દૃષ્ટિકોણ : હિંદુ-મુસ્લિમ બન્ને ગાંધીજીને કેમ દુશ્મન માનતા હતા?

    • લેેખક, રાજીવ રંજન ગિરિ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

15મી ઓગસ્ટ 1947ના થોડા મહિનાઓ અગાઉ જ 'નિયતિ સાથે સાક્ષાત્કાર'ના દિવસના અણસાર મળવા લાગ્યા હતા.

તે ખુશીમાં કોઈક કચાશ હતી જે કોરી ખાતી હતી. લાંબા સંઘર્ષ બાદ બ્રિટીશ ગુલામીમાંથી મુક્તિ મળવાની હતી. એ સમયના આનંદની કલ્પના શકાય છે.

આઝાદીના આનંદની સાથે ભાગલાનો શોક પણ હતો. નફરતની આગને કારણે આ શોક સળગીને રાખ નહોતી બની.

આ આગ વધુ અને વધુ ભડકી રહી હતી, જેથી શોકનો તાપ ઓછો ન થાય. લોકોએ આ આગમાં દાઝ્યાં અને સળગ્યાં પણ.

માનવતાનો માર્ગ બતાવ્યો

સત્તા હસ્તાંતરણ થશે, તેવા વરતારાએ કેટલાકને રાહત થઈ હતી; પરંતુ ગાંધી તેમાના ન હતા. 78 વર્ષની ઉંમરે અનેક પ્રયોગોના સકર્મક સાક્ષી રહેલા ગાંધીના મન-મસ્તિષ્ક અગાઉથી જ મળેલા અનેક અનુભવ અને જ્ઞાનથી સજ્જ હતું.

મન અને મગજ મજબૂત હતા, પરંતુ કાયા નબળી પડી ગઈ હતી. મનની ઇચ્છાશક્તિ સામે તેમનું શરીર હાંફી જતું હતું.

પરંતુ જુનૂની સ્વભાવ અને સામે ઊભેલા પડકારને કારણે તેઓ આ વાતનો સ્વીકાર કરી શકતા ન હતા.

એટલે ઓગસ્ટ 1947 પહેલા અને પછી અનેક મહિનાઓ સુધી તેઓ સતત પરિભ્રમણ કરી રહ્યા હતા.

જ્યાં ક્યાંય હિંસા થઈ હોય, ગાંધીજી ત્યાં જતા અને લોકોનું દુઃખ હળવું કરવામાં મદદ કરતા.

ગાંધીજી પ્રાર્થના તથા ભાષણો દ્વારા લોકોની નફરતની આગને બુજાવવામાં લાગેલા હતા.

ભવિષ્યમાં કેવી રીતે સૌહાર્દપૂર્ણ રીતે રહી શકાય તે માટેનો માર્ગ ચીંધતા.

કટ્ટરતા અને હિંસાથી અલગ માનવતાનો માર્ગ દેખાડવામાં લાગેલા હતા.

પીડિતોને મળવા જતા

જ્યાંજ્યાંથી આમંત્રણ મળે કે પીડિત લોકોને તેમની જરૂર હોય; જાતે એ તમામ સ્થળોએ જઈ શકે તેમ ન હતા.

એટલે એક સ્થળે રહીને બીજા સ્થળે સંદેશ મોકલે અને દૂત પણ મોકલે. પરિસ્થિતિ વિકરાળ અને જટિલ બની રહી હતી.

અખંડ ભારતનો વ્યાપ પણ મોટો હતો. કરાંચીની હિંસાની અસર બિહારમાં તો નોઆખલીની અસર કોલકતામાં જોવા મળતી.

ચારેય દિશાઓમાં હિંસાની આગ ફેલાયેલી હતી. બધાય ગાંધીથી નારાજ હતા.

આગ લગાવનારા, તેનો ભોગ બનનારા અને હિંસાની આગમાં પોતાના રોટલા શેકનારા પણ નારાજ હતા. કારણ કે, બધાયને આશા પણ ગાંધીજી પાસેથી જ હતી.

ક્યાંય હિંદુઓની હત્યા થાય, મુસ્લિમ કે શીખની. ગાંધીને એમ જ લાગતું જાણે કે તેમને ઇજા પહોંચાડવામાં આવી હોય.

ગાંધીનું નસીબ

ગાંધીજીને લાગતું હતું કે તેઓ નિષ્ફળ રહ્યા છે. સપનાંઓનું આવું યથાર્થ સ્વરૂપ તેમને વ્યથિત કરતું હતું.

વામનની જેમ જ ગાંધીજીએ પણ બેથી ત્રણ ડગમાં અખંડ ભારત ફરી લેવું હતું. પરંતુ તેઓ એમ કરી શક્યા ન હતા. એ તેમનું નસીબ હતું.

15 ઓગસ્ટની અડધી રાત્રે સમગ્ર દિલ્હી આનંદમગ્ન હતી, ત્યાં હિંદુસ્તાનનું ભાવિ ઘડાઈ રહ્યું હતું.

ત્યારે ત્રણથી સ્વાધીનતા સંઘર્ષની નીતિ, નિયત અને દિશાનું નેતૃત્વ કરનારા ગાંધીજી ઉજવણીના સ્થળે ન હતા.

મહાત્મા ગાંધી તેમના ઉત્તરાધિકારીઓ અને ભાવિ રાષ્ટ્રના શિલ્પકારોને આશીર્વાદ આપવા માટે દિલ્હીમાં ન હતા.

તેઓ દિલ્હીથી સેંકડો માઇલ દૂર કલકત્તા (હાલના કોલકતા)ના 'હૈદરી મહેલ'માં પડાવ નાખી બેઠા હતા.

નોઆખલીમાં હિંદુઓ લઘુમતીમાં હતા. ત્યાં તેમની કત્લેઆમ થઈ હતી.

કોલકતામાં મુસ્લિમોની સુરક્ષા

બે-ત્રણ દિવસ સુધી ગાંધીજીએ કોલકતામાં રોકાવું પડ્યું હતું. જ્યાં મુસલમાનો લઘુમતીમાં હતા અને ગભરાયેલા હતા.

ગાંધીજીને લાગ્યું કે નોઆખલીની હિંસાને શાંત પાડવા માટે કોલકતાની આગને ઠંડી પાડવી જોઈએ.

ગાંધીજીને લાગતું હતું કે કોલકતામાં મુસ્લિમોને અસલામત મૂકીને તેઓ કયા મોઢે નોઆખલીના હિંદુઓની સુરક્ષા માટે અપીલ કરશે.

ગાંધીજીએ કોલકતામાં મુસ્લિમોની સુરક્ષા કરવાને પોતાનો ધર્મ માન્યો.

જેથી તેઓ નોઆખલીમાં લઘુમતી (હિંદુઓ)ની જાનમાલની સુરક્ષા માટે નૈતિક તાકત મેળવી શકે.

ગાંધીજીએ કોલકતામાં એવી જગ્યાએ રહેવાનું પસંદ કર્યું, જ્યાં હિંસાથી ભારે નુકસાન થયું હતું.

આ માટે એક મુસ્લિમ વિધવાનો 'હૈદરી મહેલ' એકદમ યોગ્ય જગ્યા હતી. આજુબાજુના વિસ્તારોમાં હિંદુઓ બહુમતીમાં હતા.

પાસે જ મિયાં બાગાન વિસ્તાર હતો. જ્યાં એટલી હદે લૂંટફાટ અને આગચંપી થઈ હતી કે પોતાની પીડા રજૂ કરવા કોઈ બચ્યું જ ન હતું.

ગાંધીજીએ હૈદરી મહેલમાં રહેવા માટે તૈયારી દાખવી. સાથે જ શરત મૂકી કે સુહરાવર્દી પણ તેમની સાથે રહે.

લગભગ એક વર્ષ અગાઉ સુહારાવર્દીએ 'ડાયરેક્ટ એક્શન'માં સેંકડો હિંદુઓની હત્યા કરી હતી.

હજારો હિંદુઓ તેમના કારણે બેઘર થયા હતા. હિંદુઓ પ્રત્યે દ્વેષ રાખનાર સુહારાવર્દીએ તેમનો અપરાધ કબૂલ કર્યો અને શાંતિ માટે આવ્યા હતા.

ગાંધીજીની શરતો

ગાંધીએ બીજી એક શરત પણ મૂકી હતી : મુસ્લિમ લિગના કોલકતાના નેતાઓ નોઆખલીમાં પોતાના 'માણસો'ને મોકલે અને ત્યાં હિંદુઓની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરે.

મુસ્લિમ લિગ તેના કાર્યકરોને મોકલીને ત્યાં શાંતિ સ્થાપવા માટે જરૂરી વ્યવસ્થા કરે.

ગાંધીજીની શરતો મંજૂર રાખવામાં આવી. કોલકતાવાસીઓએ તેમના વિચાર વ્યક્ત કર્યા, પરંતુ હિંદુ મહાસભા સાથે જોડાયેલા યુવાનોની નારાજગી યથાવત રહી.

તેમને લાગતું હતું કે ગાંધીજી માત્ર મુસ્લિમોના હિતેચ્છુ છે; એમનું કહેવું હતું કે જ્યારે અમે સંકટમાં હતા ત્યારે તમે કેમ ન આવ્યા ; જ્યાંથી હિંદુઓ પલાયન કરી રહ્યા છે, ત્યાં કેમ નથી જતાં !! આ લોકોના મતે ગાંધી 'હિંદુઓના દુશ્મન' હતા.

ગાંધીને આઘાત

જે શખ્સના જન્મ, સંસ્કાર, જીવનશૈલી, આસ્થા અને વિશ્વાસ સંપૂર્ણપણે હિંદુ હતા, તેમના માટે આમ કહેવાઈ રહ્યું હતું ; જવાબમાં ગાંધી પણ આ જ વાત કહેતા.

હિંદુઓના દુશ્મન ઠેરવતી વાતો ગાંધીને ભારે આઘાત પહોંચાડતી હતી.

ગાંધીજી પંદરમી ઓગસ્ટને 'મહાન ઘટના' માનતા હતા અને પોતા અનુયાયીઓને એ દિવસે 'ઉપવાસ, પ્રાર્થના તથા પ્રાશ્ચિત' કરવા આહ્વાન કરતા. ગાંધીજીએ પણ એ મહાન દિવસનું સ્વાગત એવી રીતે જ કર્યું હતું.

કોલકાતામાં ગાંધીજીને સફળતા મળી. શાંતિ સ્થપાવા થવા લાગી હતી.

મહાત્માના આદર્શની અસર સૈન્ય શક્તિ કરતા પણ વધારે પ્રભાવક સાબિત થઈ હતી.

હુલ્લડખોર હિંદુ નવયુવાનોનું પ્રાયશ્ચિત

એટલે છેલ્લા વાઇસરોય અને પહેલા ગવર્નર જનરલ માઉન્ટબેટને તેમને શુભેચ્છાનો તાર મોકલ્યો : પંજાબમાં અમારા 55 હજાર સૈનિકો કાર્યરત છે, છતાંય હુલ્લડો પર કાબુ મેળવી નથી શકાતો, અને બંગાળમાં અમારી સેનામાં માત્ર એક જ વ્યક્તિ છે અને ત્યાં પૂર્ણપણે શાંતિ છે.

નોઆખલીની યાત્રા દરમિયાન ગાંધીજી કેટલાક દિવસો માટે કોલકાતામાં રોકાવાના હતા, પરંતુ તેમણે એક મહિના સુધી રોકાવું પડ્યું.

એ સમયે કોલકાતા પણ જાણે બારૂદના ઢગ પર બેઠું હતું અને એક પલિતો ચંપાવાની રાહ જોવાતી હતી.

એટલે ગાંધીજી નીકળી ન શક્યા, ગાંધીજીએ બારૂદને નિષ્ક્રિય કરી દીધો અને પલિતાને પણ બુજાવી દીધો.

એક વર્ષ પહેલા સુહરાવર્દી અને તેની આદર્શવાદી પ્રતિજ્ઞા સાંભળીને લોકોને આશ્ચર્ય થતું હતું.

હુલ્લડખોર હિંદુ નવયુવાનો પણ પ્રાયશ્ચિત કરવા લાગ્યા હતા.

દિલ્હીને ગાંધીની જરૂર

હવે દિલ્હી ગાંધીને સાદ આપી રહ્યું હતું. જશ્નનો માહોલ દૂર થઈ ગયો હતો. હવે દિલ્હીને ગાંધીની જરૂર હતી.

કોલકતાના ગાંધીજીથી દિલ્હી ફરી એક વખત અભિભૂત થઈ ગયું હતું. દિલ્હી આતુરતાપૂર્વક મહાત્માની રાહ જોઈ રહ્યું હતું.

નવી સપ્ટેમ્બરે સવારે ગાંધીજી બેલૂર થઈને ટ્રેન મારફત દિલ્હી પહોંચ્યા. ગાંધીજીને વાતાવરણ બરાબર ન લાગ્યું.

ચોમેર સ્મશાનશાંતિ પ્રવર્તમાન હતી. સામાન્ય ઔપચારિકતામાં પણ અફરાતફરી પ્રવર્તી રહી હતી, જે ઊડીને આંખે વળગતી હતી.

સરદારના ચહેરા પર નિરાશા

સરદાર પટેલ ગાંધીજીને સ્ટેશને લેવા પહોંચ્યા હતા, પણ તેમના ચહેરા પર સ્મિત ન હતું.

સંઘર્ષના કપરા દિવસોમાં પણ ખુશમિજાજ રહેતા સરદારના ચહેરા પર નિરાશા નજરે પડી હતી.

જે લોકો આવશે તેવી અપેક્ષા હતી, તેઓ ગેરહાજર હતા. ગાંધીજીની ચિંતા વધારવા માટે આ બાબત પૂરતી હતી.

કારમાં બેસતાની સાથે જ સરદારે મૌન તોડ્યું: પાંચ દિવસથી હુલ્લડ થઈ રહ્યા છે. દિલ્હી લાશોની નગરી બની ગઈ છે.

લૂંટફાટ, કત્લેઆમ, કર્ફ્યુ

ગાંધીજીને વાલ્મીકિ બસ્તી પસંદ હતી, પરંતુ તેમને ત્યાં લઈ જવાયા ન હતા.

બિરલા હાઉસમાં તેમના નિવાસની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગાડી ત્યાં પહોંચી કે તરત વડાપ્રધાન નહેરુ પણ આવી ગયા. તે સંયોગ ન હતો.

નહેરુના ચહેરા પરથી પણ નૂર ગાયબ હતું. એક મહિનામાં ચહેરા પર કરચલીઓ વધી ગઈ હતી.

તેઓ આવેશથી ધૂંઆપૂંઆ હતા. તેમણે એક શ્વાસમાં 'બાપુ'ને બધીય વાતો કહી દીધી.

લૂંટફાટ, કત્લેઆમ, કર્ફ્યુ સહિતની તમામ માહિતી આપી.

ખાવાપીવાની ચીજોની અછત, સાધારણ નાગરિકની દુર્દશા, પાકિસ્તાનને કેવી રીતે કહેવું કે ત્યાં અમારા નાગરિકોની રક્ષા કરો...કોઈ ડૉ. જોશીનો પણ ઉલ્લેખ કર્યો., જેઓ હિંદુ-મુસ્લિમનો ભેદ કર્યા વગર તમામની સમાન રીતે સેવામાં મગ્ન હતા.

તેમને મુસલમાનના ઘરમાંથી ગોળી મારવામાં આવી હતી. તેઓ બચી શક્યા ન હતા.

લોહીની સામે લોહીના તરસ્યા

શાંતિ માટે શક્ય તમામ પ્રયાસ થઈ રહ્યા હતા. બધાય પ્રયાસરત હતા.

ગાંધીવાદીઓ અને સરકાર પણ. ગાંધીજીની દિનચર્યા યથાવત રહી હતી. તેઓ દરરોજ પ્રાર્થના સભામાં તેમની વાત કહેતા, જેનું રેડિયો મારફત પ્રસારણ કરવામાં આવતું.

પરંતુ કદાચ એ પ્રયાસો પૂરતા ન હતા. પાકિસ્તાનમાંથી હિજરત કરીને આવનારા હિંદુઓ અને શીખોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી હતી.

તેઓ લોહીની સામે લોહીના તરસ્યા હતા. તેમને ગાંધીજીની વાતો પસંદ ન હતી.

તેઓ એ વાત સમજી શકતા હતા કે ગાંધીજી પાકિસ્તાન પર નૈતિક દબાણ ઊભું કરી રહ્યા હતા.

ઝીણાને આપેલું વચન

ઝીણાને તેમનું વચન યાદ અપાવી રહ્યા હતા કે ત્યાં હિંદુઓ અને શીખોની રક્ષા કરવામાં આવે.

ગાંધીજીએ ભારતને પણ તેના વચન યાદ અપાવ્યા. ગાંધીજીને લાગતું હતું કે વચન પાળવાથી નૈતિક શક્તિ વધે છે.

તેઓ દરરોજ કાર્યક્રમ નક્કી કરતા અને તેની ઉપર અમલ પણ કરતા હતા.

જાન્યુઆરીમાં તનતોડ ઠંડી પડી રહી હતી. ગાંધી નહોતા ઇચ્છતા કે ભારત અથવા પાકિસ્તાન વિશ્વાસભંગ કરે.

તેઓ રૂ. 55 કરોડને વિશ્વાસનું એક માધ્યમ માનતા હતા.

ગાંધીજી ટૂંક સમયમાં પાકિસ્તાન જવા માંગતા

વિશ્વાસ જાળવી રાખવા અને વચનનું પાલન કરવા માટે તેઓ કોઈની પણ વિરુદ્ધ જવા તૈયાર હતા.

એટલે સુધી કે ખુદ પોતાની વિરુદ્ધ પણ. આ આત્મબળ દ્વારા જ ગાંધીજીને શક્તિ મળતી.

ગાંધીજી ટૂંક સમયમાં પાકિસ્તાન જવા માંગતા હતા. તેઓ ઝીણા અને તેમની સરકારને પોતાની જ માનતા હતા.

હિંદુ મહાસભાના લોકોને શાંતિનો વિચાર ગમતો ન હતો. આ કટ્ટરવાદીઓને ગાંધીજીના અનશનમાં આત્મશુદ્ધિ દેખાતી ન હતી.

જ્યારે આખી દુનિયા ગાંધીજીનો જયજયકાર કરી રહી હતી, ત્યારે આ લોકો ' ગાંધી મુર્દાબાદ'ના નારા લગાવતા હતા.

સંસારના સર્વશ્રેષ્ઠ મગજને જેની ઈર્ષા થતી, જેના આત્માની પવિત્રતાની મહાનતાને તેઓ સ્વીકારતા હતા તેવા ગાંધીને, નથૂરામ ગોડસેનો વૈચારિક સંપ્રદાય તેને સમજી ન શકે, તો આશ્ચર્ય ન થવું જોઈએ.

(રાજીવ રંજન ગિરિ દિલ્હી યુનિવર્સિટીની રાજધાની કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો