરની તેની અસરના વધારે અભ્યાસોની જરૂર છે ત્યારે આદુ બધી સ્વાસ્થ્ય સમસ્યાઓનું નિવારણ કરી શકે છે, એવી ધારણા સામે ફેલિગો ચેતવણી આપે છે.
તેઓ કહે છે, "આદુની બે બાબતો વિશે મને ચોક્કસ માહિતી છે. પહેલું, ખાદ્ય ઉત્પાદનના લેબલ પર આદુનો ફોટો હોવાનો અર્થ એ નથી કે તેનાથી તમને લાભ થશે."
"બીજું, તમારી જીવનશૈલી બિનઆરોગ્યપ્રદ હોય તો તેનાથી થતા નુકસાનની ભરપાઈ આદુ કરી શકતું નથી."
આદુના તમામ ગુણનો સંપૂર્ણ લાભ કેવી રીતે લઈ શકાય?
ધ ગુડનેસ ઑફ જિંજર ઍન્ડ ટર્મેરિક નામની કુકબૂકનાં લેખિકા એમિલી જોન્સન કહે છે, "આદુને છોલવાની કોઈ જરૂર નથી. તમે તેની છાલને સારી રીતે સાફ કરી શકો અને પછી તેને ઇચ્છા મુજબ કાપી શકો અથવા છીણી શકો."
આદુને કેવી રીતે ખાવાથી વધુ ફાયદો થાય?
જો તમે આદુનો ઉપયોગ પહેલીવાર કરતા હો તો જોન્સનની સલાહ છે કે "તેનો સ્વાદ અને તીખાશ જોરદાર હોય છે. તેથી તેને તમારી રસોઈમાં ધીમે ધીમે ઉમેરવાનું શરૂ કરો."
"પહેલાં કોઈ પીણામાં આદુ ભેળવીને જોઈ જુઓ. એક ગ્લાસમાં છીણેલું થોડું આદુ, લીંબુનો રસ અને એક ચમચી મધ ઉમેરો. ઉપરથી ગરમ પાણી નાખો એટલે તમને એક સ્વાદિષ્ટ અને તાજગી આપતું પીણું મળશે."
એ પછી આદુને અન્ય વાનગીઓમાં નાખવાનું પણ શરૂ કરી શકો છો.
રસોઈ કરતી વખતે આદુના સંપૂર્ણ ઔષધીય ગુણોનો લાભ મેળવવા માટે તેને નાના ટુકડાઓમાં કાપવાની ભલામણ ડેનિયલ કરે છે.
તેઓ કહે છે, "આદુના ટુકડા કરવાથી કોષની અંદરની દીવાલ તૂટે છે અને તે શરીરને પોષક તત્ત્વો વધુ સરળતાથી શોષવામાં મદદ કરે છે. તેથી ચામાં છીણેલું, પીસેલું આદુ ઉમેરવું તે એક સારો વિચાર છે."
આહારમાં આદુનો સમાવેશ કરવાની કેટલીક અન્ય રીતો સૂચવતાં તેઓ કહે છે, "તમે ઑલિવ ઓઇલ સરકો, મધ અને થોડા સોયા સોસમાં છીણેલું આદુ ભેળવીને સેલડ ડ્રેસિંગ બનાવી શકો છો."
"શાકભાજી અને ઓછી ચરબીવાળા સીફૂડ, માછલી, ચિકન કે ટોફુ સાથેની વાનગીઓમાં પણ તમે ઝીણું સમારેલું અથવા છીણેલું આદુ ઉમેરી શકો છો."
કાળા મરી અને હળદરમાં અનુક્રમે પાઈપેરિન અને કર્ક્યુમિન નામના પ્રાકૃતિક સંયોજન હોય છે.
એ સંયોજન શરીરને આદુમાંના પોષક તત્ત્વોને વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે.
તેનાથી શરીરને આદુના વધુ લાભ થાય છે. આ ત્રણેયને ગરમ પાણીમાં ભેળવવાથી તમે આદુના અસરકારક ફાયદા મેળવી શકો છો.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)