You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શક્સગામ ખીણ કેવી છે જે પાકિસ્તાને ચીનને સોંપી દીધી હતી, ભારતે કેમ વાંધો ઉઠાવ્યો?
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
ચીને સોમવારે શક્સગામ ખીણ પર પોતાનો દાવો ફરીથી કરતાં કહ્યું કે ખીણમાં ચીનના માળખાકીય પ્રોજેક્ટ્સ સંપૂર્ણપણે કાયદેસર છે.
ભારત દ્વારા વ્યક્ત કરાયેલા વાંધાઓને ચીને ફગાવી દેતા કહ્યું કે આ ખીણને લઈને કોઈ સવાલ થઈ શકે નહીં.
ભારતે 9 જાન્યુઆરીએ આ વિસ્તારમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું, આ વિસ્તાર ભારતના નિયંત્રણ હેઠળ છે અને ભારતને દેશ હિતમાં યોગ્ય પગલાં લેવાનો અધિકાર છે.
પાકિસ્તાને 1963માં ચીન સાથે કરાર કર્યો હતો અને શક્સગામ ખીણનો 5180 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ચીનને સોંપી દીધો હતો. પાકિસ્તાન અને ચીન વચ્ચેના આ કરારને ભારત ગેરકાયદેસર માને છે.
ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે સ્પષ્ટતા કરી હતી "જ્યારે શક્સગામની વાત હોય તો ભારત 1963માં ચીન અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરારને અમાન્ય ગણે છે."
તેઓએ કહ્યું હતું "શક્સગામમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓને અમે મંજૂરી આપતા નથી. ભારતના વિદેશ મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા આપી દીધી છે."
ભારતે શક્સગામ વિશે શું કહ્યું?
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે 9 જાન્યુઆરીએ કહ્યું કે, "શક્સગામ ખીણ ભારતનો અભિન્ન ભાગ છે. અમે 1963માં ચીન અને પાકિસ્તાન વચ્ચે થયેલા કથિત કરારને ક્યારેય માન્યતા આપી નથી. આ કરાર અમાન્ય છે અને અમે તેને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ."
રણધીર જયસ્વાલે કહ્યું, "ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડોર (CPEC) પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર અને બળજબરીથી કબજે કરાયેલા ભારતના ભાગમાંથી પસાર થાય છે. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખનો સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતે પોતાના નિવેદનમાં કહ્યું,"શક્સગામ ખીણની જમીની વાસ્તવિકતા બદલવાના કોઈપણ પ્રયાસ સામે ભારતે સતત ચીન સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે, અને ભારત પોતાના હિતોનું રક્ષણ કરવા માટે યોગ્ય પગલાં લેવાનો અધિકાર રાખે છે."
ચીને શક્સગામ મામલે ભારતને શું જવાબ આપ્યો?
જ્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાને ત્યાં ભારતીય વિદેશ મંત્રાલયના વલણ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જવાબ આપ્યો, "તમે જે વિસ્તાર વિશે વાત કરી રહ્યા છો તે ચીનના નિયંત્રણ હેઠળ છે."
તેમણે કહ્યું, "ચીનનો પોતાના પ્રદેશમાં માળખાગત સુવિધાઓનો નિર્માણ કરવાનો અધિકાર સંપૂર્ણપણે વ્યાજબી છે. 1960ના દાયકામાં, ચીન અને પાકિસ્તાન વચ્ચે એક સરહદ કરાર પર હસ્તાક્ષર થયા હતા. તેમાં બંને દેશો વચ્ચે સરહદનું સીમાંકન નક્કી કરવામાં આવ્યું હતું. ચીન અને પાકિસ્તાન જેવા સાર્વભૌમ દેશોને આવા કરાર કરવાનો અધિકાર હતો."
ત્યારે સીપીઈસી પર ભારતની ટીકાનો જવાબ આપતા, ચીનના પ્રવક્તા માઓએ તેમના દેશનું લાંબા સમયથી ચાલી રહેલુ વલણ જ ગણાવ્યું હતું. તેમણે કહ્યું, "આ એક આર્થિક સહયોગ કાર્યક્રમ માટે લેવામાં આવેલું પગલું છે, તેનો હેતુ સ્થાનિક સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો અને લોકોના જીવનધોરણમાં સુધારો કરવાનો છે."
તેમણે કહ્યું, "ચીન-પાકિસ્તાન સરહદ કરાર અને સીપીઈસી, કાશ્મીરના મુદ્દા પર ચીનના વલણને અસર કરતા નથી. આ મુદ્દા પર ચીનનું વલણ પહેલાં જેવું જ છે."
ચીને વારંવાર પોતાના વલણને પુનરાવર્તિત કર્યું છે કે, "જમ્મુ-કાશ્મીર વિવાદનો ઇતિહાસ લાંબો છે, અને આ વિવાદનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, પ્રાસંગિક સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો અને દ્વિપક્ષીય કરારો અનુસાર યોગ્ય અને શાંતિપૂર્ણ માધ્યમથી થવો જોઈએ."
ચીન અને પાકિસ્તાને 1963માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ક્ષેત્ર માટે સત્તાવાર રીતે સરહદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તે પહેલાં, બંને દેશો વચ્ચેની સરહદ સ્પષ્ટ નહોતી. આ કરાર મુજબ, બંને દેશો વચ્ચેની સરહદ નક્કી કરવામાં આવી હતી.
આ વિવાદાસ્પદ કરારમાં એક પ્રાવધાન તે પણ છે જે કે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો કાશ્મીર વિવાદ ઉકેલાઈ જાય, ત્યારે સંબંધિત સાર્વભૌમ સત્તા ચીન સરકાર સાથે ઔપચારિક સરહદને લઈને ફરીથી વાટાઘાટો કરી શકે છે.
શક્સગામ ખીણ ક્યાં આવેલી છે?
શક્સગામ ખીણ લદ્દાખના ઉત્તર-પૂર્વીય ભાગમાં સ્થિત છે. આ પ્રદેશ સિયાચીન ગ્લેશિયરની ઉત્તરે અને કારાકોરમ પર્વતમાળાની નજીકમાં આવેલો છે.
ભારતનો દાવો છે કે, આ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખનો અભિન્ન ભાગ છે અને તેના પર ભારતનો અધિકારક્ષેત્ર છે. આ પ્રદેશ ભારતના સત્તાવાર નકશામાં સૌથી ટોચના ભાગે આવેલો છે.
બ્રિટિશ ભૂગોળશાસ્ત્રી અને સર્વે ઑફ ઇન્ડિયાના અધિકારી કેનેથ મેસન દ્વારા આ પ્રદેશની ભૌગોલિક અને ઐતિહાસિક પ્રકૃતિ વિશે આપવામાં આવેલ સમજૂતી આજે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
1926માં તેમણે 'શક્સગામ ખીણ અને આગિલ પર્વતમાળાઓનું સંશોધન અને સર્વેક્ષણ' નામનો અહેવાલ પ્રકાશિત કર્યો.
તેમાં મેસન લખે છે, "શક્સગામ ખીણ અને તેની ઉપરની ખીણો આ સરહદનો છેલ્લો અને સંપૂર્ણપણે અજાણ્યો પ્રદેશ હતો. લાંબા સમયથી કોઈ બહારની શક્તિ ત્યાં કાયમી હાજરી ધરાવતી ન હતી."
મેસનના મતે, આ પ્રદેશ મધ્ય એશિયા અને ભારતીય દ્વીપકલ્પની જળ વ્યવસ્થા વચ્ચે એક મોટો વિભાજક છે. અહીંથી, નદીઓ ઉત્તરમાં યારકંદ તરફ અને દક્ષિણમાં સિંધુ તરફ વહે છે.
લગભગ 100 વર્ષ પહેલાં લખાયેલા આ પુસ્તકમાં, તેઓ ધ્યાન દોરે છે કે, શક્સગામ જેવા દૂરના પ્રદેશમાં કાયમી માનવ વસવાટ લગભગ અશક્ય છે. "જો માનવીઓ ક્યારેય અહીં આવ્યા પણ હશે, તો તેઓ પ્રવાસીઓ અથવા વિચરતા સમુદાય તરીકે આવ્યા હોય શકે છે"
શક્સગામ એક અજાણ્યો વિશાળ દૂરસ્થ પર્વતીય વિસ્તાર છે
પ્રખ્યાત પર્વતારોહક, સંશોધક અને ભૂગોળશાસ્ત્રી એરિક શિફ્ટનને હિમાલય અને કારાકોરમ ક્ષેત્રના સૌથી મહત્ત્વપૂર્ણ વિદ્વાનોમાંના એક માનવામાં આવે છે. તેમણે 1937માં શક્સગામ ખીણ પર એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
તેમાં, એરિક લખે છે, "શક્સગામ નદીની આસપાસનો પ્રદેશ લદ્દાખ, હુન્ઝા અને શિનજિયાંગની અવ્યાખ્યાયિત સરહદો પર આવેલો છે. આ પ્રદેશ લાંબા સમયથી નકશા પર અજાણ્યો રહ્યો છે."
"શક્સગામ એક વિશાળ, લગભગ અજાણ્યો પર્વતીય પ્રદેશ છે," શિફ્ટેન લખે છે, "શક્સગામથી ઘેરાયેલો, મુખ્ય એશિયાઈ જળવિભાજનની ઉત્તરે ફેલાયેલો આ ઊંચો પર્વતીય પ્રદેશ, લગભગ એક હજાર ચોરસ માઇલમાં ફેલાયેલો એક અજાણ્યો પ્રદેશ હતો."
શિફ્ટન જુગ શક્સગામ અને ખીણની શોધના મહત્ત્વ પર ભાર મૂકે છે, લખે છે કે, "સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન જુગ શક્સગામ નદીના નીચલા ભાગોની શોધ અને તેની હદ માપવાનો હતો. આ પ્રદેશનું પહેલાં ક્યારેય સંપૂર્ણ સંશોધન કરવામાં આવ્યું ન હતું."
એરિક માટે આ અભિયાન અત્યંત પડકારજનક હતું. તેમણે લખ્યું કે તેમની ટીમને ઘણા મહિનાઓ સુધી કોઈ બહારની મદદ વગર એકલા મુસાફરી કરવી પડી.
તેઓ લખે છે, "શક્સગામ ખાડી ઊંડી, સાંકડી અને વરસાદ દરમિયાન લગભગ દુર્ગમ હોય છે, જેના કારણે આ પ્રદેશમાં મુસાફરી ફક્ત થોડા મહિનાઓ માટે જ શક્ય બને છે."
મેસન અને શિફ્ટનની માહિતીના આધારે, ભારતે દાવો કર્યો છે કે અહીં ક્યારેય કોઈ કાયમી વહીવટ કાર્યરત નહોતો.
ત્યારે, આધુનિક આંતરરાષ્ટ્રીય સરહદોનું ચિત્રણ વસાહતી યુગની મુસાફરીને બદલે રાજકીય અને રાજદ્વારી કરારો પર આધારિત હતા.
શક્સગામ રણનીતિની રીતે મહત્ત્વપૂર્ણ સ્થળ કેમ છે?
ઇતિહાસમાં લાંબા સમયથી આ પ્રદેશ દૂરસ્થ અને નિર્જન રહ્યો હોવા છતાં, આજે આ પર્વતીય પ્રદેશ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
આ ખીણ એવા પ્રદેશમાં સ્થિત છે જ્યાં ભારત, ચીન અને પાકિસ્તાનની સરહદો મળે છે, તેથી જ તે મહત્ત્વપૂર્ણ છે.
આજે, ભૌગોલિક સ્થાન શક્સગામ ખીણને વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ બનાવે છે, કારણ કે અહીં માળખાગત વિકાસ માત્ર સરહદ પર ભૌતિક પકડ મજબૂત બનાવે છે, પરંતુ સિયાચીન, કારાકોરમ અને શિનજિયાંગ પ્રદેશોમાં સૈનિકો અને માલસામાનની હિલચાલને પણ અસર કરે છે.
આ જ કારણ છે કે, ભારત આ ગતિવિધિઓને તેની સાર્વભૌમત્વના પ્રશ્ન તરીકે જુએ છે, જ્યારે ચીન તેને પોતાના પ્રદેશની અંદરની ગતિવિધિઓ તરીકે જુએ છે.
શક્સગામ ખીણ પર વિવાદ કેમ છે?
ભારતના મતે, 1963માં, પાકિસ્તાને ગેરકાયદેસર રીતે લગભગ 5180 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ચીનને સોંપી દીધો હતો.
ભારત માને છે કે પાકિસ્તાન આ પ્રદેશ પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યું હતું. તેથી, ભારતે આ કરારને ગેરકાયદેસર અને અમાન્ય જાહેર કર્યો છે.
ભારત આ બધા પ્રદેશો પર દાવો કરે છે, જ્યારે ચીન કહે છે કે તેણે પાકિસ્તાન સાથેના કરારમાં આ પ્રદેશો મેળવ્યા છે.
ચીન હાલમાં શક્સગામ ખીણ પર નિયંત્રણ ધરાવે છે અને ત્યાં માળખાગત સુવિધાઓ પર કામ કરી રહ્યું છે.
'ટ્રાન્સ કારાકોરમ ટ્રેક્ટ' નામના આ પ્રદેશનું વહીવટ પણ ચીનના નિયંત્રણ હેઠળ છે.
ચીન તેને શિનજિયાંગ વિગર સ્વાયત્ત પ્રદેશનો એક ભાગ માને છે અને ત્યાં પોતાનો વહીવટ ચલાવે છે. 'ટ્રાન્સ કારાકોરમ ટ્રેક્ટ' પાકિસ્તાન દ્વારા 1963માં ચીનને આપવામાં આવ્યું હતું.
હાલની માહિતી અનુસાર, ચીન-પાકિસ્તાન આર્થિક કૉરિડોર યોજના હેઠળ ચીન આ ક્ષેત્રમાં નવા રસ્તાઓ, સંરક્ષણ ચોકીઓ અને માળખાગત સુવિધાઓ ઊભી કરી રહ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન