You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખામેનેઈ: 11 વર્ષે મૌલવી બન્યા, દેશવટો, જેલવાસથી લઈને ઈરાનના 'સૌથી શક્તિશાળી નેતા' બનવા સુધી
- લેેખક, બીબીસી ન્યૂઝ પર્શિયન
ઊંચા ફુગાવાને કારણે શરૂ થયેલાં વિરોધ પ્રદર્શનો હવે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ અલી ખામેનેઈના ધાર્મિક શાસનને સમાપ્ત કરવાની માગણીમાં રૂપાંતરિત થઈ ગયાં છે.
ખામેનેઈએ આ દેખાવકારોને "અમેરિકાના પ્રમુખને ખુશ કરવાની" કોશિશ કરી રહેલા "ઉપદ્રવીઓના સમૂહ" તથા "ઉપદ્રવીઓ" ગણાવીને તેમની ઝાટકણી કાઢી હતી.
"તમામ લોકોને એ ખબર હોવી જોઈએ કે, ઇસ્લામી ગણતંત્ર સેંકડો હજ્જારો આદરણીય લોકોનું રક્ત વહ્યા બાદ સત્તા પર આવ્યું હતું અને તે એવા લોકોને કારણે પીછેહઠ નહીં કરે, જે આ હકીકતને નકારતા હોય," એમ 86 વર્ષના ખામેનેઈએ નવમી જાન્યુઆરી, 2026ના રોજ ટેલિવિઝન પર કરેલા એક સંબોધનમાં જણાવ્યું હતું.
પછીથી, રાષ્ટ્રીય ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવેલા સમર્થકો માટેના એક અન્ય ભાષણમાં ખામેનેઈએ દૃઢપણે પુનરોચ્ચાર કર્યો કે, "ઈરાન વિધ્વંસક તત્ત્વો સામે બાથ ભીડતાં ખચકાશે નહીં."
અયાતોલ્લાહ અલી ખામેનેઈ 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછીના દેશના બીજા સર્વોચ્ચ નેતા છે તથા તેઓ 1989થી સર્વોચ્ચ હોદ્દા પર છે.
તેઓ વિવિધ સત્તાનાં કેન્દ્રોના જટિલ વર્તુળની વચ્ચે બેસે છે. તેઓ કોઈપણ જાહેર નીતિના મામલાઓને અટકાવી શકે છે તથા જાહેર હોદ્દા માટે ચૂંટણી લડનારા ઉમેદવારોની પસંદગી કરી શકે છે.
દેશના પ્રમુખ અને ઈરાનિયન રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઈઆરજીસી) સહિત લશ્કરના કમાન્ડર-ઇન ચીફ તરીકેનો તેમનો હોદ્દો તેમને શક્તિશાળી બનાવે છે.
તેમનો જન્મ 1939માં ઈરાનના બીજા સૌથી મોટા શહેર મશહદમાં થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધાર્મિક પરિવારનાં આઠ બાળકોમાં તેઓ બીજા ક્રમે હતા. તેમના પિતા ઇસ્લામની શિયા શાખાના એક મધ્યમ સ્તરના ધર્મગુરુ હતા. શિયા ઈરાનનો મુખ્ય સંપ્રદાય છે.
તેમના શિક્ષણમાં કુરાનના અભ્યાસનું વર્ચસ્વ રહ્યું હતું અને 11 વર્ષની વયે જ તેમણે મૌલવી બનવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરી લીધી હતી.
પરંતુ, તે સમયના ઘણા ધાર્મિક નેતાઓની માફક તેમનું કામ કેવળ આધ્યાત્મિક ન રહેતાં રાજકીય પણ હતું.
પ્રભાવશાળી વક્તા એવા ખામેનેઈ ઈરાનના શાહના આલોચકો સાથે જોડાઈ ગયા.
ઈરાનના શાહને પછીથી ઇસ્લામિક ક્રાંતિ દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હતા.
વર્ષો સુધી તેઓ ભૂગર્ભમાં રહ્યા કે પછી જેલવાસ ભોગવતા રહ્યા.
શાહની ગુપ્ત પોલીસે છ વખત તેમની ધરપકડ કરી, જેમાં તેમણે ભારે યાતનાઓ અને આંતરિક દેશવટો ભોગવવાં પડ્યાં.
1979ની ઇસ્લામિક ક્રાંતિના પછીના વર્ષે અયાતોલ્લાહ રૂહોલ્લાહ ખામેનેઈએ રાજધાની તહેરાનમાં શુક્રવારની નમાઝના આગેવાન તરીકે તેમની નિમણૂક કરી.
તે પછી ખામનેઈ 1981માં પ્રમુખ તરીકે ચૂંટાયા. ત્યાર બાદ અયાતોલ્લાહ ખોમેનેઈનું 86 વર્ષની વયે નિધન થતાં ધાર્મિક આગેવાનોએ ખામેનેઈને તેમના અનુગામી બનાવ્યા.
ખામેનેઈના પુત્ર મોજતબા કેટલા શક્તિશાળી છે?
અલી ખામેનેઈ ભાગ્યે જ વિદેશ પ્રવાસ ખેડે છે અને લોકોના જણાવ્યા પ્રમાણે, તેઓ મધ્ય તહેરાનમાં તેમનાં પત્ની સાથે એક પરિસરમાં સાદું જીવન જીવે છે.
તેમને ગાર્ડનિંગનો અને કવિતા લખવાનો શોખ છે; યુવાવસ્થામાં તેઓ ધૂમ્રપાન કરતા હતા, જે ઈરાનની ધાર્મિક હસ્તીઓ માટે સામાન્ય વાત નથી. 1980ના દાયકામાં એક જીવલેણ હુમલો થયા બાદ તેઓ તેમના જમણા હાથનો ઉપયોગ કરી શકતા નથી.
ખામેનેઈ અને તેમનાં પત્ની મંસૂરેહ ખોજાસ્તેહ બાકરઝાદેહને છ સંતાનો છે - ચાર પુત્રો અને બે પુત્રીઓ.
ખામેનેઈ પરિવાર જાહેરમાં કે મીડિયામાં ઘણો ઓછો જોવા મળે છે. તેમનાં બાળકોના અંગત જીવન વિશેની સત્તાવાર અને ખરાઈ કરેલી વિગતો ઘણી જ સીમિત છે.
તેમના ચાર પુત્રો પૈકીના બીજા પુત્ર મોજતબા તેમના પ્રભાવને કારણે તેમજ તેમના પિતાના આંતરિક વર્તુળમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને કારણે સૌથી વધુ લોકપ્રિય છે.
મોજતબાએ તહેરાનની અલાવી હાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. આ શાળામાં મુખ્યત્વે ઇસ્લામિક ગણતંત્રના વરિષ્ઠ અધિકારીઓનાં બાળકો અભ્યાસ કરે છે.
મોજતબાનાં લગ્ન પ્રતિષ્ઠિત રૂઢિવાદી ગુલામ અલી હદ્દાદ-અદેલનાં પુત્રી સાથે થયાં છે.
લગ્ન થયાં, ત્યારે તેઓ ધર્મ પ્રચારક નહોતા અને તેઓ કોમમાં મદરેસામાં અભ્યાસ શરૂ કરવાનું વિચારતા હતા.
30 વર્ષની વયે તેમણે કોમ મદરેસામાં ઔપચારિક ધાર્મિક અભ્યાસ શરૂ કર્યો - જે ઈરાનની સૌથી મહત્વની શિયા મદરેસા છે.
2000ના દાયકાના મધ્ય ભાગ સુધીમાં રાજકીય વર્તુળમાં મોજતબાનો પ્રભાવ સ્પષ્ટપણે દેખાવા લાગ્યો, જોકે, માધ્યમોમાં આ વિશે વધુ વાત કરવામાં આવતી નથી.
2004માં પ્રમુખપદની વિવાદાસ્પદ ચૂંટણી પછી મોજતબા સમાચારોમાં ચમક્યા, જ્યારે એક અગ્રણી ઉમેદવાર એવા મેહદી કરૌબીએ જાહેરમાં તેમના પર મહમ્મદ અહમદીનેજાદની તરફેણ કરવા માટે હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો.
કરૌબીએ અયાતોલ્લાહ ખામેનેઈને સંબોધીને ખુલ્લા પત્રમાં આ વાત લખી હતી.
2010ના દાયકાથી મોજતબા ગણના ઇસ્લામિક ગણતંત્રની અત્યંત શક્તિશાળી વ્યક્તિઓમાં થાય છે અને કેટલાક સમાચારો એમ પણ સૂચવે છે કે, તેઓ ખામેનેઈ બાદ સર્વોચ્ચ પદ માટેના સંભવિત ઉમેદવાર છે. જોકે, અમુક સત્તાવાર સૂત્રોએ આ અહેવાલોને રદિયો આપ્યો છે.
અલી ખામેનેઈ રાજા નથી અને તેઓ તેમની સત્તા તેમના પુત્રને સોંપી શકશે નહીં, તેમ છતાં પિતાના વર્તુળમાં મોજતબા નોંધપાત્ર સત્તા ભોગવે છે, જેમાં સર્વોચ્ચ નેતાની શક્તિશાળી ઑફિસનો પણ સમાવેશ થાય છે, જે બંધારણીય એકમોને પણ પાછળ છોડી દે છે.
મુસ્તફા ખામેનેઈ પરિવારના સૌથી મોટા પુત્ર છે. તેમનાં પત્ની શક્તિશાળી રૂઢિવાદી પારંપરિક મૌલવી અઝીઝોલ્લાહ ખોશ્વાઘ્ટનાં પુત્રી છે.
મુસ્તફા અને મોજતબા, બંનેએ 1980ના દાયકામાં ઈરાન-ઈરાક યુદ્ધ વખતે અગ્રિમ મોરચામાં તૈનાત હતા.
અલી ખામેનેઈના ત્રીજા પુત્ર મસૂદનો જન્મ 1972માં થયો હતો. તેમનાં લગ્ન કોમ મદરેસાના રૂઢિવાદી શિક્ષક સંગઠનના જાણીતા ધર્મગુરુ મોહસેન ખરાઝીનાં પુત્રી તથા ભૂતપૂર્વ રાજદ્વારી મોહમ્મદ સાદેઘ ખરાઝીનાં બહેન સુસાન ખરાઝી સાથે થયાં છે.
મસૂદ ખામેનેઈ રાજકીય વર્તુળથી દૂર રહે છે અને તેમના વિશે ઘણી ઓછી જાણકારી ઉપલબ્ધ છે.
અગાઉ તેઓ તેમના પિતાનાં કાર્યો પર દેખરેખ રાખતી તથા અયાતોલ્લાહ ખામેનેઈ માટે મુખ્ય પ્રચાર સંસ્થા તરીકે કામ કરતી ઓફિસના વડા હતા. આ ઉપરાંત, તેમના પિતાના જીવનચરિત્ર અને સંસ્મરણોના સંકલનની જવાબદારી પણ તેમના શિરે હતી.
સૌથી નાના પુત્ર મેસમનો જન્મ 1977માં થયો હતો. પોતાના ત્રણ ભાઈઓની માફક તેઓ પણ મૌલવી છે.
તેમનાં પત્નીનું નામ માધ્યમોમાં પ્રગટ કરવામાં આવ્યું નથી. તેઓ 1979ની ક્રાંતિ પહેલાં ક્રાંતિકારી મૌલવીઓને નાણાંકીય સહાય કરનારા પ્રસિદ્ધ સંપત્તિવાન વેપારી મહમૂદ લોલાચિયનનાં પુત્રી છે.
મેસમ તેમના ભાઈ મસૂદ સાથે મળીને તેમના પિતાની રચનાઓના સંવર્ધન અને પ્રકાશન માટેના કાર્યાલયમાં કામ કરે છે.
ખામેનેઈની બે પુત્રી કોણ છે
ખામેનેઈની પુત્રીઓ વિશે ઘણી ઓછી માહિતી ઉપલબ્ધ છે.
બુશરા અને હોદા પરિવારનાં સૌથી નાનાં સભ્ય છે અને બંનેનો જન્મ 1979ની ક્રાંતિ બાદ થયો હતો.
બુશરાનો જન્મ 1980માં થયો હતો. તેમનાં લગ્ન ખામેનેઈની ઑફિસના ચીફ ઑફ સ્ટાફ ગુલામહુસૈન (મોહમ્મદ) મોહમ્મદી ગોલપાયગાનીના પુત્ર મોહમ્મદ-જાવેદ મોહમ્મદી ગોલપાયગાની સાથે થયાં છે.
જ્યારે ખામેનેઈનાં સંતાનોમાં સૌથી નાનાં હોદાનો જન્મ 1981માં થયો હતો.
તેમનાં લગ્ન ઇમામ સાદિક યુનિવર્સિટીમાં ભણાવનારા તથા માર્કેટિંગનો અભ્યાસ કરનારા મેસ્બાહ અલ-હોદા બાઘેરી સાથે થયાં છે.
એલેક્ઝાન્ડ્રા ફોશ અને સ્ટિફન હોક્સ દ્વારા સંપાદિત
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન