You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગીર : તુવેરના ખેતરમાં બેઠેલી સિંહણને 30-35 લોકોએ ઘેરી લીધી, ઇન્જેક્શન છોડતી વખતે બે મિનિટમાં એવું શું થયું કે ટ્રૅકરને લાગ્યું?
જૂનાગઢ જિલ્લાના વીસાવદર તાલુકાના નાની મોણપરી ગામે ચાર વર્ષના બાળકને ફાડી ખાનાર સિંહણને પાંજરે પૂરવા ગયેલી વનવિભાગની ટીમને તેમના સહકર્મી ગુમાવવાનો વારો આવ્યો છે.
વનવિભાગના એક કર્મચારીએ સિંહણ પર બેભાન કરવાનું ઇન્જેક્શન છોડ્યું હતું, પરંતુ તે એક કર્મચારીને વાગતા તેનું મૃત્યુ થયું.
આ કરુણાંતિકા કેમ સર્જાઈ અને ત્યાર બાદ પોલીસ અને વનવિભાગ તેની કેવી રીતે તપાસ કરે છે તેની બીબીસી ગુજરાતીએ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો.
અમે તે પણ સમજવાનો પ્રયાસ કર્યો કે આખરે આ દુર્ઘટના કેવી રીતે ઘટી?
તેમણે શું કહ્યું તે સમજીએ એ પહેલાં ટૂંકમાં સમજીએ કે આ દુર્ઘટના કઈ રીતે ઘટી?
વિગતો એવી છે કે, મોણપરી ગામે ચાર દિવસ અગાઉ બેવડી કરુણાંતિકા સર્જાઈ હતી. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જીવ અભયારણ્યની સરહદ પાસે આવેલા નાની મોણપરી ગામના ખેડૂત પરસોત્તમ વઘાસિયાની વાડીમાં ખેતમજૂરી કરતા શૈલેશ પારઘીના ચાર વર્ષના દીકરા શિવમ પર 4 જાન્યુઆરી, 2026ના રોજ એક સિંહણે હુમલો કર્યો હતો.
સિંહણ શિવમને વાડીમાં ઊભા તુવેરના પાકમાં ઘસડી ગઈ હતી. ઘટનાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેણે શિવમને સિંહણની પકડમાંથી છોડાવ્યો તો ખરો, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું અને બાળકનું મૃત્યુ થયું હતું.
ગામના લોકોને અને વનવિભાગના અધિકારીઓને ભય હતો કે જે સિંહણે શિવમ પર હુમલો કર્યો તે છંછેડાઈ છે અને તેથી તેને પાંજરે પૂરવી જરૂરી છે, નહીંતર તે અન્ય ગ્રામવાસીઓ પર પણ હુમલો કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વનવિભાગને ખાતરી થઈ કે હુમલો કરનારી સિંહણ તુવેરના ખેતરમાં જ છે. તેથી તેને પાંજરે પૂરવા વીસાવદર રેન્જના કર્મચારીઓને મદદ માટે સાસણ વન્ય-પ્રાણી વિભાગની વાઇલ્ડ લાઇફ રૅસ્ક્યૂ ટીમને બોલાવી.
સિંહણને ઘેનનું ઇન્જેક્શન આપીને બેભાન કર્યા બાદ તેને પાંજરે પૂરવાનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ સાસણની ટીમના વેટરનિટી ડૉક્ટરે બંદૂકની મદદથી સિંહણ તરફ છોડવામાં આવેલું ઇન્જેક્શન વીસાવદર રેન્જના ટ્રૅકર અશરફ ચૌહાણના હાથમાં લાગી ગયું. ઇન્જેક્શન લાગતા જ અશરફ થોડી મિનિટોમાં બેભાન થઈ ગયા અને પછી મૃત્યુ પામ્યા.
બે નદીની વચ્ચે આવેલી વાડીમાં શું થયું હતું?
આ દુર્ઘટના વિશે માહિતી આપતા નાની મોણપરી ગામનાં સરપંચ રંજનબહેન મકવાણાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "આ બનાવ મારા ગામના ખેડૂત પરસોત્તમભાઈ વઘાસિયાની વાડીમાં બન્યો."
રંજનબહેન મકવાણાના પતિ રવજીભાઈ મકવાણાએ કહ્યું કે પરસોત્તમભાઈની વાડી શેરસિયો અને માધિયો નદી વચ્ચે આવેલી છે. આ વિસ્તારની વધારે માહિતી આપતા તેમણે કહ્યું કે "ત્યાં નદીના કાંઠે ઝાડી-ઝાંખરાં હોવાથી વન્ય પ્રાણીઓની અવરજવર રહે છે અને રવિવારે સવારે સાડા નવથી દસ વાગ્યાના ગાળામાં શિવમના પપ્પા તુવેરમાં દવા છાંટતા હતા અને છોકરાં કુંડીએ રમતાં હતાં."
બીબીસી સાથે વાત કરતા રવજીભાઈએ વધુમાં કહ્યું, "ત્યારે અચાનક બે જનાવર (સિંહ) ત્યાંથી નીકળ્યા અને એક છોકરાને બટકું ભરી લીધું. અમને ઘટનાની જાણ થઈ એટલે અમે ત્યાં દોડી ગયા. જંગલ ખાતાનો સ્ટાફ પણ તરત પહોંચી ગયો. અમને કહેવાયું કે તુવેરની અંદર બે જનાવર બેઠા છે. છતાં જીવના જોખમે જંગલ ખાતાના પાંચ-છ માણસો તુવેરની અંદર ગયા અને અડધી કલાકની અંદર છોકરાને પાછો લઈ આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં છોકરાના શ્વાસ બંધ થઈ ગયા હતા."
હવે સિંહણને પાંજરે પૂરવી જરૂરી હતી. તેથી તેને પકડવા માટે વનવિભાગના વધુ સ્ટાફને બોલાવાયો.
સિંહણને પકડવા માટે વનવિભાગના કર્મચારીઓએ શું કર્યું?
વનવિભાગની રૅસ્ક્યૂ ટીમે સિંહણને પકડવા માટે બે ટ્રૅપ કેજ (વન્ય પ્રાણીઓ અંદર પ્રવેશે એટલે તરત જ આપોઆપ બંધ થઈ જતાં પાંજરાં) અને મારણ મૂક્યાં, પરંતુ સિંહણ મારણ ખાવા માટે એક પણ પાંજરામાં ન આવી.
હવે, વનવિભાગે સિંહણને ઘેનનું ઇન્જેક્શન આપીને, તેને બેભાન કરીને પાંજરે પૂરવાનો નિર્ણય કર્યો.
આ આખા ઑપરેશનની વિગતો જાણતા એક વનવિભાગના કર્મચારીએ નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "આ ઑપરેશન વધારે જોખમી એટલે બની ગયું કે તુવેરના છોડ વચ્ચે સિંહણ દેખાતી નહોતી. છતાં 30-35 કર્મચારીઓ સિંહણને શોધવા માટે ખેતરમાં ગયા."
આ કર્મચારીએ વધુમાં જણાવ્યું, "તુવેરના છોડવા આઠેક ફૂટ ઊંચા હતા. નીચે જોવા જઈએ તો પણ માંડ દેખાતું હતું. છતાં તેના પર નજર તો રાખવી જ પડે, નહીંતર ડૉક્ટરને કેવી રીતે ખબર પડે કે સિંહણ ક્યાં છે? લોકેશન પર નજર તો રાખવી જ પડે, કારણ કે તેના વગર ડૉક્ટર શું કરે? કોઈ સૂતા-સૂતા જોતા હતા. કોઈ બેઠા-બેઠા નજર રાખતા હતા. કોઈક વળી ઊભા-ઊભા સિંહણને શોધવાના પ્રયાસમાં હતા. આ બધા માટે અમે ટુકડીઓ પાડી હતી. આ પૈકીની એક ટુકડીમાં અન્ય ચાર-પાંચ જણા સાથે અશરફભાઈ પણ હતા."
આ કર્મચારીએ ઉમેર્યું કે "આ પ્રયાસોમાં બધાએ મળીને તુવેરના ખેતરમાં જ્યાં સિહણ બેઠી હતી તેને ઘેરી લીધી. તેમણે લોકેશન ટ્રૅક કરીને વેટરનિટી ડૉક્ટરને માહિતી આપી જેથી તેઓ તેને ઘેનનું ઇન્જેક્શન મારી શકે."
સિંહણ પર ઇન્જેક્શન છોડતાં પહેલાં ડૉક્ટરે ચેતવણી આપી હતી?
આ ઘટનાના સાક્ષી એવા એક વન્યકર્મીએ ઘટનાક્રમ વર્ણવતા બીબીસીને જણાવ્યું કે સિંહણની નજરથી બચવા માટે વન્યકર્મીઓ તથા ટ્રૅકર તુવેરના ખેતરમાં શરીર ઘસડીને ચાલતા હતા અથવા તો વાંકા વળીને ચાલતા હતા. તો કેટલાક બેઠા હતા. જેવી સિંહણ દેખાઈ કે તરત જ પશુ ડૉક્ટરે ડાર્ટ તરીકે ઓળખાતી સીરિંજમાં ઘેનની દવા ભરી.
તેમણે કહ્યું, "ડાર્ટને એક બંદૂકમાં મૂકીને ડૉક્ટર વાંકા વાંકા ચાલીને સિંહણની નજીક ગયા. દરમિયાન સિંહણ બેસી ગઈ હોવાથી આસપાસના તુવેરના છોડની ડાળખીઓ નમી ગઈ હતી. તેથી ડૉક્ટરને સિંહણ સ્પષ્ટ જોવામાં તકલીફ પડતી હતી."
નજરે જોનાર સાક્ષીએ કહ્યું કે સાંજના સાડા પાંચથી છ વાગ્યાનો સમય હતો અને શિયાળાનો દિવસ હોવાથી અંધારું થઈ રહ્યું હતું.
ઘટનાના સાક્ષીએ કહ્યું, "ડૉક્ટરસાહેબે ટ્રાન્ક્વિલાર (ડાર્ટ ફાયર) કર્યું તો સિંહણ છટકી ગઈ. સિંહણ ઊભી થઈ ગઈ અને હલી ગઈ. ડાર્ટ છટકી અને અશરફભાઈને કોણી ઉપર લાગી ગઈ. તેણે રાડ પાડી કે મને લાગ્યું છે. અમે બધા તેની તરફ દોડ્યા તો જોયું તો ડાર્ટ તેમની કોણી ઉપર ચોટેલી હતી. બસ એટલું જ અમે જોયું. ડાર્ટ કોઈએ ખેંચી કે નહીં તેની મને ખબર ન રહી, કારણ કે પછી તો સારવાર માટે તેને સીધા દવાખાને લઈ ગયા."
વનકર્મીએ કહ્યું કે અશરફભાઈ સિંહણથી અંદાજે 100 ફૂટ દૂર હતા અને ડાર્ટ છોડતાં પહેલાં ડૉક્ટરે ચેતવણી પણ આપી હતી, પરંતુ તુવેરના પાકમાં વધારે દૂર સુધી જોઈ શકાતું નહોતું.
તેમણે આ વિશે કહ્યું, , "સિંહણનું વજન હોય એટલે ડાળો ઢળી જાય. એટલે ખાલી સિંહણ જ દેખાતી ડૉક્ટરસાહેબને. સામેના વ્યક્તિઓને વૉર્નિંગ પણ આપી હતી ડૉક્ટરસાહેબે કે ભાઈ, દૂર ખસી જજો. તેમ છતાં બનવા કાળે બની ગયું."
ખેડૂતમાંથી ટ્રૅકર બન્યા હતા અશરફભાઈ, પત્ની ગર્ભવતી
30 વર્ષીય અશરફભાઈ વીસાવદર તાલુકાના રાજપરા ગામન વતની છે.
ચાર ભાઈબહેનોમાં તેઓ ઉંમરમાં બીજા સૌથી મોટા હતા. તેમના પિતાજી અલીભાઈ રાજપરા ગામે ખેતી કરે છે.
અશરફભાઈના ફુવા અને સસરા હારુનભાઈ ચૌહાણનું કહેવું હતું કે "દસ ધોરણ સુધી ભણેલા અશરફભાઈ પહેલાં ખેતી જ કરતા હતા, પરંતુ દોઢેક વર્ષથી તેઓ ટ્રૅકરની ભરતીમાં પસંદગી પામ્યા હતા."
બીબીસી સાથે વાત કરતાં અલીભાઈના પિતરાઈ જાવિદભાઈ ચૌહાણે કહ્યું, "અમારો આખો વિસ્તાર જ વાઇલ્ડલાઇફ સાથે સંકળાયેલો છે. અશરફભાઈની જમીન પણ અભયારણ્યની નજીક છે અને તેથી વાઇલ્ડલાઇફમાં તેને રુચિ હતી. અશરફના દાદા અલ્લારખાભાઈ વનવિભાગમાં નોકરી કરતા હતા. અશરફના મોટા બાપા રસૂલભાઈ પણ વનવિભાગમાંથી નિવૃત્ત થયા છે. મારા મોટા ભાઈ ફિરોઝભાઈ પણ વીસ વર્ષથી વનવિભાગમાં ટ્રૅકર તરીકે નોકરી કરે છે."
અશરફભાઈ વીસાવદર રેન્જમાં વાઇલ્ડલાઇફ ટ્રૅકર તરીકે કૉન્ટ્રાક્ટ પર નોકરીમાં જોડાયા હતા. ટ્રૅકરનું કામ ખાસ કરીને સિંહોના વિચરણ પર નજર રાખવાનું, સિંહોનું દૂરથી અવલોકન કરીને તેમનું સ્વાસ્થ્ય કેવું છે તે જોવાનું, જો સિંહો કૂવામાં પડી જાય કે અન્ય કોઈ રીતે ફસાઈ જાય કે બીમાર પડી જાય તો તેમને બચાવવાની કામગીરીમાં સહયોગ આપવાનું, તેમજ જો સિંહોનું માનવીઓ સાથે ઘર્ષણ થાય તો તેનું નિવારણ કરવાનું અને સિંહોને પાંજરે પૂરવામાં સહાય કરવાનું હોય છે.
હારુનભાઈએ કહ્યું કે અશરફભાઈને એક ત્રણ વર્ષની દીકરી છે અને પત્ની હાલ ગર્ભવતી છે.
ટ્રૅકરના મૃત્યુ બાદ 'અકસ્માતે મોત'નો ગુનો કેમ નોંધાયો?
ડાર્ટ વાગી જતા અશરફભાઈને તાબડતોબ વીસાવદરની એક હૉસ્પિટલે લઈ જવાયા અને ત્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધારે સારવાર માટે જૂનાગઢની સિવિલ હૉસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સોમવારે વહેલી સવારે તેમનું જૂનાગઢ સિવિલ હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
તેમના મૃત્યુ બાદ તેમના પિતા અલીભાઈએ આપેલી માહિતીના આધારે વીસાવદર પોલીસ સ્ટેશન ખાતે એક ઍક્સિડેન્ટલ ડેથ (એડી) એટલે કે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે ખૂન કરવાના ઇરાદે નહીં, પરંતુ કોઈ વ્યક્તિની ભૂલથી અન્ય કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેવા સંજોગોમાં તેવી વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 હેઠળ બેદરકારીથી મૃત્યુ નીપજાવવાનો ગુનો નોંધાઈ શકે છે અને દોષિત ઠર્યે પાંચ વર્ષની કેદની સજા થઈ શકે છે, પરંતુ નાની મોણપરીની ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.
જાવિદભાઈ પોતે ગુજરાત પોલીસમાં એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર તરીકે સેવા આપે છે. તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે પરિવારને આ ઘટનામાં કશું શંકાસ્પદ લાગતું નથી.
તેમણે કહ્યું, "વાડીમાં તુવેર વાવેલી હતી અને બહુ ઘટાટોપ હતી. સ્ટાફ સિંહણને શોધતો હતો. તે દેખાઈ એટલે તેને રૅસ્ક્યૂ કરવા ડૉક્ટરે ડાર્ટ મારી. તેની પાછળ જ બીજો સ્ટાફ હતો જેમાં મારો ભત્રીજો અશરફ હતો, અન્ય વનકર્મીઓ પણ હતા. મારા ભત્રીજા અશરફને ડાર્ટ લાગી ત્યારે તે સૌથી આગળ હતો, એટલે કે સિંહણની પાછળ હતો. સિંહણને ડાર્ટ મારવાની પ્રક્રિયા થઈ એ દરમિયાન સિંહણ ખસી ગઈ અને અશરફને લાગી. આ ઘટના અમને સ્ટાફ મારફતે જાણવા મળી. અમે આજુબાજુના જે પટેલોની વાડી હતી તે વાડીવાળાની પણ અમારી રીતે પૂછપરછ કરી છે અને તેમાં કંઈ અજુગતું બન્યું હોય તેવી કુશંકા અમને લાગતી નથી."
હારુનભાઈએ પણ કહ્યું કે તેમને પણ કોઈ ફરિયાદ નથી. તેમણે કહ્યું, "જે તે વખતે રેસ્ક્યૂ કરતા ત્યારે તમામ કર્મચારીઓ સાથે જ હતા. સૌને ચેતવણી આપી જ હોય. તેમાં કચાશ ન જ રાખી હોય તે લોકોએ. તેમના અધિકારીઓ કહે છે કે આ બધું જે રીતે બન્યું છે તો અમારે સ્વીકારવું પડે. કોઈ પણ આવી અણઘટતી વસ્તુ બને છે તો કોઈ જાણી-જોઈને વસ્તુ બનતી નથી. જે કંઈ થયું છે તે અમારા નસીબે થયું છે. એમાં કોઈ દુઃખરૂપી થાય તેવું અમે કોઈ પણ ભાષણ કે પ્રવૃત્તિ કરવા માગતા નથી."
બેદરકારીથી મોત નીપજાવવાનો ગુનો કેમ ન નોંધાયો તેવા બીબીસી ગુજરાતીએ પૂછેલા સવાલના જવાબમાં વીસાવદરના પોલીસ ઇન્સ્પેક્ટર એચવી પટેલે કહ્યું કે આ ઘટનામાં કશું અજુગતું બન્યાની ફરિયાદ અશરફભાઈના પરિવાર તરફથી મળી નથી અને હાલ તો પોલીસ એડીની તપાસ કરી રહી છે, પરંતુ જો તપાસમાં કંઈ ખૂલશે તો ગુનો નોંધાશે.
(જૂનાગઢથી બીબીસી સહયોગી હનીફ ખોખરની કેટલીક માહિતી સાથે)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન