શેવાળમાંથી બનેલાં કપડાં તમે પહેરો અને પહેરો તો કેવો ફાયદો થાય?

આપણા માટે વસ્ત્રો બનાવતો ઉદ્યોગ એક મોટો વ્યવસાય છે અને એ દર વર્ષે વૈશ્વિક સ્તરે લગભગ 1.7 ટ્રિલિયન ડૉલરની કમાણી કરે છે.

આ ઉદ્યોગ ખૂબ પ્રદૂષણ પણ ફેલાવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર, વૈશ્વિક ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જનમાં આઠેક ટકા હિસ્સો ફૅશન ઉદ્યોગનો છે. સસ્તી અને ડિસ્પોઝેબલ (નિકાલજોગ) ફાસ્ટ ફૅશન (જથ્થાબંધ પ્રમાણમાં બનાવાતાં સસ્તાં કપડાં) સાથે આ આંકડામાં વધારો થયો છે.

કપાસના પાક પર જંતુનાશક દવાઓના છંટકાવથી માંડીને પૉલિએસ્ટર બનાવવા માટે વપરાતા ઑઇલ, કાપડના રંગ, ફૅક્ટરીઓનું પાવરિંગ અને ફેંકી દેવામાં આવેલા ટનબંધ કાપડના કચરામાંથી થતા ઉત્સર્જન સુધીના કાપડના જીવનચક્રના દરેક તબક્કાની પર્યાવરણ પર અસર થાય છે.

ફૅશન પ્રોડક્શન અને વપરાશની વર્તમાન પદ્ધતિઓ ટકાઉ ન હોવા અંગે નિષ્ણાતો ચેતવે છે.

યુનિવર્સિટી કૉલેજ લંડનના મટીરિયલ સાયન્ટિસ્ટ પ્રોફેસર માર્ક મિયોડોવનિક બીબીસી રેડિયો 4ના 'ઇનસાઇડ સાયન્સ' કાર્યક્રમમાં કહ્યું હતું, "તમે સાત ડૉલરની કિંમતનું શર્ટ ખરીદો છો, પરંતુ એ તેની અસલી કિંમત નથી, જે ધરતીએ તેના માટે ચૂકવવી પડે છે."

તેમણે ઉમેર્યું હતું, "આપણા વપરાશને કારણે વાતાવરણ અને મહાસાગરોને નુકસાન થઈ રહ્યું છે એ હકીકત આપણે સ્વીકારતા નથી."

"કાપડની કિંમત વાસ્તવિક બની જાય, જેમ કે, પૃથ્વીને નુકસાન ન કરે એવા એક ટી-શર્ટ માટે 54 ડૉલર ચૂકવવા પડે, તો તમે કદાચ ઓછાં કપડાં ખરીદશો."

સેકન્ડ-હૅન્ડ કપડાના વેચાણમાં વૃદ્ધિ થઈ રહી છે અને ફૅશનની પર્યાવરણ પરની માઠી અસરને ઘટાડવા માટે ડિઝાઇનર્સ નવાં મટીરિયલ્સ અને પ્રોડક્શનની પદ્ધતિ શોધી રહ્યા છે.

અલબત્ત, હાલ તેનું નિર્માણ નાના પાયે થઈ રહ્યું છે, પરંતુ નિષ્ણાતો માને છે કે તે એક દિવસ ફૅશનનું ભવિષ્ય બદલી શકે છે. અહીં એવાં ત્રણ મટીરિયલની વાત કરવામાં આવી છે.

3D પ્રિન્ટેડ મટીરિયલ

તમે તમારા ઘરમાં બેઠાંબેઠાં તમારા માપનાં 3D પ્રિન્ટેડ વસ્ત્રો બનાવી શકો તો કેવું? આ વાત સાંભળવામાં વિચિત્ર લાગશે, પરંતુ એ હકીકત બની શકે છે.

પ્રોફેસર મિયોડોવનિક વ્યક્તિને સ્કૅન કરી શકે, એક ડિજિટલ ડિઝાઇન બનાવી શકે અને પછી નાની ચેઇન મેઇલ લિંક્સ વડે બનાવવામાં આવેલા સિન્થેટિક કે બાયૉપ્લાસ્ટિક આધારિત મટીરિયલનું એક-એક સ્તર પ્રિન્ટ કરી શકે તેવી ટૅક્નૉલૉજી વિકસાવવાની દિશામાં કામ કરી રહ્યા છે.

પ્રોફેસર મિયોડોવનિકે કહ્યું હતું, "આપણે ફૅશન તથા ફૅબ્રિક તરીકે જેનો વિચાર કરીએ છીએ એ મર્યાદાને તે ઓળંગી રહ્યું છે."

નાઇકી, ન્યૂ બૅલેન્સ, એડિડાસ અને બાલેનિયાગા જેવી બ્રાન્ડ્સ પહેલેથી જ 3D પ્રિન્ટિંગ સંબંધી પ્રયોગો કરી ચૂકી છે.

ફૅશનમાં 3D પ્રિન્ટિંગનો ફાયદો એ છે કે તેમાં આઇટમ કસ્ટમ-મેઇડ (જરૂર મુજબ જુદા જુદા પ્રકારની) બની શકે છે. તેમાં કોઈ બગાડ કે વધારાનું ઉત્પાદન થતું નથી. બાયૉપ્લાસ્ટિક મકાઈના સ્ટાર્ચ કે શેરડી જેવા છોડમાંથી બનાવવામાં આવે છે. વપરાશ પછી તેને ઔદ્યોગિક રીતે ખાતરમાં તબદીલ કરી શકાય છે.

તેના બીજા ફાયદા પણ થઈ શકે છે.

પ્રોફેસર મિયોડોવનિક 3D પ્રિન્ટેડ મટીરિયલમાં સેન્સર અને મોશન ડિવાઇસ લગાવવાની દિશામાં પણ કામ કરી રહ્યા છે, જેથી હલનચલનમાં મુશ્કેલી હોય તેવા લોકોને પોતાનાં અંગોના આસાન હલનચલનમાં મદદ મળી શકે.

તેમણે કહ્યું હતું, "તમે આસાનીથી ખુરશી પરથી ઊઠી શકતા ન હો તો અમે તમારા માટે એવું ફૅબ્રિક ડિઝાઇન કરી શકીએ છીએ, જે તમારા મસલ્સને ચુસ્ત રીતે વળગી જશે અને ઊભું થવું હોય ત્યારે તમને સહારો આપશે. પછી એ ઢીલું થઈ જશે અને તમે સામાન્ય રીતે, સરળતાથી ચાલી શકશો."

તેમના કહેવા મુજબ, "આપણે કરોડરજ્જુમાં ઈજા થઈ હોય અને પીઠની સમસ્યાથી પીડાતા હોય તેવા લોકોની વાત કરી રહ્યા છીએ. એવા લોકોને આ મટીરિયલ બહુ કામ લાગશે."

કોમ્બુચા લેધર

કોમ્બુચા ચા અને ખાંડને આથીને બનાવવામાં આવતું એક પીણું છે. તે આંતરડા માટે લાભકારક બૅક્ટેરિયા માટે જાણીતું છે. તેની એક આડપેદાશ છે અને ડિઝાઇનર્સ તેની સાથે પ્રયોગો કરી રહ્યા છે.

તેને લગભગ ત્રણ સપ્તાહ સુધી ઉકાળવામાં આવે તો પ્રવાહીની ઉપર બૅક્ટેરિયાની ફિલ્મ, એક આવરણ રચાઈ જાય છે.

યુનાઇટેડ કિંગ્ડમની માન્ચેસ્ટર યુનિવર્સિટીના ટેક્સટાઇલ ટૅક્નૉલૉજીના નિષ્ણાત ડૉ. જોન વુડ કહે છે, "તમે એ ફિલ્મને કાપી શકો છો, તેને માત્ર પાણી વડે સાફ કરી શકો છો અને સૂકવી શકો છો. તેમાં તમને કંઈક એવુ મળશે, જે ચામડા જેવું હોય છે."

ડૉ. જોન વુડના મતાનુસાર, એ ગાયોના ઉછેર કરતાં પણ વધારે આબોહવાને અનુકૂળ છે. એ ઉપરાંત કોમ્બુચા લેધર મોટરસાઇકલના ચામડા કરતાં પણ વધારે "ઘર્ષણ પ્રતિરોધક છે."

તેઓ ઉમેરે છે, "તે અત્યંત વિઘટનક્ષમ પદાર્થ છે. તેથી તમે તેને તમારા ખાતરના ડબ્બામાં મૂકી દો તો બે અઠવાડિયાં પછી એ માટી જેવું બની જાય છે."

કોમ્બુચા લેધર કુદરતી રીતે વોટરપ્રૂફ નથી. તેથી વરસાદમાં તે ઉપયોગી નથી, પરંતુ તેને નૅચરલ ઑઇલ અથવા મીણ દ્વારા બહેતર બનાવી શકાય છે.

ફૂગ અથવા બૅક્ટેરિયા જેવા સુક્ષ્મજીવાણુઓ કાપડ માટેના રંગ કેવી રીતે વિકસાવી શકે એ અંગે પણ સંશોધન થઈ રહ્યાં છે. તે પર્યાવરણને વધુ અનુકૂળ એવી રંગકામની પ્રક્રિયા હોઈ શકે છે.

દરિયાઈ શેવાળમાંથી બનતું કાપડ

કાર્બનિક પદાર્થોમાંથી બનેલા બીજા નવા કાપડ સીવીડ (દરિયાઈ શેવાળ) સાથે ઘણી બ્રાન્ડ્સે પ્રયોગ શરૂ કર્યા છે.

દરિયાઈ શેવાળને સૂકવી, પીસી અને પ્રોસેસ કરીને છોડમાંથી રેસા કાઢી શકાય છે. એ રેસાને પાછળથી કાંતવામાં આવે છે અથવા કાપડમાં વણી શકાય છે.

કેલ્પમાંથી મળતા બાયૉપૉલિમરમાંથી બનેલા રેસા – કેલ્સનમાંથી બનાવવામાં આવેલાં વસ્ત્રો સ્ટેલા મેકકાર્ટની અને એચઍન્ડએમએ તાજેતરમાં લૉન્ચ કર્યાં છે.

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધક અને ડિઝાઇનર શાર્લોટ મેકકર્ડીએ શેવાળમાંથી મેળવેલા બાયૉપૉલિમરમાંથી પારદર્શક રેઇનકોટ બનાવ્યો છે.

આ જ મટીરિયલનો ઉપયોગ ડિઝાઇનર ફિલિપ લિમના સહયોગથી બનાવવામાં આવેલા ચમકતા ડ્રેસનું સિકવન્સ તૈયાર કરવા માટે કરવામાં આવ્યું હતું.

પોલિએસ્ટર જેવા પ્લાસ્ટિક આધારિત કાપડથી વિપરીત દરિયાઈ શેવાળનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વિઘટનક્ષમ છે. તે મહાસાગરો અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક માઇક્રોપ્લાસ્ટિક્સને દૂર કરે છે.

તે પાણીની અંદર ઊગતું હોવાને કારણે કાર્બન ડાયોક્સાઇડને પણ શોષી લે છે. તેને કોઈ જંતુનાશકની જરૂર હોતી નથી અને તેને કાપડમાં પરિવર્તિત કરવા માટે વપરાતી ઉત્પાદન પ્રક્રિયા સિન્થેટિક રેસા કરતાં ઘણી ઓછી પ્રદૂષણકારક છે.

ડૉ. વુડ કહે છે, "આપણે પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદાર કેવી રીતે બની શકીએ, જેથી કચરો ઉત્પન્ન ન થાય અને સરળતાથી નિકાલ કરી શકાય તેવી વસ્તુઓ બનાવી શકીએ તેની સંભાવના ઘણી બધી ટૅક્નૉલૉજી ચકાસી રહી છે."

"ફાસ્ટ ફૅશન શેનાથી બનેલી હોય છે, એવો સવાલ તમને થતો હોય તો તેનો જવાબ એ છે કે તે મુખ્યત્વે પોલિએસ્ટર છે. તમે થોડા સમય માટે જ પહેરવાના હો અને કાયમ ટકી રહે એવી વસ્તુ તમારે શા માટે બનાવવી જોઈએ?"

(બીબીસી રેડિયો 4ના ઇનસાઇડ સાયન્સ કાર્યક્રમના એક એપિસોડ પર આધારિત)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન