એ ખેડૂત આંદોલન જેમાં વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી નજીક આવ્યા

    • લેેખક, રાજ ગોસ્વામી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

1915માં, અમદાવાદસ્થિત ગુજરાત ક્લબમાં સૂટ-બૂટ પહેરલા અને સિગાર ફૂંકતા બૅરિસ્ટર વલ્લભભાઈ પટેલે બ્રીજની રમત રમતાં-રમતાં જયારે પહેલીવાર કોઈના મોઢે ગાંધીજી વિશે સાંભળ્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું, "મને કોઈએ કહ્યું છે કે તે સાઉથ આફ્રિકાથી આવ્યા છે. સાચું કહું તો મને એ ચક્રમ લાગે છે, અને તમને ખબર છે કે મને આવા લોકોમાં રસ નથી. આપણે ત્યાં આમ પણ બહુ મહાત્માઓ છે."

ગાંધીજીના સત્યાગ્રહ, અહિંસા અને સત્યની પદ્ધતિને 'ચક્રમ' ગણાવીને તેમણે હસી કાઢી એટલે ટેબલ પર બાજુમાં બેઠેલા એક મિત્રએ સરદારને ટોકીને કહ્યું હતું કે તમારી જેમ કલબમાં બેસીને રાષ્ટ્રની સેવા ન થાય.

સરદારે ભલે વાતને હસવામાં કાઢી નાખી હતી, પણ પ્રતિષ્ઠિત અને બુદ્ધિશાળી માણસો ગાંધીના પડખે ઊભા રહેતા હતા તે જોઈને સરદારના આત્મામાં કંઈક તો સળવળાટ થતો હતો.

બે જ વર્ષ પછી, 1917માં ગોધરામાં યોજાયેલી ગુજરાત પૉલિટિકલ કૉન્ફરન્સમાં સરદાર પટેલ પહેલી વાર મહાત્મા ગાંધીને સીધા મળ્યા ત્યાં સુધીમાં તેમનો અભિપ્રાય બદલાઈ ચુક્યો હતો, અને ગાંધીજીની ચળવળમાં જોડાવાનો નિર્ણય કરીને તે બોલ્યા હતા, "મને એવું લાગ્યું હતું કે મહાત્માથી છેટા રહેવું એ અપરાધ છે."

ખેડાથી બની ગાંધીજી-સરદારની જુગલજોડી

ભારતની આઝાદીની ચળવળમાં પ્રાણ ફૂંકવામાં ત્રણ આંદોલનોની મહત્ત્વની ભૂમિકા છે; ચંપારણ સત્યાગ્રહ, અમદાવાદ મિલ હડતાળ અને ખેડા સત્યાગ્રહ.

આમાં ખેડા સત્યાગ્રહે એક તરફ અંગ્રેજ શાસન સામેના આક્રોશમાં લોકોને સંગઠિત કર્યા, તો બીજી તરફ તેમાંથી ગાંધીજી અને સરદાર પટેલની જુગલજોડીની શરૂઆત થઈ.

પટેલે તેમની ધીખતી બૅરિસ્ટરી છોડી જ ગાંધીજી અને ખેડા આંદોલન સાથે જોડાવા માટે.

ગાંધીજીએ પ્રત્યક્ષ રીતે બે મહાન વ્યક્તિત્વોને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવા પ્રેર્યા હતા.

એક જવાહરલાલ નહેરુ અને બીજા વલ્લભભાઈ પટેલ.

ત્રણે બૅરિસ્ટર હતા. પટેલ ગાંધીજીથી છ વર્ષ નાના હતા અને નહેરુ કરતાં પંદર વર્ષ મોટા હતા.

આ ત્રિમૂર્તિએ અંગ્રેજ સરકાર સામે એક સશક્ત પડકાર ઊભો કર્યો હતો.

જ્યારે વલ્લભભાઈએ ધીકતી પ્રૅક્ટિસ છોડી સત્યાગ્રહમાં ઝંપલાવ્યું

ખેડા સત્યાગ્રહ સરદાર પટેલનું બેપ્ટિઝમ ઑફ ફાયર હતું.

વકીલાત છોડીને સત્યાગ્રહમાં જોડાવાના સરદારના નિર્ણય અંગે ગાંધીજી કહ્યું હતું, "વલ્લભભાઈએ મને કહ્યું કે-મારી પ્રૅકટિસ ધમધોકાર ચાલી રહી છે તેમાં કોઈ શંકા નથી. મ્યુનિસિપાલટીમાં પણ હું મોટું કામ કરી રહ્યો છું, પરંતુ ખેડામાં ખેડૂતોનો સંઘર્ષ તેના કરતાં મોટો છે."

"મારી પ્રૅક્ટિસ આજે છે અને કાલે નહીં હોય. મારા પૈસા તો કાલે ઊડી જશે, મારા વારસદારો એને ફૂંકી મારશે એટલે મારે પૈસા કરતાં મોટો વારસો મૂકીને જવું છે."

સરદારે તેમના નિર્ણય વિશે કહ્યું હતું, "મેં ક્ષણિક આવેગમાં આવીને નહીં, પણ બહુ મંથન કરીને આ જીવન પસંદ કર્યું છે."

એ નિર્ણય માત્ર એમની જિંદગી જ નહીં, રાષ્ટ્રની નિયતિને બદલી નાખવાનો હતો.

બાપુના વિચારે જિત્યું વલ્લભભાઈનું દિલ

ગોધરામાં ગુજરાત પૉલિટીકલ કૉન્ફરન્સમાં ગાંધીજીએ સૌથી પહેલું કામ બ્રિટિશ રાજ પ્રત્યે વફાદારી વ્યક્ત કરતો ખરડો ફાડી નાખવાનું કર્યું હતું.

તે વખતે એવો નિયમ હતો કે દરેક રાજકીય કૉન્ફરન્સની શરૂઆત આવા ખરડાથી થતી હતી.

ગાંધીજીએ ત્યાં ઉપસ્થિત નેતાઓને ભારતીય ભાષામાં બોલવા માટે સૂચન કર્યું હતું.

વલ્લભભાઈને ગુજરાતીમાં બોલતાં ફાવ્યું ન હતું,

પરંતુ માતૃભાષામાં કૉન્ફરન્સ યોજવાનો ગાંધીજીનો વિચાર તેમનું દિલ જીતી ગયો હતો. એ મિટિંગ પછી, ગાંધીજીની વિનંતીથી પટેલ ગુજરાતસભાની કારોબારી કમિટીના સચિવ બન્યા હતા. ગાંધીજી તેના ચૅરમૅન હતા.

વલ્લભભાઇએ પોતે કહ્યું છે કે, "તે વખતના શરૂઆતના દિવસોમાં મને તેમનાં સિદ્ધાંતો અને હિંસા- અહિંસાના વિચારોની પડી ન હતી. મને એટલી ખબર હતી કે તેઓ પ્રતિબદ્ધ હતા અને તેમણે તેમનું સમગ્ર જીવન, તેમની પાસે જે કંઈ હતું તે એક ઉચિત ન્યાય માટે સમર્પિત કરી દીધું હતું. તેઓ રાષ્ટ્રને ગુલામીમાંથી છોડાવા માંગતા હતા અને તેમને એ ખબર હતી કે તે કેવી રીતે સિદ્ધ થાય. મારા માટે આટલું પુરતું હતું".

વરસાદ બન્યો સત્યાગ્રહનું નિમિત્ત

ખેડા સત્યાગ્રહમાં સરદારની ઉપયોગીતા તેમની વકીલાતને લઈને હતી.

તેમાંથી જ તેઓ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના મોખરાના નેતા તરીકે સ્થાપિત થયા.

1915માં, આફ્રિકાથી આવીને ગાંધીજી બૅરિસ્ટર તરીકે બિહારના ચંપારણના ખેડૂતોનો કેસ લડવા ગયા હતા.

તે જ વખતે ખેડામાં પણ ખેડૂતો પ્રકૃતિ અને બ્રિટીશ સરકાર સામે ઝઝૂમી રહ્યા હતા.

ખાસ કરીને 1917માં અતિવૃષ્ટિને કારણે જિલ્લામાં પાક નિષ્ફળ ગયો હતો.

ખેડામાં વર્ષે સરેરાશ 30 ઇંચ વરસાદ પડતો હતો, પણ તે વર્ષે છે સિત્તેર ઇંચ પડ્યો અને લાંબો ચાલ્યો. પરિણામ બે પાક સળંગ નિષ્ફળ ગયા.

ચોમાસુ પાક તો બગડ્યો અને ક્યાંય રવીપાક થયો હતો ત્યાં ઉંદરોએ તેનો નાશ કર્યો હતો.

સરકારી નિયમો એવા હતા કે જે વર્ષે છ આનીથી ઓછો પાક થાય તે વર્ષે જમીનમહેસૂલ અડધું મોકૂફ રહે, પાક જો ચાર આની કે તેનાથી ઓછો હોય તો પૂરું મહેસૂલ મોકૂફ રહે અને સળંગ બીજે વર્ષે પણ પાક નિષ્ફળ જાય તો આગલે વર્ષ મોકૂફ રાખેલ મહેસૂલનાં નાણાં માફ કરવામાં આવે.

ખેડાના ખેડૂતોને આ નિયમોની જાણ નહોતી અને સરકારના એજન્ટો મહેસૂલ વસૂલ કરવા લાગ્યા.

એમાં જોરજબરદસ્તી અને મારામારીના કિસ્સાઓ બન્યા. ખેડાના કઠલાલ ગામના અગ્રણી મોહનલાલ પંડ્યાએ આ સ્થિતિ જોઈને લોકોને મહેસૂલ ન ભરવાની સલાહ આપી.

તેમાંથી એક યોજના બની. જમીનમહેસુલ મોકૂફ રાખવાની માંગણી કરતી વીસેક હજાર ખેડૂતોની સહીવાળી એક અરજી મુંબઈ વિધાનસભાના ગુજરાતના સભ્ય વિઠ્ઠલભાઈ પટેલ અને ગોકુળદાસ પારેખને મોકલવામાં આવી.

એક નકલ ગાંધીજીને રવાના કરવામાં આવી.

ગાંધીજીએ ચંપારણથી સલાહ આપી કે, "જે જે સભાઓ ભરાય તેમાં મર્યાદાનો ત્યાગ ન થાય, વાતો વિવેકપૂર્વક થાય, તેમ જ સહજ પણ અતિશયોક્તિ ન થાય, -- એ તમારાથી જળવાય તેટલે દરજ્જે જાળવજો." એમાં અંગ્રેજ સરકારના એજન્ટોએ ખેડૂતો અને ખેડૂત પરિવારો પર મહેસુલ માટે જુલમ ગુજારવાનું ચાલુ કર્યું.

સત્યાગ્રહનાં થયાં મંડાણ

1918માં જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ગાંધીજી અમદાવાદ આવ્યા ત્યારે ખેડાના આગેવાનો અને ગુજરાતસભાના સભ્યોએ તેમને જિલ્લાની પરિસ્થિતિથી વાકેફ કર્યા.

ગાંધીજીનો આગ્રહ હતો કે ગુજરાતસભામાં આંદોલન અંગે સર્વસંમતિ સધાય તો અને તેની આગેવાની નક્કી થાય તો જ એમાં પડવું.

ગાંધીજી તો ચંપારણમાં ધામા નાખીને બેઠા હતા.

ખેડા જિલ્લામાં કોણ જાય? સભાના પીઢ કાર્યકર્તાઓમાંથી કોઈ એકે તો લડત પૂરી થાય ત્યાં સુધી ખેડામાં ધામા નાખવા જોઈએ અને તેમાં પરિવાર કે વકીલાતનાં કામો આડે આવવાં ન જોઈએ.

વલ્લભભાઈ એમાં ગાંધીજી સાથે જવા તૈયાર થયા અને ખેડાની લડત માટે નડિયાદને પોતાનું મુખ્ય મથક બનાવ્યું.

22 માર્ચ 1918ના રોજ લડતનો પ્રારંભ થયો અને 5 જુનના રોજ સફળતાપૂર્વક તેનો અંત આવ્યો. ખેડા સત્યાગ્રહના મોરચા પર કુલ આઠ આગેવાનો હતા: ગાંધીજી, પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક, શંકરલાલ બૅન્કર, મહાદેવભાઈ દેસાઈ, નરહરિ પરીખ, મોહનલાલ પંડ્યા અને રવિ શંકર વ્યાસ.

"ખેડાની લડત ગુજરાતના ખેડૂતોની જાગૃતિની લડત હતી"

ખેડા સત્યાગ્રહની વિશેષતા એ હતી તે અહિંસક હતો અને અંગ્રેજ સરકારના એજન્ટોના જોરજુલમ છતાં મહાત્મા અને સરદારના નેતૃત્વમાં ખેડાના ખેડૂતોએ શાંતિપૂર્ણ રીતે લડીને મહેસુલ મોકૂફ કરાવ્યું હતું.

સમાધાન એવું થયું હતું કે પૈસાદાર પાટીદારો મહેસુલ ચૂકવે અને ગરીબોને મહેસુલમાંથી માફી આપવામાં આવી.

શરૂઆતમાં સરકારે માંગણી ઠુકરાવી દીધી હતી અને ઠગોને રોકીને જે મહેસુલ ના ભરે તેની જમીન, ઘર અને ઢોર જપ્ત કરી લેવાનું શરૂ કર્યું હતું.

પોલીસ બનેલા ઠગો ઘરોમાં અને ખેતરોમાં ઘૂસે, ત્યારે ખેડૂત પરિવારમાંથી એક વ્યક્તિ સામનો ન કરે.

તેમણે બધી સંપત્તિ ગુજરાતસભાને નામે કરી નાખી હતી.

ગાંધીજીએ કહ્યું હતું કે, "ખેડાની લડત ગુજરાતના ખેડૂતોની જાગૃતિની લડત હતી."

જ્યારે ડૂંગળીઅંગ્રેજોને રડાવ્યા

ખેડા સત્યાગ્રહને 'ડુંગળી સત્યાગ્રહ' પણ કહે છે. ભારતમાં ગરીબોની કસ્તુરી કહેવાતી ડૂંગળીએ ભલ-ભલી સરકારોને રડાવી હોવાના દાખલા છે, એમાં અંગ્રેજ હકૂમત પણ બાકાત ન હતી.

ઇન ફૅક્ટ, ડૂંગળીનું રાજકારણ જ ત્યારથી ચાલુ થયું હતું.

ગાંધીજીએ તેમની આત્મકથામાં પણ ખેડા સત્યાગ્રહમાં ડૂંગળીની ભૂમિકાનો ઉલ્લેખ કરેલો છે.

ખેડા લડત ચાલુ થઈ એટલે અંગ્રેજ સરકારે ખેડૂતોની જમીનો જપ્ત કરવાની શરૂ કરી. નવાગામમાં ત્યારે એક ખેડૂતના ખેતરમાંથી ડૂંગળી કાઢવાની બાકી હતી.

સરકારે જમીનની સાથે ડૂંગળી પર પણ જપ્તી મૂકી. ખેડૂતની ડૂંગળી જાય તો તે પાયમાલ થઈ જાય તેમ હતો.

વાત પહોંચી મહાત્મા અને સરદાર પાસે.

બંનેએ રસ્તો બતાવ્યો કે ડૂંગળી કાઢી લો. તેમણે ખેડૂત આગેવાન મોહનલાલ પંડ્યાને આ જવાબદારી સોંપી.

મોહનલાલ પંડયા સહિત અન્ય આગેવાનોએ નવાગામના ખેતર સહિતની ડૂંગળીઓ ઊખેડવાનું શરૂ કર્યું.

સરકારે તેમની પર 'સરકારી ડૂંગળી' ચોરવાનો આરોપ મુક્યો અને તેમની ધરપકડ કરી.

વીસેક દિવસ પછી તે જેલમાંથી છુટ્યા, તો દરવાજે ગાંધીજી અને સરદાર તેમનું સ્વાગત કરવા હાજર હતા.

એ સર્વે આગેવાનોનું ગાંધીજીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને ગાંધીજીએ મોહનલાલને 'ડૂંગળીચોર'નું બિરુદ આપ્યું હતું.

ખેડા સત્યાગ્રહ મોહનદાસને બનાવ્યા મહાત્મા

ખેડા સત્યાગ્રહ ગાંધીજી માટે પણ પરિવર્તનનો પડાવ હતો.

ચંપારણની ચળવળ વખતે ગાંધીજીની ભૂમિકા વકીલની વધુ અને સત્યાગ્રહીની ઓછી હતી.

એવું પણ કહી શકાય કે ચંપારણ વખતે તેઓ બ્રિટિશ રાજના વિરોધી ન હતા, બલકે જનતા વતીથી મધ્યસ્થી હતા.

ખેડામાંથી તેમનો રંગ બદલાયો. તેમને બ્રિટિશરોની અત્યાચારી વૃત્તિનો પરિચય અહીંથી વધુ થયો.

તેની ગાંધીજીના વિચારો પર કેવી અસર પડી તેનો પુરાવો તેમના પહેરવેશના પરિવર્તન પરથી મળે છે.

ચંપારણ ચળવળ વખતે તે માથે કાઠીયાવાડી પાઘડી પહેરી રાખતા હતા. ખેડામાં એ ઉતારી નાખી અને માથું ખુલ્લું કરી નાખ્યું.

બે વર્ષ પછી, 1921માં મદુરાઈમાં તેમણે ધોતી અને ઝભ્ભો ઉતારીને પોતડી અને શાલ ધારણ કરી લીધી. એ બૅરિસ્ટર મોહનદાસનું મહાત્મામાં પરિવર્તન હતું.

ખેડાએ સરદારમાં પણ પરિવર્તન આણ્યું હતું. ત્યાં સુધી તેઓ બૅરિસ્ટરનો કોટ-ટાઈનો યુરોપિયન પહેરવેશ પહેરતા હતા, પરંતુ ખેડામાં ગાંધીજી અને ખેડૂતો સાથે રહીને સરદારે સફેદ ધોતી-કુરતાનો પહેરવેશ અપનાવ્યો હતો, જે આજીવન તેમના શરીર પર રહ્યો.

ગાંધીજીએ કહ્યું, 'વલ્લભભાઈ ન મળ્યો હોત તો…'

ખેડામાં ગાંધીજીના સંગાથમાં સત્યાગ્રહના પાઠ ભણેલા વલ્લભભાઈ પટેલને 10 વર્ષ પછી, 1928માં, અંગ્રેજો સામે બીજી સફળતા મળવાની હતી.

એ સફળતા બારડોલી સત્યાગ્રહની હતી.

આ સત્યાગ્રહ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો, અને વલ્લભભાઈ ત્યાંથી રાષ્ટ્રીય નેતા તરીકે ઊભરી આવ્યા હતા.

બારડોલી સત્યાગ્રહ પછી જ તેઓ 'સરદાર' તરીકે ઓળખાયા હતા.

બારડોલી કૉલેજના પ્રાધ્યાપક મગનભાઈ આઈ.પટેલેના થીસિસ પ્રમાણે ભીખીબહેને સૌથી પહેલા વલ્લભભાઈને સરદાર કહ્યા હતા.

ભીખીબહેન બારડોલી પાસે આવેલા આકોટી ગામનાં વતની હતાં.

1925માં ગુજરાતના બારડોલીમાં પૂર આવ્યું અને ભૂખમરો ફેલાયો. આને પરિણામે ખેતી પર અસર પડી અને ખેડૂતોને ખૂબ આર્થિક મુશ્કેલી પડવા લાગી.

ત્યાં પણ ખોટી આકારણી અને મહેસુલનો પ્રશ્ન ઊભો થયો હતો અને મુખ્યત્વે મહિલાઓની હિસ્સેદારીમાં આ અંદોલન થયું હતું.

પાંચમી જૂને ખેડા સત્યાગ્રહની પૂર્ણાહુતિનો સમારંભ યોજ્યો ત્યારે ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ માટે કહ્યું "ખેડા જિલ્લાની પ્રજાની છ માસની બહાદુરી ભરી લોકલડતમાં સેનાપતિની ચતુરાઈ પોતાનું કારભારી મંડળ પસંદ કરવામાં હતી".

"સેનાપતિ હું હતો, પરંતુ ઉપસેનાપતિ માટે મારી નજર વલ્લભભાઈ ઉપર પડેલી. વલ્લભભાઈની મારી પહેલી મુલાકાત થઈ ત્યારે મને લાગેલું કે, આ અક્કડ પુરુષ કોણ હશે ? એ શું કામ આવશે ?"

"પણ હું જેમ જેમ વધારે સંપર્કમાં આવ્યો તેમ તેમ લાગ્યું કે મારે વલ્લભભાઈ તો જોઈએ જ. વલ્લભભાઈ ખેડા સત્યાગ્રહ માટે ના મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો