વીમાના ત્રણ કરોડ રૂપિયા મેળવવા પિતાની સાપ કરડાવીને કરી હત્યા, પોલીસે આ રીતે ઉકેલ્યો ભેદ

    • લેેખક, વિજયાનંદ અરુમુગમ
    • પદ, બીબીસી તમિલ

(ચેતવણીઃ આ અહેવાલમાંની કેટલીક વિગત માનસિક ખલેલ પહોંચાડી શકે છે)

તામિલનાડુના ચેન્નાઈ નજીક બનેલી એક ઘટનામાં પોલીસે 19 ડિસેમ્બરે છ લોકોની ધરપકડ કરી હતી.

વીમાના પૈસા મેળવવા માટે એક વ્યક્તિની ગળા પર સાપ કરડાવીને હત્યા કરવાના આરોપસર આ છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. છ આરોપીઓમાં મૃતકના બે પુત્રોનો પણ સમાવેશ થાય છે.

તિરુવલ્લુર જિલ્લાના પોલીસ અધીક્ષક વિવેકાનંદ શુક્લના જણાવ્યા મુજબ, વીમા કંપનીએ વ્યક્તિના મૃત્યુ બાબતે શંકા વ્યક્ત કર્યા પછી સત્ય બહાર આવ્યું હતું.

તેમણે કહ્યું હતું, "પિતાના જીવન વીમાના ત્રણ કરોડ રૂપિયા મેળવવા માટે સંતાનોએ આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું."

સંતાનોની ધરપકડ કેવી રીતે થઈ?

તિરુવલ્લુર જિલ્લાના તિરુતણી તાલુકાથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલા પોથટ્ટુરપેટ્ટાઈ ગામના 56 વર્ષીય રહેવાસી ગણેશનનું 22 ઑક્ટોબરે સર્પદંશને લીધે મૃત્યુ થયું હતું.

વિવેકાનંદ શુક્લએ જણાવ્યું હતું કે ગણેશનનાં સંતાનોએ આપેલી માહિતીને આધારે પોથટ્ટુરપેટ પોલીસ સ્ટેશનમાં અકુદરતી મોતનો કેસ નોંધવામાં આવ્યો હતો.

મૃતક ગણેશન પોથટ્ટુરપેટની સરકારી કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રયોગશાળા સહાયક તરીકે કામ કરતા હતા.

પ્રારંભિક અખબારી યાદીમાં પોલીસે જણાવ્યું હતું કે ગણેશનનું મૃત્યુ સર્પદંશને કારણે થયું હોવાનું જણાય છે.

'ચા વીમા પૉલિસી, ત્રણ કરોડ રૂપિયા'

ગણેશનના મૃત્યુના થોડા દિવસ પછી તેમનાં પત્ની સમુતી અને સંતાનોએ, ગણેશને લીધેલી વીમા પૉલિસીનું વળતર મેળવવા માટે ખાનગી વીમા કંપનીમાં દાવો દાખલ કર્યો હતો.

પોલીસ અધીક્ષક વિવેકાનંદ શુક્લએ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું, "મૃતક ગણેશને રૂ. ત્રણ કરોડથી વધુનો વીમો ઉતરાવ્યો હતો. તેમાં ટર્મ ઇન્સ્યૉરન્સનો પણ સમાવેશ થતો હતો. ગણેશનનું મૃત્યુ શંકાસ્પદ હોવાની ફરિયાદ વીમા કંપનીના ઉત્તર વિભાગના આઈજી અસરા ગર્ગે નોંધાવી હતી."

આ કેસની સંપૂર્ણ તપાસ માટે જિલ્લા પોલીસ અધીક્ષકે ગુમ્મીડીપુંડઈ જિલ્લાનાં નાયબ પોલીસ અધીક્ષક જયશ્રીના નેતૃત્વમાં એક વિશેષ તપાસ ટીમની નિમણૂક છઠ્ઠી ડિસેમ્બરે કરી હતી.

'વધુ કરજ... વધુ વીમો'

જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, તપાસ ટીમને જાણવા મળ્યું હતું કે ગણેશનના પરિવારે મોટી લોન લીધી હતી. તેની સાથે ખૂબ મોટી રકમની વીમા પૉલિસી પણ લીધી હતી.

જિલ્લા પોલીસ અધીક્ષકે કહ્યું હતું, "એક સામાન્ય સરકારી કર્મચારી આટલા કરોડ રૂપિયાની વીમા પૉલિસી કઈ રીતે લીધી તેની તપાસ પોલીસ કરી રહી છે."

જિલ્લા પોલીસે અધીક્ષકે એમ પણ કહ્યું હતું કે, "પરિવારે આવકના સ્રોતની સરખામણીએ લીધેલા કરજ અને મોટી રકમની વીમા પૉલિસીને લીધે મૃત્યુના વાસ્તવિક કારણ બાબતે શંકા સર્જાઈ હતી."

ગુમ્મીડીપુંડીનાં નાયબ પોલીસ કમિશનર જયશ્રીએ બીબીસીને કહ્યું હતું, "વીમા કંપની વીમાનું વળતર ચૂકવતા પહેલાં સામાન્ય રીતે પૂછપરછ કરતી હોય છે. એ સંદર્ભે ગણેશનના મૃત્યુ બાબતે શંકા સર્જાઈ હતી."

જિલ્લા પોલીસ અધીક્ષકે 19 ડિસેમ્બરે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું, "વિશેષ તપાસ ટીમ છેલ્લા કેટલાક સપ્તાહથી સતત તપાસ કરી રહી છે. ટીમે ગણેશન પરિવારના નાણાકીય વ્યવહારો અને વીમા પૉલિસીની તમામ વિગત એકઠી કરી છે."

'બે આઘાતજનક ઘટના'

ગણેશનના પુત્રો મોહનરાજ અને હરિકરણે વીમાના પૈસા મેળવવા માટે તેમના પિતાની હત્યાની યોજના બનાવી હોવાની વાતની પોલીસે પુષ્ટિ કરી છે.

પોલીસે અખબારી યાદીમાં જણાવ્યું હતું, "આ ષડયંત્રના ભાગરૂપે બન્ને પુત્રોએ બાલાજી, પ્રશાંત, દિનકરન અને નવીન કુમારનો સંપર્ક કર્યો હતો. પછી તેમણે પોતાના પિતાની હત્યા માટે સાપની વ્યવસ્થા કરી હતી. પિતાનું મૃત્યુ સર્પદંશને કારણે થયાનું લાગે તેવી ગોઠવણ પણ તેમણે કરી હતી."

જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, "ગણેશનની હત્યા માટે તેમના પુત્રોએ હત્યાના એક સપ્તાહ પહેલાં દિનકરન નામની વ્યક્તિ પાસેથી એક ઝેરી સાપ ખરીદ્યો હતો. પછી તેમણે એ સાપનો ડંખ ગણેશનના પગ પર મરાવ્યો હતો."

અખબારી યાદીમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે પ્રારંભિક પ્રયાસમાં ગણેશનનું મૃત્યુ થયું ન હતું.

તેથી તેમના પુત્રો 22 ઑક્ટોબરે વહેલી સવારે ઘરમાં એક ક્રેટ સ્નેક લાવ્યા હતા. એ વખતે ઊંઘી રહેલા ગણેશનના ગળા પર તેમણે સર્પદંશ કરાવ્યો હતો.

હૉસ્પિટલે લઈ જવામાં વિલંબ

જિલ્લા પોલીસ અધીક્ષકે કહ્યું હતું, "છ આરોપીઓ પૈકીનો એક સાપને સંભાળવામાં કુશળતા ધરાવે છે. ગણેશનને જે સાપ દ્વારા દંશ મરાવવામાં આવ્યો હતો તે સાપ ત્રણ ફૂટ લાંબો હતો. જે સાપે ડંખ માર્યો હતો તેનાથી ગણેશનું તત્કાળ મૃત્યુ થયું હતું."

તેમણે ઉમેર્યું હતું કે, "તપાસમાં જાણવા મળ્યું હતું કે સર્પદંશ પછી ગણેશનને હૉસ્પિટલે લઈ જવામાં બિનજરૂરી વિલંબ કરવામાં આવ્યો હતો. તે આ સુનિયોજિત ગુનાનો એક મહત્ત્વપૂર્ણ પુરાવો છે."

ગણેશનના ભત્રીજા ગણપતિએ કહ્યું હતું, "ગણેશનને પહેલીવાર સાપે ડંખ માર્યો ત્યારે તેમના પગમાં ઈજા થઈ હતી. એ માટે તેમણે તબીબી સારવાર લીધી હતી. સર્પદંશને કારણે તેઓ બરાબર ભોજન કરી શકતા ન હતા."

ગણપતિના પિતા અને ગણેશન સગા ભાઈ છે. ગણપતિએ બીબીસીને કહ્યું હતું, "ઘટના બની ત્યારે ગણેશન ઘરમાં ગ્રાઉન્ડફ્લોર પર સૂતા હતા. ગળા પર સાપે ડંખ માર્યો હોવાનું તેમણે કહ્યું પછી તેમને તિરુત્તની સરકારી હૉસ્પિટલે લઈ જવાયા હતા."

ગણપતિએ ઉમેર્યું હતું કે, "જે ડૉક્ટરે ગણેશનની તપાસ કરી હતી તેમણે કહ્યું હતું કે ગણેશનનું મૃત્યુ સર્પદંશથી થયું છે. તેમનું પોસ્ટમોર્ટમ પણ ત્યાં જ કરવામાં આવ્યું હતું,"

સંબંધીઓ શું કહે છે?

ગણપતિના જણાવ્યા મુજબ, તેમના પિતાની જમીન ગણેશને 2018માં ખરીદી હતી અને ત્યાં બે માળનું એક મકાન બનાવ્યું હતું.

તેમણે કહ્યું હતું, "ગણેશનના બે પુત્રો પૈકીનો એક ચેન્નાઈમાં એક કંપનીમાં કામ કરતો હતો, જ્યારે બીજો પુત્ર મિકેનિક તરીકે કામ કરતો હતો."

ગણેશને થોડાં વર્ષો પહેલાં બન્ને દીકરાનાં લગ્ન કરી દીધાં હતાં, એવું જણાવતાં ગણપતિએ ઉમેર્યું હતું, "બન્ને દીકરાઓને ત્યાં પણ સંતાનો છે. ગામમાં તેમની વિરુદ્ધ કોઈ આરોપ નથી. તેમના પર આટલું મોટું દેવું હશે, તેનો અમને ખ્યાલ ન હતો."

19 ડિસેમ્બરે વહેલી સવારે પોથટ્ટુરપેટ પોલીસે બંને દીકરાઓની ધરપકડ કરી એ પછી જ આ બધી વિગત જાણવા મળી હોવાનું ગણપતિએ જણાવ્યું હતું.

ગણેશનના મૃત્યુના કેસમાં હરિહરન, મોહનરાજ, પ્રશાંત, નવીનકુમાર, બાલાજી અને દિનકરનની ધરપકડ કરવામાં આવી છે.

જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને વધુ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

પોલીસની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે "વિશેષ તપાસ ટુકડીએ કરેલી વૈજ્ઞાનિક, ટેકનિકલ અને સ્થળ તપાસમાં ગણેશનનું મૃત્યુ સર્પદંશને કારણે થયું હોવાનું બહાર આવ્યું છે."

પોલીસે એમ પણ જણાવ્યું હતું કે વીમાના પૈસા મેળવવા માટેના ગુનાહિત કાવતરા હેઠળ ગણેશનની હત્યા કરવામાં આવી હતી.

નાયબ પોલીસ અધીક્ષક જયશ્રીએ બીબીસીને જણાવ્યું હતું કે આ કેસ તેમના માટે પડકારજનક હતો. "આ કેસમાં વધુ લોકો સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ પણ ચાલી રહી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન