You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતે બાંગ્લાદેશથી રાજદ્વારીઓના પરિવારોને પાછા બોલાવી લીધા તો ઢાકાએ આ પ્રતિક્રિયા આપી
- લેેખક, શુભજ્યોતિ ઘોષ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતે બાંગ્લાદેશને 'નોન ફેમિલી' રાજદ્વારી પૉસ્ટિંગ સ્થળ તરીકે સૂચિબદ્ધ કરવાનો નિર્ણય લીધો હોવાનું બીબીસીને જાણવા મળ્યું છે.
એ નિર્ણયનો અર્થ એવો થાય કે બાંગ્લાદેશમાં તૈનાત ભારતીય રાજદ્વારીઓ અને અધિકારીઓ હવેથી તેમના જીવનસાથી કે બાળકોને તેમની સાથે લાવી શકશે નહીં.
ભારતીય વિદેશ મંત્રાલયે અત્યાર સુધીમાં ઈરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને સાઉથ સુદાન જેવા કેટલાક દેશોમાં જ નોન ફેમિલી વર્ગીકરણ લાગુ કરવામાં આવ્યું હતું.
તાજેતરના આ નિર્ણય સાથે બાંગ્લાદેશને પણ એવા દેશોની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. બીબીસીને મળેલી માહિતી અનુસાર, આ નિર્ણય પહેલી જાન્યુઆરીથી અમલમાં મૂકવામાં આવ્યો છે.
બાંગ્લાદેશમાં તૈનાત ભારતીય અધિકારીઓને જણાવી દેવામાં આવ્યું છે કે તેમના જીવનસાથી અને બાળકોએ આઠમી જાન્યુઆરી સુધીમાં ભારત પરત ફરવાનું રહેશે.
જે અધિકારીઓના સંતાનો સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમને વધારે સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો.
તેના પરિણામે ગયા ગુરુવાર એટલે કે 15 જાન્યુઆરી સુધીમાં ઢાકા, ચટગાંવ, ખુલના, સિલહટ અને રાજશાહી ખાતેના ભારતીય મિશનમાં તૈનાત અધિકારીઓના પરિવારોએ અત્યંત ઓછા સમયની નોટિસ પર ભારત પાછા ફરવું પડ્યું છે.
આ નિર્ણય બાબતે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ સાર્વજનિક જાહેરાત કરવામાં આવી નથી.જોકે, સાઉથ બ્લૉકનાં અનેક સૂત્રોએ બીબીસી સાથેની વાતચીતમાં આ નિર્ણયની પુષ્ટિ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ગુપ્ત બાતમીને આધારે કર્યો હશે નિર્ણય'
બાંગ્લાદેશણાં ભારતના ભૂતપૂર્વ હાઈ કમિશનર પિનાક રંજન ચક્રવર્તીનું માનવું છે કે બાંગ્લાદેશમાં ફેબ્રુઆરીમાં યોજનારી સામાન્ય ચૂંટણી પહેલાં સલામતીની સ્થિતિ વધારે વણસવાની આશંકાને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરિસ્થિતિ વણસે તો હાઈ કમિશનના કર્મચારીઓના પરિવારો પર જોખમ સર્જાઈ શકે છે.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "ચૂંટણી પહેલાં આવો નિર્ણય કરવો કોઈ અસામાન્ય બાબત હોય એવું મને નથી લાગતું. ભારતીય નાગરિકો કે રાજદ્વારી કર્મચારીઓના પરિવારોને નિશાન બનાવીને હિંસા આચરવામાં આવે એવી કોઈ ગુપ્ત માહિતી ભારત પાસે જરૂર હશે. આ કારણસર બાંગ્લાદેશને નોન ફેમિલી પૉસ્ટિંગ સ્થળ જાહેર કરવામાં આવ્યું છે."
તેમણે ઉમેર્યું હતું, "એ ઉપરાંત અવામી લીગ જેવા મોટા રાજકીય પક્ષને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવતી નથી અને આ નિર્ણય બાબતે મોટો વિવાદ પણ સર્જાયો છે. આ પરિસ્થિતિમાં ચૂંટણી પહેલાં કે પછી હિંસાની આશંકાનો ઈનકાર કરી શકાય નહીં."
અલબત, ચક્રવર્તી માને છે કે આ નિર્ણય અસ્થાયી હશે.
તેમના જણાવ્યા મુજબ, ચૂંટણી પછી કોઈ રાજકીય સરકાર સત્તા પર આવે અને પરિસ્થિતિ સ્થિર થાય પછી આ નિર્ણયની સમીક્ષા કરી શકાય છે અને અધિકારીઓને તેમના પરિવાર સાથે ફરીથી બાંગ્લાદેશમાં રહેવાની પરવાનગી મળી શકે છે.
નોંધપાત્ર વાત એ છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એકમેકના રાજદ્વારી અધિકારીઓની સલામતી બાબતે છેલ્લા કેટલાક સમયથી તણાવ સર્જાયો છે. આ મુદ્દો બન્ને દેશો દ્વારા એકમેકના હાઈ કમિશનરોને વિદેશ મંત્રાલયમાં બોલાવવા સુધી પહોંચી ગયો છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ પરના કથિત અત્યાચારના વિરોધમાં ગત 20 ડિસેમ્બરે મોડી રાતે પ્રદર્શન કરી રહેલા લોકોનું એક જૂથ કથિત રીતે દિલ્હીમાંના બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર રિયાઝ હામિદુલ્લાના નિવાસસ્થાનની બહુ નજીક પહોંચી ગયું હતું.
એ વિરોધ પ્રદર્શનકર્તાઓએ બાંગ્લાદેશ વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને હાઈ કમિશનરને કથિત રીતે ધમકી પણ આપી હતી.
એ પછી બાંગ્લાદેશના વિદેશી મામલાઓના સલાહકાર તૌહીદ હુસેને જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનકર્તાઓને ચાણક્યપુરી જેવા વ્યાપક સલામત રાજદ્વારી ક્ષેત્રમાં વિરોધ પ્રદર્શનની પરવાનગી આપવામાં આવી હોવાને કારણે જ તેઓ હાઈ કમિશનરના આવાસની "અત્યંત નજીક" પહોંચી શક્યા હતા.
તેમના નિવેદનને, એ વિરોધપ્રદર્શનને ભારતનું સંભવિત સમર્થન હોવાનો ઈશારો માનવામાં આવ્યું હતું.
ભારતીય વિદેશ મંત્રાલયે તે આરોપને ફગાવી દીધો હતો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન બહાર પાડીને, બાંગ્લાદેશી હાઈ કમિશનરની સલામતીમાં ગાબડું પાડવાના દાવાને નિરાધાર ગણાવ્યો હતો.
'વધારે પડતી પ્રતિક્રિયા આપી'
એ ઘટનાના એક સપ્તાહમાં જ ભારતે બાંગ્લાદેશને નોન ફેમિલી રાજદ્વારી પૉસ્ટિંગ સ્થળની કૅટેગરીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો.
ઢાકામાં ઓછામાં ઓછા બે કાર્યકાળ પૂર્ણ કરી ચૂકેલાં એક અન્ય ભૂતપૂર્વ વરિષ્ઠ ભારતીય રાજદ્વારીએ જણાવ્યું હતું કે તેમને આ નિર્ણયથી કોઈ આશ્ચર્ય થયું નથી.
તેમના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ ઘણાં વર્ષોથી અમેરિકન રાજદ્વારીઓ માટે પણ નોન ફેમિલી પૉસ્ટિંગ સ્થળ બની રહ્યું છે.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "2016માં ઢાકામાં હોલી આર્ટિસન બેકરી પર થયેલા આતંકવાદી હુમલા પછી બાંગ્લાદેશમાં તૈનાત અમેરિકન રાજદ્વારીઓને તેમના પતિ કે પત્ની અને સંતાનોને સાથે લાવવાની છૂટ આપવામાં આવતી ન હતી. મને ખબર છે કે એ પૈકીના ઘણા લોકોએ તે નિર્ણય બદલાવવાના ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ એ નિર્ણય અફર રહ્યો હતો."
તેમણે ઉમેર્યું હતું, "અમેરિકાનો એ નિર્ણય લગભગ એક દાયકાથી અમલમાં છે. એ દૃષ્ટિએ જોઈએ તો આપણે તો હમણાં આ નિર્ણય અમલી બનાવ્યો છે."
ભારતના નિર્ણય બાબતે બીબીસી સંવાદદાતા ઈશાદ્રિતા લાહિડી સાથે વાત કરતાં બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર તૌહિદ હુસેને કહ્યું હતું, "અમે ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત નથી કરી શકતા તેના કોઈ પુરાવા નથી. કેકેઆરે મુસ્તફિજુરને ખરીદ્યો હતો. તે કોઈ રાજકીય નેતા નથી અને ભારતે સ્વીકાર્યું હતું કે તેઓ તેની સલામતી સુનિશ્ચિત કરી શકે તેમ નથી. આવું ન થયું હોત તો સારું થાત."
તેમણે એમ પણ કહ્યું હતું, "ભારત બાંગ્લાદેશને પાકિસ્તાનવાળી શ્રેણીમાં રાખે છે કે નહીં એ તેનો નિર્ણય છે. આ ખેદજનક છે એ દેખીતું છે, પરંતુ તેમના નિર્ણયને હું પલટાવી શકું તેમ નથી. તેમને એવું લાગતું હોય કે તેઓ અહીં સલામત નથી તો ભલે તેઓ એવું કરે. તેમણે સુરક્ષાની કમીનો સામનો કરવો પડ્યો હોય એવી કોઈ ઘટના બની નથી."
તેમણે ઉમેર્યું હતું, "છેલ્લા 40 વર્ષમાં અલગ-અલગ ભૂમિકામાં ભારત સાથેના મારા અનુભવના સંદર્ભમાં કહું તો ભારતે આ મામલે જરૂરથી વધારે પ્રતિક્રિયા આપી છે. મને ભારત પાસેથી વધારે સંતુલિત પ્રતિભાવની આશા હતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન