અટલ બિહારી વાજપેયીએ જ્યારે કહ્યું, 'હું કુંવારો છું, બ્રહ્મચારી નહીં'

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ચાળીસના દાયકામાં ભારતની આઝાદી માટે લડનારા મોટા ભાગના લોકો અંગત સંબંધની બાબતમાં જૂની વિચારસરણીવાળા નહોતા.

ગાંધી ખુલ્લેઆમ પોતાના બ્રહ્મચર્યના પ્રયોગ કરતા હતા. કહેવાય છે કે વિધુર હોવા છતાં નહેરુને ઍડ્વીના માઉન્ટબેટન અને પદ્મજા નાયડુ સાથે સંબંધ હતા.

સમાજવાદી નેતા રામમનોહર લોહિયા એલાનિયા રમા મિત્રાની સાથે રહેતા હતા જેમની સાથે એમણે ક્યારેય લગ્ન ન કર્યાં.

એ જ શ્રેણીમાં એક નામ અટલ બિહારી વાજપેયીનું પણ છે, જેમના જીવનમાં રાજકુમારી કૌલ માટે એક ખાસ જગ્યા હતી.

ગ્વાલિયરની વિક્ટોરિયા કૉલેજ (હવે મહારાણી લક્ષ્મીબાઈ કૉલેજ)માં અભ્યાસ દરમિયાન વાજપેયીની મુલાકાત રાજકુમારી હક્સર સાથે થઈ હતી, જેમની તરફ તેઓ આકર્ષાતા ગયા.

તાજેતરમાં પ્રકાશિત થયેલા વાજપેયીના જીવનચરિત્રનાં લેખિકા પ્રખ્યાત પત્રકાર સાગરિકા ઘોષે જણાવ્યું કે, "એ જમાનામાં બંનેનું વ્યક્તિત્વ પ્રભાવિત કરનારું હતું. રાજકુમારી હક્સર ખૂબ સુંદર હતાં, ખાસ કરીને એમની આંખો. એ દિવસોમાં ઘણી ઓછી છોકરીઓ કૉલેજમાં ભણતી હતી. વાજપેયી એમની તરફ આકર્ષાયા. રાજકુમારી પણ એમને પસંદ કરવા લાગ્યાં હતાં."

તેમણે જણાવ્યું કે, "પહેલાં એમની દોસ્તી રાજકુમારીના ભાઈ ચાંદ હક્સરની સાથે થઈ હતી. પરંતુ જ્યારે લગ્નની વાત આવી ત્યારે રાજકુમારીના પરિવારે શિંદેની છાવણીમાં રહેનારા અને આરએસએસની શાખામાં રોજ જનારા વાજપેયીને પોતાની દીકરી માટે લાયક ન સમજ્યા. રાજકુમારી હક્સરનાં લગ્ન દિલ્હીની રામજસ કૉલેજમાં દર્શનશાસ્ત્ર ભણાવતા બ્રજનારાયણ કૌલ સાથે કરી દેવામાં આવ્યું હતું."

રાજકુમારી કૌલે વાજપેયી સાથેનો પોતાનો સંબંધ સ્વીકાર્યો

અટલ બિહારી વાજપેયીના બીજા એક જીવનચરિત્રકાર કિંગશુક નાગે પોતાના પુસ્તક 'અટલ બિહારી વાજપેયી ધ મૅન ફૉર ઑલ સિઝન્સ'માં લખ્યું છે, "યુવા અટલે રાજકુમારી માટે લાઇબ્રેરીના એક પુસ્તકમાં એક પ્રેમપત્ર મૂકી દીધો હતો. પરંતુ એમને એનો જવાબ નહોતો મળ્યો. વાસ્તવમાં રાજકુમારીએ એ પત્રનો જવાબ આપ્યો હતો પરંતુ એ પત્ર વાજપેયી સુધી પહોંચ્યો નહીં."

જ્યારે વાજપેયી સાંસદ તરીકે દિલ્હી આવી ગયા ત્યારે રાજકુમારીને મળવાની એમની પરંપરા ફરી શરૂ થઈ ગઈ.

ભારતીય વિદેશ સેવાના વરિષ્ઠ અધિકારી અને અત્યારે નરેન્દ્ર મોદી મંત્રીમંડળના સદસ્ય હરદીપ પુરીની અટલ બિહારી વાજપેયી સાથેની પહેલી મુલાકાત પ્રોફેસર બ્રજનારાયણ કૌલના ઘરે થઈ હતી, જે એમના ગુરુ હતા.

એંસીના દાયકામાં એક મૅગેઝિન સાવીને અપાયેલા ઇન્ટરવ્યૂમાં રાજકુમારી કૌલે સ્વીકાર્યું હતું કે એમની અને વાજપેયી વચ્ચે પારસ્પરિક સંબંધ હતા, જેને ખૂબ ઓછા લોકો સમજી શકશે.

એ ઇન્ટરવ્યૂ અનુસાર, એમણે કહેલું, "વાજપેયી અને મારે, મારા પતિ સમક્ષ આ સંબંધ વિશે ક્યારેય ચોખવટ નથી કરવી પડી. વાજપેયી સાથે મારા અને મારા પતિના સંબંધ ખૂબ મજબૂત હતા."

વાજપેયીના સૌથી નજીકના મિત્ર અપ્પા ઘટાટેએ સાગરિકાને જણાવેલું કે, "મને નથી ખબર કે એમના સંબંધ પ્લેટોનિક હતા કે નહીં, અને ખરેખર તો એનાથી કશો ફરક નથી પડતો."

આખી દુનિયા આ સંબંધને અ-પરંપરાગત અને વિચિત્ર જરૂર માનતી હતી પરંતુ વાસ્તવમાં એ બન્ને વચ્ચે પેલી દોસ્તીનું સ્વાભાવિક વિસ્તરણ હતું જે ગ્વાલિયરમાં કૉલેજના સહાધ્યાયી તરીકે શરૂ થઈ હતી.

રાજકુમારી કૌલ પતિ સાથે વાજપેયીના ઘરે શિફ્ટ થયાં

પછીથી વાજપેયીને જ્યારે દિલ્હીમાં મોટું સરકારી ઘર મળ્યું ત્યારે રાજકુમારી કૌલ, એમના પતિ બ્રજનારાયણ કૌલ અને એમની દીકરીઓ વાજપેયીના ઘરે શિફ્ટ થયાં હતાં. એમના ઘરમાં બધાંના પોતપોતાના સૂવાના અલગ ઓરડા હતા.

સાગરિકા ઘોષે જણાવ્યું કે, "વાજપેયીના નિકટવર્તી બલબીર પુંજે એમને જણાવેલું કે જ્યારે તેઓ પહેલી વાર વાજપેયીના ઘરે ગયા ત્યારે કૌલ દંપતીને ત્યાં રહેતાં જોઈને એમને જરા વિચિત્ર લાગ્યું. પરંતુ જ્યારે એમણે જોયું કે એમના માટે આ સામાન્ય વાત છે તો એમણે પણ એ વિશે વિચારવાનું છોડી દીધું હતું."

"જ્યારે વાજપેયીના સૌથી નજીકના મિત્ર અપ્પા ઘટાટે વાજપેયીને પોતાના ઘરે જમવા બોલાવતા ત્યારે વાજપેયી, રાજકુમારી કૌલ અને બ્રજનારાયણ કૌલ, ત્રણે સાથે એમના ઘરે જતાં હતાં. બલબીર પુંજે કહ્યું કે વાજપેયી બી.એન. કૌલનો એક અધ્યાપક તરીકે ખૂબ આદર કરતા હતા. બ્રજનારાયણ કૌલે માત્ર રાજકુમારી અને વાજપેયી વચ્ચેની મૈત્રીનો સ્વીકાર જ નહોતો કર્યો બલકે તેઓ વાજપેયીને ખૂબ પસંદ કરવા લાગ્યા હતા. તેઓ ઘણી વાર પૂછતા હતા કે અટલે ખાધું કે નહીં? એમનું ભાષણ કેવું હતું? એમના ભાષણમાં જુસ્સો હતો કે નહીં?"

મિસિસ કૌલની ભલામણના કારણે કરણ થાપરને મળ્યો હતો વાજપેયીનો ઇન્ટરવ્યૂ

પ્રખ્યાત પત્રકાર કરણ થાપર એક વાર વાજપેયીના ઇન્ટરવ્યૂ માટે એમનો સંપર્ક કરવા માગતા હતા પરંતુ મેળ નહોતો પડતો.

કરણ થાપરે પોતાની આત્મકથા 'ડેવિલ્સ ઍડ્વોકેટ'માં લખ્યું છે, "મેં થાકી-હારીને વાજપેયીના રાયસિના રોડ વાળા ઘરે ફોન કર્યો. ઘણા પ્રયત્ન પછી મિસિસ કૌલ લાઇન પર આવ્યાં. જ્યારે મેં એમને મારી પરેશાની જણાવી ત્યારે એમણે કહ્યું- મને એમની સાથે વાત કરવા દો. ઇન્ટરવ્યૂ થઈ જવો જોઈએ. બીજા દિવસે વાજપેયી ઇન્ટરવ્યૂ આપવા તૈયાર થઈ ગયા. એમના પહેલા શબ્દો હતા, તમે તો હાઈ કમાન્ડ સાથે વાત કરી લીધી. હવે હું તમને ના કઈ રીતે પાડી શકું."

'કુંવારો છું, બ્રહ્મચારી નહીં'

એક કથા પ્રચલિત છે કે, સાઠના દાયકામાં મિસિસ કૌલ પોતાના પતિને છૂટાછેડા આપીને વાજપેયી સાથે લગ્ન કરવા માગતાં હતાં, પરંતુ એમની પાર્ટી અને આરએસએસનું માનવું હતું કે જો વાજપેયી એવું કરે તો એની એમની રાજકીય કરિયર પર પ્રતિકૂળ અસર પડશે.

વાજપેયીએ જીવનમાં લગ્ન કર્યું જ નહીં પરંતુ મિસિસ કૌલ એમના અંગત જીવનનો મહત્ત્વનો ભાગ હતાં.

એક કાર્યક્રમ દરમિયાન વાજપેયીએ સ્વીકાર્યું હતું કે, "હું કુંવારો છું, બ્રહ્મચારી નહીં."

વાજપેયીના જીવનચરિત્ર 'હાર નહીં માનૂંગા'માં વિજય ત્રિવેદીએ લખ્યું છે કે, "બેવડા માપદંડોવાળા રાજકારણમાં આ વણલખી પ્રેમકથા લગભગ પચાસ વર્ષ સુધી ચાલી અને એને છુપાવવામાં ન આવી. પરંતુ એને કોઈ નામ પણ ન મળ્યું. હિન્દુસ્તાનના રાજકારણમાં કદાચ પહેલાં ક્યારેય નહીં બન્યું હોય કે વડા પ્રધાનના સરકારી આવાસમાં એક એવી વ્યક્તિ રહેતી હોય જેમને પ્રોટોકૉલમાં કોઈ સ્થાન ન અપાયું હોય, પરંતુ જેમની હાજરી બધાને મંજૂર હોય."

આરએસએસે એક પરિણીત મહિલા સાથે વાજપેયીના સંબંધોને ક્યારેય માન્ય ન કર્યા.

પરંતુ તેઓ એમનું કશું બગાડી પણ ના શક્યા, કેમ કે ચૂંટણીલક્ષી રાજકારણમાં તેઓ એમના સૌથી મોટા પોસ્ટર બૉય હતા, જેમનામાં ભીડ ભેગી કરવાની ક્ષમતા હતી.

વાજપેયી અને મિસિસ કૌલના સંબંધ પર ગુલઝારે લખેલું ખામોશી ફિલ્મનું પેલું ગીત બિલકુલ સચોટ લાગુ પડે છે-

"हमने देखी है उन आंखों की महकती ख़ुशबू

हाथ से छूके इसे रिश्तों का इल्ज़ाम न दो

सिर्फ़ एहसास है ये रूह से महसूस करो

प्यार को प्यार ही रहने दो कोई नाम न दो"

મિસિસ કૌલનું અવસાન થયું ત્યારે સોનિયા ગાંધીએ શોક પ્રગટ કર્યો

ઈ.સ. 2014માં 86 વર્ષની ઉંમરે જ્યારે રાજકુમારી કૌલનું અવસાન થયું ત્યારે એમના અવસાન અંગે પ્રસારિત થયેલી પ્રેસ રિલીઝમાં કહેવાયું હતું કે મિસિસ કૌલ પૂર્વ વડા પ્રધાન વાજપેયીના પરિવારનાં સભ્ય હતાં.

ઇન્ડિયન એક્સપ્રેસે એમને વાજપેયીનાં સૌથી 'અજાણ્યાં અધર હાફ' ગણાવ્યાં.

જોકે, એ વખતે ચૂંટણીપ્રચાર એની ચરમસીમાએ હતો પરંતુ સોનિયા ગાંધીએ ચૂપચાપ વાજપેયીના નિવાસે જઈને એમના અવસાન અંગે પોતાની લાગણી પ્રકટ કરી હતી.

એમના અંતિમસંસ્કારમાં માત્ર ભાજપના શીર્ષસ્થ નેતા લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ, સુષમા સ્વરાજ અને અરુણ જેટલી જ ઉપસ્થિત નહોતાં, બલકે આરએસએસે પણ પોતાના બે વરિષ્ઠ પ્રતિનિધિઓ સુરેશ સોની અને રામલાલને ત્યાં મોકલ્યા હતા.

2009 પછી ગંભીર રીતે બીમાર પડેલા અટલ બિહારી વાજપેયી રાજકુમારીના અંતિમસંસ્કારમાં જોડાઈ શક્યા નહોતા.

પછીથી કિંગશુક નાગે લખ્યું કે, "રાજકુમારી કૌલના દેહાવસાનની સાથે ભારતીય રાજકારણની સૌથી મોટી પ્રેમકથા હંમેશ માટે પૂરી થઈ ગઈ. ઘણા દાયકા સુધી આ પ્રેમકથા ચાલી પરંતુ ઘણા લોકો એનાથી અજાણ્યા જ રહ્યા."

વાજપેયીની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખતાં હતાં મિસિસ કૌલ

વાજપેયી હંમેશાં રાજકુમારીને મિસિસ કૌલ કહીને બોલાવતા હતા. વાજપેયીનું ઘર તેઓ જ ચલાવતાં હતાં. એમના જમવાની, દવાની અને રોજિંદી જરૂરિયાતોની જવાબદારી મિસિસ કૌલની હતી.

એક વાર અટલ બિહારી વાજપેયીએ યાદ કર્યું હતું કે, જ્યારે તેઓ રાજેન્દ્રપ્રસાદ રોડ પર રહેતા હતા ત્યારે મિસિસ કૌલ એમના ઘરે આવ્યાં હતાં.

"તેઓ એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં કે વાજપેયી કપડાં ધોવાના સાબુનો ઉપયોગ નહાવા માટે કરી રહ્યા હતા."

સાગરિકા ઘોષે એક કિસ્સો કહ્યો, "બલબીર પુંજે એમને જણાવેલું કે એક વાર જ્યારે તેઓ વાજપેયીના ઘરે ગયા ત્યારે મિસિસ કૌલ ઘરે નહોતાં. ટેબલ પર વાજપેયી માટે ભોજન મુકાયેલું હતું, કોરી રોટલીઓ અને એક શાક. ખાવાનું જોઈને વાજપેયીએ મોં બગાડ્યું અને જાતે રસોડામાં જઈને શુદ્ધ ઘીમાં પૂરીઓ તળવા લાગ્યા."

"જ્યારે મિસિસ કૌલ પાછાં આવ્યાં ત્યારે એમણે ટેબલ પર રાખેલી પૂરીઓ જોઈ. તેઓ નારાજ થઈ ગયાં અને વાજપેયીને કહ્યું- આ શું છે? તમે તેલવાળી પૂરીઓ ખાઓ છો? તમે શુદ્ધ ઘીની પૂરી કઈ રીતે ખાઈ શકો? વાજપેયી, જેમણે ખાવાનું હજુ શરૂ નહોતું કર્યું, ચિડાઈને જવાબ આપ્યો હતો- તમે તો મને અશુદ્ધ ખાવાનું આપવાનું નક્કી કરી બેઠાં છો."

વાજપેયીની ઉમા શર્મા સાથે મૈત્રી

વાજપેયીને સુંદર મહિલાઓનો સાથ ખૂબ ગમતો હતો. એમનાં મહિલામિત્રોમાં પ્રખ્યાત કથ્થક નૃત્યાંગના ઉમા શર્મા પણ હતાં.

જ્યારે સાગરિકા ઘોષે ઉમા શર્માને વાજપેયી સાથેના એમના સંબંધ વિશે સવાલ પૂછ્યો ત્યારે એમણે જવાબ આપ્યો કે, "વાજપેયી મારું નૃત્ય પસંદ કરતા હતા. તેઓ ઘણી વાર મારા શોમાં આવતા હતા. અમારી વચ્ચે હસી-મજાક ચાલતાં રહેતાં. તેઓ કલાપ્રેમી હતા. અમે બંને ગ્લાવિયર ધૌલપુર વિસ્તારનાં હતાં. એક વાર જ્યારે મેં હરિવંશરાય બચ્ચનની કવિતા મધુશાલા અને ગોપાલદાસ નીરજની કવિતા પર નૃત્ય કર્યું ત્યારે વાજપેયીએ મને કહેલું કે- 'અમારા પર પણ ક્યારેક કૃપા કરજો, ઉમાજી.' ત્યારે મેં એમની કવિતા 'મૃત્યુ સે ઠન ગઈ' પર નૃત્ય કર્યું હતું."

સાગરિકા ઘોષે જણાવ્યું કે, "2001માં ઉમા શર્માને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં. સમારંભ પછીની ટી પાર્ટીમાં તેઓ ઘણી વાર સુધી સોનિયા ગાંધી સાથે વાત કરતાં રહ્યાં. એ દરમિયાન વાજપેયી એમને સતત જોઈ રહ્યા હતા. જ્યારે તેઓ વાજપેયીની પાસે ગયાં ત્યારે એમણે એમને ટોણો માર્યો, ઉમાજી, પરાયા સાથે વાતો કરો છો અને અમારી પાસેથી પદ્મ ભૂષણ લો છો."

ખાવા-પીવાના શોખીન હતા વાજપેયી

પોતાના પ્રારંભિક જીવનમાં વાજપેયી વાઇન અને સ્કૉચના શોખીન હતા. તેમને ગ્લાવિયરનો ચેવડો, ચાંદની ચોકની જલેબી અને લખનૌની ચાટ તથા ઠંડાઈ ગમતાં હતાં.

એમના પસંદગીના ખોરાકમાં રસગુલ્લાં, ચિકન, ખીર, ખીચડી અને તળેલા ઝીંગા તથા માછલી હતાં.

ઘણી વાર તેઓ દિલ્હીના શાહજહાં રોડ પર યુપીએસસીની ઑફિસ નજીક ચાટ ખાવા જતા હતા.

જ્યૉર્જ ફર્નાન્ડિઝ જ્યારે સુરક્ષામંત્રી હતા ત્યારે તેઓ દરેક ક્રિસમસે બૅંગ્લોર (આજનું બૅંગલુરુ)ની બેકરી 'કોશીઝ'માંથી, ખાસ કરીને વાજપેયી માટે, કેક મંગાવતા હતા. કનૉટ પ્લેસના ઇન્ડિયન હાઉસમાં વાજપેયી ઘણી વાર ઢોંસા ખાધા બાદ કોલ્ડ કૉફી પીતા જોવા મળતા હતા.

એમને ચાઇનીઝ ખાવાનું એટલું બધું ગમતું કે 1979માં વિદેશમંત્રી તરીકે ચીન જતાં પહેલાં એમણે ઘણા દિવસો સુધી ચૉપ સ્ટિકથી ખાવાનો અભ્યાસ કર્યો હતો.

વિજય ત્રિવેદીએ વાજપેયીના જીવનચરિત્રમાં લખ્યું છે કે, "પ્રકાશ જાવડેકરે મને જણાવેલું કે વાજપેયીને ઠંડી કોકાકોલા બહુ ગમતી હતી. એક વાર જાવડેકરે વાજપેયીને પૂછેલું કે આટલું ઠંડું પીવાથી તમારું ગળું નથી બેસી જતું? તો, વાજપેયીએ પોતાના અંદાજમાં જવાબ આપ્યો હતો, 'રીંગણ ખૂબ ખાવાં પડે છે.'"

વડા પ્રધાન કાર્યાલયમાં સચિવ રહેલા એન.કે. સિંહે પોતાની આત્મકથા 'પોર્ટરેટ ઑફ પાવર હાફ અ સેન્ચુરી ઑફ બીંગ એટ રિંગસાઇડ'માં લખ્યું છે કે, "એક વાર વાજપેયીના ઘરે રાતના જમવાના સમય સુધી બેઠક લંબાઈ ગઈ. એમણે અમારી સામે જોઈને કહ્યું, 'મારે તો પરેજીવાળો ખોરાક ખાવો પડે છે, પરંતુ આ લોકોનું શું થશે?'"

"એમણે પોતાના પરિવારજનોને કહ્યું કે આમના માટે ભોજનની વ્યવસ્થા કરો. તરત જ અમારા માટે ખૂબ સરસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી."

વાજપેયીની દિનચર્યા

વાજપેયી જ્યારે વડા પ્રધાન બની ગયા ત્યારે સવારે સાડા છ વાગ્યે જાગી જતા હતા. જાગતાંની સાથે જ તેઓ મધ અને લીંબુવાળા ગરમ પાણીનો એક ગ્લાસ પીતા હતા.

ત્યાર બાદ આઠ વાગ્યા સુધી તેઓ છાપાં વાંચતા હતા. આઠથી સાડા આઠ વાગ્યા સુધી કાં તો તેઓ ટ્રેડમિલ પર વૉક કરતા હતા અથવા તો પોતાનાં પાલતું કૂતરાં બબલી ને લૉલી સાથે વૉક પર જતા હતા.

નાસ્તામાં તેઓ એક ઈંડાની ઑમ્લેટ, ટોસ્ટ કે ઈડલી ખાતા હતા. સાથે પપૈયું, દ્રાક્ષ, તરબૂચ અને નારંગી રહેતાં હતાં.

સાગરિકા ઘોષે જણાવ્યું કે, "વાજપેયી બપોરનું ભોજન દોઢ વાગ્યે જમતા હતા. બપોરના ભોજનમાં શાક, રોટલી અને રાયતું રહેતાં. ત્યાર બાદ તેઓ ખીર ખાતા હતા અથવા ગુલાબજાંબુ. જમ્યા બાદ ચાર વાગ્યા સુધી તેઓ આરામ કરતા હતા."

"ત્યાર પછી એમના દિવસનો બીજો ભાગ શરૂ થતો હતો જે રાતના સાડા આઠ વાગ્યા સુધી ચાલતો. પાંચ વાગ્યે કૉકટેલ સમોસાં, કાજુ કે પાપડી ચાટની સાથે ચા અપાતી હતી. રાતના ભોજનમાં તેઓ હળવો વેજિટેબલ સૂપ, ચાઇનીઝ રીતે પકવેલા ઝીંગા કે ચિકન ખાતા હતા. ગળ્યામાં કાં તો કુલ્ફી રહેતી કાં આઈસક્રીમ."

ડૉક્ટરોની સલાહને કારણે દારૂ પીવાનું છોડ્યું

પોતાની શરૂઆતની કરિયરમાં પોતાના મિત્ર જસવંતસિંહની જેમ વાજપેયી ખૂબ દારૂ પીતા હતા. પરંતુ પોતાના જીવનનાં અંતિમ વર્ષોમાં, ખાસ કરીને વડા પ્રધાન બન્યા પછી, વાજપેયીએ દારૂ પીવાનું બંધ કરી દીધું હતું.

ડૉક્ટરોએ એમની બીમારીઓ અને ઘૂંટણની દરદને જોતાં એમના દારૂ પીવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

સાગરિકા ઘોષે જણાવ્યું કે, "પવન વર્માએ એમને જણાવેલું કે એક વાર સાઇપ્રસ-પ્રવાસ દરમિયાન, જ્યાં એ દિવસોમાં તેઓ રાજદૂત હતા ત્યારે, એમણે વાજપેયી માટે ત્યાંની એક પ્રખ્યાત રેસ્ટોરાંમાં ભોજનનો પ્રબંધ કર્યો હતો. વર્માએ વાજપેયીને કહ્યું કે માહોલ સારો છે, તમે જરા થોડું ડ્રિન્ક કેમ નથી લેતા? વાજપેયીની આંખોમાં ચમક આવી ગઈ, પરંતુ એ જ સમયે એસપીજીના અધિકારી જી.ટી. લેપચાએ આગળ આવીને કહ્યું, 'નો ડ્રિન્ક પ્લીઝ. ઓન્લી સ્પ્રાઇટ.' વાજપેયીએ પોતાના મનના ભાવ દબાવીને પોતાને રોકી લીધા."

મંદિર અને ધાર્મિક કાર્યક્રમોથી દૂર હતા વાજપેયી

વાજપેયીના સચિવ રહેલા શક્તિ સિન્હાએ એક વાર મને જણાવેલું કે તેઓ પ્રૅક્ટિસિંગ હિન્દુ નહોતા.

સાગરિકા ઘોષે જણાવ્યું કે, "તેઓ મંદિરે નહોતા જતા અને આ પુસ્તક લખવા માટે કરેલી શોધમાં મને કોઈ પુરાવા નથી મળ્યા કે દરરોજ પૂજા કરવી એ એમના રોજિંદા જીવનનો ભાગ હતો. 1995માં જ્યારે સમાચાર ફેલાયા કે ગણેશની મૂર્તિઓ દૂધ પી રહી છે ત્યારે વાજપેયીએ એની મજાક ઉડાવી હતી. એમના મિત્ર ઘટાટેએ મને જણાવેલું કે એમને કોઈની સાથે કશી ધાર્મિક દુશ્મની નહોતી. લાંબા અરસા સુધી એમના ડ્રાઇવર રહેલા મુજીબ મુસલમાન હતા."

"ઈ.સ. 1980માં જ્યારે પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત અબ્દુલ સત્તાર એમના માટે રાષ્ટ્રપતિ ઝિયા ઉલ હક્ક તરફથી પઠાણી ડ્રેસની ભેટ લાવેલા ત્યારે એમણે ખૂબ શોખથી એને પહેર્યો હતો. જ્યારે ઘણા લોકોએ એની ટીકા કરી તો વાજપેયીએ જવાબ આપેલો કે- 'હું દેશનો ગુલામ છું, વેશનો નહીં.' શિયા નેતા મૌલાના કલ્બે સાદિક પણ કહેતા રહેતા કે વાજપેયીએ ક્યારેય હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે કોઈ ભેદ નથી રાખ્યો. પોતાની આખી કરિયર દરમિયાન પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવાને એમણે હંમેશાં પ્રાધાન્ય આપ્યું."

સમાવેશી નેતા હતા અટલ બિહારી વાજપેયી

એક દક્ષિણપંથી પાર્ટીના સભ્ય હોવા છતાં પણ કૉમ્યુનિસ્ટ નેતા હિરેન મુખર્જી, ભૂપેશ ગુપ્તા અને ઇન્દ્રજિત ગુપ્તા વાજપેયીના નજીકના મિત્રો હતા.

એમને નજીકથી ઓળખનારાઓમાં સી. એન. અન્નાદુરાઈ, કરુણાનિધિ ઉપરાંત કૉંગ્રેસના પૂર્વ વડા પ્રધાન નરસિમ્હા રાવ પણ હતા જેમને તેઓ પોતાના ગુરુ માનતા હતા.

પ્રખ્યાત પત્રકાર વિનોદ મહેતાએ પોતાની આત્મકથા 'લખનૌ બૉય'માં લખ્યું છે, "હું વ્યક્તિગત રીતે મોટા ભાગના રાજનેતાઓને પસંદ નથી કરતો, પરંતુ વાજપેયી એવા કેટલાક લોકોમાંથી હતા જેમને હું પસંદ કરતો હતો. આ બાબતમાં હું પ્રખ્યાત ન્યાયવિદ્ ફલી નરીમાન સાથે સંપૂર્ણ સંમત છું. જેઓ કહેતા હતા કે, 'ડિસપાઇટ હિઝ ઇનકન્સિસ્ટન્સિસ આઈ લાઇક ધ ઓલ્ડ મૅન.' (તેમની અસંગતતાઓ હોવા છતાં હું એ ઘરડા વ્યક્તિને પસંદ કરું છું.)"

એમનું આકલન કરતાં સાગરિકા ઘોષે જણાવ્યું કે, "નૈતિકતાવાદી અને શિસ્તબદ્ધ સંઘ પરિવારમાં વાજપેયી માંસ ખાતા હોય અને દારૂ પીતા હોય તેવા અ-પરંપરાવાદી હતા. એમના સૌથી નજીકના મિત્ર બ્રજેશ મિશ્રા અને જસવંતસિંહ હતા, જેમને સંઘ પરિવાર સાથે ક્યાંય કશી લેવાદેવા નહોતી. વાજપેયીના વ્યક્તિત્વનાં અનેક સ્તર અને વિરોધાભાસ હતાં, પરંતુ એક વસ્તુ એમનામાં હંમેશાં એમ જ રહી, એ હતી ભારત પર પોતાની છાપ છોડી જવાની મહત્ત્વાકાંક્ષા."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો