ઑસ્ટ્રેલિયા: મહિલાએ ઊંઘમાં આંખો ખોલી તો છાતી ઉપર મોટો અજગર હતો, પછી શું થયું?

    • લેેખક, ટિફની ટર્નબૂલ
    • પદ, સિડની

રેચલ બ્લૉર ઊંઘમાં હતાં, ત્યારે તેમને છાતી ઉપર ભાર અનુભવાયો. રેચલને થયું કે તેમનો શ્વાન હશે.

તેમણે ઊંઘમાં જ હાથ ફેરવ્યો તો શ્વાનના બદલે કશું લીસું-લીસું તેમની છાતી ઉપર સરકતું જણાયું.

રચેલ પોતાની રજાઈમાં નીચે સરકી ગયાં અને ગળા સુધી રજાઈ તાણી લીધી. રેચલના પાર્ટનરે બૅડ પાસેની લાઇટ ચાલુ કરી તો તેમની આશંકા સાચી ઠરી.

રેચલે બીબીસીને જણાવ્યું, "તેમણે કહ્યું, 'અરે બેબી. હલીશ નહીં. તારી ઉપર અઢી મીટર લાંબો અજગર છે."

પહેલાં તો રેચલના મોઢામાંથી ગાળો નીકળી. પછી તેમણે શ્વાનોને દૂર ખસેડવાના નિર્દેશ આપ્યા.

તેઓ કહે છે, "મને થયું કે જો મારા શ્વાનને ખબર પડશે કે ત્યાં અજગર છે....તો ભારે તારાજી સર્જાશે."

રેચલના પતિ શ્વાનોને બહાર લઈ ગયા અને તેમની સાથે રહ્યા. રેચલ ભારે મહેનતે બહાર નીકળ્યાં.

"હું રજાઈની નીચેથી સરકતી-સરકતી બહાર નીકળી......મારા મગજમાં જાતજાતના વિચાર આવી રહ્યા હતા. મને થઈ રહ્યું હતું કે શું આ બધું ખરેખર થઈ રહ્યું છે? આ બધું કેટલું વિચિત્ર છે."

રેચલના કહેવા પ્રમાણે, કાર્પેટ પાઇથન તેમની પથારીની પાસે આવેલી બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો હતો.

એક વખત બહાર નીકળ્યા બાદ રેચલે સહજ રીતે અજગર જ્યાંથી આવ્યો હતો, એ જ રસ્તે પાછો કાઢવાનો પ્રયાસ હાથ ધર્યો.

રેચલ કહે છે, "અજગર મારા ઉપર વીંટળાયેલો હોવા છતાં તેની પૂંછડી હજુ પણ બારીના શટરની બહાર હતી."

"મેં તેને હાથેથી પકડ્યો, તેમ છતાં તે ભયભીત નહોતો થયો. તે જાણે મારા હાથ ઉપર હલચલ કરવા લાગ્યો."

સમગ્ર ઘટનાક્રમ સમયે રેચલ ખૂબ જ સહજ હતાં, પરંતુ તેમના પતિ સ્તબ્ધ થઈ ગયા હતા. રેચલનો ઉછેર એવા વિસ્તારમાં થયો હતો, જ્યાં બહુ મોટી સંખ્યામાં સાપ જોવા મળતા.

રેચલ કહે છે, "મને લાગે છે કે જો તમે શાંત રહો, તો તેઓ પણ શાંત રહે છે."

રેચલ કહે છે કે આના બદલે કેન ટૉડ (શેરડીના પાકમાં જોવા મળતાં દેડકા) હોત, તો અલગ કહાણી હોત. ભારે નુકસાન કરતા એ કદરૂપા જીવ મને જોવા નથી ગમતા.

રેચલ કહે છે, "હું તેમને જોઈ નથી શકતી. તેમને જોઈને મને ઊબકા આવવા લાગે છે, એટલે જો કેન ટૉડ હોત, તો હું ખરેખર ડરી ગઈ હોત."

જોકે, સોમવારે રાત્રે બ્રિસબનસ્થિત દંપતી સાથે આ ઘટના ઘટી, ત્યારે કોઈપણ વ્યક્તિ કે પ્રાણીને નુકસાન નહોતું થયું.

ઉલ્લેખનીય છે કે કાર્પેટ પાઇથનએ ઑસ્ટ્રેલિયાના દરિયાકિનારે વ્યાપકપણે જોવા મળતા બિનઝેરી અજગર છે. જે પોતાના શિકારને નાગચૂડમાં લઈને મારી નાખે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન