You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પેની સ્ટૉક્સ : ચિલ્લરના ભાવે મળતા આ શૅરોની શું ખાસિયત છે, તેમાં રોકાણ જંગી વળતર અપાવી શકે?
ભારતીય બજારમાં એક શૅરનો ભાવ અમુક પૈસાથી શરૂ કરીને એક લાખ રૂ. કરતાં પણ વધુ હોઈ શકે છે, પરંતુ ઊચું જોખમ લેવા માંગતા રોકાણકારો ઘણી વખત 'ઝાઝા' શૅર ખરીદવાની લાલચમાં 'ચિલ્લર' કંપનીઓમાં રોકાણ કરે છે.
શૅરબજારની ભાષામાં તેને પેની સ્ટૉક્સ તરીકે ઓળખવામાં આવે છે.
આજે વૉટ્સઍપ અને ટેલિગ્રામ ગ્રૂપો દ્વારા લોકોને શૅરબજારમાં તાત્કાલિક કમાણી કરાવી આપવાની લાલચ આપીને આવા પેની સ્ટૉક્સમાં રોકાણ કરવાનું સૂચવવામાં આવે છે, જેના કારણે રોકાણકારોને ટૂંકા ગાળામાં મોટું નુકસાન જવાનો ખતરો રહે છે.
અહીં પેની શૅરો કોને કહેવાય, તેની કેવી ખાસિયતો હોય છે અને તેમાં રોકાણ કરવામાં કેવાં જોખમો રહેલાં છે તેની વાત કરીએ.
પેની શૅરો શું હોય છે?
પેની સ્ટૉક કે શૅરની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, પરંતુ ભારતમાં દસ રૂપિયાથી ઓછા ભાવના શૅરોને આ કૅટેગરીમાં રાખવામાં આવે છે.
ભારતમાં પેની શૅરોની બજારમૂડી (માર્કેટ કૅપિટલાઇઝેશન) સામાન્ય રીતે 500 કરોડથી ઓછી હોય છે. કેટલીક વખત બજારમૂડી 100 કરોડથી પણ નીચી હોય છે. આ કંપનીઓ પોતાની વૃદ્ધિના શરૂઆતના તબક્કામાં હોય છે, નાણાકીય રીતે નબળી હાલતમાં હોઈ શકે છે.
તેના કારણે આ શૅર ખરીદવામાં સસ્તા પડે છે, પરંતુ તેમાં નુકસાન જવાનું જોખમ ઘણું વધારે હોય છે.
શૅરબજારના જાણકારો પેની સ્ટૉક્સને હાઇ રિવૉર્ડ, હાઇ રિસ્ક શૅરો તરીકે ઓળખે છે. એટલે કે તેમાં તેજી આવે તો ટૂંકા ગાળામાં જંગી ફાયદો થઈ શકે અને તેનાથી વિપરીત, મોટું નુકસાન થવાનો પણ ખતરો રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પેની શૅરોમાં રોકાણ કેમ જોખમી?
આ શૅરો વધારે વોલેટાઈલ એટલે કે અસ્થિર હોય છે અને તેમાં અચાનક મોટો ફાયદો થવાની સાથે સાથે મોટું નુકસાન પણ થઈ શકે છે.
અમદાવાદસ્થિત એક સ્ટૉક બ્રોકિંગ કંપનીના વડા ગુંજન ચોકસીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "પેની શૅરોમાં રોકાણ કરવાનું બીજું એક જોખમ એ હોય છે કે તેમાં લિક્વિડિટી ઓછી હોય છે. એટલે કે તેના ખરીદદારો ઓછા હોય છે. તેથી તમે તેને વેચવા માંગો ત્યારે તેની સામે કોઈ ખરીદદાર ન હોય એવું બની શકે. તેથી તાત્કાલિક વેચવા મુશ્કેલ બને છે."
"આ ઉપરાંત આ કંપનીઓ બહુ નાની હોવાથી તેના વિશે માર્કેટમાં ચોક્કસ માહિતીનો અભાવ હોય છે અથવા તો ખોટી માહિતી કે અટકળો વધારે હોય છે."
પેની સ્ટૉક્સમાં રોકાણ કર્યા બાદ તેમાં મોટો કડાકો આવે તો પછી શૅર ક્યારે રિકવર થશે તેની કોઈ ગૅરંટી નથી હોતી. ઘણા પૅની શૅર ક્યારેય તેના જૂના ભાવે પહોંચી શકતા નથી. એટલું જ નહીં, શૅર ઘટતા હોય ત્યારે વેચવા પણ મુશ્કેલ બની શકે, કારણ કે તેમાં લોઅર સર્કિટ લાગે તો ખરીદદાર પણ મળતા નથી.
બજારમાં ઊથલપાથલનો સમય હોય ત્યારે એક અઠવાડિયા કે મહિનામાં જ પેની શૅરોના ભાવ 50 કે 80 ટકા અથવા તેનાથી પણ વધારે ગગડી જતા હોય છે. તેવી જ રીતે પેની શૅરો એક મહિનાની અંદર બમણા કરતાં વધારે વધી જાય એવું પણ બનતું હોય છે.
પેની સ્ટૉક્સની ખાસિયત એ હોય છે કે તેના રોકાણકારોની સંખ્યા ઓછી હોય છે, બિડ આસ્ક સ્પ્રેડ (ખરીદદાર દ્વારા ચૂકવાતા સૌથી ઊંચા ભાવ અને વેચાણકાર દ્વારા સ્વીકારાતા સૌથી નીચા ભાવ વચ્ચેનો તફાવત) બહુ મોટો હોય છે, તથા માર્કેટમાં આ શૅરો વિશે ઓછી માહિતી હોય છે.
ઇન્વેસ્ટએલાઇનના સ્થાપક અને સીઈઓ ગુંજન ચોક્સીએ જણાવ્યું કે, "આ શૅરોની લિક્વિડિટી ઓછી હોવાના કારણે કેટલાક લોકો મોટા પ્રમાણમાં આ શૅરો ખરીદીને તેમાં કૃત્રિમ તેજી લાવે છે અથવા શૅરોની તંગી પેદા કરે છે અને રોકાણકારોને લલચાવે છે. ત્યાર પછી એક સાથે મોટી સંખ્યામાં શૅરો વેચી નાખે છે જેથી ભાવ તૂટી જાય છે."
આ ઉપરાંત પેની શૅરો કેટલીક વખત અચાનક ડિલિસ્ટ પણ થઈ જાય છે. શૅરબજારની નિયમનકારી સંસ્થા સેબી (સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા) પેની સ્ટૉક્સની મૂવમેન્ટ પર નજર રાખે છે અને રોકાણકારોનાં હિત જાળવવા ઘણી વખત આવે શૅરોની સ્ક્રૂટિની (ચકાસણી) કરે છે.
ક્યારેક નફો, મોટા ભાગે નુકસાન
સામાન્ય રીતે નીવડેલા રોકાણકારોને પેની શૅરોમાં રોકાણ કરવાની સલાહ ક્યારેય આપવામાં નથી આવતી, સિવાય કે માત્ર પ્રયોગ કરવા માટે થોડી મૂડી રોકવી હોય.
મોતીલાલ ઓસવાલ વેલ્થ મૅનેજમેન્ટના ઉપપ્રમુખ અને ઇક્વિટી ટૅક્નિકલ રિસર્ચના વડા રુચિત જૈને એક ટીવી ઇન્ટરવ્યૂમાં સલાહ આપી હતી કે, "સ્માર્ટ રોકાણકારોએ પેની સ્ટૉક્સથી દૂર રહેવું જોઈએ. પૉર્ટફોલિયો પાંચ હજારનો હોય કે પાંચ લાખ રૂપિયાનો, તેમાં પેની સ્ટૉક્સને સમાવવાનો કોઈ અર્થ નથી. કારણ કે શૅર બહુ ઓછા રૂપિયામાં લીધા હોય તો તે ઊંચું વળતર આપે છે તે એક ખોટી માન્યતા છે. પેની શૅરોના બદલે સારી ક્વૉલિટીના શૅરો સામેલ કરવા જોઈએ."
પેની સ્ટૉક્સની તરફેણમાં માત્ર એક કારણ આપી શકાય કે તેમાં અંડરવૅલ્યૂડ કંપનીઓના શૅર નીચા ભાવે ખરીદી શકાય છે, જે ભવિષ્યમાં મલ્ટિબેગર (અનેકગણું વળતર આપનાર) સાબિત થઈ શકે. પરંતુ તે તમારા કુલ રોકાણનો બહુ નાનો હિસ્સો હોવો જોઈએ.
પેની સ્ટૉક્સના પર્ફૉર્મન્સમાં સાતત્યનો અભાવ હોય છે. એટલે કે તેઓ લાંબા ગાળા સુધી એકધારું સારું પ્રદર્શન કરે તેવું ભાગ્યે જ બને છે.
તેની સામે તેની લિક્વિડિટી ઓછી હોય તે બહુ મોટું નુકસાન છે. પેની શૅરો વધતા હોય ત્યારે તેમાં કોઈ વેચનાર ન મળે તેવું પણ બને અને શૅર ઘટતા હોય ત્યારે ખરીદદાર મળતા નથી. તેથી નુકસાન સહન કરવું પડે છે અને સમયસર પોતાનું રોકાણ કાઢી શકાતું નથી.
દેવાળું ફૂંકાવાનું જોખમ
ઘણી વખત કંપનીઓ નાણાકીય રીતે નબળી હોવાના કારણે તે દેવાળું ફૂંકે તેવી શક્યતા પણ ઊંચી હોય છે અને આવી સ્થિતિમાં શૅરની કોઈ વૅલ્યૂ રહેતી નથી.
ભૂતકાળમાં રિલાયન્સ કૉમ્યુનિકેશન, યુનિટેક, સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રિઝ જેવી કંપનીઓનાં ઉદાહરણ જોવા મળ્યાં છે, જે એક સમયે પોતાના સેક્ટરમાં ટોચનું સ્થાન ધરાવતી હતી, પરંતુ પછી અત્યંત ઊંચું દેવું ચૂકવવામાં નિષ્ફળ જવાના કારણે નાદાર જાહેર થઈ હતી. આવી કંપનીઓના રોકાણકારો માટે તેના શૅર આજીવન બોજ રહે છે અને તેઓ ક્યારેય ખોટને સરભર કરી શકતા નથી.
(સ્પષ્ટતાઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુસર છે, નાણાકીય સલાહ નથી. વાચકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ રોકાણના કોઈ પણ નિર્ણય લેતા પહેલાં પોતાના નાણાકીય સલાહકારની મદદ લે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન