You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનઃ જ્યારે ચાર જ દિવસમાં અમેરિકા અને બ્રિટને સરકાર ઊથલાવી દીધી, શાહ પણ કાવતરામાં કેવી રીતે સંડોવાયેલા હતા?
- લેેખક, વકાર મુસ્તફા
- પદ, પત્રકાર તથા સંશોધનકર્તા
ઈરાનની રાજધાની તહેરાનના વાતાવરણમાં વ્યગ્રતા છવાઈ ગઈ હતી. કોઈ મોટી ઘટના ઘટવાની હતી.
મધરાતે, સૈનિકો ભરેલી એક ટ્રક વડા પ્રધાનની ધરપકડ કરવા રવાના થઈ હતી, પણ આગોતરી માહિતી મળી જતાં સતર્ક થઈ ગયેલા વડા પ્રધાનના વફાદાર અધિકારીઓએ તે સૈનિકોને ઝડપી લીધા હતા.
તેમ છતાં, આવું લાંબો સમય નહોતું ચાલવાનું. સત્તાપલટાના આ કાવતરાંનાં મૂળ ઘણાં ઊંડાં હતાં.
આ વાત ઈરાનમાં તાજેતરમાં ઊઠેલા વિરોધની નહીં, બલ્કે 15મી ઑગસ્ટ, 1953ની રાતની છે, જ્યારે ઈરાનના વડા પ્રધાન મહમ્મદ મુસદ્દિકની સત્તા ઉખાડી ફેંકવાનું કાવતરું ઘડાયું હતું, જેમાં અમેરિકા તથા બ્રિટન ઉપરાંત ખુદ ઈરાનના શાહ પણ સંડોવાયેલા હતા.
માત્ર ચાર દિવસ બાદ મહમ્મદ મુસદ્દિક આ ષડયંત્રનો શિકાર બન્યા અને તેમની સરકાર ઊથલાઈ ગઈ.
તાજેતરનાં વિરોધ પ્રદર્શનો દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલાં નિવેદનોએ ફરી વખત ભૂતકાળની તે કાર્યવાહીની યાદો તાજી કરી દીધી છે.
આ તરફ, ઈરાને પણ અમેરિકાને દેશના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાથી દૂર રહેવાની ચેતવણી આપી છે.
યાદ રહે કે, 2013ના વર્ષમાં સીઆઈએ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકારવામાં આવ્યું હતું કે, 1953માં મુસદ્દિક સરકારને ઊથલાવી પાડવામાં સીઆઈએએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દસ્તાવેજોના અમુક ભાગમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકાની વિદેશ નીતિના ભાગરૂપે સીઆઈએની સૂચના પર ઈરાનમાં લશ્કરી તખ્તપલટો કરવામાં આવ્યો હતો.
આ સ્થિતિમાં 73 વર્ષ પહેલાં અમેરિકા અને બ્રિટને ઈરાનની તત્કાલીન સરકારને ઊથલાવી દીધી, તે સમયનો ઘટનાક્રમ રજૂ કરવાનો બીબીસીએ પ્રયાસ કર્યો છે, પણ સવાલ એ છે કે, આમ કરવા પાછળનું મુખ્ય કારણ શું હતું?
બ્રિટન અને ઈરાની તેલ
વાતની શરૂઆત થાય છે, 1908માં ઈરાનમાં તેલની શોધ થઈ, ત્યારથી.
ઈરાની કાજાર શાસક સાથેની એક સમજૂતી હેઠળ બ્રિટન એંગ્લો-પર્શિયન ઑઇલ કંપની મારફત તેલની આવકનો 80 ટકા કરતાં પણ વધુ હસ્સો કબ્જે કરતું હતું, જ્યારે ઈરાનને તેનાં ખુદનાં આ કુદરતી સંસાધનોમાંથી માત્ર 10થી 12 ટકા હિસ્સો જ મળવા પામતો હતો.
રઝા શાહે 1925માં કાજાર શાસક અહમદ શાહને હટાવીને પહલવી રાજવંશની સ્થાપના કરી હતી. તેઓ 1941 સુધી ઈરાનના શાહ રહ્યા. ત્યાર બાદ તેમને દૂર કરીને તેમના પુત્ર મહમ્મદ રઝા પહેલવીને સત્તાનું સુકાન સોંપવામાં આવ્યું.
વૂલ્ફગૅંગ કે. ક્રેસિને યુનિવર્સિટી ઑફ ટેક્સાસ માટે એક સંશોધન કર્યું હતું.
તેમાં માલૂમ પડ્યું હતું કે, 1940ના દાયકાના અંતમાં બ્રિટિશ ઑઇલ કંપની વિરુદ્ધ લોકોનો રોષ વધવા માંડ્યો હતો.
અમેરિકન પત્રકાર સ્ટિફન કિન્ઝરે તેમના પુસ્તક 'ઑલ ધ શાહ્ઝ મેન'માં લખ્યું હતું કે, ઈરાને વિદેશી નિયંત્રણ ઘટાડવા માટે કંપનીનું ઑડિટ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
પરંતુ જ્યારે કંપનીએ ઈરાનની સરકારને સહકાર આપવાનો નનૈયો ભણી દીધો, ત્યારે 1951માં ઈરાનની સંસદે ઑઇલ ઉદ્યોગના રાષ્ટ્રીયકરણના પક્ષમાં મતદાન કર્યું અને આ કાયદાના મુખ્ય સમર્થક ડૉક્ટર મહમ્મદ મુસદ્દિકને વડા પ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા.
એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકાના જણાવ્યા પ્રમાણે, જ્યારે બ્રિટને જોયું કે, તેનાં હિતો જોખમાઈ રહ્યાં છે, ત્યારે તેણે મહમ્મદ મુસદ્દિકની સરકારને નબળી પાડવાનું અને અસ્થિર કરવાનું ગુપ્ત અભિયાન આદર્યું.
એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકાના જણાવ્યા પ્રમાણે, "શરૂઆતમાં બ્રિટિશ સરકારે સંસદીય આદેશ થકી મુસદ્દિકને પદ પરથી હટાવવા માટે મનાવવાની કોશિશ કરી, પણ આ ચાલ નિષ્ફળ નીવડી એટલું જ નહીં, ઊલટું, મુસદ્દિકની લોકપ્રિયતા વધી અને શાહનો દબદબો ઘટી ગયો.
"વિદ્રોહ થકી સરકાર ઊથલાવવા માટે બ્રિટને સઘળી જવાબદારી એકલપંડે ઉઠાવવાનું જોખમ ન ખેડીને અમેરિકાને સાથે રાખવાનો પ્રયત્ન કર્યો અને શીત યુદ્ધના જોખમને વેગ આપ્યો."
"એવી વાતો ફેલાવી કે, મુસદ્દિક ઈરાની કમ્યુનિસ્ટ પાર્ટીની નિકટ જઈ રહ્યા છે, જ્યારે વાસ્તવમાં તેઓ સામ્યવાદનો ખુલ્લેઆમ વિરોધ કરતા હતા."
મહમ્મદ મુસદ્દિક વિરુદ્ધ બ્રિટન અને અમેરિકાનું ગઠબંધન
મહમ્મદ મુસદ્દિકે આંતરરાષ્ટ્રીય મામલાઓમાં અત્યંત સક્રિય નીતિ અપનાવી હતી. તેમની નીતિ એટલી સક્રિય રહી કે, હજ્જારો માઇલ દૂર આવેલા દેશોનાં મંત્રાલયોમાં મોડી રાત સુધી કામ ચાલુ રહેતું.
લોકો તેમના પર ઓવારી ગયા હતા. અમેરિકાના જગવિખ્યાત 'ટાઇમ' મેગેઝિને મહમ્મદ મુસદ્દિકને 1951ના વર્ષના 'મૅન ઑફ દ યર' જાહેર કર્યા હતા.
પરંતુ, કિન્ઝરના મતાનુસાર, મુસદ્દિકને કઠોર વલણ ધરાવનારા ગણીને બ્રિટિશ સરકારના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ તથા અમેરિકન પ્રમુખ આઇઝનહોવરની સરકારે 1953ના પ્રારંભમાં તેમની સરકાર ઊથલાવવાનો નિર્ણય કર્યો.
અમેરિકાએ આ કાર્યવાહીને 'ઑપરેશન એજેક્સ' નામ આપ્યું, જ્યારે બ્રિટને તેને 'ઑપરેશન બૂટ' નામ આપ્યું.
ન્યૂ યૉર્ક ટાઇમ્સના લેખક જેમ્સ રાઇઝને ઈરાની સ્થાપત્યકળાના નિષ્ણાત તથા સત્તાપલટાની યોજના ઘડનારા લોકોમાં સામેલ ડૉક્ટર ડોનાલ્ડ એન. વિલ્બરને ટાંકતાં લખ્યું હતું કે, માર્ચ, 1953માં સીઆઈએના તહેરાન સ્ટેશને જણાવ્યું હતું કે, ઈરાની જનરલે સૈન્યની આગેવાનીમાં સત્તાપલટાના સમર્થન માટે અમેરિકન દૂતાવાસનો સંપર્ક સાધ્યો હતો.
જુલિયન બોર્જરે ગાર્ડિયનમાં બ્રિટિશ ગુપ્તચર સંસ્થા એમઆઈ-6ના ઈરાની સ્ટેશન પ્રમુખ નૉર્મન ડર્બિશાયરના ઇન્ટરવ્યૂને ટાંકીને લખ્યું હતું કે, તેમણે બળવાનું નેતૃત્વ કરવા માટે શાહના સમર્થક જનરલ ફઝલુલ્લાહ ઝાહિદીની નિમણૂક કરી હતી, જેથી તેઓ કોઈક રીતે મુસદ્દિકના સ્થાને વડા પ્રધાનપદે ગોઠવાઈ શકે.
વિલ્બરના પુસ્તક 'ક્લેન્ડસ્ટાઈન સર્વિસ હિસ્ટ્રીઃ ઓવરથ્રો ઓફ પ્રિમીયર મુસદ્દિક - નવેમ્બર, 1952 ટુ ઓગસ્ટ, 1953'માં જણાવવામાં આવ્યું છે કે, સીઆઈએના ડિરેક્ટર ઍલન ડબલ્યૂ. ડલેસે ચોથી એપ્રિલના રોજ દસ લાખ ડોલરની મંજૂરી આપતાં કહ્યું કે, આ રકમ "મુસદ્દિકને ખતમ કરી શકાય, તેવો કોઈપણ ઉપાય અજમાવવા માટે વાપરી શકાય છે."
વિલ્બરે લખ્યું હતું કે, યોજના પ્રમાણે, શાહે મુખ્ય ભૂમિકા ભજવવાની હતી, પરંતુ સંસ્થાના અધિકારીઓએ યુવાન શાહ વિશે એજન્સીના અધિકારીઓને લખ્યું કે, તેઓ "સ્વભાવથી દ્વિધાનો શિકાર હતા, અનિશ્ચિત આશંકાઓ અને ભયથી ઘેરાયેલા હતા."
તેઓ ઘણી વખત તેમના પરિવાર, ખાસ કરીને તેમનાં શક્તિશાળી અને કાવતરાંખોર જોડકાં બહેન રાજકુમારી અશરફ સાથે અસંમત રહેતા હતા.
વધુમાં, સીઆઈએના શબ્દોમાં કહીએ તો, શાહને બ્રિટિશ કાવતરાંઓથી 'અતિશય ડર' લાગતો હતો, જે સંયુક્ત કાર્યવાહી આડેનો સંભવિત અવરોધ હતો.
ઓક્ટોબર, 1952માં મુસદ્દિકે બ્રિટન સાથે સંબંધ તોડીને બ્રિટનના રાજદ્વારીઓ અને ગુપ્તચરોને હાંકી કાઢ્યા. તેના કારણે ડર્બિશાયરની પ્રવૃત્તિ કામચલાઉ ધોરણે અટકી પડી. તેમણે તેમની ક્રાંતિકારી યોજનાઓ બૈરૂતમાં સીઆઈએને સોંપી દીધી.
'ખચકાટ અનુભવતા શાહ'ને સમજાવવાના પ્રયાસો
શાહ ખચકાઈ રહ્યા હતા અને અમેરિકન પ્રમુખ આઇઝનહોવરે હજી સુધી આખરી મંજૂરી ન આપી હોવા છતાં યોજના આગળ ધપી રહી હતી.
જૂનમાં અમેરિકા અને બ્રિટનના ગુપ્તચર અધિકારીઓએ બૈરૂતમાં રણનીતિને આખરી સ્વરૂપ આપ્યું.
તેના ટૂંક સમય બાદ જ સીઆઈએના નીયર ઈસ્ટ અને આફ્રિકા ડિવિઝનના વડા તથા થિયોડોર રૂઝવેલ્ટના પૌત્ર કરમિટ રૂઝવેલ્ટ કાર્યવાહીનું સુકાન સંભાળવા માટે તહેરાન આવી પહોંચ્યા.
પ્રમુખ આઇઝનહોવરે આખરે 11મી જુલાઈના રોજ યોજના પર મંજૂરીની મહોર મારી.
હવે, પ્લાન અનુસાર, સીઆઈએએ જાહેર અશાંતિને ઉગ્ર બનાવવાની હતી અને જ્યારે દેશમાં અરાજકતા વધવા માંડે, ત્યારે શાહ મક્કમ રહીને ડૉક્ટર મુસદ્દિકને પદભ્રષ્ટ કરવાનું અને જનરલ ઝાહિદીની વડા પ્રધાન તરીકે નિમણૂક કરવાનું શાહી ફરમાન જારી કરે, એવી યોજના હતી.
લગભગ તે જ સમયે સીઆઈએના અધિકારી સ્ટિફન મિડ અને બ્રિટનના ગુપ્તચર અધિકારી ડર્બિશાયર ફ્રેન્ચ રિવેરા ખાતે રાજકુમારી અશરફ પહેલવીને મળ્યા અને તેમને સમજાવ્યાં કે, તેઓ ઈરાન પરત જાય અને તેમના ભાઈને નક્કી કરેલી યોજના અનુસાર કામગીરી કરવા માટે મનાવે.
ડર્બીશાયરે કહ્યું હતું કે, "અમે સમજાવ્યું કે, અમે તમામ ખર્ચ ઊઠાવીશું અને જ્યારે મેં તગડી રકમ નીકાળી, ત્યારે તેમની આંખો ચમકી ઊઠી."
વિલ્બરના જણાવ્યા પ્રમાણે, અણગમતી રાજકુમારીના પરત આવવાથી મુસદ્દિકનું સમર્થન કરતાં વર્તુળોમાં વિરોધનું વાવાઝોડું ફૂંકાયું.
શાહ એ વાતથી ભારે નારાજ હતા કે, તેમનાં બહેન તેમની પરવાનગી વિના પરત આવ્યાં હતાં અને શરૂઆતમાં તો તેમણે બહેનને મળવાનો પણ ઇનકાર કરી દીધો.
જોકે, 29મી જુલાઈના રોજ મહેલના એક કર્મચારી (ગુપ્તચર ઈતિહાસ અનુસાર, તે કર્મચારી એક બ્રિટિશ એજન્ટ હતા)એ અશરફને શાહને મળવા માટેની તજવીજ કરી આપી. ભાઈ-બહેન વચ્ચે શું વાત થઈ, તે આજ સુધી જાણવા મળ્યું નથી.
વળી, એજન્સી તેનું પ્રચાર-પ્રસાર અભિયાન પણ વેગવાન બનાવી રહી હતી. એક અગ્રણી અખબારના માલિકને અંદાજે 45,000 ડૉલરની પર્સનલ લોન આપવામાં આવી હતી."
"તે પાછળ એવો તર્ક હતો કે, "આમ કરવાથી તેનું અખબાર અમારો આશય પૂરો કરવા માટે તૈયાર થઈ જશે."
પરંતુ, શાહે તેમની જીદ પકડી રાખી અને મુસદ્દિકને બરતરફ કરવાના અને તેમના સ્થાને જનરલ ઝિહાદિની નિમણૂક કરવાના સીઆઈએ દ્વારા તૈયાર કરવામાં આવેલા ફરમાનો પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરી દીધો.
આ દરમિયાન, પોતાની સામે ચાલી રહેલાં કાવતરાંને પામી જઈને ડૉક્ટર મુસદ્દિકે સંસદનું વિસર્જન કરવા માટે રાષ્ટ્રીય રફેરેન્ડમ જાહેર કરીને પોતાની સત્તા મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો.
10મી ઑગસ્ટ સુધીમાં શાહ જનરલ ઝાહિદી તથા આ યોજનામાં સામેલ અન્ય કેટલાક લશ્કરી અધિકારીઓને મળવા માટે તૈયાર થયા.
તેમ છતાં, તેઓ ફરમાન પર સહી ન કરવાના નિર્ણય પર અડગ રહ્યા.
જેથી, સીઆઈએએ રશીદયાનને મોકલ્યા, જેથી તેઓ શાહને સંદેશો મોકલે કે, જો થોડા દિવસોમાં પગલાં ભરવામાં નહીં આવે, તો રૂઝવેલ્ટ ભારે નારાજગી સાથે વિદાય લેશે.
આખરે, 13મી ઑગસ્ટના રોજ શાહે ફરમાનો પર હસ્તાક્ષર કર્યા.
તેઓ લશ્કરની આગેવાની હેઠળ સત્તાપલટાનું સમર્થન કરશે, એવા સમાચાર જનરલ ઝાહિદીના વફાદાર લશ્કરી અધિકારીઓમાં આગની માફક ફેલાઈ ગયા.
ઈરાનમાં બળવો કેવી રીતે થયો
બળવો 15મી ઑગસ્ટની રાત્રે શરૂ થયો, પરંતુ એક વાતોડિયા ઈરાની સૈન્ય અધિકારીએ બફાટ કરી દેતાં સમગ્ર મીશન ઉઘાડું પડી ગયું અને કાવતરાંની વિગતો ડૉક્ટર મુસદ્દિક સુધી પહોંચી ગઈ.
ગુપ્તચર ઇતિહાસ પ્રમાણે, ડૉક્ટર મુસદ્દિકના ચીફ ઑફ સ્ટાફ જનરલ તકી રિયાહીને બળવો શરૂ થવાના ગણતરીના કલાકો પહેલાં જ માહિતી મળી ગઈ અને તેમણે તેમના ડેપ્યુટીને રોયલ ગાર્ડની બૅરેકમાં મોકલી દીધા.
ડેપ્યુટીની ત્યાં જ ધરપકડ થઈ ગઈ. આ બરાબર એ જ સમયે થયું, જ્યારે શાહ તરફી સૈનિકો સમગ્ર શહેરમાંથી અન્ય વરિષ્ઠ અધિકારીઓની ધરપકડ કરી રહ્યા હતા, સૈન્ય અને સરકારી કાર્યાલયો વચ્ચેની ટેલિફોન લાઈનો કાપી નંખાઈ હતી અને ટેલિફોન એક્સ્ચેન્જ કબ્જે કરી દેવાયું હતું.
પરંતુ, હેરત પમાડે એવી વાત એ છે કે, ફોન બેરોકટોક ચાલુ હતા, જેનો ડોક્ટર મુસદ્દિકની સેનાને મોટો ફાયદો થયો. જનરલ રિયાહી પણ શાહના સમર્થક લોકોને હાથતાળી આપીને નાસી ગયા અને કમાન્ડરોને વડાપ્રધાનની પડખે ઊભા રહેવા માટે સંગઠિત કરવા લાગ્યા.
ડોક્ટર મુસદ્દિકની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવા માટે મોકલવામાં આવેલા શાહ તરફી સૈનિકો ખુદ જ ઝડપાઈ ગયા. જનરલ ઝાહિદી સાથે કામ કરતા એક વરિષ્ઠ લશ્કરી અધિકારી લશ્કરી વડાંમથકો પર ટેન્કો અને વફાદાર સરકારી સૈનિકોને તૈનાત થયેલા જોઈને નાસી છૂટ્યા.
ઐતિહાસિક રેકોર્ડ્ઝ મુજબ, બીજા દિવસે સવારે, તહેરાન રેડિયોએ જાહેરાત કરી કે, સરકાર સામેનો બળવો નિષ્ફળ કરી દેવાયો છે.
અમેરિકન દૂતાવાસમાં રહેલા સીઆઈએના અધિકારીઓ સમગ્ર ઘટનાક્રમથી સાવ અજાણ હતા. ઐતિહાસિક દસ્તાવેજ પ્રમાણે, શું ચાલી રહ્યું છે, તે જાણવાનું તેમની પાસે કોઈ માધ્યમ ઉપલબ્ધ નહોતું.
કરમિટ રૂઝવેલ્ટ દૂતાવાસમાંથી નીકળ્યા અને તેમણે જનરલ ઝાહિદીને શોધી કાઢ્યા.
જનરલ ઝાહિદી તહેરાનના ઉત્તર ભાગમાં છુપાયા હતા. નવાઈની વાત એ હતી કે, જનરલ કાર્યવાહીને છોડવા માટે તૈયાર નહોતા.
બંને એ વાત પર સહમત હતા કે, જો જનતાને એવી ખાતરી આપવામાં આવે કે, જનરલ ઝાહિદી કાયદેસર વડા પ્રધાન છે, તો હજુયે બળવો સફળ નીવડી શકે છે.
ગુપ્તચર ઇતિહાસ પ્રમાણે, આ હેતુ પાર પાડવા યોજના ઘડનારા લોકોએ એવા સમાચાર ફેલાવવા પડે કે, શાહે બે શાહી ફરમાનો પર હસ્તાક્ષર કર્યા છે.
તહેરાનના સીઆઈએ સ્ટેશને ન્યૂ યૉર્કની ઍસોસિએટ પ્રેસમાં સંદેશો મોકલીને જણાવ્યું કે, એક બિનસત્તાવાર માહિતી મુજબ, યોજના ઘડનારા આગેવાનો પાસે શાહનાં બે ફરમાન મોજૂદ છેઃ એક મુસદ્દિકને પદભ્રષ્ટ કરવાનું અને બીજું જનરલ ઝાહિદીની નિયુક્તિ કરવાનું.
સીઆઈએ તથા તેના એજન્ટ્સે તહેરાનનાં કેટલાંક અખબારોમાં પણ આ ફરમાનો અંગેના અહેવાલો વહેતા કર્યા.
પણ આ પ્રચાર-પ્રસારનો તરત જ અકાળે અંત આવી ગયો.
ઘણા ઈરાની સીઆઈએ એજન્ટ્સની કાં તો ધરપકડ થઈ ગઈ અથવા તો તેઓ છૂપાઈ ગયા.
તે બપોરે, એજન્સીના કર્મચારીઓએ જનરલ ઝાહિદીનું એક નિવેદન તૈયાર કર્યું, જે તેઓ લોકોમાં વહેંચવા માગતા હતા, પણ વડા પ્રધાનનાં વફાદાર દળોની દેખરેખ હેઠળ ન હોય, એવી એક પણ પ્રિન્ટિંગ પ્રેસ તેમને મળી નહીં.
શાહ બગદાદ નાસી છૂટ્યા હોવાનો 16મી ઑગસ્ટે ઘટસ્ફોટ થયા બાદ કાર્યવાહી ફરી હાથ ધરવાની સઘળી આશા પર પાણી ફરી વળ્યું.
સીઆઈએના હેડક્વાર્ટરે તહેરાનમાં ટેલિગ્રામ પાઠવીને રૂઝવેલ્ટને વહેલી તકે પરત ફરવાની સલાહ આપી.
પણ રૂઝવેલ્ટ ન માન્યા અને તેમણે ભારપૂર્વક કહ્યું કે, જો શાહ બગદાદ રેડિયો પરથી ભાષણ આપે અને જનરલ ઝાહિદી આક્રમક વલણ અખત્યાર કરે, તો "સફળતાની નાની અમથી આશા હજુયે જીવંત છે."
વિલ્બરના જણાવ્યા પ્રમાણે, આ સમય દરમિયાન, ડૉક્ટર મુસદ્દિકે સંસદનું વિસર્જન કરીને અજાણતા સીઆઈએના હિતમાં કામ કર્યું.
17મી ઑગસ્ટની સવારે, આખરે શાહે બગદાદથી જાહેરાત કરી કે, તેમણે જાહેરનામા પર હસ્તાક્ષર કર્યા હતા.
આ અતિ મહત્ત્વપૂર્ણ તબક્કે, ડૉક્ટર મુસદ્દિકની સરકારે શાહની વિદાયથી અને બળવામાં સંડોવાયેલા કેટલાક અધિકારીઓની ધરપકડ કરીને સંતોષ માની લીધો અને જોખમ ટળી ગયાનું માની લઈને શહેરમાં ચારેકોર તૈનાત થયેલું મોટાભાગનું સૈન્ય પાછું બોલાવી લીધું.
બરાબર એ જ રાતે સીઆઈએ જનરલ ઝાહિદી તથા અન્ય અગ્રણી ઈરાની એજન્ટો અને સૈન્ય અધિકારીઓને 'ગાડીના નીચલા ભાગ અને બંધ જીપોમાં છુપાવીને' દૂતાવાસના પરિસરમાં લઈ ગઈ, જ્યાં ઘણા મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી.
તેઓ 19મી ઑગસ્ટના રોજ વળતો હુમલો કરવા માટે સંમત થયા અને સામ્યવાદ વિરુદ્ધ જિહાદ માટે અપીલ કરવા માટે તહેરાનના એક પ્રતિષ્ઠિત ધર્મગુરુને કુમ મોકલ્યા.
ઈરાનના ઇતિહાસકાર માઇકલ ઓક્સવર્ધીના જણાવ્યા પ્રમાણે, "મુસદ્દિક સામેની આ ચળવળ તેમની પડતીમાં નિર્ણાયક બની રહી."
જોકે, ફરી એક વખત શાહે સીઆઈએને નિરાશ કરી.
બીજા જ દિવસે તેઓ બગદાદથી રોમ જવા નીકળી ગયા. તેમને નિર્વાસિત કરવામાં આવ્યા હોવાનું કારણ જણાવવામાં આવ્યું.
ડૉક્ટર મુસદ્દિકના સમર્થક અખબારોએ સમાચાર આપ્યા કે, પહેલવી સામ્રાજ્યનો અંત આવ્યો છે, જ્યારે કમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટિના નિવેદનમાં બળવાના પ્રયાસને "એંગ્લો-અમેરિકન કાવતરું" ગણાવાયું અને પછી દેખાવકારોએ શાહની પ્રતિમાઓ ધ્વસ્ત કરી દીધી.
સીઆઈએના તહેરાન સ્ટેશને "ઑપરેશન એજેક્સ ચાલુ રાખવું કે પછી સમેટી લેવું?" તે મામલે હૅડક્વાર્ટર પાસે માર્ગદર્શન માગ્યું.
સફળતા
પણ જે સમયે અમેરિકા પાછળ હટવા માટે તૈયાર હતું, બરાબર તે જ સમયે તહેરાનના માર્ગો પર માહોલ એકાએક બદલાઈ ગયો.
19મી ઑગસ્ટની સવારે, તહેરાનનાં કેટલાંક અખબારોએ શાહના લાંબા સમયની રાહ જોયા બાદ પ્રસિદ્ધ કરાયેલાં ફરમાન છાપ્યાં અને થોડી જ વારમાં શાહના સમર્થનમાં રસ્તાઓ પર લોકોની ભીડ એકઠી થવા લાગી.
વિલ્બરના ગુપ્તચર ઇતિહાસ પ્રમાણે, "તેમને બસ નેતૃત્વ જોઈતું હતું," અને તે નેતાગીરી સીઆઈએના ઈરાની એજન્ટોએ પૂરી પાડી.
કોઈ સ્પષ્ટ સૂચના આપ્યા વિના એક પત્રકાર (જેની ગણના એજન્સીના મહત્ત્વના ઈરાની એજન્ટ્સમાં થતી હતી) ટોળાંને સંસદ તરફ દોરી ગયા અને લોકોને ડૉક્ટર મુસદ્દિકના વિદેશ પ્રધાનના અખબારની ઑફિસને આગ લગાવવા માટે ઉશ્કેર્યા. અન્ય ઈરાની સીઆઈએ એજન્ટ ટોળાંને અન્ય અખબારોનાં કાર્યાલયો પર હુમલા કરવા માટે દોરી ગયા.
ઈરાની સૈન્યના એક કર્નલ થોડા દિવસો અગાઉ જ સમગ્ર યોજનામાં જોડાયા હતા. તે અચાનક એક ટેન્ક સાથે સંસદ ગૃહની બહાર આવી પહોંચ્યા. ગુપ્તચર અહેવાલો મુજબ, સવારના 10.15 વાગ્યા સુધીમાં તો તમામ મુખ્ય માર્ગો પર શાહ સમર્થક સૈનિકોથી ભરેલી ટ્રકો પહોંચી ચૂકી હતી.
બપોર સુધીમાં ભીડને કેટલાક અધિકારીઓનું સીધું નેતૃત્વ મળવા લાગ્યું. એક કલાકની અંદર સેન્ટ્રલ ટેલિગ્રાફ ઓફિસ કબ્જે કરી લેવાઈ અને પ્રાંતોને તાર મોકલીને શાહની તરફેણમાં બળવો પોકારવાની અપીલ કરવામાં આવી. થોડી વાર ગોળીબાર કર્યા બાદ પોલીસ હેડક્વાર્ટર્સ અને વિદેશ મંત્રાલય પણ તાબામાં લઈ લેવાયાં.
તહેરાન રેડિયો પર 'અનિશ્ચિતતાની કપાસના ભાવો પર તોળાતી અસરો' પરનો કાર્યક્રમ પ્રસારિત થઈ રહ્યો હતો.
જોકે, બપોરે નાગરિકો, લશ્કરી અધિકારીઓ અને પોલીસે રેડિયો સ્ટેશન પર ઉત્પાત મચાવી દીધો.
શાહના સમર્થક વક્તાઓએ પ્રસારણ હાથમાં લઈ લીધું, વિદ્રોહ સફળ રહ્યાનું એલાન કર્યું અને શાહી ફરમાન વાંચી સંભળાવ્યાં.
દૂતાવાસમાં સીઆઈએના અધિકારીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યા.
કરમિટ રૂઝવેલ્ટ જનરલ ઝાહિદીને બહાર લઈ આવ્યા.
એક લશ્કરી અધિકારીએ ટૅન્કનો બંદોબસ્ત કર્યો અને ઝાહિદીને રેડિયો સ્ટેશન લઈ ગયા, જ્યાંથી જનરલ ઝાહિદીએ દેશને સંબોધન કર્યું.
ડૉક્ટર મુસદ્દિક અને અન્ય સરકારી અધિકારીઓની ધરપકડ કરાઈ.
જ્યારે જનરલ ઝાહિદીના વફાદાર અધિકારીઓએ તહેરાન છાવણીનાં તમામ એકમોની કમાન 'એજેક્સના સમર્થકો'ના હવાલે કરી દીધી.
સોવિયેટ સંઘ સ્તબ્ધ થઈ ગયો.
મુસદ્દિક સરકાર પડી ભાંગી, ત્યારે પણ મૉસ્કો રેડિયોએ "ઈરાનમાં અમેરિકન કાર્યવાહીની નિષ્ફળતા" પરના સમાચાર પ્રસારિત કર્યા હતા.
જોકે, આશ્ચર્ય તો સીઆઈએને પણ મોસ્કો જેટલું જ થયું હતું.
ગુપ્તચર ઇતિહાસ અનુસાર, વિદ્રોહ સફળ રહ્યાના સમાચાર મળ્યા, ત્યારે "હજુ આગલા દિવસે જ મળેલી નિરાશાને જોતાં આ નવા સમાચાર વરવી મજાક જેવા લાગ્યા હતા."
સીઆઈએના ડિરેક્ટર ઍલન ડલેસ શાહ સાથે રોમથી તહેરાન આવી પહોંચ્યા અને જનરલ ઝાહિદીએ સત્તાવાર રીતે મુસદ્દિકનું સ્થાન લીધું.
મુસદ્દિક પર મુકદ્દમો ચાલ્યો. શરૂઆતમાં તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી, પણ શાહના વ્યક્તિગત આદેશને પગલે તેમની સજા બદલીને ત્રણ વર્ષની એકાંત કેદ કરવામાં આવી.
તે પછી તેમને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા, જ્યાં 1967માં તેમનું અવસાન થયું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન