You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કંદહાર વિમાન અપહરણ: જ્યારે ચરમપંથીઓએ અજિત ડોભાલને દૂરબીનની ભેટ આપી ત્યારે શું થયું?
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી
26મી ડિસેમ્બર, 1999ના રોજ એઆર ઘનશ્યામ અને તેમનાં પત્ની રુચિ ઇસ્લામાબાદમાં તેમના ઘરે બેસીને ટીવી પર સમાચાર જોઈ રહ્યાં હતાં. રાત્રે દસ વાગ્યે તેમનો ફોન રણક્યો. પાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશનર જી પાર્થસારથિએ બંનેને તત્કાળ પોતાના ઘરે બોલાવ્યાં.
પાર્થસારથિનું ઘર બાજુમાં જ હતું. બંને ત્યાં પહોંચ્યાં. પતિ-પત્ની બંને ભારતીય વિદેશ સેવાનાં વરિષ્ઠ અધિકારીઓ હતાં અને તે સમયે તેમનું પોસ્ટિંગ ઇસ્લામાબાદમાં થયું હતું.
ભારતીય હાઇકમિશનરે કોઈ ઝાઝી પૂર્વભૂમિકા બાંધ્યા વિના તેમને જાણ કરી કે, સરકારે એઆર ઘનશ્યામને કંદહાર મોકલવાનો નિર્ણય કર્યો છે. ડેપ્યુટી હાઇકમિશનર તે સમયે દિલ્હીમાં હતા. અન્ય ઘણા રાજદ્વારીઓ પણ નાતાલની રજાઓ ગાળવા માટે ભારત ગયા હતા.
આખો મામલો તાલિબાન સાથે જોડાયેલો હોવાથી પાર્થસારથિએ રુચિ ઘનશ્યામને ન મોકલવાનું નક્કી કર્યું હતું અને રુચિના પતિ, એઆર ઘનશ્યામને કંદહાર મોકલવાનો નિર્ણય લેવાયો હતો. તેઓ વેપાર અને આર્થિક બાબતો સંભાળતા હતા. પાર્થસારથિએ તેમને જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્રનું પ્લેન 27મી ડિસેમ્બરની સવારે તેમને ઇસ્લામાબાદ ઍરપૉર્ટથી કંદહાર લઈ જશે.
ઘનશ્યામનું કંદહારમાં આગમન
ત્રણેક કલાકની ઉડાણ બાદ વિમાન કંદહાર ઍરપૉર્ટ પર ઊતર્યું. ઘનશ્યામ પ્લેનના દરવાજા પાસે પહોંચ્યા, ત્યારે તેમની નજર ઇન્ડિયન ઍરલાઇન્સના પ્લેન આઇસી-184 પર પડી.
ઘનશ્યામ યાદ કરે છે, "આઇસી-184 અમારા પ્લેનથી 150 મીટર દૂર ઊભું હતું. તેની તમામ બારીઓ બંધ હતી. બે વ્યક્તિ મને રિસીવ કરવા માટે સીડી પાસે ઊભા હતા. તે પૈકીના એક કંદહારમાં સંયુક્ત રાષ્ટ્રની ઑફિસના વડા હતા. અન્ય વ્યક્તિએ શ્વેત અફઘાન પોશાક પહેર્યો હતો અને તેના પર કાળા રંગનું સ્લીવલેસ જૅકેટ ચઢાવ્યું હતું. તેઓ તાલિબાનના વિદેશ મંત્રી વકીલ અહમદ મુતાવકિલ હતા. મેં બંને સાથે હાથ મિલાવીને તેમનું અભિવાદન કર્યું."
ઘનશ્યામ કહે છે કે, મુતાવકિલ સાથે વાત કરવામાં ભાષાનો અવરોધ નડ્યો. "તેઓ પશ્તો ભાષા બોલતા હતા, જે મને સમજાતી નહોતી. હું અંગ્રેજીમાં વાત કરતો, જે તેઓ માંડ સમજતા હતા. બંનેએ મને જણાવ્યું કે, અમારે અપહરણ કરાયેલા વિમાન પરના અપહરણકર્તાઓ સાથે તરત જ વાત કરવી જોઈએ, કારણ કે, ભારતીય સરકારના કોઈ પ્રતિનિધિ હજુ સુધી વાતચીત કરવા માટે તેમની પાસે ન પહોંચતાં તેઓ ભારે નારાજ હતા."
અપહરણકારોનું વર્તન
ઘનશ્યામે 'અસ્સલામ વલૈકુમ' કહીને અપહરણકારો સાથે વાતચીતની શરૂઆત કરી, પણ અપહરણકારો તરફથી કોઈ પ્રતિભાવ ન મળ્યો. ઊલટું, તેમણે કાશ્મીરમાં થઈ રહેલા કથિત અત્યાચારો વિશે બોલવાનું ચાલુ રાખ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘનશ્યામ કહે છે, "તે રમજાનનો મહિનો હોવાથી અપહરણકારોના આગેવાને સૂર્યોદય પહેલાં કશુંક ખાઈ લીધું હોવું જોઈએ. તે ઉર્દૂમાં મોટે-મોટેથી મારી સાથે વાત કરી રહ્યો હતો. જોકે, મારા માટે તો આ સારું જ હતું, કારણ કે, એ જેટલું વધારે બોલતો રહ્યો, મને એટલો વધારે સમય મળતો રહ્યો. મેં તેને અટકાવ્યો નહીં. આખરે, તે જ્યારે થાક્યો, ત્યારે મેં ઉર્દૂમાં તેને પૂછ્યું, 'સર, તમારી પાસે મારા માટે કોઈ સંદેશો છે, જે હું મારી સરકારને પહોંચાડી શકું?'"
"આટલું સાંભળતાં જ એ વધારે ભડક્યો અને ફરીથી બરાડા પાડવા લાગ્યો, "આ કેવો દેશ છે? આ કેવી સરકાર છે? તમને પ્લેનમાં સવાર તમારા લોકોની કોઈ પરવા નથી. જો હવે વધારે મોડું કર્યું, તો હું તેમને એક પછી એક મારવાનું શરૂ કરીશ. શું તમે તેના માટે તૈયાર છો?" ઘનશ્યામે તેમને શાંત પાડવાની કોશિશ કરતાં કહ્યું કે, ભારતીય પ્રતિનિધિ મંડળ ગણતરીની ઘડીઓમાં જ દિલ્હીથી કંદહાર પહોંચવા રવાના થશે.
વિમાનને બાનમાં લેનારા લોકો સાથે વાતચીત કરીને ઘનશ્યામ પરત ફર્યા, ત્યારે યુએનના અધિકારીએ તેમને બદામી રંગનું કવર આપ્યું. ઘનશ્યામે કવર ખોલ્યું, તો તેમાં થોડી ચૉકલેટ્સ હતી.
27મી ડિસેમ્બરના રોજ ઇન્ડિયન ઍરલાઇન્સનું એક ખાસ વિમાન કંદહાર ઍરપોર્ટ પર ઊતર્યું. તેમાં ભારત સરકારના પાંચ પ્રતિનિધિઓ તથા ઇન્ડિયન ઍરલાઇન્સના દસ ટૅક્નિશ્યન્સ સવાર હતા.
આ પાંચ પ્રતિનિધિઓમાં રૉ (રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ વિંગ - RAW)ના આનંદ આર્ની તથા સીડી સહાય, ઇન્ટેલિજન્સ બ્યૂરોના અજિત ડોભાલ અને સંધુ તથા વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક કાત્જૂનો સમાવેશ થતો હતો.
આ અધિકારીઓને અફઘાન ઍરલાઇન્સના ગેસ્ટહાઉસમાં રોકાવા માટે બે રૂમ આપવામાં આવ્યા હતા. સહાય, ડોભાલ અને કાત્જૂ એક રૂમમાં રોકાયા, જ્યારે ઘનશ્યામ, આર્ની તથા સંધુ બીજા રૂમમાં રોકાયા. સૌથી મોટી સમસ્યા ટૉઇલેટની હતી. આટલા બધા લોકો માટે માત્ર એક જ ટૉઇલેટ હતું.
ઘનશ્યામ કહે છે, "રાહ ન જોવી પડે, તે માટે હું મળસ્કે ત્રણ વાગ્યે ઊઠી જતો. મેં કેરટેકરને પૂછ્યું કે, નજીકમાં બીજું કોઈ વૉશરૂમ છે કે કેમ, કારણ કે, મારે મોડું થતું હતું. તેણે મને થોડે દૂર એક બિલ્ડિંગ બતાવ્યું. હું મારો ટુવાલ અને ટૉઇલેટ બૅગ લઈને ત્યાં ગયો અને એ વૉશરૂમ વાપર્યો. મેં નોંધ્યું કે, તે બિલ્ડિંગમાં રહેતા લોકો અફઘાન લોકોથી સાવ નોખા હતા. મેં કાત્જૂને આ વાત કરી. કાત્જૂ પણ ત્યાં ગયા અને તે સ્થળનું નિરીક્ષણ કર્યું. અમારું માનવું હતું કે, સરહદ પારથી આવેલા લોકો ત્યાં રહેતા હતા, જેથી તેઓ અપહરણને લગતા મામલામાં તાલિબાનોને સલાહસૂચન આપી શકે."
પ્લેનમાંથી ચબરખી નીચે ફેંકવામાં આવી
ભારતીય પ્રતિનિધિ મંડળના કેટલાક સભ્યોને ત્યાં હાજર તાલિબાન અધિકારીઓએ વિમાન પાસે જવાની સંમતિ આપી હતી.
ઘનશ્યામ જણાવે છે, "અમે પ્લેન પાસે પહોંચ્યા, તે જ સમયે અચાનક વિમાનનો દરવાજો ખૂલ્યો અને તેમાંથી એક ચબરખી નીચે ફેંકવામાં આવી. તે સમયે ઠંડો પવન ફૂંકાતો હતો, આથી ચબરખી હવામાં ઊડવા માંડી. તે કોઈ નોટબુકમાંથી ફાડવામાં આવેલું પાનું હતું. હું ઊડી રહેલી ચબરખી પાછળ ભાગ્યો અને આખરે તેને પકડી લીધી. તેમાં અત્યંત સુંદર અક્ષરોમાં તેમની માગણીઓ લખેલી હતી. કુલ 38 માગણીઓ હતી. તેમની માગણી હતી કે, ભારતીય જેલોમાં કેદ 36 કેદીઓને છોડવામાં આવે અને ભારતમાં દફન હરકત-ઉલ-અંસારના સંસ્થાપક સજ્જાદ અફઘાનીના અવશેષો પરત કરવામાં આવે. આ સિવાય, ભારતીય સરકારે 100 ડૉલરની થપ્પીઓમાં 20 લાખ ડૉલર આપવા."
ભારતીય પ્રતિનિધિ મંડળ માટેનું પ્રથમ ભોજન આવ્યું: રોસ્ટેડ ચિકન લેગ, મોટી અફઘાની નાન અને ડુંગળી-કાકડીનું કચુંબર. એક રીતે જોતાં આ મોટી વાત હતી, કારણ કે, રમજાન માસ ચાલી રહ્યો હોવાથી તેઓ રોઝા રાખતા હતા. બીજા દિવસે સીમા પાર પાકિસ્તાનથી ભોજન આવવા માંડ્યું. લાઉન્જમાં મોજૂદ લોકો એવી મજાક કરતા હતા કે, એકાએક આટલા બધા લોકો આવી જતાં કંદહાર જેવા નાના શહેરમાં મુરઘીની અછત સર્જાઈ હતી.
આખરે, ત્રણ ચરમપંથીઓને છોડવા અંગે સંમતિ સધાઈ.
સજ્જાદ અફઘાનીના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવાની માગણી પૂરી કરવી ભારતીય વહીવટી તંત્ર માટે ઘણી મુશ્કેલ હતી.
એઆર ઘનશ્યામ જણાવે છે, "અમારી વિનંતી પર, તાલિબાને અપહરણકારોને જણાવ્યું કે, આવી માગણી ઇસ્લામ વિરુદ્ધ હતી. અમેરિકન ડૉલરની માગણી બદલ પણ આવી જ દલીલ કરવામાં આવી. અનેક દલીલો અને વળતી દલીલો પછી તે માગણી પણ પાછી ખેંચવામાં આવી. બંધકોના છૂટકારા સામે અમારી દલીલ એ હતી કે, તેમણે જણાવેલા કેદીઓ દેશની કઈ જેલોમાં કેદ છે, તેની કોઈ માહિતી અમારી પાસે ન હતી. તેમને છોડાવવા માટે અમારે અદાલતો પાસેથી પરવાનગી મેળવવી પડશે અને કારણ જણાવવું પડશે. આ પ્રક્રિયામાં અઠવાડિયાં, મહિના કે તેથી વધુ સમય લાગી શકે છે. અપહરણકારોના પ્રતિનિધિઓ તરત થાકી જતા હતા, તેમનો અવાજ ધીમો પડી જતો હતો, કારણ કે, તેમણે ભૂખ્યા પેટે લાંબા સમય સુધી બોલવું પડતું હતું. ત્રીજો દિવસ ઊગતાં તો તેમની માગણી ઘટીને ત્રણ કેદીઓને છોડાવવા પૂરતી સીમિત થઈ ગઈ."
આ ત્રણ ચરમપંથી હતાઃ મસૂદ અઝહર, ઓમર શેખ અને મુશ્તાક અહમદ ઝરગર. વિમાનમાં ફસાયેલા ભારતીય પ્રવાસીઓને કોઈ પણ કિંમતે મુક્ત કરાવવા માટે ભારત સરકાર પર ભારે દબાણ હતું.
ચરમપંથીઓના સંબંધીઓએ તેમની ઓળખ કરી
31મી ડિસેમ્બરના રોજ ત્રણ ચરમપંથીઓ અને વિદેશ મંત્રી જસવંતસિંહને લઈને ઇન્ડિયન ઍરલાઇન્સનું એક વિમાન સાંજે પાંચ વાગ્યે કંદહાર પહોંચ્યું. એ સમયે સૂર્યાસ્ત થવાની તૈયારી હતી.
ઘનશ્યામ કહે છે, "કંદહાર ઍરપૉર્ટ પર માત્ર એક સીડી ઉપલબ્ધ હોવાથી અમારી સામેની સૌથી મોટી સમસ્યા એ હતી કે, પ્રવાસીઓને વિમાનમાંથી કેવી રીતે ઊતારવા? તેમાં સૌપ્રથમ વિદેશમંત્રી અને આતંકવાદીઓને ઉતારવામાં આવ્યા. પછી હાઇજૅક કરાયેલા પ્લેનમાંથી પ્રવાસીઓને તે જ સીડીથી ઉતારવામાં આવ્યા અને પછી એ જ સીડીથી તે મુસાફરોને ભારતમાંથી આવેલા વિમાનમાં બેસાડાયા. આ કામગીરીમાં ઘણો સમય લાગ્યો. જસવંતસિંહ વિદેશ મંત્રાલયના ડિરેક્ટર વીપી હરન સાથે સૌપ્રથમ ઊતર્યા હતા. તેમને તાલિબાનના વિદેશ મંત્રીને મળવા માટે લઈ જવાયા. જસવંતસિંહે મધ્યસ્થી બદલ તેમનો આભાર માન્યો."
એ પછી ત્રણ ચરમપંથીઓને ઉતારવામાં આવ્યા. તાલિબાનના પ્રતિનિધિઓએ તેમને એક પછી એક રિસીવ કર્યા. તે પછી ત્રણેય આતંકવાદી અદૃશ્ય થઈ ગયા.
જસવંતસિંહ તેમની આત્મકથા 'અ કૉલ ટુ ઓનર'માં એ પ્રસંગ વર્ણવે છે, "તે ત્રણેય નીચે ઊતર્યા, એ સાથે જ સૂત્રો પોકારીને અને ભેટીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. પાકિસ્તાનથી તેમના સંબંધીઓને ત્યાં લવાયા હતા. તેમણે તેમની ઓળખ કરી. જે આતંકવાદીઓને છોડી મુકાયા છે, તેમની ઓળખ થઈ ચૂકી છે, તેની ખાતરી થઈ ગયા બાદ જ અપહરણકારો પ્લેનમાંથી ઊતર્યા. આ દરમિયાન હું રાહ જોતો હતો. થોડી વારમાં અંધારું થયું. વાતાવરણમાં ઠંડીનું જોર વધ્યું."
ડોભાલને દૂરબીનની ભેટ
આ જ સમયગાળા દરમિયાન, એક અપહરણકારે અજિત ડોભાલને દૂરબીનની ભેટ કર્યું. પછીથી આ વિશે ડોભાલે લખ્યું, "ત્રણ આતંકવાદીઓને અપહરણકારોને સોંપતાં પહેલાં હું એ સુનિશ્ચિત કરવા માગતો હતો કે, ક્યાંક તેઓ વધુ કોઈ કારસ્તાન કરવાની ફિરાકમાં તો નથીને? હું પ્લેનની અંદર ગયો અને પ્રવાસીઓનું મનોબળ વધારવા તેમને સંબોધ્યા. હું વિમાનમાંથી ઊતરી રહ્યો હતો, ત્યારે બે અપહરણકારો બર્ગર અને સેન્ડી મારી પાસે આવ્યા અને યાદગીરી સ્વરૂપે મને નાનું દૂરબીન ભેટમાં આપ્યું. તેમણે કહ્યું કે, આ દૂરબીનની મદદથી તેઓ બહારની ગતિવિધિ પર દેખરેખ રાખી રહ્યા હતા. જ્યારે અમે દિલ્હી પરત ફરી રહ્યા હતા, ત્યારે મેં વિદેશ મંત્રીને તે દૂરબીન બતાવ્યું. તેમણે તે દૂરબીન પોતાની પાસે રાખી લેતાં કહ્યું કે, તે દૂરબીન તેમને કંદહારનો કડવો અનુભવ યાદ દેવડાવતું રહેશે."
તે રાત્રે વિદેશ મંત્રી જસવંતસિંહ તમામ મુસાફરો સાથે દિલ્હી પરત ફર્યા, પણ તેમણે ઘનશ્યામને હાઇજૅક કરાયેલું ભારતીય વિમાન દિલ્હી પાછું ન ફરે, ત્યાં સુધી ત્યાં જ રોકાવાની સૂચના આપી.
ઘનશ્યામ યાદ કરતાં કહે છે, "જ્યારે હું આશરે સાતેક વાગ્યે વિમાનની અંદર પ્રવેશ્યો, તો ત્યાં અસહ્ય બદબૂ આવતી હતી. કૉકપિટની અંદર મુરઘીનાં હાડકાં અને નારંગીનાં છોતરાં આમતેમ પડ્યાં હતાં. ટૉઇલેટ્સ વાપરવાલાયક નહોતાં. એ રાતે હું ઍરપૉર્ટ લાઉન્જમાં રોકાયો. કૅપ્ટન રાવ 11 વાગ્યા સુધી વિમાનમાંથી પરત ફર્યા ન હતા. તેમને શોધવા માટે હું પ્લેનમાં ગયો. હું તેમને મારી સાથે લાઉન્જમાં લઈ આવ્યો અને તે રાતે અમે ત્યાં જ ઊંઘી ગયા. "
તાલિબાન તરફથી ઘનશ્યામને ભેટ
બીજા દિવસે પહેલી જાન્યુઆરીના રોજ, ઇસ્લામાબાદ પરત ફરતા પહેલાં ઘનશ્યામ તાલિબાનના અધિકારીઓને મળીને તેમનો આભાર માનવા ઇચ્છતા હતા, પણ કોઈ તેમને મળવા ન આવ્યું.
લગભગ 11 વાગ્યે કન્ટ્રોલ રૂમના અંગ્રેજી બોલતા એક અધિકારીએ ઘનશ્યામને એક પૅકેટ આપ્યું.
ઘનશ્યામ યાદ કરે છે, "તે પૅકેટમાં થોડી બદામ અને સૂકી દ્રાક્ષ હતી. સાથે જ તેમાં નાનો કાંસકો, એક નેઇલ કટર, નાયલૉનનાં મોજાંની જોડ અને અફઘાન પોશાક બનાવવા માટે અમુક મીટરનું સુતરાઉ કાપડ હતું. અધિકારીએ મને કહ્યું કે, તાલિબાનના નાગરિક ઉડ્ડયન મંત્રીએ મને તે ભેટ આપી હતી. 12 વાગ્યે હું સંયુક્ત રાષ્ટ્રના વિમાનમાં સવાર થયો અને ઇસ્લામાબાદ જવા રવાના થયો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન