વિઠ્ઠલભાઈ પટેલે સરદાર પટેલને બદલે સુભાષચંદ્ર બોઝના નામે સંપત્તિ કરી હતી?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

વિઠ્ઠલભાઈ પટેલ. ગુજરાત વિધાનસભા ભવનને જેમનું નામ અપાયું છે તે વિઠ્ઠલભાઈ પટેલની 27 સપ્ટેમ્બરે જન્મજયંતિ છે. સરદાર પટેલના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ દેશદાઝ અને દેશભક્તિમાં નાના ભાઈની સમકક્ષ હતા. તેમનું જીવન અનેક રસપ્રદ ઘટનાઓથી ભરેલું છે.

પરંતુ તેમાં સૌથી વધુ રસપ્રદ અને વિવાદાસ્પદ પ્રકરણ તેમના વસિયતનામાનો છે.

27 સપ્ટેમ્બર, 1873ના રોજ ઝવેરભાઈ અને લાડબાના ઘરે વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ થયો.

સરદારની જેમ તેમનો પણ જન્મ નડિયાદ અને ઉછેર કરમસદ ખાતે થયો. તેઓ ઝવેરભાઈ અને લાડબાનું ત્રીજું સંતાન હતા. ઝવેરભાઈ એક ખેડૂત હતા પણ સીમિત સંસાધનો છતાં સંતાનોના અભ્યાસ બાબતે ખૂબ જ જાગૃત હતા.

ગોરધનભાઈ પટેલ લિખિત ‘વિઠ્ઠલભાઈ પટેલ લાઇફ ઍન્ડ ટાઇમ્સ’ પુસ્તકમાં કરાયેલી એક નોંધ ઝવેરભાઈના અભ્યાસપ્રિય વલણ તરફ ધ્યાન દોરે છે.

“ઝવેરભાઈએ પોતાને પડતી અગવડો અને અસુવિધાઓને ગણકાર્યા વગર પોતાના પુત્રોને નવજાગૃતિ અને સંસ્કૃતિના માર્ગ તરફ અગ્રેસર બનાવવા માટે બનતા તમામ પ્રયત્નો કર્યા.”

તેઓ ઘર અને ખેતરમાં તેમનાં સંતાનો માટે શિક્ષકની ભૂમિકા ભજવતા.

એક દિવસ પુત્ર સરકારી નોકરી મેળવે તેવી આશાએ તેમણે પાંચ વર્ષની વયે વિઠ્ઠલભાઈનો દાખલો કમરસદ ગામની શાળામાં કરાવ્યો. કરમસદમાં કહનદાસ માસ્તર જેવા શિક્ષકો અને માતાપિતાના માર્ગદર્શન સાથે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું. શરૂઆતના તબક્કે તેમને અભ્યાસમાં ઝાઝો રસ નહોતો.

બાળપણમાં તેમની છાપ હોશિયાર પરંતુ મસ્તીખોર બાળકની હતી. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ માધ્યમિક શિક્ષણ માટે કરમસદ કે આસપાસનાં ગામમાં શાળા નહોતી. જેથી આગળના અભ્યાસ માટે તેમને નડિયાદ તેમના મામાને ત્યાં મોકલી દેવાયા.

જ્યાં નડિયાદની સરકારી હાઈસ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા. તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતા હોવા છતાં તેઓ પોતાના અભ્યાસ પ્રત્યે એકંદરે ઉદાસીન વલણ દાખવતા હતા.

જોકે, નાનપણથી જ તેમનામાં નેતૃત્વની ક્ષમતા હતી. તેઓ અભ્યાસ માટેનાં પુસ્તકો કરતાં મહાન વ્યક્તિઓનાં જીવન પર આધારિત પુસ્તકો વાંચવાના શોખીન હતા.

ગજબ યાદશક્તિના સ્વામી

પુસ્તકમાં વર્ણવાયેલ એક પ્રસંગથી વિઠ્ઠલભાઈની ગજબ યાદશક્તિનો ખ્યાલ આવે છે. માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વખતે એક વખત તેમના પર પરીક્ષામાં ચોરી કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

હેડ માસ્તરને વિઠ્ઠલભાઈની જવાબવહીમાંનો જવાબ અક્ષરસ: પુસ્તકમાંથી ઉતારાયો હોય એવું લાગ્યું. જોકે, બાદમાં અન્ય એક માસ્તર ચતુરભાઈ પટેલે હેડ માસ્તરને ખાતરી આપી કે તેમની શંકા પાયાવિહોણી છે.

વિઠ્ઠલભાઈની પરીક્ષા માટે થોડી મિનિટોના વાંચન બાદ એક ફકરો અક્ષરશ: યાદ કરીને લખવા જણાવાયું. વિઠ્ઠલભાઈએ ખૂબ સરળતાથી આ કામ કરી બતાવ્યું. આ ઘટના બાદથી શિક્ષકોને તેમની બુદ્ધિક્ષમતા પર વિશ્વાસ બેઠો.

શાળામાં એક વખત શિક્ષકે તેમને ભારત પર અંગ્રેજશાસનના ફાયદા વિશે નોંધ લખવા કહ્યું. પરંતુ તેમણે આ પ્રશ્નના જવાબમાં તમામ ગેરફાયદાઓ જ ગણાવ્યા. આમ, વિદ્યાર્થી અવસ્થાથી જ તેમનામાં દેશદાઝના ગુણો દેખાઈ આવ્યા. તે સમયે કોઈએ નહીં વિચાર્યું હોય કે એક સામાન્ય ખેડૂતનો મસ્તીખોર પુત્ર આગળ જઈને ભારતની કેન્દ્રીય ધારાસભાનો પ્રથમ ભારતીય પ્રમુખ બનશે.

1890માં સ્કૂલ ફાઇનલ અને મેટ્રિક્યુલેશનની પરીક્ષા એકસાથે આપી જેમાં અસફળ થયા. 1891માં યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ પરીક્ષા પાસ કરી.

ત્યાર બાદ તેમણે ડિસ્ટ્રિક્ટ વકીલ બનવાનું ધારી લીધું અને આ લક્ષ્ય સાથે મુંબઈના ગોખલે લૉ ક્લાસિસમાં દાખલ થયા અને 1895માં ડિસ્ટ્રિક્ટ વકીલની પરીક્ષા પાસ કરી. ત્યાર બાદ તરત જ તેમણે ગોધરામાં વકીલાત શરૂ કરી. તેમને સારી કમાણી થવા લાગી. આટલું જ નહીં થોડાક જ સમયમાં વકીલાતના વર્તુળમાં યુવાન ક્રિમિનલ લૉયર તરીકે તેમનું સારું એવું નામ થઈ ગયું હતું.

1898માં તેઓ બોરસદ આવી ગયા અને ત્યાંથી વકીલાતનો વ્યવસાય ચાલુ રાખ્યો. અમુક સમય બાદ વલ્લભઆઈ પટેલે પણ ડિસ્ટ્રિક્ટ વકીલની પરીક્ષા પાસ કરી. શરૂઆતમાં ગોધરા પ્રૅક્ટિસ કર્યા બાદ તેઓ પણ બોરસદ જતા રહ્યા. અહીં બંને ભાઈઓએ વકીલ તરકે ખૂબ નામના મેળવી.

વલ્લભભાઈને બદલે પોતે ગયા ઇંગ્લૅન્ડ

પોતાની કારકિર્દીના ઉચ્ચતમ સ્તરે રહેલા બંને પટેલ બંધુઓનાં સ્વપ્ન પ્રાદેશિક નહોતાં. બંને કાયદાના વધુ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ જવા માગતા હતા. જોકે, બંનેને એકબીજાની આ મહત્ત્વાકાંક્ષા વિશે ખબર નહોતી.

પુસ્તકમાં થયેલી નોંધ પ્રમાણે, “વલ્લભભાઈએ બંને ભાઈઓમાંથી સર્વપ્રથમ ઇંગ્લૅન્ડ જઈને અભ્યાસ કરવાના પોતાના હેતુ માટે તૈયારી શરૂ કરી દીધી. પરંતુ આ તૈયારી વિશે વિઠ્ઠલભાઈને ખબર પડી ગઈ. તેમને સ્ટીમશિપ કંપનીનો કાગળ અને વી. જે. પટેલના નામથી બનેલ પાસપોર્ટ મળી આવ્યો. આ તેમના માટે એક તક હતી."

"વિઠ્ઠલભાઈએ નાના ભાઈને સમજાવ્યો કે મોટા ભાઈ તરીકે તેમને આ પ્રકારનું સાહસ ખેડવાનો પ્રથમ અધિકાર છે. વલ્લભભાઈએ પણ આ માટે સ્વીકૃતિ આપી અને વિઠ્ઠલભાઈએ થોડાક જ સમયમાં ઇંગ્લૅન્ડ માટે રવાના થવાનું હતું. પરંતુ આ વિશે તેમના મિત્રો કે પરિવારજનોને કશી ખબર નહોતી. તેમના માટે તેમની મુખ્ય સમસ્યા હતી તેમની પત્નીની સમજાવટ અંગેની.”

“અંતે યુક્તિ અજમાવી તેઓ વર્ષ 1905માં ઇંગ્લૅન્ડ ગયા અને ત્યાં લિંકન્સ ઇનમાં પ્રવેશ મેળવ્યો. તેમણે ત્રણ વર્ષનું ભણતર અઢી વર્ષના ગાળામાં જ પૂર્ણ કરી લીધું. વાર્ષિક પરીક્ષામાં તેમણે પ્રથમ ક્રમ હાંસલ કર્યો.”

ભણતર પૂરું કરતાની સાથે જ તેઓ પાછા ફરવા માટે તૈયાર થયા. લીગલ સ્ટડીઝના ડાયરેક્ટર અને એક જાણીતા વકીલ સ્ટ્રેનહામ પાસેથી ભલામણપત્રો મેળવી તેઓ સ્વદેશ પાછા ફર્યા.

આ ભલામણપત્રોને આધારે તેમણે બૉમ્બે બારના જાણીતા વકીલ ઇન્વરેરીટીના ચૅમ્બરમાં એક વર્ષ સુધી કામ કર્યું અને ત્યાર બાદ પોતાની ખાનગી પ્રૅક્ટિસ શરૂ કરી.

રાજકારણના પ્રથમ પાઠ

પુસ્તકમાં થયેલ નોંધ પ્રમાણે વિઠ્ઠલભાઈને રાજકારણના પ્રથમ પાઠ બ્રિટનમાં દાદાભાઈ નવરોજી પાસેથી શીખવા મળ્યા હતા. દાદાભાઈ નવરોજી માર્ગદર્શન હેઠળ તેઓ શીખી શક્યા કે રાજકીય સફળતાની ચાવી માત્ર આંદોલન જ છે.

પોતાની વકીલાતનો ધીકતો વ્યવસાય છોડી પ્રજાના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાના હેતુસર તેઓ જાહેર જીવનમાં પ્રવેશ્યા.

બોરસદ તાલુકા બૉર્ડ અને ખેડા ડિસ્ટ્રિક્ટ બૉર્ડની ચૂંટણીઓમાં જીત મેળવ્યા બાદ તેઓ વર્ષ 1912માં મુંબઈ ધારાસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. ચૂંટણીમાં તેમની સામે ગીરધરદાસ મંગળદાસ દેસાઈ ઉર્ફે નડિયાદના ટાટા સાહેબ મેદાને હતા. તેમને 40માંથી 28 મતો મેળવી વિઠ્ઠલભાઈએ હાર આપી. આમ, રાજકીય પગદંડી પર વિઠ્ઠલભાઈએ પ્રથમ પગલું માંડ્યું.

મુંબઈ ધારાસભામાં તેમણે ફિરોઝશાહ મહેતાના નેતૃત્વને માન્યતા આપી હતી તેમજ ગોકુળદાસ કહાનદાસ પારેખ અને આર. પી. પરાંજપે જેવા નિકટતમ સાથીદારો પણ તેમને ધારાસભામાંથી જ પ્રાપ્ત થયા. વર્ષ 1915માં તેઓ કૉગ્રેસમાં જોડાયા.

કર્મશીલ નેતા તરીકે વિઠ્ઠલભાઈ

પત્રકાર ઉર્વીશ કોઠારી એક લેખમાં વિઠ્ઠલભાઈ પટેલની રાજકીય કારકીર્દી અંગે લખે છે કે, “વિઠ્ઠલભાઈની મુખ્ય ખ્યાતિ એક રાજકીય નેતા, સતત પ્રશ્નો પૂછીને-પ્રશ્નો ઊભા કરીને સરકારને અકળાવનારા-મૂંઝવણમાં મૂકનારા વિદ્વાન સાંસદ અને પક્ષાપક્ષીથી પર રહીને અધ્યક્ષપણું દીપાવનારા અધ્યક્ષ તરીકેની રહી.”

તેઓ આગળ નોંધે છે કે, “રૂઢીચુસ્તતાના એ સમયમાં વિઠ્ઠલભાઈનું સામાજિક વલણ અને વિશાળ દૃષ્ટિ નોંધપાત્ર હતાં. મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની વાત તેમણે વર્ષ 1916માં કરી હતી. તેમના સતત પ્રયાસો થકી 1917માં મુંબઈ ધારાસભામાં એ ખરડો રજૂ થયો પરંતુ પસાર નહોતો થઈ શક્યો.”

એ વખતે એક કાયદાકીય જોગવાઈ એવી હતી કે હિંદુ લગ્નમાં પતિપત્ની બંને જુદી જ્ઞાતિના હોય તો (અમુક જ્ઞાતિના અપવાદને બાદ કરતાં) એ લગ્ન્ કાયદેસર ન ગણાય. તેને કારણે આંતરજ્ઞાતીય લગ્ન પછી છૂટાછેડાનો વારો આવે ત્યારે પત્નીને ઘણું વેઠવું પડે.

ખાધાખોરાકી કે બીજા કોઈ લાભ પણ મળે નહીં. સ્ત્રીઓને અન્યાય કરતા આ કાયદામાં સુધારો કરવા માટે વિઠ્ઠલભાઈએ તેમાં સુધારો કરવાની ઝુંબેશ ઉપાડી. એ માટે તેમણે કેન્દ્રીય ધારાસભામાં ખરડો રજૂ કર્યો. સરકારી પક્ષને આ સુધારા સામે વાંધો નહોતોપણ વિઠ્ઠલભાઈના ઘણા બીજા દેશી સાથીદારોને આ ફેરફાર મંજૂર ન હતો.

લોકોના મત જાણવા માટે આ ખરડો જાહેર કરવામાં આવ્યો ત્યારે રવીન્દ્રનાથ ટાગોર સહિત બીજા ઘણા અગ્રણીઓએ તેને વધાવ્યો અને ટેકો આપ્યો. પરંતુ થોડા સમય પછી કૉંગ્રેસ સાથે સંકળાયેલા વિઠ્ઠલભાઈએ તેના આદેશથી રાજીનામું આપતાં એ ખરડા પરની કાર્યવાહી અટકી પડી.

વિઠ્ઠલભાઈની ખૂબી એ હતી કે તે મ્યુનિસિપલ કૉર્પોરેશન-ધારાસભાના રાજકારણમાં રસ, સક્રિયતા અને વિશ્વાસ ધરાવતા હોવા છતાં લોકઆંદોન અને જમીની વાસ્તવિકતાઓ સાથે પણ સીધો નાતો રાખતા હતા.

ભારતીય સંસદના પિતા

વિઠ્ઠલભાઈ પટેલના 100મા જન્મદિવસે લોકસભા સચિવાલય દ્વારા પ્રસિદ્ધ કરાયેલ પુસ્તિકામાં લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ અનંતશયનમ્ આયંગર દ્વારા લખાયેલ એક લેખમાં વિઠ્ઠલભાઈ પટેલને ‘ભારતીય સંસદના પિતા’ ગણાવાયા છે.

આ લેખમાં આગળ નોંધાયું છે, "વિઠ્ઠલભાઈ પટેલે મોતીલાલ નહેરુ અને હકીમ અજમલ ખાન સાથે મળીને સ્વરાજ પક્ષની સ્થાપના કરી હતી."

મહાત્મા ગાંઘીના નેતૃત્વમાં ચાલી રહેલી અસહકારની લડત અચાનક પાછી ખેંચી લેવાતા કેટલાક નેતાઓ આ નિર્ણયથી ખુશ નહોતા.

મોતીલાલ નહેરુ, વિઠ્ઠલભાઈ પટેલ અને હકીમ અજમલ ખાન જેવા નેતાઓ આગામી પ્રાદેશિક અને કેન્દ્રીય ધારાસભાની ચૂંટણીમાં ભાગ લેવાના પક્ષમાં હતા.

આ હેતુ માટે એક જાન્યુઆરી, 1923ના રોજ સ્વરાજ પક્ષની સ્થાપના થઈ.

145 સભ્યોવાળી ધારાસભામાં સ્વરાજ પક્ષના 45 સભ્યો ચૂંટાઈ આવ્યા.

આ સભ્યોમાં પંડિત મોતીલાલ નહેરુ, લાલા લાજપતરાય, બિપિનચંદ્ર પાલ અને વિઠ્ઠલભાઈ પટેલ જેવાં નામ સામેલ હતાં. સ્વરાજ પક્ષનો હેતુ ધારાસભાની અંદર રહીને અવરોધો પેદા કરીને શાસન અશક્ય બનાવવાનો હતો.

તેઓ 1925થી 1930 સુધી સતત કેન્દ્રીય ધારાસભાના અધ્યક્ષ રહ્યા હતા.

પત્રકાર ઉર્વીશ કોઠારી પોતાના એક બ્લોગમાં નોંધે છે કે, “જમીની કામગીરીમાં પાછા ન પડનારા વિઠ્ઠલભાઈએ બંધારણીય સંસ્થાઓમાં રહેલી શક્યતાઓનો મહત્તમ કશ કાઢ્યો. એ વખતે ચૂંટાયેલા સભ્યો પાસે વાસ્તવિક સત્તાઓ નહિવત્ હતી. એ પ્રશ્ન પૂછી શકે, ઠરાવ-ખરડા રજૂ કરી શકે, સરકારી ખરડામાં સુધારા સૂચવી શકે. છતાં, સરકારને જંપ ન વળવો જોઈએ, એવી નીતિમાં માનતા વિઠ્ઠલભાઈ ઝઝૂમવામાં કોઈ કસર છોડતા નહીં.”

પોતાની કાર્યપદ્ધતિ અંગે તેમણે કહ્યું હતું, “મને પ્રેમથી જીતતા આવડતું નથી કે હું મહાત્મા પણ નથી. હું તો સામાને ગૂંચવી, ઘેરી અને પછી હેરાન કરવાવાળો માણસ છું. સરકારને સુખેથી સૂવા દેવી નહીં એ ધર્મમાં માનવાવાળો છું.”

દાંડીકૂચ પછી ધારાસભાના અધ્યક્ષપદેથી રાજનામું આપ્યું. ત્યાર પછી કૉંગ્રેસની કારોબારીમાં તેમને સમાવવામાં આવ્યા અને થોડા મહિનામાં બીજા નેતાઓ સાથે તેમની ધરપકડ થઈ.

વસિયતનામા અંગે વિવાદ

મૃત્યુ બાદ કેન્દ્રીય ધારાસભાના પ્રથમ અધ્યક્ષ રહેલા વિઠ્ઠલભાઈના વસિયતનામા અંગે પણ વિવાદ સર્જાયો હતો.

આ વિવાદ અંગે પુસ્તક 'વિઠ્ઠલભાઈ લાઇફ ઍન્ડ ટાઇમ્સ'ના લેખક ગોરધનભાઈ પટેલ નોંધે છે કે, "જો વિઠ્ઠલભાઈની સમગ્ર જિંદગી ગેરસમજણ અને અધૂરા સમજાયેલા હેતુઓ કે ઇરાદાઓની હારમાળા હોય તો ભારત માટે તેમણે લખેલ અંતિમ દસ્તાવેજ પણ એટલો જ વિવાદાસ્પદ રહ્યો છે."

"મૃત્યુશય્યા પર રહેલી કોઈ વ્યક્તિ દ્વારા સહી કરાયેલો અન્ય કોઈ દસ્તાવેજ આટલા વ્યાપક પ્રમાણમાં લોકોના કૂતુહલનું કારણ બન્યો નથી."

એશિયન વોઇસ ડોટ કૉમના એક અહેવાલમાં લેખક હરિ દેસાઈ નોંધે છે કે, “જાન્યુઆરી, 1932માં ભારતમાં ધરપકડ કરાયા બાદ વિઠ્ઠલભાઈને લથડતી તબિયતને કારણે છોડી મુકાયા. માર્ચ, 1932માં તેમણે ભારત છોડ્યું પરંતુ જીવતા પરત ન ફરી શક્યા. તેઓ જાન્યુઆરી 1933 સુધી ભારતની સ્વતંત્રતા અંગે વ્યાખ્યાનો આપવા માટે અમેરિકામાં ફર્યા.”

આ અહેવાલમાં આગળ નોંધાયું છે કે, વિઠ્ઠલભાઈ ડિ વલેરાના નિમંત્રણ પર ઑસ્ટ્રિયા ગયા જ્યાં સુભાષચંદ્ર બોઝ તેમની સાથે જોડાયા.

આ દરમિયાન જ બંને મહાનુભવોએ ગાંધીજીની સ્વરાજ્ય પ્રાપ્તિની રીતોને વખોડતું સંયુક્ત નિવેદન જારી કર્યું હતું.

અહેવાલ અનુસાર સપ્ટેમ્બર માસમાં તેમની તબિયત વધુ લથડી. જે બાદ તેમનું જીનિવા ખાતે મૃત્યુ થયું.

વિઠ્ઠલભાઈની મુંબઈ ચોપાટી પર લોકમાન્ય બાળ ગંગાધર ટિળકના અંતિમ સંસ્કાર થયા હતા તે સ્થળની પાસે પોતાના અંતિમ સંસ્કાર કરવાની તેમની અંતિમ ઇચ્છા અધૂરી રહી ગઈ. તેના સ્થાને સોનાપુર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

વિઠ્ઠલભાઈ પટેલના મૃતદેહના આગમન સમયની પરિસ્થિતિ વિશે વાત કરતાં પત્રકાર ઉર્વીશ કોઠારી જણાવે છે, "સરદાર નાસિક જેલમાં હતા અને તેમણે શરતી જામીન લેવાનું ટાળ્યું હતું."

ડૉ. હરિ દેસાઈ લીખિત અહેવાલ અનુસાર સરદારના પુત્ર ડાહ્યાભાઈએ વિઠ્ઠલભાઈ પટેલના અંતિમ સંસ્કાર કર્યા હતા.

ગોરધનભાઈ પટેલ અને પી. ટી. પટેલ બંનેને વિઠ્ઠલભાઈ પટેલના વસિયતનામાના વહીવટદાર નીમવામાં આવ્યા હતા. જે પૈકી પી.ટી. પટેલના મૃત્યુ બાદ માત્ર ગોરધનભાઈ પટેલ પર વસિયતનામાના વહીવટને લઈને જવાબદારી આવી પડી હતી.

ગોરધનભાઈ પટેલ પોતાના પુસ્તકમાં નોંધે છે કે, "23 ઑક્ટોબરના રોજ જ્યારે તેઓ જીનિવા પહોંચ્યા ત્યારે વિઠ્ઠલભાઈના મરણની ખબર સાંભળતાં ખૂબ જ આંચકો અનુભવ્યો હતો. તે સમયે તેમણે સુભાષચંદ્ર બોઝને વસિયતનામાના વિવાદ અંગે જાણ કરી. ત્યારે તેઓ વસિયતનામાની તમામ શરતો પૂર્ણ કરવા અંગે તૈયાર જણાઈ રહ્યા હતા પરંતુ કલકત્તા પરત ફર્યા બાદ સુભાષનો મત બદલાઈ ગયો. તેમણે પોતાના વકીલ મારફતે મને પત્ર લખીને વસિયતની સંપત્તિની સોંપણી કરવા જણાવ્યું."

વસિયતનામાં શું લખ્યું હતું?

'વિઠ્ઠલભાઈ પટેલ લાઇફ ઍન્ડ ટાઇમ્સ' પુસ્તકમાં થયેલી નોંધ મુજબ વસિયતનામાની એક શરત પ્રમાણે "ઉપર જણાવ્યા મુજબની ચાર ભેટોના નિકાલ બાદ મારી સંપત્તિ 1 વૂડબર્ન પાર્ક, કલકત્તા નિવાસી સુભાષચંદ્ર બોઝ (જાનકીનાથ બોઝના પુત્ર)ને સોંપવી. જે પ્રાથમિક ધોરણે સુભાષચંદ્ર બોઝ દ્વારા અથવા તેમના ઉત્તરાધિકારી કે ઉત્તરાધિકારીઓ દ્વારા ભારતના રાજકીય ઉત્થાન અને ભારત બહાર ભારતને લગતાં કાર્યોની પ્રસિદ્ધિ માટે ઉપયોગમાં લેવામાં આવે."

આ વસિયતનામાના વહીવટદાર તરીકે ગોરધનભાઈનું માનવું હતું કે આ વસિયત સુભાષચંદ્ર બોઝ માટે ગમે તે હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી 'ફ્રી ગિફ્ટ' નહોતી. પરંતુ તેમની વસિયત ભારતના લોકો માટે હતી. સુભાષચંદ્ર બોઝને ગોરધનભાઈ વિઠ્ઠલભાઈએ વસિયતમાં નોંધેલાં કાર્યો કરવા માટે ટ્રસ્ટી નીમ્યા હોવાનું માની રહ્યા હતા.

જોકે, સુભાષચંદ્ર બોઝને આ અર્થઘટન માન્ય નહોતું.

કલકત્તા પાછા ફર્યા બાદ સુભાષચંદ્ર બોઝે વસિયતમાં રહેલી સંપત્તિની ચૂકવણી માટે ગોરધનભાઈને 11 જાન્યુઆરી, 1935ના રોજ પોતાના વકીલ મારફતે પત્ર દ્વારા જાણ કરી.

આ વસિયતનામામાં સરદારને મુખ્ય ત્રણ વાતો ખટકી રહી હતી.

એક તો એ કે પથારીવશ અવસ્થામાં બનાવાયેલું વસિયતનામું ડૉક્ટર દ્વારા પ્રમાણિત કરાયેલું કેમ નહોતું? તેમજ વિઠ્ઠલભાઈની સહી ડૉક્ટર દ્વારા પ્રમાણિત કેમ નહોતી?

બીજી શંકા એ હતી કે વિઠ્ઠલભાઈ દ્વારા હાથથી લખાયેલ વસિયતનામું ગાયબ હતું.

ત્રીજી શંકા એ હતી કે ભુલાભાઈ દેસાઈ, વાલચંદ હિરાચંદ અને અંબાલાલ સારાભાઈ જેવી વ્યક્તિઓ જ્યારે જીનિવા ખાતે હાજર હતી ત્યારે વસિયતનામા પર સાક્ષી તરીકે ત્રણ અજાણી બંગાળી વ્યક્તિઓની સહી શું કામ હતી?

તેમજ ગોરધનભાઈના મનમાં ચાલી રહેલા અર્થઘટન અંગેનો વિવાદ તો એક બાજુ યથાવત્ જ હતો.

આ વિવાદનો ઉકેલ ન આવતાં અંતે 20 જાન્યુઆરી. 1939ના રોજ મામલો બૉમ્બે હાઈકોર્ટ પહોંચ્યો. જસ્ટિસ બી. જે વાડીયાની કોર્ટમાં ગોરધનભાઈ અને વિઠ્ઠલભાઈના આઠ વારસદારો તરફથી ભુલાભાઈ દેસાઈ, સર જમશેદજી કાંગા, કૉલ્ટમન, એન. પી. એન્જિનિયર, મોતિલાલ સેતલવાડ અને સર ચીમનલાલ શેતલવાડ હાજર રહ્યા. જ્યારે સુભાષચંદ્ર બોઝ તરફથી પી. આર. દાસ અને માણેકશા હાજર રહ્યા હતા.

હાઈકોર્ટે પણ વિઠ્ઠલભાઈ પટેલની વસિયત પર સુભાષચંદ્ર બોઝનો સંપુર્ણ અધિકાર માનવાનો ઇનકાર કરી દીધો હતો અને વિઠ્ઠલભાઈનું વસિયતનામું અયોગ્ય જાહેર કરી તેમની સંપત્તિ પર તેમના પરિવારજનોનો અધિકાર હોવાનો મત વ્યક્ત કર્યો.

હાઈકોર્ટના ચુકાદા બાદ 16 માર્ચ, 1939ના રોજ સરદાર પટેલે એક નિવેદનમાં કહ્યું હતું કે પરિવારના કોઈ પણ સભ્ય દ્વારા આ સંપત્તિનો ખાનગી હેતુ માટે ઉપયોગ નહીં કરાય. આ સંપત્તિનો ઉપયોગ ભારતના રાજકીય ઉત્થાન કે અન્ય કોઈ જાહેર હેતુ માટે કરાશે.

જોકે, આ નિર્ણય અંગે સુભાષચંદ્ર બોઝે અરજી કરી જેની સુનાવણી ચીફ જસ્ટિસ સર જૉન બ્યૉમોન્ટ અને જસ્ટિસ કાણીયાએ કરી હતી.

આ વખત સુભાષચંદ્ર બોઝ તરફથી કોર્ટમાં તેમના ભાઈ સરતચંદ્ર બોઝ અને માણેકશા હાજર રહ્યા હતા.

અંતે 18 સપ્ટેમ્બર 1939ના રોજ સુભાષચંદ્ર બોઝની અરજી ફગાવાઈ અને હાઈકોર્ટનો નિર્ણય સ્વીકારી લેવાયો. સુભાષચંદ્ર બોઝ દ્વારા પ્રીવી કાઉન્સિલમાં અરજી કરવાનું ટાળવામાં આવ્યું.

આ દાવાના ફુલ ઍન્ડ ફાઇનલ સેટલમૅન્ટ તરીકે ગોરધનભાઈ પટેલ દ્વારા એક લાખ રૂપિયાનો ચેક સરદાર પટેલને અપાયો.

11 ઑક્ટોબર, 1940ના રોજ વર્ધા ખાતે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગમાં સરદાર પટેલે વિઠ્ઠલભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપનાની જાહેરાત કરી. જે વિઠ્ઠલભાઈની ઇચ્છા પ્રમાણે આ નાણાંનો ઉપયોગ કરવાના હેતુસર રચાયું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો