જવાહરલાલ નહેરુ વિદેશ ગયા અને સરદાર વલ્લભભાઈએ જ્યારે 370ની કલમ સ્વીકારી લીધી

    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

વાત એ વેળાની છે જ્યારે દક્ષિણ એશિયામાં ભારત અને પાકિસ્તાન નામનાં બે નવાં રાષ્ટ્રોનો જન્મ થયો હતો.

નવાં જન્મેલાં બન્ને રાષ્ટ્રોમાં જૂનાં રજવાડાં ભળી રહ્યાં હતાં. ભેળવવામાં આવી રહ્યાં હતાં.

એ વખતે પશ્ચિમ ભારતમાં આવું જ એક રજવાડું હતું, જૂનાગઢ. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પથરાયેલા જૂનાગઢની 80 ટકા વસતી હિંદુ હતી પણ નવાબ મહમ્મદ મહાબત ખાન ત્રીજા મુસલમાન હતા.

એ જૂનાગઢમાં મે, 1947માં ઊથલપાથલ થઈ અને સિંધના મુસ્લિમ લીગના આગેવાન શાહનવાઝ ભુટ્ટોને રાજના દીવાન બનાવાયા.

જૂનાગઢના એ દીવાન ભારતમાંથી પાકિસ્તાનને અલગ કરનારા મહમ્મદ અલી ઝીણાના ગાઢ સંપર્કમાં હતા.

ઝીણાએ એમને સલાહ આપી અને એમણે અનુસરી. 15 ઑગસ્ટ 1947 સુધી જૂનાગઢે ભારત કે પાકિસ્તાન બેમાંથી એક પણ સાથે જોડાવાનો નિર્ણય ન લીધો. પણ જેવી જ આઝાદીની જાહેરાત થઈ કે જૂનાગઢે પાકિસ્તાન સાથે જોડાવાનું જાહેર કરી દીધુ.

જૂનાગઢે જોડાણ તો જાહેર કર્યું પણ પાકિસ્તાને લગભગ એક મહિના સુધી આ મામલે જવાબ આપવાનું ટાળ્યું.

આખરે 13 સપ્ટેમ્બરે પાકિસ્તાનમાંથી તાર છૂટ્યા અને જૂનાગઢનું જોડાણ સ્વીકારી લેવાયું.

જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ અને પાકિસ્તાને એ જોડાણનો કરેલો સ્વીકાર કાઠિયાવાડમાં ભારત સરકારની આબરૂ પર પડેલો ફટકો માત્ર નહોતો.

વાત એમ હતી કે 'જૂનાગઢ જેવા પ્યાદા'નો ઉપયોગ કરીને ઝીણા 'શેતરંજનો વજીર' ઉઠાવી લેવાની વેતરણમાં હતા.

કાશ્મીર એ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી શેતરંજની રમતનો વજીર હતું.

ઝીણાને ખાતરી હતી કે જૂનાગઢની વાત આવતાં જ ભારત જૂનાગઢના નવાબને બદલે ત્યાંની હિંદુ વસ્તીને નિર્ણય લેવાના અધિકારની વાત કરશે.

ભારત આવી વાત કરે એ સાથે જ પાકિસ્તાન કાશ્મીરમાં પણ આવો જ દાવ ચાલીને ભારતને ફસાવી દે.

રાજમોહન ગાંધીએ લખેલા 'પટેલ : અ લાઇફ' નામના સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્રમાંથી ઉપરોક્ત અવતરણ લેવામાં આવ્યું છે. (પેજ. ન. 384, અનુવાદ : નગીનદાસ સંઘવી)

પાકિસ્તાને એની ચાલ રમી હતી અને હવે વારો ભારતનો હતો અને આ ચાલમાંથી ભારતને આબાદ બચાવવાની જવાબદારી ભારતના એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને ગૃહમંત્રી સરદાર પટેલની હતી.

કાશ્મીરની કશ્મકશ

22 ઑક્ટોબર, વર્ષ 1947ના રોજ 200થી 300 જેટલી ટ્રકોએ પાકિસ્તાનમાંથી કાશ્મીરમાં પ્રવેશ કર્યો.

આ ટ્રકોમાં પાકિસ્તાનના સરહદી પ્રાંતના આફ્રિદી, વઝિર, મહેસુદ, સ્વાથી જાતિના લગભગ પાંચ હજાર આદિવાસી લડવૈયા હતા.

'કબાયલી' તરીકે ઓળખાયેલા એ 'આદિવાસી લડવૈયા'ની આગેવાની લીધી હતી પાકિસ્તાની સેનાના 'રજા પર ઊતરેલા' સૈનિકોએ.

ઉદ્દેશ સ્પષ્ટ હતો, ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાની આનાકાની કરી રહેલા કાશ્મીર પર કબજો કરવો અને તેને પાકિસ્તાનમાં ભેળવી દેવું.

વિભાજનની જાહેરાત બાદ ભારત કે પાકિસ્તાન સાથે જોડાવા અંગે રજવાડાઓ નિર્ણય લઈ રહ્યાં હતાં પણ જમ્મુ-કાશ્મીર હજુ સ્પષ્ટ નહોતું.

એવામાં 12 ઑગસ્ટ, 1947ના રોજ જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિસિંહે ભારત અને પાકિસ્તાન સાથે 'સ્ટેન્ડ્સસ્ટિલ ઍગ્રીમેન્ટ' પર હસ્તાક્ષર કર્યા.

સ્ટેન્ડ્સસ્ટિલ ઍગ્રીમેન્ટ મતલબ કે મહારાજા હરિસિંહે નિર્ણય કર્યો કે જમ્મુ -કાશ્મીર સ્વતંત્ર રહેશે. તે ભારત કે પાકિસ્તાન બન્નેમાં સામેલ નહીં થાય.

પાકિસ્તાને આ કરારને સ્વીકાર્યા બાદ પણ તેનું સન્માન ન કર્યું અને તેમના પર હુમલો કરી દીધો.

'ધ સ્ટોરી ઑફ ધ ઇન્ટીગ્રેશન ઑફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ'માં વી.પી. મેનન કાશ્મીર પર પાકિસ્તાને કરેલા આક્રમણનો આ ચિતાર રજૂ કર્યો છે. (પેજ નં. 272)

એક બાદ એક વિસ્તાર ફતેહ કરી રહેલા કબાયલીઓએ 24 ઑક્ટરોબરે શ્રીનગરને રોશન રાખતા મહુરા પાવરહાઉસને તાબે કર્યું અને શહેરમાં અંધારપટ છવાઈ ગયો.

કબાયલીઓએ જાહેરાત કરી કે બે દિવસમાં તેઓ શ્રીનગર ભાંગશે અને શહેરની મસ્જિદમાં ઈદની ઉજવણી કરશે.

કબાયલીઓના આ આક્રમણ સામે મહારાજા હરિસિંહ નિ:સહાય હતા.

સ્વતંત્ર રહેવાની એમની ઇચ્છા પૂરી થવી તો દૂર પરતંત્ર બની જવાની ઘડીઓ ગણાઈ રહી હોવાનું અનુભવાતાં તેમણે ભારત સરકાર પાસે ધા નાખી

'ઇન્ટ્રુમૅન્ટ ઑફ ઍક્સેશન' પર સહી

મહારાજા તરફથી મદદની માગ કરાતા દિલ્હીમાં દોડધામ મચી અને 25 ઑક્ટોબરે લૉર્ડ માઉન્ટબૅટ્ટનની આગેવાનીમાં સંરક્ષણ સમિતિની બેઠક મળી.

બેઠકમાં નક્કી કરાયું કે ગૃહસચિવ વી.પી. મેનનને શ્રીનગર મોકલવામાં આવે અને તેઓ ભારત સરકારને કાશ્મીરની પરિસ્થિતિથી વાકેફ કરે.

શ્રીનગર પહોંચતાં જ મેનને પરિસ્થિતિ સમજાઈ ગઈ હતી. કલાકોનો મામલો હતો અને એક કે બે દિવસમાં કબાયલીઓ શ્રીનગર પહોંચી જાય એમ હતા.

મહારાજા પાસે કાશ્મીરને બચાવવાનો એક જ વિકલ્પ બચ્યો હતો અને એ વિકલ્પ હતો ભારતની મદદ. હવે ભારતીય સૈન્ય જ કાશ્મીરને પાકિસ્તાનના હાથમાં જતું બચાવી શકે એમ હતું.

પણ ભારત કે પાકિસ્તાનમાં ન જોડાયેલું કાશ્મીર હજુ પણ એક સ્વતંત્ર દેશ હતો અને એટલે જ એક સ્વતંત્ર દેશમાં ભારતીય સૈનિકો મોકલવા ભારતના અંતિમ વાઇસરૉય લૉર્ડ માઉન્ટબેટ્ટનને યોગ્ય નહોતું લાગતું.

'ધ સ્ટોરી ઑફ ધ ઇન્ટીગ્રેશન ઑફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ'માં જણાવ્યા અનુસાર મેનનને ફરીથી જમ્મુ મોકલવામાં આવ્યા. જમ્મુમાં સીધા મહારાજાના મહેલમાં જ ગયેલા મેનને મહેલ ઉજ્જડ ભાસ્યો. ચારેય તરફ વેરવિખેર પડેલી મૂલ્યવાન વસ્તુઓ દેખાઈ.

મહારાજાની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે શ્રીનગરથી જમ્મુ આવેલા મહારાજા ઊંઘી રહ્યા છે.

મેનને તેમને ઉઠાડ્યા અને સંરક્ષણ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયથી વાકેફ કર્યા. મહારાજાએ 'ઇન્ટ્રુમૅન્ટ ઑફ ઍક્સેશન' સહી કરી દીધી.

'ઇન્ટ્રુમૅન્ટ ઑફ ઍક્સેશન'ના દસ્તાવેજ લઈને પરત ફરી રહેલા મેનનને મહારાજાએ જણાવ્યું કે તેમણે ઊંઘવા જતાં પહેલાં પોતાના સહાયકને આદેશ આપ્યા હતો કે જો મેનન પરત ફરે તો એનો અર્થ એવો થશે કે ભારતે મદદ મોકલી છે, એટલે એમને શાંતિથી ઊંઘવા દેવામાં આવે.

અને જો મેનન પરત ન ફરે તો એનો અર્થ એવો થયો કે સઘળું લૂંટાઈ ગયું અને એટલે તેમને ઊંઘમાં જ ગોળી મારી દેવામાં આવે. (પેજ. નં. 275)

પણ મહારાજાને ગોળી મારવાની નોબત ન આવી. ભારત મહારાજાની વહારે આવ્યું.

મહારાજાએ વિલંબ કેમ કર્યો?

મેનન જણાવે છે કે આઝાદી વખતે ભારત કે પાકિસ્તાન સાથે જોડાવામાં કાશ્મીરના રાજા હરિસિંહે કરેલા વિલંબ પાછળ કાશ્મીરની સંકુલ પરિસ્થિત જવાબદાર હતી.

કાશ્મીરના રજવાડાના ભૌગોલિક રીતે ચાર ભાગ પડતા હતા. ઉત્તરમાં ગિલગિલ હતું અને દક્ષિણમાં જમ્મુ. કેન્દ્રમાં કાશ્મીરની ખીણ આવી હતી અને ખીણ અને તિબેટની વચ્ચે લદ્દાખ વસ્યું હતું.

જમ્મુની વસ્તી હિંદુ હતી અને લદ્દાખમાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ હતો તો ગિલગિટ અને કાશ્મીરની ખીણમાં ઇસ્લામ પાળવામાં આવતો. રાજ્યમાં મુસ્લિમોની બહુમતી હતી.

જોકે, રાજા હિંદુ હોવાને કારણે રાજ અને સૈન્યનાં ઉચ્ચપદો પર મોટા ભાગે હિંદુઓ બિરાજમાન હતા અને મુસ્લિમો અવગણના અનુભવતા હતા.

અવગણનાનો એ અવાજ રજૂ કરવા માટે શેખ અબ્દુલ્લાએ 1932માં ઑલ જમ્મુ ઍન્ડ કાશ્મીર મુસ્લિમ કૉન્ફરન્સની રચના કરી.

1939માં શેખે કૉન્ફરન્સને બિનસાંપ્રદાયિક બનાવવા એમાંથી ધર્મનું નામ કાઢી નાખ્યું અને 'નેશનલ કૉન્ફરન્સ' નામ રાખ્યું.

કાશ્મીરના મહારાજા હરિસિંહ વિરુદ્ધ સતત પ્રદર્શનો અને 1946માં 'ક્વિટ કાશ્મીર' ચળવળ ચલાવવા બદલ શેખને લાંબો સમય સુધી જેલમાં ધકેલી દેવાયા હતા.

જોકે, હવે સામાન્ય કાશ્મીરીઓ વચ્ચે તેમની વગ હતી અને તેઓ કાશ્મીરના સૌથી મોટા નેતા હતા. (પુસ્તક : 'ધ સ્ટોરી ઑફ ધ ઇન્ટીગ્રેશન ઑફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ' પેજ. ન. 270)

આંબેડકરનો વિશેષ દરજ્જા માટે ઇન્કાર

'આર્ષદ્રષ્ટા ડૉ. બાબાસાહેબ આંબેડકર' નામના પુસ્તકમાં ડૉ. પી. જી. જ્યોતિકર લખે છે,

કાશ્મીરના ભારત સાથેના જોડાણને લઈને શેખ અબ્દુલ્લાએ ડૉ. બાબા સાહેબ આંબેડકર પાસે કાશ્મીર માટે વિશિષ્ટ દરજ્જાની વાત મૂકી. શેખની વાત સાંભળીને બાબા સાહેબે સ્પષ્ટ સંભળાવી દીધું,

"તમે ઇચ્છો છો કે ભારત કાશ્મીરનું રક્ષણ કરે. સડકો-રસ્તાઓનું નિર્માણ કરે, લોકોને ખાવાનું અનાજ આપે છતાં કાશ્મીર પર ભારતનો કોઈ અધિકાર નહીં! આ વાત હું કદાપિ સ્વીકારી શકું નહીં."

ડૉ. આંબેડકરથી અકળાયેલા શેખ અબ્દુલ્લા નહેરુ પાસે પહોંચ્યા. એટલે તેમણે 370મી કલમ સંબંધી કાર્યવાહી કરવા પરદેશ જતાં પહેલાં ગોપાલસ્વામી આયંગરને(પ્રભાર વિનાના મંત્રી, કાશ્મીરના પૂર્વ દીવાન અને બંધારણની સમિતિના સભ્ય) આ મામલે સુધારા કરી આપવા સૂચવ્યું. (પેજ ન. 156-157)

ભારતીય જનસંઘના અધ્યક્ષ બલરાજ મધોકે પોતાની આત્મકથા 'જિંદગી કા સફર'માં 'ખંડિત કાશ્મીર ઔર રાષ્ટ્રવાદી આંબેડકર' નામે એક આખું પ્રકરણ લખ્યું છે.

આંબેડકરના વિચારો અંગે વાત કરતાં મધોકે લખે છે, "મને તેઓ (આંબેડકર) દેશના મોટા ભાગના કથિત રાષ્ટ્રવાદી નેતાઓ કરતાં વધુ રાષ્ટ્રવાદી અને બુદ્ધિજીવીઓ કરતાં વધુ બુદ્ધિજીવી લાગ્યા." (પેજ. નં. 152)

જોકે આંબેડકરવાદીઓ પુસ્તકમાં કરાયેલા આ દાવા સાથે સંમત નથી અને તેમના મતે આંબેડકરનાં કોઈ પણ લખાણમાં આવો દાવો મળતો નથી.

કાશ્મીરને વિશેષ દરજ્જો

'ઇન્ટ્રુમૅન્ટ ઑફ ઍક્સેશન'ના દસ્તાવેજો લઈને મેનન દિલ્હી પહોંચ્યા ત્યાં ઍરોડ્રોમ પર સરદાર પટેલ તેમની રાહ જોઈ રહ્યા હતા.

ઍરોડ્રોમથી મેનન અને સરદાર બન્ને સંરક્ષણ સમિતિની બેઠકમાં હાજર થયા.

બેઠકમાં દીર્ઘ ચર્ચા બાદ જમ્મુ-કાશ્મીરના જોડાણ સાથેની શરતોને માન્ય રખાઈ અને કાશ્મીરમાં સૈન્ય મદદ મોકલાઈ.

એવું પણ નક્કી કરાયું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ થાળે પડતાં જ લોકમત લેવામાં આવશે.

એ બાદ કાશ્મીરમાં ચાર અઠવાડિયાં દરમિયાન ઘટેલી ઘટનાઓ અંગે 21 નવેમ્બરે નહેરુએ સંસદમાં નિવેદન આપ્યું અને સાથે જ સંયુક્ત રાષ્ટ્રસંઘ જેવી નિષ્પક્ષ ટ્રિબ્યૂનલની દેખરેખ હેઠળ કાશ્મીરના લોકોને તેમનું ભવિષ્ય નક્કી કરવાની તક આપવા અંગેનું પોતાનું વચન પણ યાદ કર્યું.

જોકે, આ દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાને માગ કરી કે જનમત લેતાં પહેલાં ભારે કાશ્મીરમાંથી પોતાનું સૈન્ય પરત ખેચી લેવું જોઈએ. જેને નહેરુએ સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધી. (પુસ્તક : 'ધ સ્ટોરી ઑફ ધ ઇન્ટીગ્રેશન ઑફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ', પેજ ન. 279)

'ઇન્ટ્રુમૅન્ટ ઑફ ઍક્સેશન'ના દસ્તાવેજમાં કહેવાયું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ રહેશે પણ તેને ખાસ સ્વાયત્તતા મળશે.

એમાં સ્પષ્ટ કહેવાયું હતું કે ભારત સરકાર જમ્મુ-કાશ્મીરમાં માત્ર સંરક્ષણ, વિદેશી બાબતો અને સંચારમાધ્યમો અંગે જ કાયદો ઘડી શકશે.

અનુચ્છેદ 35-એ 1954માં રાષ્ટ્રપતિના આદેશ બાદ લાગુ કરાયો હતો, જે 'ઇન્ટ્રુમૅન્ટ ઑફ ઍક્સેશન'ની આગામી કડી હતી.

'ઇન્ટ્રુમૅન્ટ ઑફ ઍક્સેશન'માં ભારત સરકારને જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવા માટે મર્યાદિત અધિકાર મળ્યા હતા.

સરદારે વધારે છૂટછાટો આપી દીધી

'પટેલ : અ લાઇફ'માં રાજમોહન ગાંધી લખે છે કે જવાહરલાલ નહેરુ વિદેશમાં હતા ત્યારે 1949ના ઑક્ટોબરમાં બંધારણસભાએ કાશ્મીર અંગે ચર્ચા કરી ત્યારે પણ વલ્લભભાઈએ પોતાનો અંગત મત દબાવી રાખ્યો.

સભાસદોમાં ઉગ્ર વિરોધ હોવા છતાં હંગામી વડા પ્રધાન તરીકે કામગીરી બજાવી રહેલા વલ્લભભાઈએ કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપવાની માગણી સ્વીકારી લીધી.

એટલું જ નહીં, વિદાય થતાં અગાઉ નહેરુએ મંજૂર કરી હતી એના કરતાં પણ વધારે છૂટછાટો અને સત્તાઓ કાશ્મીરને આપવામાં આવી.

શેખ અબ્દુલ્લા આ છૂટછાટ માટે આગ્રહી હતા. આઝાદ અને ગોપાલસ્વામીએ તેમને ટેકો આપ્યો અને સરદાર આડે આવ્યા નહીં.

આઝાદ, અબ્દુલ્લા અને ગોપાળસ્વામી નહેરુના ખ્યાલોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા જણાતા હતા અને નહેરુની ગેરહાજરીમાં વલ્લભભાઈ તેમના વિચારોનો પરિત્યાગ કરવા માગતા નહોતા. (પેજ નં. 523)

અશોકા યુનિવર્સિટીમાં ઇતિહાસ અને જનસંપર્કના પ્રોફેસર શ્રીનાથ રાઘવનનું માનવું છે કે કાશ્મીર પર નહેરુએ એકલપંડે નિર્ણય લીધો હતો એ ખોટી વાત છે.

'કાશ્મીરના મુદ્દે આંતરીક મતભેદ હોવા છતાં નહેરુ અને સરદાર એક સાથે મળીને કામ કરી રહ્યા હતા. ઉદાહરણ તરીકે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા ભારતીય બંધારણના અનુચ્છેદ 370 જ લઈ લો.

ગોપાલસ્વામી આયંગર અને શેખ અબ્દુલ્લા તેમજ તેમના વરિષ્ઠ સહયોગી વચ્ચે આ મામલે કેટલાય મહિનાથી વાટઘાટ ચાલી રહી હતી. આ એક મુશ્કેલ વાટાઘાટ હતી. જોકે, એમ છતાં નહેરુએ સરદારની સહમતી વગર ભાગ્યે જ ડગલું પણ આગળ ભળ્યું હતું.

આ અંગે 15-16 મે 1949ના રોજ નહેરુની હાજરીમાં પટેલના ઘરે પ્રાંરભિક બેઠકો મળી હતી.

જ્યારે નહેરુ અને શેખ વચ્ચે સધાયેલી સહમતી અંગેનો મુસદ્દો અાયંગરે પટેલને મોકલ્યો, ત્યારે તેની ઉપર નોંધ મૂકી શું તમે આ અંગે તમારી સહમતી વિશે જવાહરલાલજીને જણાવી શકશો?

તેઓ તમારી મંજૂરી બાદ જ શેખ અબ્દુલ્લાને પત્ર મોકલશે.

પછી અબ્દુલ્લાએ આગ્રહ કર્યો કે મૂળભૂત અધિકારો અને માર્ગદર્શક સિદ્ધાંતો કાશ્મીરમાં લાગુ કરવામાં ન આવે અને રાજ્યના બંધારણસભા પર એ છોડી દેવામાં આવે કે એને લાગુ કરવા કે કેમ?

આ બાબતે રાજી ન હોવા છતાં પટેલે ગોપાલસ્વામીને આગળ વધવા કહ્યું હતું.

એ વખતે વડા પ્રધાન જવાહરલાલ નહેરુ વિદેશમાં હતા. જ્યારે તેવો સ્વદેશ પરત ફર્યા ત્યારે પટેલે તેમને પત્ર લખ્યો, "ભારે ચર્ચા બાદ હું (કૉંગ્રેસ) પક્ષને રાજી કરી શક્યો."

શ્રીનાથ આ કિસ્સા બાદ લખે છે, આવી રીતે સરદાર અનુચ્છેદ 370ના ઘડવૈયા હતા.

'પટેલ : અ લાઇફ'માં રાજમોહન ગાંધી આગળ ઉમેરે છે, 'કાશ્મીર સંબંધે ભારત સરકારે ભરેલાં અનેક પગલાંઓ અંગે વલ્લભભાઈ અસ્વસ્થતા અનુભવતા હતા.'

'લોકમતનો પ્રસ્તાવ, રાષ્ટ્રસંઘમાં ફરિયાદ, પાકિસ્તાનના હાથમાં કાશ્મીરનો ઘણો પ્રદેશ રહી જાય તેવો યુદ્ધવિરામ અને મહારાજાની વિદાય - તેમને આ પગલાં ગમ્યાં નહોતાં.'

'પ્રસંગોપાત્ત તેમણે કેટલાંક સૂચનો અને ટીકા કર્યાં છે પણ કાશ્મીર સમસ્યાનો ઉકેલ તેમણે સૂચવ્યો નથી. હકીકત એ છે કે 1950ના ઑગસ્ટ મહિનામાં તેમણે જયપ્રકાશજીને કહ્યું હતું, "કાશ્મીરનો કોયડો ઉકેલી શકાય એમ નથી."

'વલ્લભભાઈના અવસાન પછી સરદારે આ સવાલ શી રીતે ઉકેલી આપ્યો હોત તે તેમના અંતેવાસીઓ પણ કહી શકે એમ નથી તેવું જયપ્રકાશજીએ કહ્યું છે તે સાચું કહ્યું છે.' (પેજ નં. 524)

જ્યારે કાશ્મીરને વિશેષ દરજ્જો મળ્યો

જાન્યુઆરી 1948માં ભારત કાશ્મીર મામલાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગયું જ્યાં જનમત સંગ્રહની વાત ઊઠી.

સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થીને કારણે જમ્મુ-કાશ્મીર પર બંને પક્ષોનો જે વિસ્તાર પર કંટ્રોલ હતો તે યથાવત રહ્યો.

જુલાઈ 1949માં મહારાજા હરિસિંહે પોતાના પુત્ર કરણસિંહને ગાદી આપી દીધી અને શેખ અબ્દુલા અને તેમના સાથીઓ ભારતીય બંધારણ સભામાં સામેલ થઈ ગયા. આ સમયે ભારતના બંધારણને ઘડવાનું કામ ચાલુ હતું.

વર્ષ 1950માં ભારતનું બંધારણ લાગુ કરાયું અને કલમ 370માં જમ્મુ-કાશ્મીરને એક વિશેષ દરજ્જો આપવામાં આવ્યો.

ભારતીય બંધારણ સભામાં ચર્ચા દરમિયાન જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાનો સવાલ ઉઠ્યો તો તેના સભ્ય ગોપાલસ્વામી આયંગરે કહ્યું, "ભારત સરકારે કાશ્મીરના લોકોને કેટલાક મામલાઓ પર વાયદો કર્યો છે."

"તેમને કહેવામાં આવ્યું છે કે તેઓ રિપબ્લિક ભારત સાથે રહેવા માગે છે કે બહાર જવા માગે છે તે અંગે તેમને તક આપવામાં આવશે."

"લોકોના વિચારો જાણવા માટે અમે જનમત સંગ્રહ કરાવવા માટે કટિબદ્ધ છીએ, પરંતુ તે પહેલાં ત્યાં શાંતિપૂર્ણ સ્થિતિ પરત ફરે અને નિષ્પક્ષ જનમત સંગ્રહની ગેરંટી હોય."

જોકે, જમ્મુ-કાશ્મીરમાં ક્યારેય જનમત લેવાયો નહીં. આ અંગે ભારત અને પાકિસ્તાન બંને પાસે પોતાના તર્ક છે.

બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં બંધારણ સભાની બેઠકો થઈ અને ભારત સાથે જમ્મુ-કાશ્મીરના સંબંધો પર 1952માં 'દિલ્હી સમજૂતી' પર સહમતી બની.

આ 'દિલ્હી સમજૂતી'માં કહેવામાં આવ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યના અલગ ઝંડા પર સહમત છે અને આ ઝંડાને ભારતીય ઝંડાનો પ્રતિદ્વંદ્વી નહીં હોય.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો