અફઘાનિસ્તાન : તાલિબાન કોણ છે અને કેવી રીતે મજબૂત બન્યું?

બે દાયકા બાદ અફઘાનિસ્તાનમાં ઇતિહાસનું પુનરાવર્તન થયું અને એક પછી એક શહેર ફતેહ કરી આખરે તાલિબાને રાજધાની કાબુલ પણ સર કરી લીધી.

અફઘાનિસ્તાનમાં 20 વર્ષના સંઘર્ષ બાદ અમેરિકા હવે પોતાની સેના પાછી ખેંચવાની જાહેરાત કરી એ સાથે જ તાલિબાન ફરી સત્તા માટે આક્રમક બન્યું હતું.

બે દાયકામાં પેઢી બદલાઈ ગઈ છે અને આજે જે યુવાન છે એમણે તાલિબાનનું ક્રૂર શાસન વાસ્તવમાં નહીં પરંતુ કાગળ પર જોયું છે.

એક સમય અફઘાનિસ્તાનમાં એવો પણ આવ્યો કે તાલિબાન ક્યાંય ચર્ચામાં ન હતું અને હવે ફરીથી તાલિબાન યુગ શરૂ થઈ રહ્યો છે.

આટલું મોટું પરિવર્તન આટલી ઝડપથી આવશે એવી કદાચ જ કોઈએ કલ્પના કરી હશે. અફઘાનિસ્તામાં તાલિબાન ફરીથી સત્તાના શિખર પર કેવી રીતે પહોંચ્યું?

દોહા સમજૂતી

તાલિબાને અમેરિકા સાથે વર્ષ 2018થી વાતચીત શરૂ કરી દીધી હતી.

ફેબ્રુઆરી, 2020માં દોહામાં બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ, જ્યાં અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને ખસેડવાની પ્રતિબદ્ધતા દર્શાવી અને તાલિબાને અમેરિકન સૈનિકો પરના હુમલાને બંધ કરવાની મંજૂરી આપી.

સમજૂતીમાં તાલિબાનીઓએ પોતાના નિયંત્રણવાળા વિસ્તારોમાં અલ-કાયદા અને અન્ય ચરમપંથી સંગઠનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવાની વાત કરી અને રાષ્ટ્રીય સ્તરે શાંતિ વાતચીતની શરૂઆતમાં સામેલ થવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

પરંતુ સમજૂતીના આગલા વર્ષે જ તાલિબાનીઓએ અફઘાનિસ્તાનમાં સામાન્ય નાગરિકો અને સુરક્ષાદળોને નિશાન બનાવવું ચાલુ રાખ્યું હતું.

હવે જ્યારે અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનમાંથી વિદાય લઈ રહ્યા છે, ત્યારે તાલિબાની સમૂહો ઝડપથી દેશમાં પગપેસારો કરી રહ્યા છે.

તાલિબાનની શરૂઆત ક્યારે થઈ હતી?

પશ્તો ભાષામાં વિદ્યાર્થીઓને તાલિબાન કહેવાય છે. નેવુંના દશકની શરૂઆતમાં જ્યારે સોવિયત સંઘ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકો પાછા બોલાવી રહ્યું હતું, ત્યારે એ સમયમાં તાબિલાન એક સમૂહ તરીકે ઊભર્યું.

માનવામાં આવે છે કે પશ્તો આંદોલન પહેલાં ધાર્મિક મદરેસાઓમાં ઊભર્યું અને તેના માટે સાઉદી અરેબિયાએ ફંડ આપ્યું. આ આંદોલનમાં સુન્ની ઇસ્લામની કટ્ટર માન્યતાઓનો પ્રચાર કરાતો હતો.

જલદી તાલિબાનીઓ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પશ્તુન વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષાની સ્થાપનાની સાથેસાથે શરિયા કાનૂનના કટ્ટરપંથી સંસ્કરણને લાગુ કરવાનો વાયદો કરવા લાગ્યા હતા.

દક્ષિણ પશ્ચિમ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો પ્રભાવ ઝડપથી વધ્યો.

સપ્ટેમ્બર, 1995માં તેમણે ઈરાનની સીમા પાસેના હેરાત પ્રાંત પર કબજો કરી લીધો હતો. તેના બરાબર એક વર્ષ બાદ તાલિબાનીઓએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરી લીધો હતો.

અફઘાનિસ્તાન પર તાલિબાનીઓનું નિયંત્રણ

તેમણે એ સમયે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ રહેલા બુરહાનુદ્દીન રબ્બાનીને સત્તા પરથી હઠાવી દીધા. રબ્બાની સૈનિકોના અતિક્રમણનો વિરોધ કરનારા અફઘાન મુજાહિદ્દીનના સંસ્થાપક સભ્યોમાંથી એક હતા.

વર્ષ 1998 આવતાંઆવતાં અંદાજે 90 ટકા અફઘાનિસ્તાન પર તાલિબાનીઓનું નિયંત્રણ થઈ ગયું હતું.

સોવિયત સૈનિકોના ગયા બાદ અફઘાનિસ્તાનના સામાન્ય લોકો મુજાહિદ્દીનના અત્યાચારો અને આંતરિક સંઘર્ષથી કંટાળી ગયા હતા, આથી તેમણે તાલિબાનીઓનું સ્વાગત કર્યું હતું.

ભ્રષ્ટાચાર પર અંકુશ, અરાજકતાની સ્થિતિમાં સુધારો, રસ્તાઓનું નિર્માણ અને નિયંત્રણવાળા વિસ્તારોમાં તમામ ધંધારીય સુવિધા આપવી- આ તમામ કામો થતાં શરૂઆતમાં તાલિબાની ઘણા લોકપ્રિય પણ થયા.

પરંતુ આ દરમિયાન તાલિબાને ઇસ્લામિક સજા આપવાની રીત લાગુ કરી, જેમાં હત્યા અને વ્યાભિચારના દોષીઓને જાહેરમાં ફાંસી આપવી અને ચોરીના મામલામાં દોષીઓના હાથ કાપી નાખવા જેવી સજાઓ સામેલ હતી.

પુરુષોએ દાઢી રાખવી અને મહિલાઓ માટે બુરખાનો ઉપયોગ જરૂરી કરી દીધો હતો. તાલિબાને ટેલિવિઝન, સંગીત અને સિનેમા પર પ્રતિબંધ લાદી દીધો અને 10 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની છોકરીઓને સ્કૂલે જવા પર રોક લગાવી દીધી.

તાલિબાન સરકારને માન્યતા આપનારો દેશ

તાલિબાનીઓને પર માનવાધિકાર અને સાંસ્કૃતિક દુર્વ્યવહાર સાથે જોડાયેલા અનેક આરોપો લાગવાના શરૂ થઈ ગયા.

તેનું એક બદનામીવાળું ઉદાહરણ વર્ષ 2001માં ત્યારે જોવા મળ્યું જ્યારે તાલિબાનીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ હોવા છતાં મધ્ય અફઘાનિસ્તાનના બામિયાનમાં બુદ્ધની પ્રતિમાને નષ્ટ કરીને પાડી દીધી.

તાલિબાનને બનાવવામાં અને મજબૂત કરવાના આરોપોનો પાકિસ્તાન સતત ઇનકાર કરતું રહ્યું છે, પણ તેમાં કોઈ શંકા નથી કે શરૂઆતમાં તાલિબાની આંદોલન સાથે જોડાયેલા પાકિસ્તાનની મદરેસાઓમાં શિક્ષિત થનારા લોકો હતા.

અફઘાનિસ્તાન પર જ્યારે તાલિબાનનું નિયંત્રણ હતું ત્યારે પાકિસ્તાન દુનિયાના એ ત્રણ દેશોમાં સામેલ હતો, જેણે તાલિબાન સરકારને માન્યતા આપી હતી. પાકિસ્તાન સહિત સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમિરાતે પણ તાલિબાન સરકારને સ્વીકારી હતી.

તાલિબાનના નિશાને મલાલા યુસૂફઝઈ

તાલિબાન સાથે પોતાના રાજદ્વારી સંબંધોને તોડવાની દિશામાં પણ પાકિસ્તાન સૌથી અંતિમ દેશ રહ્યો હતો.

એક સમયે તાલિબાને ઉત્તર-પશ્ચિમમાં પોતાના નિયંત્રણવાળા વિસ્તારથી પાકિસ્તાનને અસ્થિર કરવાની ધમકી પણ આપી હતી.

આ દરમિયાન તાલિબાને ઑક્ટોબર, 2012માં એક હુમલો કર્યો, જેમાં મિંગોરાનગરમાં પોતાની સ્કૂલેથી પાછાં ફરતાં મલાલા યુસૂફઝઈને ગોળી મારી હતી. આ ઘટનાની આખા પાકિસ્તાનમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નિંદા થઈ હતી.

આ ઘટનાનાં બે વર્ષ પછી પેશાવરમાં એક સ્કૂલ પર હુમલો થયો, બાદમાં પાકિસ્તાનમાં તાલિબાનનો પ્રભાવ ઘણો ઓછો થઈ ગયો હતો.

વર્ષ 2013માં અમેરિકન ડ્રોન હુમલામાં પાકિસ્તાનમાં તાલિબાનના પ્રમુખ હકીમુલ્લા મેહસૂદ સહિત ત્રણ મહત્ત્વના નેતાનાં મોત થયાં હતાં.

તાલિબાનનું શાસન ખતમ

11 સપ્ટેમ્બર, 2001માં ન્યૂ યૉર્કના વર્લ્ડ ટ્રૅડ સેન્ટર પર થયેલા હુમલા બાદ દુનિયાનું ધ્યાન અફઘાનિસ્તાનના તાલિબાન તરફ ગયું. હુમલાના મુખ્ય સંદિગ્ધ ઓસામા બિન લાદેન અને અલ-કાયદાના લડાકુઓને શરણ આપવાનો તાલિબાન પર આરોપ મુકાયો.

7 ઑક્ટોબર, 2001માં અમેરિકાના નેતૃત્વમાં સૈન્ય ગઠબંધને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો અને ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં તાલિબાનનું શાસન ખતમ થઈ ગયું.

ઓસામા બિન લાદેન સહિત તાલિબાની સમૂહનું ત્યારે નેતૃત્વ કરનારા મુલ્લા મોહમ્મદ ઉમર અને તેમના અન્ય સાથીઓ વિશ્વનું સૌથી મોટું તલાશી અભિયાન ચલાવ્યા બાદ પણ અફઘાનિસ્તાનમાંથી ભાગવામાં સફળ રહ્યા.

તાલિબાન જૂથના ઘણા લોકોએ પાકિસ્તાનના ક્વેટા શહેરમાં શરણ લીધું અને તેઓ ત્યાંથી લોકોને નિર્દેશિત કરવા લાગ્યા.

જોકે પાકિસ્તાન સરકાર હંમેશાં ક્વેટામાં તાલિબાનની ઉપસ્થિતિનો ઇનકાર કરતી આવી છે.

અસુરક્ષા અને હિંસાનો માહોલ

મોટી સંખ્યામાં વિદેશી સૈનિકોની ઉપસ્થિતિ બાદ પણ તાલિબાને ધીરેધીરે પોતાને મજબૂત કર્યું અને અફઘાનિસ્તાનમાં પોતાનો પ્રભાવ વધાર્યો. પરિણામ દેશમાં અસુરક્ષા અને હિંસાનો એવો માહોલ ફરીથી જોવા મળ્યો છે, જેવો 2001 બાદ પણ જોવા મળ્યો નહોતો.

સપ્ટેમ્બર, 2012માં તાલિબાન લડાકુઓએ કાબુલમાં ઘણા હુમલા કર્યા અને નૅટોનાં કૅમ્પ પર પણ હુમલા કર્યા.

વર્ષ 2013માં શાંતિની આશા ત્યારે જાગી જ્યારે તાલિબાને કતારમાં ઑફિસ ખોલવાનું એલાન કર્યું. જોકે એકબીજા પર ભરોસો એટલો ઓછો હતો કે હિંસા ઓછી ન થઈ.

ઑગસ્ટ, 2015માં તાલિબાને સ્વીકાર કર્યો કે સંગઠને મુલ્લા ઉમરના મૃત્યુ અંગે ખબર નહોતી પડવા દીધી. મુલ્લા ઉમરનું મૃત્યુ કથિત રીતે સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે પાકિસ્તાનની એક હૉસ્પિટલમાં થયું હતું.

એ જ મહિને સમૂહે મુલ્લા મંસૂરને તેના નવા નેતા પંસદ કર્યાની જાહેરાત કરી હતી.

અમેરિકા અને તાલિબાન વચ્ચે સમજૂતી

આ સમયે તાલિબાને વર્ષ 2001ની હાર બાદ પહેલી વાર કોઈ પ્રાંતની રાજધાની પર પોતાનું નિયંત્રણ મેળવ્યું હતું. રણનીતિની દૃષ્ટિએ ખાસ એવા કુંડુઝ શહેર પર તેમણે નિયંત્રણ મેળવ્યું હતું.

મુલ્લા મંસૂરની હત્યા અમેરિકન ડ્રોન હુમલામાં મે, 2016માં થઈ અને બાદમાં સંગઠનની કમાન ડેપ્યુટી રહેલા મૌલવી હિબ્તુલ્લાહ અખુંજાદાને સોંપાઈ. હાલમાં પણ તેમના હાથમાં તાલિબાનનું નેતૃત્વ છે.

ફેબ્રુઆરી, 2020માં અમેરિકાન અને તાલિબાન વચ્ચે શાંતિકરાર થયા. ઘણી વાતચીત બાદ આ કરાર થયો હતો.

બાદમાં તાલિબાને શહેરો અને સૈન્યઠેકાણાં પર હુમલા બાદ કેટલાક ખાસ લોકોને નિશાન બનાવવાની શરૂઆત કરી અને એવા હુમલાથી તેમણે અફઘાનિસ્તાનના લોકોને ડરાવી દીધા.

અફઘાનિસ્તાન સરકારને તાલિબાનથી ખતરો

આ હુમલામાં તાલિબાનોએ પત્રકારો, ન્યાયાધીશો, શાંતિ કાર્યકરો અને મહત્ત્વનાં પદો પર બેસેલાં મહિલાઓને નિશાન બનાવ્યાં, સ્વાભાવિક છે કે તાલિબાને માત્ર પોતાની રણનીતિ બદલી હતી, કટ્ટરપંથી વિચારધારા નહીં.

અફઘાનિસ્તાનના અધિકારીઓએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી કે આંતરરાષ્ટ્રીય મદદ વિના અફઘાનિસ્તાન સરકારને તાલિબાનથી ખતરો છે, પરંત અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડને એપ્રિલ, 2021માં 11 સપ્ટેમ્બરે બધા અમેરિકન સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પાછા બોલાવવાનું એલાન કરી દીધું હતું.

બે દશક સુધી ચાલેલા એક યુદ્ધમાં અમેરિકન મહાશક્તિને પરેશાન કર્યા બાદ તાલિબાને મોટાં ક્ષેત્રો પર કબજો કરવાનું શરૂ કરી દીધું છે અને વિદેશી સેના બહાર નીકળ્યા બાદ કાબુલમાં સરકારને પાડવાની ધમકી પણ આપી દીધી છે.

માનવામાં આવે છે કે વર્ષ 2001 બાદ પહેલી વાર તાલિબાન આટલું મજબૂત દેખાઈ રહ્યું છે. નૅટોના આકલન પ્રમાણે હજુ પૂર્ણકાલીન લડાકુની સંખ્યા 85 હજાર આસપાસ છે.

હાલમાં તાલિબાનનો કેટલા જિલ્લામાં કબજો છે એ સ્પષ્ટ ન કહી શકાય, પણ અનુમાન છે કે દેશના પાંચમા ભાગથી લઈને એક તૃતીયાંશ ભાગ વચ્ચેના ક્ષેત્ર પર તાલિબાનીઓનું નિયંત્રણ છે.

તાલિબાન જે રીતે ઝડપી આગળ વધી રહ્યું છે એ ઘણા લોકો માટે ચિંતાજનક છે. અફઘાનિસ્તાનમાં અમેરિકન નેતૃત્વવાળા મિશનના કમાન્ડર જનરલ ઑસ્ટિન મિલરે જૂનમાં જ ચેતવણી આપી હતી કે દેશ ગૃહયુદ્ધ તરફ વધી શકે છે.

જૂન મહિનામાં જ અમેરિકન જાસૂસી એજન્સીઓએ પણ અફઘાનિસ્તાનની સ્થિતિનું આકલન કર્યું હતું.

એ કહેવાઈ રહ્યું છે કે એ આકલનમાં અમેરિકન સૈનિકોના જવાના છ મહિનાની અંદર જ અફઘાનિસ્તાનની સરકાર પડવાનું કથિત રીતે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો