ગૌહરજાન : એ કરોડપતિ તવાયફ જેમણે પોતાનાથી અડધી ઉમરના યુવકને પ્રેમ કર્યો અને એણે દગો કરી સંપત્તિ પડાવી લીધી

એ ભારતમાં નૈતિકતાવાદીઓ દ્વારા પરંપરાગત દેવદાસીઓ, તવાયફ તથા નર્તકીઓ અંગે સવાલ ઊઠાવવામાં આવી રહ્યા હતા.

અલગ-અલગ સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓ તેની સામે રજૂઆતો કરી રહી હતી અને આ અરજીઓ ઉપર તત્કાલીન અંગ્રેજ સરકાર કાર્યવાહી પણ કરતી હતી.

એવામાં કલકત્તાનાં વિખ્યાત તવાયફ ગૌહરજાન દેશનાં ટોચનાં ગાયિકા બન્યાં અને દેશમાં બદલાતી હવાને અવલોકી રહ્યાં હતાં.

એ જમાનામાં કરોડપતિ ગણાતાં ગૌહરજાને શાસ્ત્રીય-ઉપશાસ્ત્રીય સંગીતને કોઠામાંથી બહાર કાઢીને ગ્રામોફોન રેકૉર્ડ દ્વારા સંગીતને વ્યાપક જનતા સુધી પહોંચાડ્યું હતું.

એક તબક્કે ગાંધીજીએ ફાળા માટે ગૌહરજાનના નૃત્યના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જ્યારે બાપુ પોતાનો વાયદો પાળી નહોતા શક્યા, ત્યારે ગૌહરજાનના વ્યક્તિત્વનો પરચો ગાંધીજીને પણ મળ્યો હતો.

ગૌહરજાન અને પરિવાર

ગૌહરજાનનો જન્મ (હાલના) ઉત્તર પ્રદેશના આઝમગઢમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ ઍલિન એંજેલિના યુવર્ટ તરીકે જાણીતાં હતાં.

ગૌહરજાનના પિતા વિલિયમ યૉવર્ડ અર્મેનિયાના હતા અને કલકત્તામાં એક કંપનીમાં નોકરી કરતા હતા. જ્યારે માતા ઍલિન વિક્ટૉરિયા હૅમિંગ વ્યવસાયિક ગાયિકા હતાં. 1879નાં બંનેના છૂટાછેડા થઈ ગયા.

1881માં તેઓ બનારસ જતાં રહ્યાં. માતાએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો અને 'મલ્લિકાજાન' નામ ધારણ કર્યું. જ્યારે ઍલિનને 'ગૌહરજાન' એવું નવું નામ મળ્યું હતું.

ગૌહરજાને કલકત્તા (હાલનું કોલકત્તા) આવીને શાસ્ત્રીય ગાયન અને નૃત્યની તાલીમ લીધી. વારાણસીમાં પણ તેમનાં નામની ચર્ચા હતી.

ગૌહરજાન 13 વર્ષનાં હતાં, ત્યારે તેમની સાથે બળાત્કાર થયો હતો. એ પછી તેઓ આ આઘાતમાંથી બહાર આવ્યાં અને સંગીતની દુનિયામાં પોતાનો સિક્કો જમાવ્યો હતો.

ગૌહરજાન કવિયત્રી પણ હતાં અને તેમનો કવિતા-ગઝલનો સંગ્રહ પણ છપાયો હતો.

ગૌહરજાનના નામે અંગ્રેજો, અંગ્રેજ પરિવારો અને તત્કાલીન રાજવી પરિવારોની મહેફિલો જામતી. એક તબક્કે તેમણે જ્યૉર્જ પંચમ સામે પણ પર્ફૉર્મ કર્યું હતું.

એક તબક્કે ગૌહરજાનની તસવીરો ઑસ્ટ્રિયામાં માચિસની ડબ્બીઓ ઉપર છપાતી હતી.

લેખિકા મૃણાલ પાંડેના મતે: આ એવો સમય હતો કે જ્યારે રસિક સમાજ આ ગાયિકાઓ ઉપર પૈસા પુષ્કળ ઉડાવતો, પરંતુ મોટામાં મોટી ગાયિકાને પરિણીતાનો દરજ્જો નહોતો મળતો. સાથે જ પુરુષ ગાયકની સરખામણીમાં તેમને ઓછું સન્માન મળતું. વિશેષ કરીને જે ગાયિકાની ઉંમર ઢળી રહી હોય કે પ્રૌઢાવસ્થામાં આવી ગઈ હોય.

ગૌહરજાન વ્યહારુ હતાં, તેમને વ્યવસાય તથા રેકૉર્ડિંગમાંથી જે રકમ આવી હતી, તેનું તેમણે રોકાણ કર્યું હતું. તેઓ કરોડપતિ બન્યાં હતાં. તેમનો ઠસ્સો અંગ્રેજ અધિકારીઓ જેવો હતો. તેઓ રાણીની જેમ વસ્ત્રો અને ઘરેણાં પહેરતાં.

ગૌહરજાને બાળપણમાં માતાની સાથે નિસહાયતા અને ગરીબી જોઈ હતી, એટલે તેમણે પોતાને મળેલી રકમનું રોકાણ કર્યું હતું. એ જમાનામાં કરોડપતિ ગૌહરજાને કલકતામાં અનેક કોઠીઓ હતી.

યુવાવસ્થામાં તેમણે પોતાના ભાઈઓ અને પરિવાર ઉપર પ્રેમ અને પૈસો લૂંટાવ્યા હતા.

ગાંધીજીને ગૌહરજાનના મિજાજનો પરચો થયો

મૃણાલ પાંડેએ અગાઉ બીબીસીને જણાવ્યું હતું કે 1920 આસપાસ બનારસ આસપાસની હુનરમંદ પરંતુ ઉપેક્ષિત મહિલાઓએ ગાંધીજીના આદર્શવાદ તરફ ઝુકાવ દાખવ્યો હતો, પરંતુ સંકિર્ણ વિચારસરણી ધરાવનારા લોકો તેમને 'પતિતા' કહીને તેમના કોઠા બંધ કરાવવા પ્રયાસરત હતા. અંગ્રેજી ભણેલા અનેક લોકો તેમને જોઈને મોઢું મચકોડતા.

જોકે, ગાંધીજી માનતા હતા કે આ ગાયિકાઓ પણ ભારતીય જનતાનું આત્મીય અંગ છે, એટલે જ સ્વરાજ આંદોલનની જનસભાઓમાં ગાયનનું મહત્ત્વ સમજાવતા.

1920માં ગાંધીજી સ્વરાજ ફંડ માટે ફાળો એકઠો કરી રહ્યા હતા, એવા સમયે ગૌહરજાનને બોલાવીને તેમની મદદથી આંદોલન માટે ફાળો આપવા માટે અપીલ કરી.

ગૌહરજાન હરખાયાં અને ચોંક્યાં પણ. ગૌહરજાને દુનિયા જોઈ હતી, તેઓ જાણતાં હતાં કે વ્યવસાયિક ગાયિકાઓ પ્રત્યે સમાજ શું વિચારે છે.

ગૌહરજાને પોતાના કાર્યક્રમની આખી કમાણી સ્વરાજ ફંડને આપવાની તૈયારી દાખવી. સાથે જ ગાંધીજી પાસેથી વાયદો લીધો કે તેઓ કાર્યક્રમ જોવા માટે આવશે. કહેવાય છે કે બાપુએ આવવા માટે હા પાડી હતી.

નિર્ધારિત દિવસે ગૌહરજાને ગાંધીજીની રાહ જોઈ, પરંતુ અણિના સમયે કોઈ મહત્ત્વપૂર્ણ રાજકીય કામ આવી ગયું હોવાથી તેઓ આવી ન શક્યાં.

ગૌહરજાને ખચાખચ ભરેલા હૉલમાં પર્ફૉર્મ કર્યું અને રૂ. 24 હજારની રકમ એકઠી થઈ. જે એ સમયના હિસાબે બહુ મોટી રકમ હતી.

બીજા દિવસે ગાંધીજીએ મૌલાના શૌકતઅલીને ફાળાની રકમ લેવા માટે ગૌહરજાનનાં ઘરે મોકલ્યાં. ત્યારે ગૌહરજાને માત્ર રૂ. 12 હજાર રૂપિયા પકડાવ્યા અને ટોણો માર્યો.

બાપુજી ઇમાન અને સન્માનની વાતો બહુ કરે છે, પરંતુ એક સામાન્ય તવાયફને કરેલો વાયદો પાળી ન શક્યા. તેઓ જાતે ન આવી શક્યા એટલે સ્વરાજની અડધી રકમ ઉપર જ તેમનો હક્ક રહે છે.

આમ છતાં વર્ષ 1921માં અન્ય ગાયિકાઓ સાથે મળીને ગૌહરજાને તવાયફ સંઘની સ્થાપના કરી હતી અને ગાંધીજીના અસહકારના આંદોલનમાં તેમની જમાતને જોડી હતી.

દક્ષિણ એશિયાનાં સૌપહેલાં ગ્રામોફોન ગાયિકા

ઇતિહાસકાર વિવેક સંપથે 'માય નૅમ ઇઝ ગૌહરજાન' નામનું પુસ્તક લખ્યું. જેના ઉપરથી 'ગૌહર' નામનું નાટક તૈયાર થયું. જેનું દિગ્દર્શન અભિનેત્રી લિલિટ દુબેએ કર્યું છે.

જેમાં અભિનેત્રી રાજેશ્વરી સચદેવે ગૌહરજાનનું પાત્ર ભજવ્યું, જ્યારે ઉસ્તાદ વિલાયતઅલી ખાનનાં દીકરી જિલા ખાને મોટી ઉંમરના ગૌહરજાનનું પાત્ર ભજવ્યું હતું.

રાજેશ્વરી સચદેવ કહે છે, "એ સમયે દિગ્ગજ કલાકારોએ ગ્રામોફોન માટે ગાવાનો ઇન્કાર કરી દીધો હતો. તેઓ ચાન્સ લેવા માંગતા ન હતા, તેમને લાગતું હતું કે ત્રણ મિનિટમાં ભારતીય સંગીત ગાવું મુશ્કેલ છે. એવા સમયે ગૌહરજાને ઠુમરી કે ખ્યાલ સંગીત ગાવાની હિંમત કરી હતી."

લિલિટ દુબે કહે છે, "તવાયફ વેશ્યા નથી હોતી. એ સમયની ટૅલેન્ટેડ અને બુદ્ધિશાળી યુવતીઓ તવાયફ બનતી. ગૌહરજાન ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત સુસંસ્કૃત મહિલા હતાં."

લિલિટ દુબે કહે છે, "નવાબ જ્યારે તેડું મોકલતા, ત્યારે આખી ટ્રેન મોકલતા, કારણ કે ગૌહરજાન મોટા તામજામ સાથે સફર કરતાં હતાં.

લિલિટ ઉમેરે છે, "ગૌહરજાન પોતાનાં દરેક રેકૉર્ડિંગ માટે નવાં કપડાં અને ઝવેરાત પહેરીને જતાં."

સંશોધક ફાતિમા જુનૈદના મતે, "પોતાની કારકિર્દી દરમિયાન ગૌહરજાને છસ્સો ગીત રેકૉર્ડ કર્યાં હતાં. એ સમયે તેઓ દરેક રેકૉર્ડ માટે માતબર કહી શકાય એવી ત્રણ હજાર રૂપિયાની રકમ લેતાં હતાં. હિંદી, અંગ્રેજી, પશ્તો, અરબી, અંગ્રેજી, ફ્રેન્ચ અને તામિલ સહિત લગભગ 20 ભાષામાં તેમણે ઠુમરી અને ભજન ગાયાં."

"દરેક રેકૉર્ડિંગ ગાયન બાદ તેઓ પોતાનું નામ બોલતાં અને શું ગાયું છે, તેની સ્પષ્ટતા કરતાં. આ રીતે તેઓ ગાયનમાં પોતાની ઓળખને પ્રસ્થાપિત કરતાં."

ફાતિમા જુનૈદ ઉમેરે છે, "મારાં સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે કદાચ તેઓ અસલામતી અનુભવતાં હતાં. તેમને લાગતું હતું કે તેઓ તેમનો અવાજ ખોવાઈ જશે કે કદાચ સાંભળનાર ઓળખી નહીં શકે, એટલે દરેક રેકૉર્ડિંગમાં પોતાનું નામ બોલતાં."

ગૌહરજાન દક્ષિણ એશિયાનાં પ્રથમ કલાકાર હતાં, જેમના નામને ગ્રામૉફોન રેકૉર્ડ બની હતી. તેમનાં ગાયનો આજે પણ ઉપલબ્ધ છે અને યુટ્યૂબ ઉપર પણ સાંભળી શકાય છે.

ફાતિમા જુનૈદ કહે છે, "એ સમયે રેકૉર્ડિંગ નવી ટૅક્નૉલૉજીને અપનાવી હતી. એ મોટી વાત હતી."

ગૌહરજાને વારંવાર દગો ખમ્યો હતો. પ્રૌઢાવસ્થામાં તેમને અડધી ઉંમરના પઠાણ યુવક સાથે પ્રેમ થયો હતો અને નિકાહ કર્યાં, પરંતુ દામ્પત્ય સુખ તેમના નસીબમાં ન હતું.

પ્રેમના એ દિવસો દરમિયાન આ શખ્સે ગૌહરજાનની સંપત્તિ પોતાના નામે લખાવી લીધી હતી. વાત કોર્ટ-કચેરી સુધી પહોંચી. ગૌહરનો વારસો અને સંપત્તિ કાયદાકીય લડાઈમાં ખપી ગયાં.

જીવનનાં અંતિમ સમયમાં ગૌહરજાનના જીવનમાં કડવાશ આવી ગઈ હતી. તેઓ એકાકી થઈ ગયાં હતાં અને ચર્ચિત રહ્યાં ન હતાં. એ પછી તેઓ દક્ષિણ ભારતમાં જતાં રહ્યાં અને ત્યાં જ મૃત્યુ પામ્યાં. 17 જાન્યુઆરી તેમની મૃત્યુતિથિ છે.

જિલા ખાન કહે છે કે જિંદગીના છેલ્લા દિવસો દરમિયાન એકાકીપણાનો અને ગુમનામ થઈ જવાનો જે ભય ગૌહરખાનને સતાવતો, તે આજે પણ દરેક કલાકારને હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન