અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ શરૂ, એ ચાર ગુજરાતી ખેલાડીઓ જેની ઉપર નજર રહેશે

પહેલાં અંડર-19 વર્લ્ડપ અને પછી આઈસીસી ટી20 મૅન્સ વર્લ્ડકપ. આમ આજથી લગભગ બે મહિના સુધી દેશમાં 'ક્રિકેટ ફિવર' છવાયેલો રહેશે.

ગુરુવારથી અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત થઈ છે, જેના માટે ભારતીય ક્રિકેટ ટીમને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

ભારતીય ટીમને 'ગ્રૂપ બી'માં મૂકવામાં આવી છે. જેમાં તેની સાથે યુએસએ, બાંગ્લાદેશ અને ન્યૂઝી લૅન્ડનો સમાવેશ થાય છે. ગુરુવારે ભારતની પહેલી મૅચ યુએસ સામે રમાશે.

ગુરુવારે ભારત અને યુએસ વચ્ચે પહેલી મૅચ ઝિમ્બાબવેના ક્વિન્સ સ્પૉર્ટ્સ ક્લબ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જેમાં ભારતે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી. ગુરુવારની મૅચ માટે બંને દેશની ટીમો આ મુજબ છે:

ટીમ ઇન્ડિયા: આયુષ મ્હાત્રે (કૅપ્ટન), વિહાન મલ્હોત્રા (ઉપ-કપ્તાન), વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડૂ, હરવંશ પંગલિયા, આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, હેનિલ પટેલ, દીપેશ દેવેન્દ્ર તથા ખિલન પટેલ.

ટીમ યુએસએ: અમરિન્દરસિંહ, સાહિલ ગર્ગ, અદ્બિબ ઝંબ, ઉત્કર્ષ શ્રીવાસ્તવ (કૅપ્ટન), નીતીશ રેડ્ડી, અર્જુન મહેશ, અદિત કપ્પા, સબ્રિશ પ્રસાદ, અમોઘ રેડ્ડી, ઋષભ રાજ અને રિત્વિક રેડ્ડી.

ઉલ્લેખનીય છે કે ઝિમ્બાબવે તથા નામિબિયામાં આ ટુર્નામેન્ટ સંયુક્ત રીતે યોજાઈ રહી છે. જેની ફાઇનલ મૅચ તા. બીજી ફેબ્રુઆરીના રમાશે.

એ પછી તરત જ સિનિયર ટીમનો ટી-20 વર્લ્ડ કપ શરૂ થશે, જે આઠમી માર્ચ સુધી ચાલશે.

ટીમ ઇન્ડિયામાં કોણ-કોણ?

ભારતીય ટીમનું નેતૃત્વ આયુષ મ્હાત્રે કરી રહ્યા છે, જ્યારે પંજાબના ઑલરાઉન્ડર વિહાન મલ્હોત્રા ઉપકપ્તાન છે.

ગત વર્ષે યોજાયેલી અંડર-19 એશિયા કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું હતું, જો કે, ફાઇનલમાં પાકિસ્તાનના હાથે પરાજય થયો હતો. એ પછી દક્ષિણ આફ્રિકા સામેની ટુર્નામેન્ટને કબજે કરીને નિરાશાને ખંખેરી હતી.

એ પછી ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડ સામે યોજાયેલી વૉર્મ-અપ મૅચોમાં ભારતે ભવ્ય વિજય મેળવ્યા હતા. જે ટીમ ઇન્ડિયાને ટુર્નામેન્ટમાં મદદ કરશે.

આઇસીસીના રેકૉર્ડ્સ પ્રમાણે, એશિયા કપમાં ઍરોન જ્યૉર્જે સૌથી વધુ 228 રન ફટકાર્યા હતા. જ્યારે ડી. દીપેશે નવ વિકેટો લીધી હતી અને ભારત તરફથી સૌથી વધુ વિકેટ મેળવનાર બૉલર બન્યા હતા.

અભિજ્ઞાન કુંડૂએ મલેશિયા સામેની મૅચમાં અણનમ 209 રન બનાવ્યા હતા. એટલે ટુર્નામેન્ટ દરમિયાન તેમના ઉપર નજર રહેશે.

બીજી બાજુ, આઇપીએલ, ઘરેલુ ક્રિકેટ તથા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આક્રમક બૅટિંગ કરીને વૈભવ સૂર્યવંશીએ પોતાની તરફ ધ્યાન ખેંચ્યું છે.

યુએસ સામેની પહેલી મૅચ બાદ ભારત બાંગ્લાદેશ (શનિવાર) અને ન્યૂઝીલૅન્ડ (તા. 24 જાન્યુઆરી) સાથે ટકરાશે.

ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા: આયુષ મ્હાત્રે (કૅપ્ટન), કનિષ્ક ચૌહાણ, દીપેશ દેવેન્દ્રન, વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા (ઉપકપ્તાન), ઍરોન જ્યૉર્જ, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડૂ (વિકેટ કીપર), હરવંશ સિંહ (વિકેટ કીપર), આર.એસ. અંબરીશ, ખિલન પટેલ, મોહમ્મદ એનામ, હેનિલ પટેલ, કિશન કુમાર સિંહ તથા ઉદ્ધવ મોહન.

ચાર ગુજરાતી ખેલાડી

હેનિલ પટેલનો જન્મ ગુજરાતના વલસાડ ખાતે થયો છે. ટીમમાં તેમને બૉલર તરીકે સ્થાન મળે છે.

હેનિલ જમણા હાથે બૅટિંગ તથા મીડિયમ ફાસ્ટ બૉલિંગ કરે છે. તેઓ સ્થાનિક ક્રિકેટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.

ઑક્ટોબર-2025માં હેનિલને અન્ય એક ગુજરાતી ખેલાડી ખિલન પટેલનો સાથ મળ્યો હતો અને ઑસ્ટ્રેલિયામાં તરખાટ મચાવ્યો હતો. વર્લ્ડકપ માટે ખિલન પણ ટીમમાં છે.

ખિલન મોડાસાના છે. તેઓ ડાબા હાથે બૉલિંગ તથા બૅટિંગ કરે છે.

ટીમના બીજા વિકેટકીપર તરીકે હરવંશ સિંહ પંગલિયાને સ્થાન મળ્યું છે, જે ડાબા હાથે બૅટિંગ કરે છે. હરવંશસિંહ મૂળ કચ્છના ગાંધીધામના છે અને ઘરેલુ ક્રિકેટમાં સૌરાષ્ટ્ર વતી રમે છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેમના પિતા દમનદીપસિંહ કૅનેડામાં ટ્રક ચલાવે છે. હરવંશસિંહ પાસે કૅનેડામાં સ્થાયી થવાની તક હતી, પરંતુ તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માંગતા હતા, એટલે તેઓ ભારતમાં રોકાયા હતા અને માત્ર પિતા જ કૅનેડા ગયા.

આ સિવાય વેદાંત ત્રિવેદી પણ ગુજરાતના છે, જેઓ અગ્રિમ હરોળના બૅટ્સમૅન છે. વેદાંત મૂળ અમદાવાદના છે અને ગુજરાત વતી રમે છે. વેદાંત જમણા હાથે બૅટિંગ કરે છે અને લૅગબ્રૅક ગૂગલી બૉલિંગ કરે છે.

U-19 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતનું પ્રદર્શન

હાલમાં અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપની આ 16મી આવૃત્તિ યોજાઈ રહી છે. વર્ષ 2024માં ઑસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને આ ખિતાબ ઉપર કબજો કર્યો હતો.

ભારતે પાંચ વખત આ ટ્રૉફી જીતી છે, જ્યારે ઑસ્ટ્રેલિયાએ ચાર વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે.

યુવરાજસિંહ, મોહમ્મદ કૈફ, અંબતિ રાયડુ, પાર્થિવ પટેલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ, જયદેવ ઉન્નડકટ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, શ્રેયસ અય્યર, ઋષભ પંત, વૉશિંગ્ટન સુંદર અને શુભમન ગિલ જેવા અનેક ખેલાડીઓએ અંડર-19માંથી સિનિયર ટીમમાં સ્થાન મેળવ્યું હતું.

પાકિસ્તાને આ ટ્રૉફી બે વખત જીતી છે. આ સિવાય દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડિઝ તથા ઇંગ્લૅન્ડે એક-એક વખત આ ટુર્નામેન્ટ જીતી છે.

અંડર-19 વર્લ્ડ કપનો કાર્યક્રમ

અંડર-19 વર્લ્ડકપમાં 16 ટીમ ભાગ લઈ રહી છે, જેને ચાર ગ્રૂપમાં વિભાજિત કરવામાં આવી છે.

ગ્રૂપ એ : ઑસ્ટ્રેલિયા, આયર્લૅન્ડ, જાપાન અને શ્રીલંકા ; ગ્રૂપ બી : બાંગ્લાદેશ, ભારત, ન્યૂઝીલૅન્ડ અને યુએસએ ; ગ્રૂપ સી: ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન, સ્કૉટલૅન્ડ અને ઝીમ્બાબવે; ગ્રૂપ ડી: અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, તંઝાનિયા અને વેસ્ટ ઇન્ડીઝ.

સુપર સિક્સ સ્ટેજ માટે દરેક ગ્રૂપમાંથી ત્રણ ટીમ આગળ વધશે. એ પછી પૉઇન્ટ, વિજય અને રનરેટ જેવા પરિમાણોના આધારે ટીમો આગળ વધશે.

ઝિમ્બાબવેમાં પાંચ સ્થળોએ 25 મૅચ યોજાશે, જેમાં સેમિફાઇનલ તથા ફાઇનલના મુકાબલાનો પણ સમાવેશ થાય છે. આ સિવાય નામિબિયામાં બે સ્ટેડિયમમાં 16 મૅચ રમાશે. તા. છઠ્ઠી ફેબ્રુઆરીના ટ્રૉફી કોને મળશે, તે વાત નક્કી થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન