સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુના સંબંધની અજાણી બાજુ

30 જાન્યુઆરી 1948માં દિલ્હીના બિરલા હાઉસમાં મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

હત્યાના સમાચાર મળતા જ બિરલા હાઉસમાં જે પત્રકારો પહોંચ્યા હતા તેમાં વરિષ્ઠ પત્રકાર કુલદિપ નૈયર પણ સામેલ હતા.

ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે બીબીસી ન્યૂઝ ગુજરાતીએ નૈયર સાથે વાતચીત કરી હતી.

નૈયરે ગાંધીજીની હત્યા બાદ દેશ અને દિલ્હીના માહોલનું વર્ણન કર્યું. સાથે જ તેમણે જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલના સંબંધ અંગે રસપ્રદ વાતો કરી હતી.

એ વખતે નૈયર 'અંજામ' નામના એક ઉર્દુ અખબારમાં કામ કરતા હતા. ગાંધીજીની હત્યાની ખબર મળતા જ નૈયર બિરલા હાઉસ દોડી ગયા હતા.

આપને આ વાંચવું ગમશે :

નૈયર કહે છે, 'ત્યાં ગાંધીજીનો મૃતદેહ પડ્યો હતો અને સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ બાજુમાં ઊભા હતા.

એ વખતે એવું મનાઈ રહ્યું હતું નહેરુ અને પટેલ વચ્ચે મતભેદો છે. જોકે, ગાંધીજીની હત્યા થયા બાદ નહેરુએ કહ્યું હતું,

'સરદાર પટેલ મારી સાથે છે. જે રીતે ગાંધીજીએ કહ્યું હતું એ રીતે જ અમે બન્ને સાથે મળીને દેશને ચલાવીશું.'

ગાંધીજીની હત્યાના બે દિવસ પહેલાં જ તેમની પ્રાર્થનાસભામાં બૉમ્બ પ્લાન્ટ કરાયો હોવાની ઘટના બની હતી.

એટલે ગાંધીજીના જીવ પર જોખમ તો તોળાઈ રહ્યું જ હતું. પણ સામે પક્ષે ગાંધીજી પણ કોઈ પણ પ્રકારની સુરક્ષા લેવાના પક્ષમાં નહોતા.

આ અંગે વાત કરતા નૈયરે કહ્યું, 'ગાંધીજીની હત્યા થયા બાદ સરદારે ગૃહપ્રધાનના પદ પરથી રાજીનામું પણ આપ્યું હતું.

જોકે, નહેરુએ સરદારનું રાજીનામું ફગાવી દીધું હતું અને સરદારનો સાથ આપ્યો હતો.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો