'મેં મૃતદેહોના ઢગલા જોયા, લાશો પર પગ મૂક્યા' રશિયન મહિલાએ લલચાવીને યુદ્ધમાં લડવા માટે ફસાવેલા વિદેશી પુરુષોની કહાણી

    • લેેખક, નવલ અલ-મઘાફી
    • પદ, સીનીયર ઇન્ટરનૅશનલ ઇન્વેસ્ટિગેશન સંવાદદાતા
    • લેેખક, શૈદા ખાન
    • પદ, બીબીસી આઈ ઇન્વેસ્ટિગેશન

ઉમરનો પાસપોર્ટ કિનારીએથી સળગી રહ્યો છે. વીડિયોમાં એક અજ્ઞાત રશિયન મહિલા એવું કહેતી સંભળાઈ રહી છે, "પાસપોર્ટ સળગી રહ્યો છે."

સીરિયાના 26 વર્ષનો કન્સ્ટ્રક્શન વર્કર ઉમર યુક્રેન સામેના રશિયાના યુદ્ધના મોરચે આશરે નવ મહિનાથી તહેનાત હતા, ત્યારે તેમના ફોન પર ઉપરોક્ત ક્લિપ આવી હતી.

તે મહિલાના અવાજને ઉમર ઓળખતા હતા. ઉમરના જણાવ્યા અનુસાર, તે પોલિના એલેક્ઝાન્દ્રોવના અઝાર્નિખ હતી, જેણે રશિયા તરફથી લડવા માટે ભરતી થવામાં ઉમરને મદદ કરી હતી તેમજ આકર્ષક કામ અને રશિયન સિટીઝનશિપ અપાવવાનું વચન આપ્યું હતું, પણ હવે તે ઉમરથી નારાજ હતી.

સલામતી માટે પોતાનું નામ બદલીને વાત કરતાં ઉમરે યુક્રેનથી મોકલવામાં આવેલી સંખ્યાબંધ વૉઇસ નોટ્સમાં પોતે કેવી રીતે યુદ્ધસ્થળે ફસાઈ ગયા, તેનું વર્ણન કર્યું છે.

તેઓ જણાવે છે કે, અઝાર્નિખે ઉમરને વચન આપ્યું હતું કે, જો તેઓ તેને 3,000 ડૉલર ચૂકવશે, તો અઝાર્નિખ તેમને યુદ્ધવિહીન સ્થિતિમાં રહેવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી આપશે. પરંતુ, કેવળ 10 દિવસની તાલીમ પછી ઉમરને તરત યુદ્ધમાં ધકેલી દેવાતાં ઉમરે ચૂકવણી કરવાનો ઇનકાર કરી દીધો. પેમેન્ટ ન મળતાં ધૂંધવાયેલી અઝાર્નિખે ઉમરનો પાસપોર્ટ સળગાવી દીધો.

ઉમર કહે છે કે, તેમણે એક મિશનમાં સામેલ ન થવાનો પ્રયત્ન કર્યો, પણ તેમના કમાન્ડરોએ તેમને મારી નાખવાની કે જેલમાં ધકેલી દેવાની ધમકી આપી.

ઉમરે કહ્યું હતું કે, "અમારી સાથે દગો થયો છે... આ મહિલા દગાબાજ અને જૂઠ્ઠી છે."

40 વર્ષની ભૂતપૂર્વ શિક્ષિકા અઝાર્નિખ મોટાભાગે ગરીબ દેશોના યુવાનોને રશિયન લશ્કરમાં જોડાવા માટે લલચાવવા ટેલિગ્રામ ચેનલનો ઉપયોગ કરતી હોવાનું બીબીસી આઇની તપાસમાં બહાર આવ્યું હતું.

ભૂતપૂર્વ શિક્ષિકાના ચહેરા પર સ્મિત સાથેના વીડિયો મૅસેજ અને ઉત્સાહપ્રેરક પોસ્ટ્સમાં "લશ્કરી સેવા" માટે "એક વર્ષના કરારો" ઑફર કરવામાં આવ્યા છે.

બીબીસી વર્લ્ડ સર્વિસે આશરે 500 એવા મામલાઓની ઓળખ કરી છે, જેમાં તેણે આમંત્રણ પત્ર તરીકે ઓળખાતા દસ્તાવેજો પૂરા પાડ્યા છે. આ આમંત્રણ પત્ર થકી વ્યક્તિ લશ્કરમાં જોડાવા માટે રશિયામાં પ્રવેશી શકે છે. આ દસ્તાવેજો ભરતી માટે અઝાર્નિખને પોતાના પાસપોર્ટની વિગતો મોકલનારા મુખ્યત્વે સીરિયા, ઇજીપ્ત તથા યેમેનના પુરુષો માટે છે.

પરંતુ, ભરતી થયેલી વ્યક્તિઓ અને તેમના સંબંધીઓએ બીબીસીને જણાવ્યું હતું કે, અઝાર્નિખે એમ કહીને પુરુષોને ગેરમાર્ગે દોર્યા હતા કે, તેમને યુદ્ધમાં લડવા માટે મોકલાશે નહીં. તેણે એ વાત છૂપાવી કે, તેઓ એક વર્ષ પછી સેના છોડી શકશે નહીં. વળી, તેણે તેની સામે વાંધો ઊઠાવનારા પુરુષોને ધાક-ધમકી આપી હતી. બીબીસીએ આ મામલે તેનો સંપર્ક સાધતાં તેણે તમામ આરોપો ફગાવી દીધા હતા.

બાર પરિવારોએ અમને એવા યુવકો વિશે વિગતો આપી, જેમની અઝાર્નિખ દ્વારા ભરતી કરાવાઈ હતી અને હવે તે યુવકો કાં તો માર્યા ગયા હતા કે પછી ગુમ થઈ ગયા હતા.

રશિયાએ સ્થાનિક સ્તરે ધરખમ ખોટ વેઠવા છતાં યુક્રેનમાં તેની કાર્યવાહી ચાલુ રાખવા માટે અનિવાર્ય લશ્કરી સેવાનું વિસ્તરણ કર્યું છે, કેદીઓની ભરતી કરી છે તથા ઉદાર હાથે ભરતી બોનસની ઑફર કરી છે.

નાટોના જણાવ્યા પ્રમાણે, 2022માં વ્યાપક સ્તર પર આક્રમણ કરવામાં આવ્યું, ત્યારથી લઈને તેના 10 લાખ કરતાં વધુ સૈનિકો માર્યા ગયા છે કે પછી ઘાયલ થયા છે, જેમાંથી એકલા ડિસેમ્બર, 2025ના મહિનામાં જ 25,000 સૈનિકો મોતને ભેટ્યા હતા.

મરણ નોંધ અને મૃત્યુ આંકના જાહેર સ્તર પર ઉપલબ્ધ અન્ય રેકોર્ડ્ઝના આધારે બીબીસી ન્યૂઝ રશિયન દ્વારા કરવામાં આવેલું સંશોધન સૂચવે છે કે, ગયા વર્ષે યુક્રેનમાં અગાઉ કરતાં વધુ રશિયન સૈનિકોની જાનહાનિ થઈ હતી.

રશિયાના લશ્કરમાં કેટલા વિદેશીઓ જોડાયા છે, તે નક્કી કરવું મુશ્કેલ છે. માર્યા ગયેલા અને ઈજા પામેલા વિદેશીઓને આવરી લેતા બીબીસી રશિયાના વિશ્લેષણ અનુસાર, ક્યુબા, નેપાળ અને ઉત્તર કોરિયા સહિતના દેશોમાંથી ઓછામાં ઓછા 20,000 વિદેશીઓની ભરતી થઈ હોવાની સંભવિતતા છે.

આ તરફ યુક્રેને પણ મોટાપાયે સૈનિકો ગુમાવ્યા છે અને તેણે પણ વિદેશી લડવૈયાઓને તેની સેનામાં સામેલ કર્યા છે.

રશિયાની સેનાના યુદ્ધના મોરચે તહેનાત કરાયા

ઉમર માર્ચ, 2024માં સીરિયાના અન્ય 14 નાગરિકો સાથે મોસ્કો ઍરપોર્ટ પર ફસાઈ ગયા હતા અને ખિસ્સાં લગભગ ખાલીખમ થઈ ગયાં હતાં, ત્યારે તેઓ પ્રથમ વખત અઝાર્નિખના સંપર્કમાં આવ્યા હતા.

વાસ્તવમાં સીરિયામાં નોકરીની ભારે અછત હતી અને વેતન પણ ઘણું જ ઓછું મળતું હતું.

ઉમર કહે છે કે, ત્યાં એક નોકરીદાતાએ તેમને અને તેમના સાથી કામદારોને રશિયામાં તેલની સુવિધાઓની સુરક્ષા કરવાનું કામ ઑફર કર્યું હતું. તેઓ સૌ મોસ્કો જઈ પહોંચ્યા, ત્યારે ખબર પડી કે, તેમને છેતરવામાં આવ્યા હતા.

અન્ય વિકલ્પો શોધવા માટે ઑનલાઇન સર્ચ કરતાં ગ્રૂપમાંની એક વ્યક્તિએ અઝાર્નિખની ચેનલ શોધી અને તેને મેસેજ કર્યો.

ઉમરે જણાવ્યું હતું કે અઝાર્નિખ ગણતરીના કલાકોમાં જ ઍરપૉર્ટ પર તેમને મળવા આવી હતી અને તેમને ટ્રેન મારફત પશ્ચિમી રશિયાના બ્રાયન્સ્કમાં આવેલા એક ભરતી કેન્દ્રમાં લઈ ગઈ.

ઉમર કહે છે કે, અઝાર્નિખે તેમને રશિયન લશ્કર સાથેનો એક વર્ષનો કરાર ઑફર કર્યો, જેમાં લગભગ 2,500 ડૉલર જેટલો પગાર અને 5,000 ડૉલરના ઊંચા સાઇન-અપ પેમેન્ટનો સમાવેશ થતો હતો. સીરિયામાં આટલી રકમની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી.

ઉમર જણાવે છે કે, કરારો રશિયન ભાષામાં થયા હતા અને કોઈપણ યુવાનને આ ભાષા આવડતી ન હતી.

તે પછી અઝાર્નિખે તેમના પાસપોર્ટ લઈ લીધા અને તેમને રશિયન નાગરિકત્વ અપાવવાનું વચન આપ્યું.

સાથે જ તેણે એવું પણ વચન આપ્યું કે, જો પ્રત્યેક વ્યક્તિ તેના સાઇન-અપ પેમેન્ટમાંથી તેને 3,000 ડૉલર ચૂકવશે, તો તેઓ યુદ્ધને લગતી કામગીરીમાંથી છુટકારો મેળવી શકે છે.

પરંતુ, ઉમરના જણાવ્યા પ્રમાણે, લગભગ એકાદ મહિનાની અંદર જ માત્ર દસ દિવસની તાલીમ આપીને તેમને કોઈપણ પ્રકારના લશ્કરી અનુભવ વિના યુદ્ધના મોરચે તહેનાત કરી દેવાયા હતા.

બીબીસીની તપાસ ટીમને પાઠવેલી એક વૉઇસ નોટમાં તેઓ કહે છે, "અહીં અમે 100 ટકા માર્યા જઈશું."

તેમણે મે, 2024માં જણાવ્યું હતું કે, "ઘણા લોકો ઘાયલ થયા, ઘણા વિસ્ફોટો થયા, ઘણા ગોળીબાર થયા. જો કોઈ વિસ્ફોટ થવાથી નહીં મરે, તો કાટમાળ પડવાથી કચડાઈને મરશે."

તેમણે તે પછીના મહિને જણાવ્યું હતું કે, "જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગલા છે... મેં મૃતદેહો પર પગ મૂક્યા છે, ભગવાન મને ક્ષમા કરે."

તેમણે ઉમેર્યું હતું કે,"મેં મારી સગ્ગી આંખે જોયું છે કે, જો કોઈ મરી જાય, તો તેમને કચરાના કોથળામાં નાખીને ઝાડ પાસે ફેંકી દેવામાં આવે છે."

આશરે એક વર્ષ પછી તેમણે એ વાત શોધી કાઢી, જે અઝાર્નિખ સમજાવવામાં નિષ્ફળ રહી હતી - 2022ના એક રશિયન હુકમનામા અનુસાર, લશ્કરને યુદ્ધ સમાપ્ત થાય, ત્યાં સુધી સૈનિકોના કરારો આપમેળે લંબાવવાની છૂટ છે.

તેમણે જણાવ્યું હતું કે, "જો તેઓ કરાર રિન્યૂ કરશે, તો મારું તો આવી બન્યું - હે ઈશ્વર."

તેમનો કરાર ચાલુ રાખવામાં આવ્યો.

રશિયન લશ્કરમાં જોડાવા માટે કેવી લાયકાત જોઈતી હતી

અઝાર્નિખની ટેલિગ્રામ ચેનલના 21,000 સબસ્ક્રાઇબર્સ છે. તેમની પોસ્ટ્સમાં ઘણી વખત રશિયન લશ્કરમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારોને તેમના પાસપોર્ટની સ્કેન કૉપી મોકલવા જણાવાય છે.

તે પછી અઝાર્નિખે આમંત્રણ પત્રના દસ્તાવેજો પોસ્ટ કર્યા છે, જેમાં કેટલીક વખત આમંત્રણ પત્ર મેળવનારા યુવાનોનાં નામની યાદી હોય છે.

અઝાર્નિખે યેમેન, સીરિયા, ઇજિપ્ત, મોરોક્કો, ઇરાક, આઇવરી કોસ્ટ અને નાઇજીરિયા સહિતના દેશોના પુરુષોને મોકલેલાં આવાં 490 કરતાં વધુ આમંત્રણ પત્રોની બીબીસીએ ઓળખ કરી છે.

તેની પોસ્ટ્સમાં "સર્વોત્તમ આંતરરાષ્ટ્રીય બટાલિયન" માટેની ભરતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, રશિયામાં ગેરકાયદે રહેતા અને જેમના વિઝા ઍક્સ્પાયર થઈ ગયા હોય, તેવા લોકો પણ ભરતી માટેની યોગ્યતા ધરાવે છે.

અમે અઝાર્નિખ દ્વારા ભરતી કરવામાં આવ્યા હોય, તેવા ઓમર સહિતના આઠ વિદેશી લડવૈયાઓ તથા ગુમ થઈ ગયેલા કે માર્યા ગયેલા 12 પુરુષોના પરિવારો સાથે વાત કરી છે.

ઘણા લોકોનું માનવું હતું કે, અઝાર્નિખે ભરતી કરાયેલા લોકોને કાં તો ગેરમાર્ગે દોર્યા હતા અથવા તો તેમનું શોષણ કર્યું હતું.

તેમણે અમને જણાવ્યું કે, પુરુષો જાણતા હતા કે તેઓ લશ્કરમાં જોડાઈ રહ્યા છે, પણ તેઓ નહોતા જાણતા કે, તેમણે યુદ્ધના મોરચે ઊભા રહેવું પડશે. ઉમર જેવા ઘણા યુવાનોનું માનવું હતું કે, તેમને પૂરતી તાલીમ અપાઈ ન હતી અથવા તો તેમણે વિચાર્યું હતું કે, એક વર્ષ પછી તેઓ લશ્કરમાંથી વિદાય લઈ શકશે.

ઇજિપ્તમાં, યુસુફે (નામ બદલ્યું છે) બીબીસીને જણાવ્યું કે, તેના મોટાભાઈ મહમ્મદે 2022માં રશિયાના યેકાતેરિનબર્ગમાં એક યુનિવર્સિટી કોર્સ શરૂ કર્યો હતો.

યુસુફના જણાવ્યા મુજબ, મહમ્મદને ફી ભરવામાં મુશ્કેલી થઈ રહી હોવાથી તેમણે પરિવારને જણાવ્યું કે, રશિયામાં પોલિના નામની એક મહિલાએ તેમને ઑનલાઇન મદદ કરવાની ઑફર કરી છે.

આ ઑફરમાં રશિયન સૈન્ય સાથે કામ કરવાનો પણ સમાવેશ થતો હતો.

મહમ્મદને લાગ્યું કે, આ મદદથી તેઓ તેમનો અભ્યાસ ચાલુ રાખી શકશે.

યુસુફ જણાવે છે, "પોલિનાએ તેમને આવાસ, અને નાગરિકતા અપાવવાનું તથા માસિક ખર્ચ ઉઠાવવાનું વચન આપ્યું હતું. અચાનક જ મોટા ભાઈને યુક્રેન મોકલી દેવાયા. ત્યાં તેમને યુદ્ધમાં ધકેલી દેવાયા."

યુસુફ કહે છે, મહમ્મદનો છેલ્લો ફોન 24મી જાન્યુઆરી, 2024ના રોજ આવ્યો હતો.

લગભગ એક વર્ષ પછી એક રશિયન નંબર પરથી ટેલિગ્રામ પર સંદેશો આવ્યો, જેમાં મહમ્મદના મૃતદેહની તસવીરો હતી. આખરે પરિવારને જાણ થઈ કે, લગભગ એકાદ વર્ષ પહેલાં તે માર્યા ગયા હતા.

રશિયન સેનામાં જોડાયેલા વિદેશી યુવાનોમાં 'કેટલાકે દિમાગનું સંતુલન ગુમાવી દીધું'

રશિયન સેનામાં ફરજ બજાવી ચૂકેલા અન્ય એક સીરિયન નાગરિક હબીબના જણાવ્યા પ્રમાણે, અઝાર્નિખ રશિયાના સૈન્ય માટે અતિ મહત્ત્વના ભરતીકર્તાઓ પૈકીની એક બની ચૂકી હતી.

હબીબ વીડિયોમાં આવવા તૈયાર હતા, પણ સંભવિત દુષ્પરિણામોના ડરથી તેમણે અસલ નામ છુપાવ્યું હતું.

હબીબ કહે છે કે, તેમણે અને અઝાર્નિખે રશિયાના વિઝા આમંત્રણ પત્ર પર આશરે ત્રણ વર્ષ સુધી સાથે મળીને કામ કર્યું હતું. જોકે, તેમણે વધુ વિગતો આપી ન હતી અને આ પ્રક્રિયામાં તેમની ભૂમિકાની પુષ્ટિ થઈ શકી નહોતી. 2024ની સોશિયલ મીડિયા પરથી મળેલી એક તસવીરમાં તેઓ અઝાર્નિખ સાથે જોવા મળે છે.

અઝાર્નિખ રશિયાના દક્ષિણ-પશ્ચિમી વોરોનેઝ પ્રદેશમાંથી આવે છે. 2024માં ખુદની ટેલિગ્રામ ચૅનલ શરૂ કરી, તે પહેલાં તે અભ્યાસાર્થે મોસ્કો આવતા આરબ વિદ્યાર્થીઓને મદદ કરતું ફેસબુક ગ્રૂપ ચલાવતાં હતાં.

હબીબ કહે છે કે, મોટાભાગના વિદેશી નાગરિકો સુરક્ષા કરવાની કે ચેકપૉઇન્ટ્સ પર ઊભા રહેવાની અપેક્ષાથી આવ્યા હતા.

તેઓ જણાવે છે કે, "આવનારા આરબો તરત જીવ ગુમાવે છે. કેટલાકે તેમનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે - મૃતદેહો જોવા કઠિન કાર્ય છે."

હબીબ કહે છે, તેઓ લશ્કરી તાલીમના સ્થળ પર ઉમર અને સીરિયન યુવાનોના જૂથને મળ્યા હતા. "પોલિનાએ તેમને નાગરિકત્વ, સારાં વેતન અને સલામતીનું વચન આપ્યું હતું. પણ એક વખત કરાર પર સહી થઈ ગયા પછી અહીંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી."

હબીબે જણાવ્યું હતું કે, "તેમાંના કોઈને હથિયાર વાપરતાં આવડતું નહોતું. ધારો કે, તેમના પર ગોળીબાર થતો, તો પણ તેઓ વળતું ફાયરિંગ કરતા નહોતા... જો તમે ગોળી નહીં ચલાવો, તો તમે માર્યા જશો."

"તે લોકો માર્યા જવાના છે, તે જાણવા છતાં પોલિના તેમને પોતાની સાથે લઈ જતી હતી."

હબીબના જણાવ્યા પ્રમાણે, "પ્રત્યેક વ્યક્તિની ભરતી કરવા બદલ પોલિનાને લશ્કર તરફથી 300 ડૉલર મળતા હતા." બીબીસી તેની પુષ્ટિ કરી શક્યું નથી.

જોકે, અન્ય લોકોએ પણ અમને જણાવ્યું હતું કે, તેમના માનવા પ્રમાણે, પોલિનાને પેમેન્ટ મળતું હતું.

રશિયન લશ્કરમાં જોડાવાનો ઇન્કાર કર્યા બાદ શું થયું?

2024ના મધ્યભાગથી અઝાર્નિખની પોસ્ટ્સમાં એવી નોંધ થવા લાગી કે, રિક્રૂટ્સ (ભરતી થનારા યુવાનો) "યુદ્ધમાં ભાગ લેશે". સાથે જ તેમાં યુદ્ધમાં માર્યા ગયેલા વિદેશી લડવૈયાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.

ઑક્ટોબર, 2024ના એક વીડિયોમાં અઝાર્નિખ કહે છે, "તમે એ સારીપેઠે જાણતા હતા કે, તમે યુદ્ધમાં જઈ રહ્યા છો. તમને એમ હતું કે, તમારે કશું કરવું નહીં પડે, આસાનીથી રશિયન પાસપોર્ટ મળી જશે અને તમે ફાઇવ-સ્ટાર હોટેલમાં રહેશો?... મફતમાં કશું મળતું નથી."

અન્ય એક કિસ્સામાં, 2024માં અઝાર્નિખે લશ્કરમાં તહેનાત એક યુવકની માતાને પાઠવેલો વૉઇસ મેસેજ બીબીસીએ સાંભળ્યો.

અઝાર્નિખ કહે છે કે, મહિલાએ "રશિયન સેના વિશે કશુંક ભયાનક પ્રકાશિત કર્યું છે". અપશબ્દો વાપરીને અઝાર્નિખ તે મહિલાને તેના પુત્રની હત્યાની ધમકી આપે છે અને તેને ચેતવણી આપે છે: "હું તને અને તારાં તમામ સંતાનોને શોધી કાઢીશ."

બીબીસીએ અઝાર્નિખનો સંપર્ક સાધવાનો ઘણી વખત પ્રયત્ન કર્યો.

શરૂઆતમાં અઝાર્નિખે જણાવ્યું કે, અમે રશિયા જઈએ, તો તે ઇન્ટરવ્યૂ આપશે, પરંતુ બીબીસીએ સલામતીના કારણોસર ત્યાં જવાનો ઇનકાર કરી દીધો.

પછીથી જ્યારે વૉઇસ કૉલ મારફત અઝાર્નિખને સવાલ કરવામાં આવ્યો કે, વિદેશી પુરુષોને યુદ્ધ સિવાયનાં કાર્યો માટે વચન અપાયું હતું, ત્યારે અઝાર્નિખે ફોન કાપી નાખ્યો.

તે પછી મોકલવામાં આવેલી વૉઇસ નોટ્સમાં તે જણાવે છે કે, "અમારું કાર્ય વ્યાવસાયિક નથી." આ સાથે જ તેણે સંભવિત બદનક્ષીની કાર્યવાહીની ચેતવણી આપી હતી. સાથે જ તેણે કહ્યું હતું: "અમારા આદરણીય આરબો તેમના આરોપો તેમની પાસે જ રાખે."

બીબીસીએ આ વિષય પર ટિપ્પણી માટે રશિયાના વિદેશ મંત્રાલય તથા સંરક્ષણ મંત્રાલયનો સંપર્ક સાધ્યો હતો, પણ કોઈ પ્રતિક્રિયા મળી નહોતી.

અગાઉ, માર્ચ, 2022માં પ્રમુખ પુતિને મધ્ય પૂર્વના પુરુષોની ભરતીનું સમર્થન કરતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ સૈદ્ધાંતિક દૃષ્ટિથી પ્રેરિત હતા, નહીં કે, આર્થિક દૃષ્ટિથી: "એવા ઘણા લોકો છે, જેઓ સ્વેચ્છાએ જોડાવા ઇચ્છે છે અને લોકોને સહાય પૂરી પાડવા ઇચ્છે છે. આ કાર્ય તેઓ પૈસા માટે નથી કરતા."

રશિયન સેનાની "સર્વોત્તમ બટાલિયન"માં જોડાવા બદલ મળેલી મબલખ રકમની જાહેરાત

આ મામલા પર ધ્યાન રાખી રહેલા પત્રકારો અને સંશોધકો કહે છે કે, અઝાર્નિખ જેવી વ્યક્તિઓ અસંગઠિત ભરતીકર્તાઓના નેટવર્કનો એક ભાગ છે.

બીબીસીને અરેબિકમાં અન્ય બે ટેલિગ્રામ ઍકાઉન્ટ્સ મળી આવ્યાં છે, જેમાં રશિયન સેનામાં જોડાવા માટે સમાન પ્રકારની ઑફર્સ કરવામાં આવી છે.

તે પૈકીના એક ઍકાઉન્ટની પોસ્ટમાં આમંત્રણ પત્રના દસ્તાવેજો અને નામની યાદી દર્શાવાઈ છે.

જ્યારે બીજામાં "સર્વોત્તમ બટાલિયન"માં જોડાવા બદલ મળેલી મબલખ રકમની જાહેરાત કરવામાં આવી છે.

સપ્ટેમ્બરમાં કેન્યાની પોલીસે જણાવ્યું હતું કે, તેમણે "માનવ તસ્કરી કરનારી એક શંકાસ્પદ ગૅંગ"નો પર્દાફાશ કર્યો હતો, જે કેન્યાના નાગરિકોને નોકરીની ઑફર્સની લાલચ આપીને યુક્રેનમાં યુદ્ધ લડવા મોકલી દેદી હતી.

ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ સ્ટડી ઑફ વોરનાં સંશોધક કૅટેરીના સ્ટેપાનેન્કોએ બીબીસીને જણાવ્યું હતું કે, રશિયાનાં કેટલાંક નગરપાલિકા અને પ્રાદેશિક સત્તાતંત્રો રશિયન કે વિદેશીઓની લશ્કરી સેવામાં ભરતી કરાવનારા સ્થાનિક રહીશો અને એચઆર પ્રોફેશનલ્સને 4,000 ડૉલર સુધીનું નાણાંકીય પ્રોત્સાહન આપી રહ્યાં છે.

તેઓ જણાવે છે કે, ક્રેમલિને પ્રારંભમાં ભરતી માટે વેગનર પ્રાઇવેટ મિલિટરી ગ્રૂપ અને જેલ વ્યવસ્થા જેવી વિશાળ સંસ્થાઓનો ઉપયોગ કર્યો હતો, પરંતુ, 2024થી સ્થાનિકો અને નાની કંપનીઓની મદદ પણ લેવાઈ રહી છે.

તેઓ ઉમેરે છે, "તેના પરથી મને લાગે છે કે, ભરતીની અગાઉની પદ્ધતિઓથી હવે એટલી મોટી સંખ્યામાં ભરતી નથી થઈ રહી".

આ દરમિયાન, હબીબ કહે છે કે, તેમના કરારનો અંત આણવા માટે ઘણા કમાન્ડર્સને લાંચ આપીને તેઓ સીરિયા પરત ફરી ગયા છે.

ઉમરે અંતે રશિયન નાગરિકત્વ મેળવી લીધું છે અને તેઓ પણ હેમખેમ સીરિયા પરત ફરવામાં સફળ રહ્યા છે. યુદ્ધમાં તેમની સાથે રહેલા અન્ય બે સીરિયન નાગરિકો મૃત્યુ પામ્યા છે, એમ તેમના સંબંધિત પરિવારોએ જણાવ્યું હતું.

"અઝાર્નિખ અમને બસ આંકડા કે પૈસાના રૂપમાં જુએ છે, તે અમને માણસ તરીકે નથી જોતી. તેણે અમારી સાથે જે કર્યું, તે બદલ અમે તેને માફ નહીં કરીએ," એમ તેમણે જણાવ્યું હતું.

ઍડિશનલ રિપોર્ટિંગ: ઓલ્ગા ઇવશિના, ગેહદ અબ્બાસ, અલી ઈબ્રાહિમ, વિક્ટોરિયા અરકેલિયન અને રેયાન મારૌફ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન