You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટન : ભારતીય મૂળનાં અનેક લોકો ઊંચા સ્થાને છતાં ‘હિંદુફોબિયા’ અને વંશીય ભેદભાવ કેમ?
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
પાછલા અઠવાડિયે પાકિસ્તાની મૂળના સાજિદ જાવીદ બ્રિટનની સરકારના મંત્રીમંડળમાં સ્વાસ્થ્યમંત્રી બનીને પાછા ફર્યા. તેમના મંત્રાલય અંતર્ગત નૅશનલ હેલ્થ સર્વિસ (NHS) જેવી વિશ્વની સૌથી મોટી સરકારી સ્વાસ્થ્ય સેવાઓ પૈકી એક સમાવિષ્ટ છે.
વડા પ્રધાનપદ બાદ બ્રિટનનું બીજું સૌથી મહત્ત્વપૂર્ણ મંત્રાલય નાણામંત્રાલય છે. ભારતીય મૂળના યુવાન ઋષિ સુનક દેશના નાણામંત્રી છે અને મહત્ત્વપૂર્ણ એવા ગૃહમંત્રાલયની જવાબદારી પણ ભારતીય મૂળનાં પ્રીતિ પટેલનાં હાથમાં છે.
આ સિવાય ડિસેમ્બર, 2019માં થયેલી સંસદીય ચૂંટણીમાં 15 ભારતીય મૂળના અને એટલા જ પાકિસ્તાની મૂળના ઉમેદવારોનો વિજય થયો છે. ચાર બાંગ્લાદેશી મહિલા ઉમેદવારો પણ જિત્યાં છે.
વર્ષ 2019માં બ્રિટનની સંસદના હાઉસ ઑફ કૉમન્સની 650 બેઠકો માટે ચૂંટણી થઈ હતી જેમાં દર દસ બેઠકો પૈકી એક પર વંશીય લઘુમતી ઉમેદવારનો વિજય થયો છે.
દેશમાં સામાન્યપણે તેમને BAMI ગ્રૂપ એટલે કે અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી સ્વરૂપે ઓળખવામાં આવે છે. બ્રિટનમાં વંશીય લઘુમતીઓની વસતી 14 ટકાની આસપાસ હોવાનું જણાવવામાં આવે છે.
આટલા બધા અશ્વેત, એશિયન અને લઘુમતી સાંસદ બ્રિટનની સંસદમાં પહેલાં ક્યારેય નહોતા પહોંચ્યા.
વંશીય ભેદભાવ ઓછો થઈ રહ્યો છે?
'બ્લૅક લાઇવ્સ મૅટર' અભિયાન અને સરકારી-બિનસરકારી ઑફિસો, સંસ્થાઓ અને રમતોના વિશ્વમાં વિવિધતા લાવવાની કોશિશ હેઠળ બ્રિટનની સંસદ અને મંત્રીમંડળમાં પણ વંશીય લઘુમતીઓની ભાગીદારી વધી છે.
વિપક્ષ લૅબર પાર્ટીના ભારતીય મૂળના સાંસદ નવેન્દુ મિશ્રા કહે છે કે આ યોગ્ય દિશામાં એક કદમ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો શું આનો અર્થ એવો સમજવો કે બ્રિટનમાં વંશીય ભેદભાવ ખતમ થઈ રહ્યો છે કે ઓછો થઈ રહ્યો છે? વિશેષજ્ઞો કહે છે કે આવું વિચારવું એ ગેરસમજભર્યું ગણાશે. ટ્વિટર અને સોશિયલ મીડિયાનાં અન્ય પ્લૅટફૉર્મ પર અશ્વેત નસલના ખેલાડીઓને નસલવાદી અવારનવાર ટ્રોલ કરે છે. ક્યારેક ક્યારેક તો તેમને મોઢામોઢ વાનર પણ કહે છે.
તાજેતરમાં બ્રિટનમાં કોરોના વાઇરસના ડેલ્ટા વૅરિયન્ટના પ્રસારના કારણે ભારતીય મૂળના લોકો વિરુદ્ધ નસલવાદી ભેદભાવના મામલાની સંખ્યા વધી છે.
નવેન્દુ મિશ્રા કહે છે કે, "ધ ઇન્ડિયન વૅરિયન્ટ" જેવા શબ્દ આ ભેદભાવનું ઉદાહરણ છે. જ્યાં આ શબ્દનો વ્યાપક ઉપયોગ વાઇરસના ઘાતક પ્રસારને ભારતીય લોકો સાથે સાંકળે છે, આ નિશ્ચિતપણે હાનિકારક છે."
તેમણે બીબીસી હિંદીને જણાવ્યું કે, "કેટલાક મંત્રીઓએ એવી નીતિઓ બનાવી છે જે આ દેશમાં લઘુમતીઓ માટે હાનિકારક છે - નિર્વાસન અને કોવિડ-19 નીતિઓ, જેમણે વંશીય અસમાનતાને જન્મ આપ્યો છે, આનાં ઉદાહરણ છે. જોકે સામાન્યપણે બ્રિટિશ સમાજ દાયકાઓ પહેલાંની તુલનામાં વધુ સહિષ્ણુ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે નસલવાદ મોજૂદ નથી. સોશિયલ મીડિયાએ તેને વધુ પ્રચલિત બનાવી દીધો છે, ઘણા લોકો અસંવેદનશીલતા બતાવે છે. આ જ કારણે આપણને એક અપડેટેડ હેટ ક્રાઇમ વ્યૂહરચનાની દરકાર છે, જે યોગ્ય રીતે એ જણાવે કે સરકાર આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે કરશે."
અને કદાચ એટલે જ 22 જૂને સાંસદ નવેન્દુ મિશ્રાએ બ્રિટનની સંસદમાં એક પ્રસ્તાવ મૂક્યો જેમાં દેશમાં 'ભારતવિરોધી નસલવાદમાં વૃદ્ધિ'ની નિંદા કરાઈ.
તેમણે આ પ્રસ્તાવને હાઉસ ઑફ કૉમન્સમાં 'અર્લી ડે મોશન' (EDM) સ્વરૂપે રજૂ કર્યો. બ્રિટિશ સંસદમાં EDMનો ઉપયોગ સાંસદોના વિચારોની નોંધ લેવા માટે કે વિશિષ્ટ ઘટનાઓ કે અભિયાનો પ્રત્યે ધ્યાન આકર્ષિત કરવા માટે કરાય છે.
સંસદમાં પ્રસ્તાવ
તેમનો આ પ્રસ્તાવ ભારતીય મૂળના બ્રિટિશરોના વિચારોનું પ્રતિનિધિત્વ કરવા માટે ગત વર્ષે સ્થાપિત થિંક ટૅન્ક 'ધ 1928 ઇન્સ્ટિટ્યૂટ'ના હાલના એક રિપોર્ટ પર જ આધારિત છે.
તેમણે મે માસમાં એક રિપોર્ટ બહાર પાડ્યો કર્યો હતો જેમાં દાવો કરાયો હતો કે 80 ટકા ભારતીય મૂળના લોકોએ પોતાની ભારતીય ઓળખને કારણે પૂર્વગ્રહનો સામનો કરવો પડે છે અને હિંદુવિરોધી ભાવનાઓ સૌથી વધુ પ્રચલિત છે.
ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટમાં કહેવાયું છે, "ભારતવિરોધી નસલવાદ, વિશેષપણે હિંદુફોબિયા દૂર કરવાની દિશામાં ધ્યાન અપાય એની જરૂરિયાત છે."
'1928 ઇન્સ્ટિટ્યૂટ'ના સહ-સંસ્થાપક અરુણ વૈદે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે હિંદુફોબિયા બ્રિટિશ સમાજની એક હકીકત છે.
પરંતુ તેઓ કહે છે કે, "હિંદુફોબિયાની આપણી ધારણા પારંપરિક સાંસ્કૃતિક-ભૌગોલિક અર્થમાં 'હિંદુ' શબ્દનો ઉપયોગ કરે છે. આમ, હિંદુફોબિયા, જે સ્વદેશી ભારતીય જ્ઞાન અને સંસ્કૃતિના સામ્રાજ્યવાદી ચિત્રણને કારણે સામે આવે છે, તે ખોટાં નિવેદનો, બહિષ્કાર, ઉપહાસ અને હિંસા સ્વરૂપે પ્રકટ થાય છે."
તેઓ ભારતીય મૂળના લોકો ઉચ્ચ સરકારી પદો પર વિરાજમાન થયા એ વાતનું સ્વાગત કરે છે. અને તેમના પ્રમાણે આ વાત પ્રેરણાદાયક છે.
જોકે તેઓ જણાવે છે કે, "ભારતવિરોધી નસલવાદ હાલ પણ મોજૂદ છે અને અમુક ખાસ ક્ષેત્રોમાં કેન્દ્રિત છે."
દક્ષિણ એશિયાના લોકોના મંત્રી બન્યા બાદ બ્રિટનમાંથી નસલવાદ ખતમ થઈ ગયો છે, એવા નિષ્કર્ષ પર પહોંચનારા લોકોને તેઓ પૂછે છે કે જ્યારે બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા તો શું તેનો અર્થ એવો થયો કે અમેરિકામાંથી પણ નસલવાદ ખતમ થઈ ગયો છે.
બ્રિટનમાં ભારતીય સમુદાય
બ્રિટનમાં ભારતીય મૂળના લોકોની વસતી 14 લાખની આસપાસ છે જે દેશની કુલ વસતીની સરખામણી 2.3 ટકા છે. પરંતુ તે બ્રિટનનો સૌથી મોટો વંશિય સમુદાય છે.
આ લોકો 1950 અને 1960ના દાયકામાં બ્રિટનમાં કપડાંની મિલોમાં કામ કરવા આવ્યા હતા. કેટલાક ભારતીય મૂળના લોકો આફ્રિકાથી આવીને બ્રિટનમાં વસી ગયા હતા.
બ્રિટનના સમાજનાં તમામ ક્ષેત્રોમાં ભારત અને દક્ષિણ એશિયાથી આવેલા લોકો મળી જશે. ઉદ્યોગ, વેપાર, ક્રિકેટ અને શિક્ષાનાં ક્ષેત્રોમાં તેમણે ઘણી સફળતા હાંસલ કરી છે.
પરંતુ એવું કહેવું ખોટું નહી કહેવાય કે દક્ષિણ એશિયાથી આવેલા લોકોને રાજકારણમાં સફળતા વધુ હાંસલ થઈ છે. સાજિદ જાવીદનું જ ઉદાહરણ લઈ લો. તેઓ પહેલાં નાણામંત્રી રહી ચૂક્યા છે. તેમના પિતા પાકિસ્તાનથી આવ્યા હતા અને બ્રિટનમાં બસ ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા.
તેઓ પ્રાઇવેટ સ્કૂલમાં નથી ગયા પરંતુ યોગ્યતાના દમ પર તઓ ડૉએચ બૅંકના મૅનેજિંગ ડિરેક્ટરના હોદ્દા સુધી પહોંચી ગયા. પાછલાં 11 વર્ષોથી રાજકારણમાં છે. તેમના માટે હવે એક જ પદ છે જે બાકી બચ્યું છે, તે છે વડા પ્રધાનનું પદ.
ભારતીય મૂળનાં પ્રીતિ પટેલ પણ વર્કિંગ ક્લાસ બૅકગ્રાઉન્ડમાંથી આવ્યાં છે. તેમના માટે પણ એવું જ કહેવાય છે કે ગૃહમંત્રાલય બાદ વડાં પ્રધાન બનવું એ જ તેમની સાચી પ્રગતિ ગણાશે. ઋષિ સુનક હાલ 40 વર્ષના છે અને તેઓ નાણામંત્રીના પદ પર છે. તેમનું લક્ષ્ય પણ દેશની સૌથી ઊંચી ખુરશી જ હશે.
ભારતીય મૂળના લોકો સાથે ભેદભાવ
નવેન્દુ મિશ્રાનાં માતાપિતા ઉત્તર પ્રદેશનાં છે અને તેઓ માત્ર 30 વર્ષની ઉંમરે જ સાંસદ બની ગયા. તેઓ ભારતીય મૂળના લોકો માટે કામયાબીની એક મિસાલ છે. પરંતુ તેઓ કહે છે કે નસલવાદ બહારથી નથી દેખાતો.
તેમણે બીબીસીને કહ્યું કે, "ભારતીય મૂળના લોકો વિરુદ્ધ નસલવાદ સામાન્યપણે છુપાયલો હોય છે. મારી સાથે એવી કેટલીક ઘટનાઓ થઈ છે, કેટલાક લોકોમાં વિભિન્ન સંસ્કૃતિઓ અને ધર્મો વિશે જ્ઞાનનો સંપૂર્ણ અભાવ છે."
શીખ સમુદાયના એક ધાર્મિક ગુરુ અમરજીત સિંહ ચીમા ફોન પર મૅનચેસ્ટર શહેરથી જણાવે છે કે તેઓ બાળપણથી ભેદભાવના શિકાર રહ્યા છે.
તેઓ કહે છે કે, "જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે મારી પાઘડી અને લાંબા વાળની બાળકો મજાક ઉડાવતાં. જ્યારે હું મોટો થયો ત્યારે અહીંના વડીલો મને જિજ્ઞાસા સાથે જોતા. હું જ્યારે શૉપિંગ કરવા બહાર જતો ત્યારે લોકો મને એકીટસે જોયા કરતા. જ્યારે 9/11ની ઘટના થઈ ત્યાર મને મારી લાંબી દાઢી અને પાઘડીના કારણે ઓસામાના નામથી પણ બોલાવવામાં આવતો."
પરંતુ મારા મનમાં કોઈ ખટાશ નથી અને સ્થાનિક લોકો વિરુદ્ધ કોઈ ફરિયાદ પણ નથી.
તેઓ કહે છે કે, "હું અહીં જ પેદા થયો, આ મારો દેશ છે. એક સમય એવો હતો કે શ્વેત લોકો અમારા ભોજનની મજાક ઉડાવતા અને અમને 'પાકી' કે 'ચટની' જેવા નસલવાદી કટાક્ષયુક્ત શબ્દ કહીને બોલાવતા. હવે કરી અને બિરયાની શ્વેત લોકોને ભાવે છે. હવે તેઓ અમારા જેવા શીખ લોકો અને તાલિબાન વચ્ચેનો ફરક જાણે છે. તેમણે અમને અપનાવી લીધા છે અને અમે પણ અહીંના જ થઈને રહી ગયા છીએ."
અમરજીત સિંહ ચીમા પ્રમાણે પહેલાં નસલવાદ સ્થાનિક લોકોની નાદાની કે ઓછી જાણકારીના કારણે થતો. પરંતુ હવે એવું નથી.
"મારા પરિવારના લોકો મૅનચેસ્ટરની મિલોમાં કામ કરવા આવ્યા હતા. તેમને અંગ્રેજી બોલતા પણ નહોતું આવડતું. અમારી રહેણીકરણી પણ અલગ હતી. ભેદભાવ કરનારા લોકો ઇચ્છે છે કે અમે અમારા દેશમાં પાછા જતા રહીએ પરંતુ આવા લોકોની સંખ્યા મર્યાદિત છે."
વડા પ્રધાન બોરિસ જૉન્સનની સરકારે નસલવાદનો સમૂળગો નાશ કરવાની જવાબદારી ઉઠાવી છે. પરંતુ હાલ તેમને વધુ સફળતા નથી મળી.
ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેયરે બ્રિટિશ સમાજને બહુસાંસ્કૃતિક જાહેર કર્યો જેમાં તેમને કામયાબી મળી પણ તે મર્યાદિત હતી. હવે બ્રિટિશ સરકાર વિવિધતા પર પણ ભાર મૂકી રહી છે અને વિશેષજ્ઞ કહે છે કે હાલ આવું કરવું એ જ આ મુદ્દાના સમાધાન માટેનો યોગ્ય રસ્તો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો