લાદેનને શરણ આપનાર મુલ્લા ઉમરને અમેરિકા પણ કેમ શોધી ન શક્યું

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી

મુલ્લા ઉમરે પોતાના દેશ અફઘાનિસ્તાનમાં ઓસામા બિન લાદેનને એવા સમયે શરણ આપ્યું હતું જ્યારે તેમના માટે આખી દુનિયામાં સંતાવા માટે કોઈ જગ્યા બચી નહોતી.

અફઘાનિસ્તાનમાં રહીને જ ઓસામાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ધરાશાયી કરવાનું કાવતરું ઘડ્યું, જેમાં લગભગ ત્રણ હજાર લોકો મૃત્યુ પામ્યાં હતાં.

મુલ્લા ઉમરની બાયૉગ્રાફી 'લુકિંગ ફૉર ધ એનિમી, મુલ્લા ઉમર ઍન્ડ ધ અનનોન તાલિબાન'માં ડચ પત્રકાર બૅટી ડૅમે લખ્યું છે, "મુલ્લા ઉમરની માત્ર એક જ તસવીર દરેક જગ્યાએ જોવા મળે છે."

"તે પણ પ્રમાણિત હોવા અંગે લોકોનો એકમત નથી. એમના વિશે કોઈ પણ સ્પષ્ટ નથી કે એ તસવીર ખરેખર મુલ્લા ઉમરની જ છે."

2 કરોડ ડૉલરનું ઇનામ

2001 પછી મુલ્લા ઉમર ક્યાં ગયા તે અંગે હજુ સુધી કશી માહિતી નથી.

અફઘાન સરકાર, અમેરિકાની સરકાર અને અમેરિકાનાં મીડિયાનું માનવું હતું કે તેઓ પાકિસ્તાનમાં રહેતા હતા, જ્યારે તાલિબાને તેનું ખંડન કરતાં કહ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાનમાં જ હતા.

2001થી જ અવારનવાર મુલ્લા ઉમરના મૃત્યુના સમાચાર આવતા રહ્યા છે. 2012માં અમેરિકન સરકારે મુલ્લા ઉમર અંગે માહિતી આપવા બદલ 2 કરોડ ડૉલરનું ઇનામ જાહેર કર્યું હતું.

અમેરિકાના વિદેશ મંત્રાલયની મોસ્ટ વૉન્ટેડ યાદીમાં ઉમરનું વર્ણન કરતાં જણાવવામાં આવ્યું હતું–

  • વાળ – કાળા
  • કદ – ઊંચું
  • રાષ્ટ્રીયતા – અફઘાન
  • ખાસ નિશાન – ડાબી આંખે ઈજા

સોવિયત સેના વિરુદ્ધ યુદ્ધ કર્યું

ઉમર પહેલાંથી જ અમેરિકાના દુશ્મન હતા એવું નહોતું, એક સમય એવો પણ હતો જ્યારે અમેરિકન તેમને કામના માણસ ગણતા હતા, કેમ કે તેઓ સોવિયત સેના વિરુદ્ધ લડનારાઓમાંથી એક હતા.

ઉમરનો જન્મ અફઘાનિસ્તાનમાં કંદહારના એક ગામમાં થયો હતો.

જ્યારે ઉમર ફક્ત બે વર્ષના હતા, ત્યારે તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું. જ્યારે તેઓ 22-23 વર્ષના હતા, ત્યારે તેમણે સોવિયત સેના વિરુદ્ધ અભિયાનમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું.

ડચ લેખિકા બૅટી ડૅમે લખ્યું છે, "યુદ્ધના સમયે તેમને 'રૉકેટી' નામથી બોલાવવામાં આવતા હતા, કેમ કે તેમનું રૉકેટ નિશાન સચોટ હતું, શરૂઆતમાં અફઘાનના ગેરીલાઓનું નિશાન એટલું સારું નહોતું, જેના લીધે ઘણા નિર્દોષ નાગરિકોનાં મૃત્યુ થતાં હતાં."

તાલિબાનના વિદેશ મંત્રી રહેલા વકીલ અહમદ મુતવક્કિલે બૅટી ડૅમને જણાવ્યું હતું, "ઉમર સોવિયત સૈનિકોની નજરમાં આવી ગયા હતા. એક વાર તેમણે રેડિયો પર જાહેરાત પણ કરી દીધી હતી કે ઊંચી વ્યક્તિ મૃત્યુ પામી છે, પરંતુ તે માત્ર અફવા હતી, કેમ કે ઊંચી વ્યક્તિ (મુલ્લા ઉમર) બચીને ભાગી ગઈ હતી."

બૅટીએ લખ્યું છે, "બાળપણમાં ઉમરની છાપ એક તોફાની બાળકની હતી, પરંતુ ત્યાર પછી તેઓ અંતર્મુખી અને શરમાળ થઈ ગયા હતા—ખાસ કરીને બહારના લોકોની સામે. પરંતુ જ્યારે તેઓ મિત્રોની વચ્ચે હોય ત્યારે તેમને બીજાની નકલ કરવામાં ખૂબ મજા આવતી હતી."

આંખમાં ગંભીર ઈજા

1980ના દાયકાના અંતમાં સોવિયત સેના સામે યુદ્ધ દરમિયાન તેમની એક આંખમાં ગંભીર ઈજા થઈ હતી.

બૅટી ડૅમે લખ્યું છે કે એક દિવસ મુલ્લા ઉમર અને તેમના સાથીદારો સંતાયેલા હતા, કેમ કે તેમને શંકા હતી કે સોવિયત સૈનિકો તેમના ઉપર હવાઈ હુમલો કરશે.

જેવું તેમણે આકાશ તરફ જોયું, સોવિયત વાયુસેનાએ એક બૉમ્બ ફેંક્યો. તેનાથી થયેલા ધડાકામાં પાસેની મસ્જિદ સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ. તેનો ભંગાર જ્યારે હવામાં ઊછળ્યો ત્યારે તેનો એક ટુકડો ઉમરની ડાબી આંખમાં વાગ્યો.

ત્યાં પહોંચવામાં ડૉક્ટરને એક આખો દિવસ લાગ્યો. ત્યાં સુધી સ્થાનિક ડૉક્ટરે તેમની સારવાર કરી. આની પહેલાં પણ એક વાર તેમણે ઉમરની પીઠમાંથી ગોળી કાઢી હતી.

બૅટીએ લખ્યું છે, "સીઆઇએ ભલે તાલિબાનને મદદ કરતી હતી, તેમને હથિયાર આપતી હતી, પરંતુ મેડિકલ સહાયની ગોઠવણ નહોતી. ડૉક્ટર મુલ્લા ઉમરની પાસે પહોંચે ત્યાં સુધીમાં તો તેમણે પોતાની આંખમાં ખૂંચેલો ધાતુનો કટકો પોતાના હાથે જ કાઢી નાખ્યો હતો અને પોતાના સાફાથી વહેતા લોહીને અટકાવવાની કોશિશ કરી રહ્યા હતા. ડૉક્ટરે ફર્સ્ટ-એડ આપ્યા પછી તેમના સાથીદારો તેમને પાકિસ્તાનના શહેર ક્વેટા લઈ ગયા હતા."

બળાત્કારી કમાન્ડરને ફાંસીએ લટકાવ્યો

મુલ્લા ઉમર અંગે એક કહાની પ્રખ્યાત છે કે 1994ની શરૂઆતમાં એક સ્થાનિક કમાન્ડરે બે છોકરીઓનું અપહરણ કરીને તેમની સાથે બળાત્કાર કર્યો હતો.

સૅન્ડી ગૉલે 'ધ ગાર્ડિયન'ના 30 જુલાઈ 2015ના અંકમાં લખ્યું હતું, "મુલ્લા ઉમરે ત્રીસ યુવાન વિદ્યાર્થીઓને એકઠા કરીને તેમને હથિયાર આપ્યાં અને કમાન્ડરના ઠેકાણા પર હુમલો કરી દીધો. તેમણે માત્ર છોકરીઓને છોડાવી એટલું જ નહીં, બલકે કમાન્ડરને ટૅન્કના નાળચા પર ફાંસીએ લટકાવી દીધો. પછીથી તેમણે કહ્યું કે અમે એવા મુસલમાનો વિરુદ્ધ પણ લડી રહ્યા છીએ જે પોતાના માર્ગ પરથી ભટકી ગયા છે."

સોવિયત સંઘ સાથેના યુદ્ધમાં અફઘાનિસ્તાનના 75થી 90 હજાર જેટલા લોકો મૃત્યુ પામ્યાં, જ્યારે સોવિયત સંઘના લગભગ 15 હજાર સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા.

આ સિવાય 10 વર્ષ દરમિયાન લગભગ 15 લાખ અફઘાની નાગરિકોનાં મૃત્યુ થયાં અને લગભગ 30 લાખ લોકો ઘાયલ થયા. તેમાંથી ઘણા લોકોએ હંમેશ માટે પોતાના હાથ અને પગ ગુમાવી દીધા.

બીબીસીના રિપોર્ટર સાથે મુલાકાત

એક વખત જ્યારે બીબીસી સંવાદદાતા રહીમઉલ્લા યુસુફઝઈ મુલ્લા ઉમરને મળવા કંદહારના ગવર્નરના બંગલે પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે ઉમર ઘાસ પર પોતાનો સાફો ઓઢીને બપોરની ઊંઘનો આનંદ માણી રહ્યા હતા.

રસપ્રદ વાત એ હતી કે જે ભવ્ય બંગલામાં અનેક શાનદાર રૂમ્સ અને બૉલરૂમ પણ હતા, તેમાં ઉમરે સીડીની નીચેના એક બારી વગરના રૂમમાં રહેવાનું પસંદ કર્યું હતું.

આઇએસઆઇના એક જાસૂસી અધિકારીએ નામ ન છાપવાની શરતે બૅટી ડૅમને જણાવ્યું હતું, "ત્યાં બધા તાલિબાની નેતા એક ચટાઈ પર બેસીને ચા પીતા હતા. તેમની બાજુમાં લોખંડની એક પેટી હતી, જેમાં તેમના શાસનનું બધું ધન હતું. કેટલાક લોકો એટલે સુધી કહેતા હતા કે મુલ્લા ઉમર ભાગ્યે જ પોતાનાં કપડાં બદલતા હતા, કેમ કે તેઓ હંમેશા એક જેવા જ સલવાર-કમીઝમાં દેખાતા હતા. તેમનું ભોજન પણ ખૂબ સાદું હતું, સૂપ અને થોડાક બાફેલા બટાટા, જેને તેઓ એટલી ઝડપથી ખાતા હતા, જાણે તેમને ખૂબ ભૂખ લાગી હોય."

ઇન્ટરવ્યૂ આપવામાં ખચકાટ

મુલ્લા ઉમર સારા વક્તા નહોતા. તેમનો અવાજ એક વૃદ્ધ થઈ રહેલા અભણ વ્યક્તિ જેવો હતો. તેમને એક શબ્દ અનેક વાર બોલવાની ટેવ હતી, જેનાથી એવો આભાસ થતો હતો કે તેઓ હકલાતા હતા.

1995માં બીબીસી માટે કામ કરનાર વરિષ્ઠ પત્રકાર રહીમઉલ્લા યુસુફઝઈને મુલ્લા ઉમરનો ઇન્ટરવ્યૂ કરવાની તક મળી હતી. રહીમઉલ્લા દુનિયાના એકલદોકલ પત્રકારોમાંના એક છે જેમણે મુલ્લા ઉમરને નજીકથી જોયા હોય.

બૅટી ડૅમે લખ્યું છે, "મુલ્લા ઉમરે યુસુફઝઈનું આદરપૂર્વક સ્વાગત કર્યું. તેઓ બીબીસીની પશ્તો સર્વિસ પર ઘણી વાર તેમને સાંભળતા હતા, પરંતુ તેમણે ઇન્ટરવ્યૂ આપવામાં પોતાની અસમર્થતા જાહેર કરી. તેમણે કહ્યું કે તેઓ માઇક્રોફોનની સામે બોલી શકતા નથી. તેમણે પોતાના જીવનમાં એક પણ ઇન્ટરવ્યૂ નહોતો આપ્યો."

ઘણા પ્રયાસો પછી મુલ્લા ઉમરે કહ્યું કે તેઓ તેમનું ટેપ રેકૉર્ડર અને સવાલ તેમના પ્રેસ સલાહકાર અબ્દુલ રહમાન હોતાકીની પાસે મૂકી જાય. બીજા દિવસે મુલ્લા ઉમરે પોતાના બધા જવાબ રેકૉર્ડ કરાવી દીધા.

તેમના જવાબોથી લાગી રહ્યું હતું કે તેમને જવાબ આપવામાં ઘણી મુશ્કેલી પડી હતી. હોતાકીએ બૅટીને જણાવ્યું હતું કે તેમના કેટલાક જવાબોને વારંવાર રેકૉર્ડ કરવા પડ્યા હતા.

હોતાકીએ સવાલોના જવાબ એક કાગળ પર લખીને આપ્યા હતા, પરંતુ મુલ્લાને તે વાંચવામાં પણ મુશ્કેલી પડી રહી હતી.

બૅટીએ જણાવ્યું છે કે એ ટેપ પછી ગુમ થઈ ગઈ અને કોઈ પણ આર્કાઇવમાં તેને શોધી ન શકાઈ.

ડ્રાઇવિંગના શોખીન

મુલ્લા ઉમરને ડ્રાઇવિંગનો શોખ હતો. તેઓ હંમેશાં પોતાની સીટને ઊંચી કરીને સ્ટીયરિંગ વ્હીલ નજીક લઈ જતા હતા, પરંતુ તેમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું.

તેમના ઘણા એક્સિડન્ટ પણ થયા. તેમના નજીકના સાથી મુતાસિમ આગાજાનનું કહેવું હતું, "અમે નહોતા ઇચ્છતા કે તેઓ ગાડી ચલાવે, પરંતુ તેઓ એટલા જિદ્દી હતા કે તેઓ ડ્રાઇવરને એક બાજુ બેસાડીને પોતે ગાડી ડ્રાઇવ કરવા માગતા હતા. ઘણી વાર એક્સિડન્ટ પછી તેઓ ગૅરેજમાં ગાડી ઠીક થવાની રાહ જોતા હતા, જેથી તેઓ ફરીથી તેને ચલાવી શકે."

જ્યારે યુદ્ધમાં અવરોધ ઊભો થઈ જતો હતો ત્યારે ઉમર પોતે તાલિબાનના બીજા યોદ્ધાઓની જેમ યુદ્ધમાં સામેલ થઈ જતા હતા.

જાણીતા લેખક અહમદ રશીદે પોતાના પુસ્તક 'ધ સ્ટોરી ઑફ અફઘાન વૉરલૉર્ડ્સ'માં લખ્યું છે, "મુલ્લા ઉમરનું ચાલ્યું હોત તો તેઓ તાલિબાની ગેરીલાઓની સાથે હંમેશા બંકરમાં યુદ્ધ કરતા હોત, પરંતુ તેમના કમાન્ડર નહોતા ઇચ્છતા કે તેઓ એવું કરે. તેઓ તેમને કહેતા રહેતા કે અમને નેતા તરીકે તમારી જરૂર છે, સૈનિક તરીકે નહીં."

આધુનિક જીવન સાથે કશી લેવાદેવા નહીં

જ્યારે તાલિબાને પહેલી વાર કાબુલમાં પ્રવેશ કર્યો ત્યારે મુલ્લા ઉમર કાબુલ ન ગયા અને કંદહારમાં જ રહ્યા. તેમણે કાબુલની રોજિંદી વહીવટી જવાબદારી મુલ્લા રબ્બાનીને સોંપી દીધી.

મુલ્લા રબ્બાની એ રાષ્ટ્રપતિ ભવનમાં જઈને રહેવા લાગ્યા જેને તેમના જેવું જ નામ ધરાવતા બુરહાનુદ્દીન રબ્બાનીએ છોડ્યું હતું.

તાલિબાનને વહીવટ ચલાવવાનો કશો અનુભવ નહોતો અને તેમાંના ઘણા બધા ખૂબ યુવાન હતા.

મુલ્લા ઝઇફે પોતાના પુસ્તક 'માય લાઇફ વિથ ધ તાલિબાન'માં લખ્યું છે, "તેમાંના ઘણા બધા લોકો ફક્ત કુરાન વાંચવાનું અને ખીણોમાં રહીને લડવાનું જાણતા હતા. તેઓ ખૂબ મુશ્કેલીથી પોતાના હસ્તાક્ષર કરી શકતા હતા. અધિકારીઓને એ જોઈને ખૂબ આશ્ચર્ય થતું કે તેમણે રૂમની ખુરશીઓને એક બાજુ રખાવી દીધી હતી અને મંત્રીઓની બેઠક જમીન ઉપર પથરાયેલાં ગાદલાંઓ ઉપર થવા લાગી."

તાલિબાનના મોટા નેતા કાબુલ શહેરમાં કારથી જવાના બદલે ચાલતા જતા હતા. કદાચ તેનું કારણ એ પણ રહ્યું હોય કે તે સમયે કાબુલમાં ઘણી ઓછી કાર હતી અને પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા હતા.

આખા દેશમાં પાસપૉર્ટ ફોટા સિવાયના કોઈ પણ ફોટા પડાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. સંગીત સાંભળવા અને વગાડવાની સંપૂર્ણ મનાઈ હતી.

ઘણી કારોને અટકાવીને તેના કૅસેટ પ્લેયરમાંથી કૅસેટ કાઢીને તેને નષ્ટ કરવામાં આવતી હતી.

રાષ્ટ્રીય રમત 'બુઝકુશી' પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. લોકોને શતરંજ રમવાની પણ મંજૂરી નહોતી અને ફૂટબૉલ રમતી વખતે હાફ પૅન્ટની જગ્યાએ ફુલ પૅન્ટ પહેરવું પડતું હતું.

ઉમર અને ઓસામાની મિત્રતા

જ્યારે 1996માં સુદાને અમેરિકાના દબાણમાં ઓસામા બિન લાદેનને પોતાનો દેશ છોડી દેવા કહ્યું ત્યારે તેમની પાસે અફઘાનિસ્તાન જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

ઓસામા બિન લાદેનના પુત્ર ઓમર બિન લાદેને પોતાના પુસ્તક 'ગ્રોઇંગ અપ બિન લાદેન'માં લખ્યું હતું, "અફઘાનિસ્તાન આવતા સમયે જ્યારે તેમનું વિમાન સાઉદી અરબની ઉપરથી પસાર થતું હતું ત્યારે તેમના પિતાના માથા પર એ બીકે પરસેવાના રેલા આવી ગયા હતા કે ક્યાંક તેમના વિમાનને રૉકેટથી તોડી પાડવામાં ન આવે."

1996માં જ્યારે ઓસામાનું વિમાન જલાલાબાદમાં લૅન્ડ થયું ત્યારે મુલ્લા ઉમર સ્વાગત માટે ત્યાં હાજર નહોતા.

ઓમર બિન લાદેને લખ્યું છે, "એ ખોટી માન્યતા છે કે ઓસામા મુલ્લા ઉમરના આમંત્રણથી અફઘાનિસ્તાન આવ્યા હતા. હવાઈ મથકે તેમનું સ્વાગત ગુલબુદ્દીન હિકમતયારના લોકોએ કર્યું હતું. શરૂઆતમાં તેમને અફઘાન બાદશાહ ઝાહિરશાહના એક મહેલમાં રખાયા હતા, પરંતુ થોડા સમય પછી ઓસામા તોરા-બોરાની પહાડીઓની ગુફામાં રહેવા જતા રહ્યા હતા. આ કથિત દોસ્તીની મારા ચિત્તમાં કોઈ યાદ નથી."

ઉમરે ઓસામાને દેશ છોડવા કહ્યું

ઓસામાના પુત્ર ઓમરને સારી રીતે યાદ છે કે મુલ્લા ઉમરે 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા પછી ઓસામા બિન લાદેનને પોતાનો દેશ છોડી દેવાનું કહ્યું હતું.

ઓમરે લેખિકા બૅટી ડૅમને જણાવ્યું હતું, "મુલ્લા ઉમર મારા પિતા કરતાં પણ ઊંચા હતા. જ્યારે તેઓ મારા પિતાને મળવા આવ્યા ત્યારે તેમણે મુલ્લા ઉમર માટે દાવતની વ્યવસ્થા કરી હતી, પરંતુ તેઓ ઓસામાથી થોડા દૂર બેઠા. તેમણે પોતાના માટે એક ખુરશીની માગ કરી, જે થોડું વિચિત્ર હતું, કેમ કે બાકીના બધા લોકો જમીન પર બેઠા હતા. તેમણે મારા પિતાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "વસ્તુઓ કામ નથી કરતી. તમારે અહીંથી જવું પડશે."

મુલ્લા ઉમરે ઓસામાને કહ્યું કે, "એ લોકો (અમેરિકન) નશીલી દવાઓ અને મહિલા અધિકારોને પહેલાંથી જ મોટો મુદ્દો બનાવી રહ્યા છે. હું નથી ઇચ્છતો કે તમારું પ્રત્યાર્પણ તેનાથી પણ મોટો મુદ્દો બની જાય."

ઓમરે બૅટીને જણાવ્યું કે મુલ્લા ઉમરે કહ્યું, "ઇસ્લામી કાયદા હેઠળ હું તમને બીજાના હવાલે ન કરી શકું, પરંતુ હું આશા રાખું છું કે તમે જાતે અહીંથી જતા રહો. જ્યારે મારા પિતાએ ઉમરને કહ્યું કે સુદાને તેમને પાંચ વર્ષ સુધી પોતાને ત્યાં રહેવા દીધા, જ્યારે તેમને અફઘાનિસ્તાનમાં માત્ર સાડા ત્રણ વર્ષ થયાં છે. ત્યારે તેઓ તેમની જગ્યા પરથી ઊભા થઈને બહાર જવા માટે તૈયાર થઈ ગયા. તેમણે ઓસામા બિન લાદેન સાથે હાથ પણ ન મિલાવ્યો."

હકીકતમાં, 9/11ના હુમલા પછી અમેરિકાએ અફઘાનિસ્તાનને કહ્યું હતું કે તે ઓસામા બિન લાદેનને તેમને સોંપી દે, પરંતુ તે બાબતે મુલ્લા ઉમરની કશી પ્રતિક્રિયા જોવા ન મળી, ત્યાર પછી અમેરિકાએ તોરા-બોરા પર બૉમ્બમારો શરૂ કરી દીધો હતો.

બામિયાનના લીધે ઘણી બદનામી થઈ

ફેબ્રુઆરી 2001ના અંતમાં મુલ્લા ઉમરે બામિયાનમાં બુદ્ધની બે ઐતિહાસિક મૂર્તિઓને નષ્ટ કરવાની પોતાની યોજનાની જાહેરાત કરી.

આ મૂર્તિઓ 174 અને 115 ફીટ ઊંચી હતી અને તેને 1,500 વર્ષ પહેલાં ખડકો કોતરીને બનાવવામાં આવી હતી. યૂનેસ્કોએ તેને પોતાની વૈશ્વિક ધરોહર સૂચિમાં સામેલ કરી હતી.

આ જાહેરાતથી વિશ્વ આખામાં ખળભળાટ થઈ ગયો, પરંતુ ઉમરે પોતાનો નિર્ણય ન બદલ્યો. 2 માર્ચ 2001ના દિવસે આ મૂર્તિઓને વિસ્ફોટક લગાવીને નષ્ટ કરી દેવામાં આવી.

મુલ્લા ઉમરને મારવાની કોશિશ

મુલ્લા ઉમરને મારવાના ઇરાદે 6 ઑક્ટોબર 2001ની રાત્રે કંદહારમાં તેમની ઑફિસની ઉપર અમેરિકાના એક ચાલક રહિત પ્રિડેટર 3034 ડ્રોનને મોકલવામાં આવ્યો હતો.

ક્રિસ વુડે 'ધ એટલાન્ટિક' મૅગેઝીનના 30 મે, 2015ના અંકમાં 'ધ સ્ટોરી ઑફ અમેરિકાઝ વેરી ફર્સ્ટ ડ્રૉન સ્ટ્રાઇક' શીર્ષકવાળા લેખમાં લખેલું, "હજારો માઇલ દૂર લેંગલીમાં સીઆઇએના મુખ્ય મથકમાં વરિષ્ઠ સીઆઇએ અધિકારી ડ્રોન દ્વારા આવેલી તસવીરો જોઈ રહ્યા હતા. તેમને બીક હતી કે ઑફિસ પર ફેંકવામાં આવનાર બૉમ્બ ઘણા નિર્દોષ લોકોને મારી શકે તેમ હતો, તેથી તેઓ મુલ્લા ઉમર બહાર નીકળે તેની રાહ જોતા હતા."

ક્રિસ વુડે લખ્યું છે, "જ્યારે એ ઇમારતમાંથી સશસ્ત્ર લોકોથી ભરેલાં ત્રણ લૅંડક્રૂઝર્સ વાહન બહાર નીકળ્યાં ત્યારે તેમને પૂરી ખાતરી હતી કે તેમાંના એકમાં મુલ્લા ઉમર છે, પરંતુ હુમલાના ટાઇમિંગ બાબતે બે જનરલો વચ્ચે મતભેદના લીધે હેલફાયર રૉકેટ છોડવામાં નહોતાં આવ્યાં. ત્રણ લૅંડક્રૂઝર વાહન ભીડભાડવાળા રોડ પર ભીડમાં ગુમ થઈ ગયાં હતાં."

લાંબી બીમારી પછી મૃત્યુ

મુલ્લા ઉમર અંગે ઘણા લાંબા સમય સુધી રહસ્ય રહ્યું. આજે પણ તેમના મૃત્યુ અંગે જાત જાતની વાતો કરવામાં આવે છે.

જુલાઈ 2015માં અફઘાન સરકારે જાહેર કર્યું કે મુલ્લા ઉમર મરી ગયા છે, પરંતુ એમ પણ કહેવાય છે કે તેમનું મૃત્યુ એનાં (જાહેરાતનાં) બે વર્ષ પહેલાં 23 એપ્રિલ, 2013માં જ થઈ ગયું હતું.

બૅટી ડૅમે લખ્યું છે, "મુલ્લા ઉમરના સહયોગી અબ્દુલ ઝબ્બાર ઓમારીએ મને જણાવેલું કે, એ દિવસે આખા કંદહારમાં કરા પડ્યા હતા. મુલ્લા ઉમર છેલ્લા ત્રણ મહિનાથી ખાંસતા હતા અને ઊલટીઓ કરતા હતા. ઓમારીએ ખૂબ સમજાવ્યા કે તેમણે ડૉક્ટરને બતાવવું જોઈએ, પરંતુ મુલ્લા ઉમર તેમની વાત ન માન્યા."

ઓમારીએ બૅટીને જણાવ્યું, "ખૂબ જ સમજાવટ પછી તેઓ સ્થાનિક દુકાનમાંથી ખરીદવામાં આવેલું ઇન્જેક્શન લેવા તૈયાર થયા હતા. તેઓ બેભાન થઈ ગયા હતા. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો. જ્યારે હું તેમને અડ્યો ત્યારે તેઓ નીચેની તરફ ઢળી પડ્યા. બીજા દિવસે તેમનું મૃત્યુ થઈ ગયું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન