'આજ સુધી કોઈ કાબૂ નથી કરી શક્યું', ભલભલાને હંફાવનાર છ ખતરનાક આખલાની કહાણી

    • લેેખક, આઈ. સિવા
    • પદ, બીબીસી તમિલ

પોંગલના તહેવાર પહેલાં જ તામિલનાડુમાં જલ્લીકટ્ટુની સ્પર્ધા શરૂ થઈ ચૂકી છે.

મેદાનમાં આખલા અને ખેલાડીઓ વચ્ચે 'કોણ કેટલો બળિયો'ની આ સ્પર્ધા જલ્લીકટ્ટુ તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તેમાં ખેલાડીઓ મોટા મેદાનમાં આખલાને કાબૂમાં કરવાની કોશિશ કરે છે.

આખલા સાથે અખાડામાં કુસ્તી ખેલનાર ખેલાડીઓ સાથે બીબીસીએ વાત કરી તો આ વખતે સ્પર્ધામાં ભાગ લેનારા આખલાઓ વિશે રસપ્રદ માહિતી મળી આવી. આવા છ આખલાઓની રસપ્રદ બાબતો વિશે જાણીએ.

ગોલી

આ આખલાને કાબૂમાં લેનાર માટે એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં તેને આજ સુધી કોઈ કાબૂમાં કરી શક્યું નથી. તે 40 વાર મેદાનમાં ઊતરી ચૂક્યો છે.

તેમના માલિકો અનુસાર, આ આખલો મેદાનમાં આવે ત્યારે થોડી જ વારમાં મેદાન ખાલી થઈ જાય છે અને અફરાતફરી મચી જાય છે.

સૌમી

સૌમી નામનો આ સાંઢ જલ્લીકટ્ટુ અખાડાનો 'સ્ટાર બુલ' કહેવાય છે.

તેને નજરે જોનારાઓ કહે છે કે જ્યારે આ આખલો બહાર આવે છે તો લોકો સુરક્ષા માટે ફૅન્સિંગ પર ચઢી જાય છે. કોઈ નીચે ઊતરી શકતું નથી. ઘણા લોકોએ તેને કાબૂમાં કરવાની કોશિશ કરી છે, પણ કોઈ સફળ નથી થયું.

એક વાર છૂટો મુકાય તો આ આખલો ગમે એ બાજુએ કૂદે છે.

બિલ્લા

બિલ્લા નામનો આ આખલો તેની શારીરિક મુદ્રા માટે જાણીતો છે. તે હંમેશાં બહાર આવે છે, એક ચક્કર લગાવે છે અને પછી અંદર ચાલ્યો જાય છે. આવે છે ત્યારે ઘોડાની જેમ પગ ચલાવે છે.

તે 150 વાર મેદાનમાં ઊતરી ચૂક્યો છે, અને માત્ર એક વાર તેને કાબૂ કરવામાં સફળતા મળી છે.

અંદિશામી મંદિર

આ આખલાને જેવું કોઈ પકડવા જાય, તો એ તેને હવામાં ઉછાળી દે છે. એક બૅટ્સમૅન જેમ બૉલને ટાર્ગેટ કરે તેવી રીતે તે દરેક સામે આવનારી વ્યક્તિને હવામાં ઉછાળી દે છે.

તેને જોનારા લોકોનું કહેવું છે કે સામાન્ય રીતે આખલા ધક્કો મારે, લાત મારે છે, પરંતુ આ આખલો તો હવામાં જ ઉછાળી દે છે.

છેલ્લાં નવ વર્ષથી આ આખલો સ્પર્ધાઓમાં ભાગ લે છે. તેને એક જ વાર કાબૂમાં કરી શકાયો છે.

કેદી 2

આ આખલો એટલો ભયાનક છે કે કોઈને મેદાનમાં જ આવવા દેતો નથી. તેના માલિકોનું કહેવું છે કે જો કોઈ અંદર આવે તો આ આખલો તેને કચડી જ નાખે છે.

મેદાનમાં જો કોઈ ખેલાડી તેને અડકવાનો પ્રયત્ન કરે તો તે ગુસ્સે થઈ જાય છે. પરંતુ મેદાનની બહાર તે હંમેશાં શાંત જોવા મળે છે.

બાવી

આ આખલાના માલિકનું કહેવું છે કે જ્યારે મેદાનમાં કોઈ રોમાંચ નથી હોતો ત્યારે આ આખલો આવે તો જાણે કે માહોલ જ બદલી નાખે છે. તેનાં શિંગડાં અને શરીર અતિશય સુંદર છે.

તામિલનાડુમાં જલ્લીકટ્ટુ દરમિયાન અનેક સાંઢ એવા હોય છે જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે. ખરેખર, દરેક સાંઢ પોતાનમાં વિશેષ છે, તેની આગવી વિશેષતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન