You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાંડાતૂર હાથીનો આતંક, કેવી રીતે નવ દિવસમાં 20 લોકોને કચડી નાખ્યા?
- લેેખક, મહમ્મદ સરતાજ આલમ
- પદ, રાંચીથી, બીબીસી માટે
ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના ચાઈબાસા તથા કોલહાન વન ક્ષેત્રમાં એક હાથીના હુમલામાં નવ દિવસમાં 20 લોકોએ જાન ગુમાવ્યા છે. તેનાથી આ વિસ્તારના રહેવાસીઓમાં ફફડાટ પેસી ગયો છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી હાથી ઝડપાયો નથી.
ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ચંદન કુમારે મૃતકોના આંકડાની પુષ્ટિ કરી હતી. ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર કુલદીપ મીણાએ જણાવ્યું હતું, "કોઈ નર હાથીને કારણે આવી સ્થિતિ સર્જાયાનો આ પ્રથમ બનાવ છે. જાન-માલનું વધુ નુકસાન ન થાય તે માટે આ વિસ્તારને હાઈ ઍલર્ટ કરી દેવાયો છે." આગળ તેમણે કહ્યું હતું, "પ્રત્યેક મૃતકના પરિવારને અંતિમક્રિયા માટે વન વિભાગ દ્વારા તાકીદે 20 હજાર રૂપિયાની સહાય કરવામાં આવી છે."
અધિકારીઓના જણાવ્યા મુજબ, હાથીને પકડવો અને તેને સલામત રીતે વન ક્ષેત્રમાં છોડી દેવો એ તેમની પ્રાથમિકતા છે. આ માટે બંગાળ અને ઓડિશાની ટુકડીઓની સહાયથી મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરાઈ છે.
જિલ્લા મૅજિસ્ટ્રેટ ચંદન કુમારે જાહેરાત કરી હતી કે હાથીના હુમલાથી ઈજાગ્રસ્ત થયેલા એક વનકર્મીનું શુક્રવારે રાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સાથે કુલ મૃત્યુઆંક વધીને હવે 20 થયો છે.
પરંતુ સ્થાનિક સામાજિક કાર્યકર્તા માનકી તુબિદ વન વિભાગની કાર્યવાહીને લઈને અસંતુષ્ટ તેમજ ચિંતિત છે. તેઓ કહે છે, "જો વન વિભાગે મોતની પહેલી ઘટના બાદ જ તાત્કાલિક પગલાં ભર્યાં હોત, તો આટલા બધા લોકોએ જીવ ન ગુમાવવો પડ્યો હોત."
રસ્તા પર, ઘરમાં પ્રવેશીને કચડી નાખ્યા
1થી 9 જાન્યુઆરી સુધીમાં હાથીએ 19 લોકોને માર્યા હતા. પ્રથમ મૃતક 34 વર્ષીય મંગલ સિંહ હેમબ્રમ હતા. નવા વર્ષની પ્રથમ સાંજે આશરે છ વાગ્યાની આસપાસ તેઓ ટોન્ટો તાલુકાના બોડીજ્યારી ગામમાં આવેલા તેમના ઘર ભણી જઈ રહ્યા હતા. ઘરની નજીક હતા ત્યારે જ હાથીએ તેમના પર હુમલો કરીને તેમને કચડી નાખ્યા.
તે જ રાતે દસ વાગ્યે હાથીએ ટોન્ટો તાલુકાના બિરસિંહ હાતુ ગામના 62 વર્ષના ઉરદુબ બહોદાને અડફેટે લીધા. તેમના પરિવારજનોએ જણાવ્યા પ્રમાણે, ઘટના બની તે સમયે ઉરદુબ તેમના ખેતરમાં ડાંગરના પાકની રખેવાળી કરી રહ્યા હતા.
ટોન્ટો બ્લોકના 22 વર્ષીય જગમોહન સવૈયાની ત્રીજા મૃતક તરીકે ઓળખ થઈ હતી. પાંચમી જાન્યુઆરીના રોજ રાત્રે 10 વાગ્યે હાથીએ કરેલા હુમલામાં તેમણે જીવ ગુમાવ્યો હતો. સદર તાલુકામાં આવેલા રોડો ગામના 42 વર્ષીય વિષ્ણુ સુંડી પહેલી જાન્યુઆરીના રોજ રાત્રે 11.30 વાગ્યે હાથીના હુમલામાં માર્યા ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના 25 વર્ષના દિવ્યાંગ પુત્ર કુષ્ણુ સુંડીના જણાવ્યા મુજબ, ડાંગરની રખેવાળી કરવા માટે ઘરના તમામ સભ્યો બહાર ઓસરીમાં સૂતા હતા. એકાએક હાથી આવી ચઢતાં પરિવારના તમામ લોકો અંદર જતા રહ્યા, પણ તેમના પિતા વિષ્ણુ બહાર તરફ દોડ્યા. કુષ્ણુ કહે છે, "અચાનક જ બાબા નીચે પડી ગયા અને હાથીએ તેમનો પગ પકડીને ઘસડ્યા. તે પછી તેણે તેમને નીચે પટક્યા, જેના કારણે તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું. ડરી ગયેલા પરિવારજનોએ નજર સામે તેમને મરતા જોયા."
પુત્ર દિવ્યાંગ હોવાથી વિષ્ણુ જ ઘરનું ગુજરાન ચલાવતા હતા અને લાકડાં વેચીને મહિને અઢીથી ત્રણ હજાર રૂપિયા રળતા હતા. હવે આ જવાબદારી કુષ્ણુના શિરે આવી પડી છે.
"મને જાણ હોત, તો મારો પરિવાર આજે હયાત હોત"
ચોથી જાન્યુઆરીની રાતે 11 વાગ્યે હાથીએ બિલા ગામના 56 વર્ષના રહેવાસી જોંગા કુઈનો પણ ભોગ લીધો હતો. તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું, "તેમને જાણ થઈ કે હાથી તેમનો ડાંગરના પાક ખાઈ રહ્યો હતો. હાથીને ભગાડવા માટે તેઓ ટોર્ચ લઈને ત્યાં ગયા, પણ હાથીએ જોંગા કુઈને અડફેટે લઈને તેમને જમીન પર અફળાવ્યા."
ગોઈલકેરા તાલુકાની ગમ્હરિયા પંચાયત હેઠળના સોવાં ગામના કુંદરા બહોદા, તેમની છ વર્ષની દીકરી કોદમા બહોદા અને આઠ વર્ષના પુત્ર સામુ બહોદાએ પણ હાથીના હુમલામાં જીવ ગુમાવ્યો હતો. પાંચ જાન્યુઆરીએ રાત્રે આઠ વાગ્યે કુંદરાનો સમગ્ર પરિવાર ડાંગરની રખેવાળી કરવા માટે ઘરની બહાર સૂતો હતો. તેમનાં પત્ની પુંડી ટોપનો કહે છે, "નજીકના વિસ્તારોમાં થઈ રહેલા હાથીના હુમલાઓ વિશે અમને કોઈ જાણ ન હતી. અમને જરા સરખી પણ જાણકારી હોત, તો મારો પરિવાર આજે હયાત હોત."
ગામના સરપંચ ઉદય ચેરવાએ ગામના અન્ય લોકોની સહાયથી ત્રણેય મૃતકોની અંતિમવિધિ કરાવી. પરંતુ માટીના ઘરમાં રહેતા પુંડીના પરિવારમાં હવે કમાનારું કોઈ બચ્યું નથી.
છઠ્ઠી જાન્યુઆરીની રાતે છ વ્યક્તિનાં મોત
સનાતન મેરેલનું માટીનું ઘર નોવામુંડી તાલુકાના અંદાજે 2,500 લોકોની વસ્તી ધરાવતા બાબાડિયા ગામની સીમમાં આવેલું છે. નજીકમાં જ તેમણે એક વાડો બનાવડાવ્યો હતો. છઠ્ઠી જાન્યુઆરીની રાત્રે પરિવારના તમામ છ સભ્યો ત્યાં ઘાસની ઝૂંપડીમાં ઘસઘસાટ ઊંઘતા હતા. ત્યાં જ રાતે 11 વાગ્યે હાથી અચાનક આવી ચઢ્યો. સૌપ્રથમ તેણે ઝૂંપડી છિન્ન-ભિન્ન કરી નાખી.
તે પછી તેણે 50 વર્ષના સનાતન મેરેલ, તેમના પત્ની જોલકો કુઈ, નવ વર્ષની પુત્રી દમયંતી મેરેલ અને પાંચ વર્ષના પુત્ર મુંગડુ મેરેલને રહેંસી નાખ્યા. આ હુમલામાં 11 વર્ષનો જયપાલ મેરેલ અને તેની પાંચ વર્ષની બહેન સુશીલા બચી ગયાં.
આટલેથી ન અટકતાં તે જ રાતે 12.30 વાગ્યે હાથીએ બાબાડિયા ગામ નજીક આવેલા ગામ બડા પસેયામાં પોતાના વાડામાં સૂઈ રહેલા મંગલ બબોંગા (25)ને પોતાનો શિકાર બનાવ્યા. જગન્નાથપુર તાલુકામાં આવેલા સિયાલજોડા ગામના 47 વર્ષના ટિપરિયા હેમ્બ્રમ સાતમી જાન્યુઆરીના રોજ પરોઢિયે છ વાગ્યે ઘરેથી કુદરતી હાજતે જવા માટે નીકળ્યા ત્યારે હાથીએ પાછળથી તેમના પર હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યા.
હાથીના હુમલાથી સર્જાયેલી આઘાતજનક મોતની આ હારમાળા વિશે મનકી તુબિદ કહે છે, "વનવિભાગે એ સમજવું પડશે કે હાથી જેવું બુદ્ધિશાળી પ્રાણી એકાએક આટલું આક્રમક શા માટે બની ગયું અને તેણે 19 લોકોના જીવ શા માટે લીધા?"
આટલી આક્રમકતા શા માટે?
કોલહાનના ડીએફઓ કુલદીપ મીણા કહે છે, "એવું લાગે છે કે આ હાથી અત્યારે સંવનનના તબક્કામાં છે. આ સમયે પ્રજનન હોર્મોન ટેસ્ટોસ્ટેરોનમાં ઘણો વધારો થવાને કારણે એકલવાયો નર હાથી ભારે આક્રમક બની જતો હોય છે. 15-20 દિવસ પસાર થઈ ગયા બાદ તે શાંત થઈ જાય છે."
પ્રાપ્ત વિગતો અનુસાર, વન વિભાગે આ રેસ્ક્યૂ ઓપરેશનમાં 10 સ્પેશિયલ ટીમોમાં 100 કરતાં વધુ લોકોને તૈનાત કર્યા છે અને ડ્રોનની મદદ પણ લેવાઈ રહી છે.
વન વિભાગે આપેલી માહિતી અનુસાર, કોલહાન અને ચાઈબાસા વન વિસ્તારોમાં 53 હાથીઓ જુદા-જુદા ઝુંડમાં વસવાટ કરે છે. સરકારી ડેટા પ્રમાણે, 2019 અને 2024ની વચ્ચે ઝારખંડમાં હાથીઓના હુમલામાં 474 લોકોએ જીવ ગુમાવ્યા છે.
1976થી હાથીઓ પર સંશોધન કરી રહેલા રાંચી યુનિવર્સિટીના પ્રોફેસર ડી. એસ. શ્રીવાસ્તવ હાલ થયેલી જાનહાનિ અંગે જણાવે છે, "હાથી-માનવ વચ્ચે ઘર્ષણના આ આંકડા આગામી વર્ષોમાં હજુ વધશે."
તેઓ કારણ આપે છે કે નિર્વનીકરણ, ઓપન કાસ્ટ માઈનિંગ અને હાથીઓના પરંપરાગત માર્ગોમાં માનવીય દખલગીરીને કારણે હાથી-માનવ ઘર્ષણ વધી રહ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન