નીરો રોમ સળગી રહ્યું હતું ત્યારે ખરેખર વાંસળી વગાડી રહ્યો હતો? -ઇતિહાસના એક ક્રૂર શાસકની કહાણી

"રોમ ભડકે બળી રહ્યું હતું, ત્યારે નીરો મોજથી વાંસળી વગાડતો હતો."

રોમન સમ્રાટ નીરો વિશેની આ કહેવત જગપ્રસિદ્ધ બની ગઈ છે. નીરોએ જ રોમને સળગાવ્યું હતું એવો આરોપ લાગ્યો હતો અને કહેવાય છે કે તેણે જાણી જાઈને આગ લગાવી હતી.

નીરોને ઇતિહાસનો એવા ક્રૂર શાસક ગણવામાં આવે છે, જેણે માતા, સાવકા ભાઈઓ અને પત્નીઓની પણ હત્યા કરાવી નાખી હતી અને રાજ દરબારમાં રહેલા કિન્નરો સાથે લગ્ન કર્યા હતા.

ઈસવીસન 54માં માત્ર 16 વર્ષની વયે નીરો તેમનાં માતાના પ્રયાસોનો કારણ સમ્રાટ બની ગયો હતો. તે વખતે સામ્રાજ્યની સરહદો સ્પેનથી લઈને બ્રિટન અને પૂર્વમાં સિરીયા સુધી ફેલાયેલી હતી.

સિંહાસન કબજે કરવા માગતાં અગ્રિપીના (નીરોનાં માતા)એ રાજ ખટપટ કરીને, મહેલમાં કાવતરા કરીને નીરોને ગાદીએ બેસાડ્યો હતો. અગ્રિપીનાએ પહેલાં તો પોતાના 'અંકલ', સમ્રાટ ક્લૉડિયસ સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ સમ્રાટની પુત્રી સાથે નીરોનાં લગ્ન કરાવી દીધાં.

આ રીતે તે શાહી પરિવારનો સભ્ય પણ બની ગયો અને રાજાનો ઉત્તારાધિકારી પણ. તે વખતે રાજાનો પણ પોતાનો એક પુત્ર હતો.

એવો દાવો કરવામાં આવે છે કે અગ્રિપીનાએ ઝેરી 'મશરૂમ' ભોજનમાં આપીને સમ્રાટ ક્લૉડિયસની હત્યા કરી હતી. જોકે આ વાત કેટલી સાચી તેની કોઈ ખરાઈ થઈ શકી નથી.

નીરોએ માતાની હત્યા કરી નાખી

નીરોએ સત્તા સંભાળી ત્યારે માતા અગ્રિપીના સૌથી નીકટનાં સલાહકાર હતાં. એટલું જ નહીં રોમન સિક્કામાં નીરોની સાથે તેમની છબિ પણ છપાતી હતી.

જોકે ગાદીએ બેઠા પછી પાંચ વર્ષ બાદ નીરોએ માતાની જ હત્યા કરી નાખી. નીરો હવે પોતાના એકલા હાથે સત્તા ભોગવવા માગતો હતો.

નીરોએ માતાની હત્યા કરવાનો પ્રયાસ પ્રથમ વાર કર્યો ત્યારે સફળતા મળી નહોતી. તે પછી સમુદ્રકિનારે એક કાર્યક્રમ યોજાયો અને તેમાં નીરોએ માતાને આમંત્રણ આપ્યું. માતા અને અન્યોને જહાજમાં સવાર કરાયાં, જે જહાજને ડૂબાડી દેવાનું કાવતરું હતું.

જોકે આ પ્રયત્નમાં અગ્રિપીના બચી ગયાં. તે પછી નીરોએ માતા પર જ પોતાની સામે બગાવત કરવાનો આરોપ મૂક્યો અને માણસો મોકલીને તેમની હત્યા કરી દેવાઈ.

નીરોએ માતાની હત્યા શા માટે કરાવી?

પ્રાચીની રોમનાં જાણકાર પ્રોફેસર મારિયા વિએકે બીબીસી રેડિયોના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે "નીરોની માતા બહુ જોહુકમી ચલાવતી હતી. એક સ્રોત અનુસાર તે પુત્રને પણ કાબૂમાં રાખવાની કોશિશ કરી હતી. તેમાં એટલી હદે આગળ વધી ગઈ કે તેની સાથે યૌન સંબંધ બનાવવાનો પણ છોછ રાખ્યો નહીં."

જોકે નીરો અને તેની માતા વચ્ચે યૌન સંબંધ હોવાનું કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી, પરંતુ સ્રોત અનુસાર નીરોએ હત્યા માટે માણસો મોકલ્યા ત્યારે અગ્રિપીનાએ પોતાનું પેટ બતાવ્યું હતું અને કહ્યું કે અહીં ચાકૂ મારો, કેમ કે નીરોનું પાપ અહીં પોષાઈ રહ્યું છે.

મારિયાનાં જણાવ્યા અનુસાર નીરોએ નાનપણથી જ સત્તા માટેના ખેલ જોયા હતા અને તેની ઊંડી અસર તેના સ્વભાવ પર પડી હતી.

રોમન સામ્રાજ્યમાં સત્તા માટે લગ્નો અને હત્યા

નીરો સમજદાર થયો તે વખતે રામમાં કેવો માહોલ હતો તે વિશે વાત કરતાં મારિયા વિએકે કહ્યું કે "આ વાત પ્રથમ સદીની છે, જ્યારે રોમન સામ્રાજ્ય યુરોપમાં બ્રિટનથી લઈને એશિયામાં સીરિયા સુધી ફેલાયેલું હતું."

"આ વિશાળ સામ્રાજ્ય હતું, પણ અસ્થિર હતું અને એક સ્વતંત્ર પ્રમુખ અને સેનેટની મદદથી વહીવટ ચાલતો હતો. રોમન સામ્રાજ્યના પ્રથમ સમ્રાટ ઑગસ્ટસે સત્તા પર રહેવા લોકો વચ્ચે બરાબરી રહી તે માટેનો એક વિચાર મુક્યો હતો.

રોમના પ્રથમ સમ્રાટ ઑગસ્ટસ સીઝરે જે વ્યવસ્થા શરૂ કરી, તે વ્યવસ્થા હેઠળ જૂલિયસ ક્લૉડિયસ સીઝર પરિવારના હાથમાં જ સત્તા રહે તેમ ઇચ્છતા હતા.

તેના કારણે સત્તા કબજે કરવા માટે પરિવારના લોકો વચ્ચે જ ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી.

સીઝર પરિવારમાં જ સત્તા ટકી રહે તે માટે અંદરોઅંદર લગ્નો, બાળકોને દત્તક લેવા, છૂટાછેડા લેવા, દેશનિકાલ કે હદપાર કરવા વગેરેનું દૂષણ વધી ગયું હતું. પ્રતિદ્વંદીને હઠાવવા માટે બધી જ રીતરસમ અપનાવામાં આવતી હતી.

રોમન સામ્રાજ્યના બીજા સમ્રાટ ટિબેરિયસના શાસનકાળ વખતે નીરોનાં દાદીને જેલમાં નાખવામાં આવ્યાં હતાં.

ત્રીજા સમ્રાટના શાસનકાળ વખતે નીરોનાં માતાને હદપાર કરવામાં આવ્યાં હતાં. ક્લૉડિયસના શાસનકાળ વખતે નીરોનાં માતા ફરી રોમ આવી શક્યાં. સમ્રાટ તેના 'અંકલ' પણ થતા હતા તેની સાથે જ તેમણે લગ્ન કરી લીધાં. તે રીતે તે રાજમહેલમાં શાહી પરિવારમાં સ્થાન પણ મેળવી લીધું.

નીરોનાં વ્યક્તિત્વ અને ચરિત્ર વિશેના બીબીસીના એક રેડિયો કાર્યક્રમમાં ભાગ લેનારા સાઉથેમ્પ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર સુષમા મલિકના જણાવ્યા અનુસાર રોમન સામ્રાજ્યના ચોથા સમ્રાટ ક્લૉડિયસે ઈસવીસન 41થી 54 સુધી શાસન કર્યું હતું.

પોતાના શાસનકાળના અંતિમ દિવસોમાં ક્લૉડિયસ પત્નીઓ પર નિર્ભર થઈ ગયા હતા. તેમાં નીરોનાં માતા અગ્રિપીના પણ હતાં.

સુષમા મલિકના જણાવ્યા અનુસાર આ પત્નીઓમાં 'એક બહુ બદનામ મહિલા' મુસલીના પણ હતી.

તેના વિશે ઇતિહાસના પુસ્તકોમાં લખાયું છે કે મુસલીનાએ ક્લૉડિયસની આસપાસના માણસોને પોતાની જાળમાં લઈ લીધા હતા.

એવું પણ કહેવાય છે કે "પોતાના પદની પરવા કર્યા વિના વાસના સંતોષવા માગતા સેનેટરો સાથે પણ તેને સંબંધ હતો". ક્લૉડિયસ પર તેમનો ભારે પ્રભાવ હતો તેવું ઇતિહાસમાં લખાયું છે.

નીરો અને ક્લૉડિયસના સમયકાળની તુલના કરતા સુષમા મલિક કહે છે કે નીરોના પ્રારંભ કાળમાં તેની આસપાસ કેટલાક સારા માણસો હતા.

તેમાં સેનેકા અને ઍફ્રેકસ નામના પ્રીફેક્ટનો પણ સમાવેશ થાય છે. સેનેકા એક વિચારક હતા અને નીરોના ભાષણો લખી આપતા હતા.

નીરોએ પત્નીઓની હત્યા કરાવી

નીરો પોતાનાં પત્ની ઑક્ટોવિયાથી તંગ આવી ગયો તે પછી તેમને હદપાર કરી દીધાં. તેમની હત્યાનો આદેશ આપી દીધો હતો.

તે પછી પોપિયા સાથે નીરોને પ્રેમ થયો હતો અને તેમની સાથે લગ્ન કર્યાં. પોપિયા ગર્ભવતી હતાં તે દરમિયાન કોઈ કારણસર નીરોને તેમના પર ગુસ્સો આવ્યો તો તેમની પણ હત્યા કરાવી નાખી.

નીરોના શાસનનાં પ્રથમ પાંચ વર્ષો રોમના લોકો માટે સુવર્ણ યુગ જેવા ગણાયા હતા.

પ્રાચીન રોમમાં સેનેટ, વ્યવસ્થાતંત્ર અને સલાહકાર મંડળ હતું. નીરોએ રોમન સેનેટને મજબૂત બનાવી, રોમન સેનાને પોતાની સાથે રાખી અને તેને સંતુષ્ટ રાખી, રમતગમતની સ્પર્ધાઓ અને કાર્યક્રમોનું આયોજન કરીને પ્રજામાં લોકપ્રિયતા મેળવી.

જોકે આ પ્રારંભિક સફળતા પછી નીરોના બાકીના શાસનકાળમાં ભયંકર હિંસા અને બર્બરતાનો દોર ચાલ્યો હતો.

નીરોની આવી રીતોને કારણે તે ઇતિહાસ અને સાહિત્યમાં બૂરાઈ, દુષ્ટતાનું પ્રતીક બનીને રહી ગયો છે.

પ્રોફેસર સુષમા મલિકના જણાવ્યા અનુસાર સત્તાના શરૂઆતના દિવસોમાં નીરોએ સેનેટને ખાતરી આપી હતી કે ક્લૉડિયસના સમયમાં સેનેટની ઉપેક્ષા થતી હતી તેવું નહીં થાય. રાજવહીવટમાં આ સંસ્થાને મહત્ત્વ આપવામાં આવશે.

નીરોએ એવી પણ ખાતરી આપી હતી કે રોમન સેના 'પ્રિટોરિયન ગાર્ડ'ને સમયસર પગાર મળી જશે. આ પ્રારંભિક દિવસોમાં નીરોએ વહીવટની મોટા ભાગની બાબતો સેનેટ પર છોડી દીધી હતી.

નીરોએ એવું પણ સમજાવવાની કોશિશ કરી કે "બળવાખોરીના મુકદ્દમા" બંધ કરી દેવામાં આવે.

તે વખતે સેનેટના સભ્યો એક બીજાને પાડી દેવા માટે બળવાખોરીના આક્ષેપો એક બીજા પર મૂકી દેતા હતા.

સુષમા મલિકનાં જણાવ્યા અનુસાર પ્રારંભિક દિવસોમાં નીરોએ સેનેટનો વિશ્વાસ જીતવાની કોશિશ કરી હતી અને તેમને ખાતરી આપવા કોશિશ કરી હતી કે તે રોમનો સારો શાસક સાબિત થશે.

સુષમા મલિકનાં જણાવ્યા અનુસાર આ સાથે નીરોએ રોમના લોકોને પણ ખુશ કરવાની રીતો અજમાવી.

ઈસવીસન 54માં રમતગમતની સ્પર્ધાઓનું મોટા પાયે આયોજન કરાવ્યું. આ ખેલકૂદમાં મનોરંજન માટે બહુ વસ્તુઓ રાખવામાં આવી હતી. તેમાં સર્કસ વગેરેને પણ ખાસ જોડવામાં આવ્યા હતા.

બ્રિટનની સેન્ટ જૉન્સ કૉલેજ યુનિવર્સિટીના પ્રોફેસર મેથ્યૂ નિકોલસ ઐતિહાસિક સંદર્ભો સાથે જણાવે છે કે નીરોના પ્રારંભિક શાસનકાળને રોમનો સુવર્ણ યુગ કહેવામાં આવતો હતો.

અત્યારે પણ જે રીતે શાસકો સત્તા પર આવ્યા પછી લોકપ્રિય થવા માટે અમુક નિર્ણયો લેતા હોય છે તે રીતે નીરોએ પણ લોકો વચ્ચે પોતાની લોકપ્રિયતા વધારી હતી. પરંતુ પછી ધીમેધીમે આ શાસકોની રીતભાતને કારણે લોકપ્રિયતા ખતમ થવા લાગતી હોય છે.

મેથ્યૂના જણાવ્યા અનુસાર નીરોની લોકપ્રિયતા જોકે ઘણા અંશે તેના અંતિમ દિવસો સુધી જળવાઈ રહી હતી.

નીરોએ શાસનકાળ વખતે જે સમસ્યાઓનો સામનો કર્યો તેની વાત કરતાં મેથ્યૂ કહે છે કે તે જુલિયસ ક્લૉડિયસ રાજવંશનો પાંચમો અને છેલ્લો સમ્રાટ હતો.

મેથ્યૂના જણાવ્યા અનુસાર, નીરો ગાદીએ બેઠો ત્યારે બહુ સમસ્યાઓ હતી. જાહેર વહીવટી તંત્ર સ્થિરતાથી ચાલતું હતું, પરંતુ સત્તા કબજે કરવા માટે રાજ પરિવારમાં ભારે ખટપટ ચાલી રહી હતી.

કાવતરાં ચાલી રહ્યાં હતાં. સેનેટમાં વગદાર વર્ગના લોકો બેઠા હતા, તેમને પણ રાજી રાખવા જરૂરી હતા.

પ્રાંતમાં ગવર્નર હોય તેની પાસે પોતાની સેના પણ હોય. આ ઉપરાંત રોમની પ્રજાને પણ ખુશ રાખવી પડે, જેમને રમતગમત અને મેળાવડામાં ભારે દિલચસ્પી હતી.

મેથ્યૂનું કહેવું છે કે નીરોએ તે બધા વચ્ચે સંતુલન સાધી રાખવાનું હતું અને તેમને રાજી રાખવા પડે તેમ હતા.

નીરોને હાથમાં સામ્રાજ્ય આવ્યું અને સામ્રાજ્ય તેણે છોડ્યું તે વચ્ચે ઘણો મોટો ફેર નહોતો?

એ વાત સાથે સહમત થતા મેથ્યૂ કહે છે કે સામ્રાજ્ય સતત પોતાનો વિસ્તાર કરવા માગતું હતું. નીરોના સમયમાં સામ્રાજ્ય ફેલાયું તો નહીં, પરંતુ તેને સ્થિર રાખવા માટે પણ મોટો પડકાર હતો.

બીજું કે નવા પ્રદેશો પર જીત ના મળી હોય તેના કારણે નજરાણું મળતું હોય તેમાં પણ વધારો થતો નહોતો. તેના કારણે સ્થિરતા જાળવી રાખવી મુશ્કેલ બની ગઈ હતી.

રોમ ભડકે બળી રહ્યું હતું ત્યારે નીરો ખરેખર વાંસળી વગાડી રહ્યો હતો?

ઈસવીસન 64માં રોમમાં મોટી આગ લાગી હતી.

અફવા એવી હતી કે સમ્રાટ નીરોએ પોતે જ આગ લગાવી હતી. બાદમાં એવી કહેતી પડી ગઈ કે રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો વાંસળી વગાડતો હતો.

આગની ઘટના વિશે ઇતિહાસકાર સુષમા મલિકનું કહેવું છે કે બીજી અને ત્રીજી શતાબ્દીના કમસે કમ બે ઇતિહાસકારોએ એ વાતની પુષ્ટિ કરી છે કે નીરોએ જાતે જે રોમને સળગાવ્યું હતું.

નગરનું ફરીથી નિર્માણ કરવા માટે આવું કરાયું હતું. નીરો પોતાના મશહૂર ગોલ્ડન હાઉસનું નિર્માણ કરવા માગતો હતો.

જોકે કેટલાક ઇતિહાસકારો કહે છે કે આ આગ મહેલના બાંધકામ પહેલાં નહોતી લાગી, કેમ કે આગમાં તેનો મહેલ પણ ખાખ થઈ ગયો હતો.

સુષમા મલિકનાં જણાવ્યા અનુસાર એ વખતના અન્ય એક ઇતિહાસકાર ટેસિટસે લખ્યું છે કે નીરોએ પોતે શહેરમાં આગ લગાવી હતી તે માત્ર એક અફવા હતી.

"એ હાસ્યાસ્પદ લાગે છે કે નીરોએ પોતે આવું કર્યું હોય. નીરોએ બાદમાં શહેરનું નિર્માણ વધારે સારી રીતે કર્યું હતું. પહોળા રસ્તા બનાવ્યા જેથી આગ ઝડપથી ના પ્રસરે અને આગ બીજી વાર ના લાગે તે પ્રકારની બાંધકામ સામગ્રી વાપરવામાં આવી."

મેથ્યૂના જણાવ્યા અનુસાર બે ઐતિહાસિક સ્રોતમાં એવું કહેવાયું છે કે નીરોએ પોતે જ નગરમાં આગ લગાવી હતી. તેમના જણાવ્યા અનુસાર નગરમાં આગ પ્રસરી રહી હતી ત્યારે નીરો ખાસ વેશભૂષાથી સજ્જ થઈને ગાવા લાગ્યો હતો.

એ વાત કેટલી સાચી કે રોમ ભડકે હતું ત્યારે નીરો વાંસળી વગાડતો હતો?

એ વિશે મેથ્યૂ કહે છે કે વાંસળીની શોધ સાતમી સદીમાં થઈ હતી અને નીરોના યુગમાં વાંસળી ઉપલબ્ધ નહોતી.

એવું પણ કહેવાય છે કે નીરો કોઈ વાદ્ય વગાડી રહ્યો હતો ખરો, પણ તે વાંસળી નહીં લાયર હતું.

ખ્રિસ્તી સમુદાય પર આગ લગાડવાનો આરોપ

નીરોએ આગ લગાવ્યાનો આરોપ લઘુમતી ખ્રિસ્તી સમુદાય પર મૂકી દીધો હતો.

સુષમા મલિકનું કહેવું છે કે ટેસિટસે લખ્યું છે કે તે સમયે રોમમાં ખ્રિસ્તી સમુદાયના લોકોની સંખ્યા ઘણી ઓછી હતી.

સામાન્ય લોકોમાં પણ ખ્રિસ્તીઓની ધાર્મિક માન્યતાઓ વિશે બહુ ઓછી જાણકારી હતી. તેમના માટે નફરતની લાગણી પણ હતી.

તેના કારણે ખ્રિસ્તીઓ પર આરોપ મૂકી દેવાનું સહેલું હતું, કેમ કે સામાન્ય જનતા તરત તેને માની પણ લે એમ હતી.

નીરોએ આગ લગાવ્યા બદલ ખ્રિસ્તી સમુદાયના લોકો પર જુલમ શરૂ કરી દીધો હતો.

ખ્રિસ્તીઓને જાહેરમાં ફાંસી આપી દેવામાં આવી. કેટલાકને જંગલી ભૂંડો સામે ફેંકી દેવાયા. રાત્રે તેમને જીવતા સળગાવી દેવાયા. લોકોને એકઠા કરીને હત્યાકાંડ કરવામાં આવતા હતા.

નીરોનો અધૂરો મહેલ઼

આગ લાગી તે પછી નીરોએ ભવ્ય મહેલનું નિર્માણ શરૂ કર્યું હતું. એવું કહેવાય છે કે તેમાં એક "ગોલ્ડન રૂમ" હતો, જેમાં શાનદાર ફર્નિચર હતું. કમરો સુગંધિત રહે તે માટે દીવાલોની અંદર અત્તરના પાઇપ લગાવાયેલા હતા.

આ મહેલના બાંધકામ પાછળ જંગી ખર્ચ થયો હતો. જોકે તેનું બાંધકામ ક્યારેય પૂરું થઈ શક્યું નહીં.

એક તરફ આગને કારણે નગર રાખના ઢગલાં પર પડેલું હતું ત્યારે આ રીતે મહેલનું નિર્માણ લોકોને પસંદ પડ્યું નહોતું. તેના કારણે એવું કહેવાયું હતું કે આ મહેલ પણ જનતા માટે ખુલ્લો રાખવામાં આવશે અને તેમાં ખેલકૂદ અને સમારોહનું આયોજન પણ કરાશે.

નીરોને લાયર વગાડવાનો અને ગાવાનો પણ શોખ હતો. નીરોએ તખતા પર અભિનય પણ કર્યો હતો.

જોકે સેનેટના લોકોને લાગતું હતું કે રોમન નેતા માટે આ શોભાસ્પદ નથી. પરંતુ નીરોને કોઈના અભિપ્રાયની પડી નહોતી.

તે એક વર્ષ માટે ગ્રીસ જતો રહ્યો હતો અને ત્યાં થિયેટરોમાં અભિનયની સ્પર્ધામાં ભાગ પણ લીધો.

એવું કહેવાય છે કે નીરો સ્ટેજ પર કોઈ દર્દનાક કહાણી રજૂ કરવાનો હોય અને તેણે નાયિકાની ભૂમિકા કરવાની હોય ત્યારે બીજી પત્ની પોપિયાનો મુખવટો પહેરતો હતો.

તેના દ્વારા તે એવું જાહેર કરવા માગતો હતો કે તેને પોપિયાની હત્યા થઈ તેનું દુખ અને અપરાધભાવ છે.

'જનતાના દુશ્મન'નું નાટકીય મોત

નીરો 30 વર્ષનો થયો ત્યાં સુધીમાં તેનો વિરોધ વધવા લાગ્યો હતો અને તે બદનામ થવા લાગ્યો હતો.

સેનાનો ટેકો લઈને સેનેટે નીરોને "જનતાનો દુશ્મન" જાહેર કરી દીધો. આ એક રીતે તેના મોતનું જ ફરમાન હતું. તેનો અર્થ એ થયો કે હવે નીરો હાથમાં આવે ત્યારે તેને ખતમ કરી દેવાશે.

સૈનિકો હવે નીરોને શોધવા લાગ્યા એટલે તે રાતના અંધેરામાં ભાગીને શહેરની બહાર આવેલા પોતાના એક મહેલમાં જતો રહ્યો અને બાદમાં આત્મહત્યા કરી લીધી.

એવું કહેવાય છે કે નીરોએ આત્મહત્યા કરી લીધી, અને તેના છેલ્લા શબ્દો હતા 'ક્કાલિસ આર્ટિફેક્સ પેરિયો'.

જાણકારો કહે છે કે નીરોના છેલ્લા શબ્દોનો ચોક્કસ અર્થ કાઢવો મુશ્કેલ છે, પરંતુ તેના કેટલાક અર્થો નીચે પ્રમાણેના નીકળી શકે છે:

"હું મારા મૃત્યુમાં પણ એક કલાકાર છું"

"આ કોણ કલાકાર છે જે મારી સાથે મરી રહ્યો છે?"

"હું એક વેપારીની જેમ મરી રહ્યો છું."

નીરોના આ અંતિમ શબ્દોનો જે પણ અર્થ નીકળતો હોય, તેના વ્યક્તિત્વની જેમ તેના અંતિમ શબ્દો તેના જીવનની જેમ જ નાટકીય હતા.

(આ લેખ બીબીસી રેડિયો 4ના કાર્યક્રમ 'ઇન અવર ટાઇમ'માં, નીરો પર રજૂ થયેલા કાર્યક્રમ પર આધારિત છે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો