બેગમ અખ્તર : એ ભારતીય ગાયિકા જેમને સાંભળવા માટે મદીનામાં લોકોની લાઇન લાગી ગઈ

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

બેગમ અખ્તરને ગઝલોની મલ્લિકા કહેવામાં આવતાં હતાં. તેઓ જીવતાં હોત તો અત્યારે તેમની ઉંમર 100 વર્ષથી વધુ હોત.

"એ મહોબ્બત તેરે અંજામ પે રોના આયા..." જેવી મશહૂર ગઝલો સિવાય પણ બેગમ અખ્તરના સંગીતમય વારસાનાં બીજાં અનેક પાસાં છે.

આ પરીકથાની શરૂઆત બેગમ અખ્તરે ત્રીસના દાયકામાં કોલકાતામાં સ્ટેજ પર પહેલીવાર પોતાનું ગાયન પ્રસ્તુત કર્યું ત્યારે થઈ હતી.

એ કાર્યક્રમનું આયોજન બિહારના ધરતીકંપગ્રસ્તોની મદદ માટે કરવામાં આવ્યું હતું. એ દિવસોમાં બેગમ અખ્તરને જેમણે સાંભળ્યાં હતાં એ શ્રોતાઓમાં ભારતનાં કોકિલા સરોજિની નાયડુ પણ હતાં.

સરોજિની ગાયનથી એટલાં તો પ્રભાવિત થયાં કે તેમણે બેકસ્ટેજમાં જઈને બેગમ અખ્તરને અભિનંદન આપ્યાં અને પછી તેમને ખાદીની એક સાડી ભેટસ્વરૂપે મોકલાવી હતી.

પાંચ ફૂટ, ત્રણ ઈંચ ઊંચાં બેગમ અખ્તર હાઈ હીલનાં ચપ્પલ પહેરવાનાં એટલાં શોખીન હતાં કે ઘરમાં પણ ઊંચી એડીનાં ચપ્પલ પહેરતાં હતાં.

ઘરમાં તેઓ પુરુષોની માફક લુંગી, કુર્તા અને મૅચિંગ દુપટ્ટો પહેરતાં હતાં.

બેગમનાં શિષ્યા શાંતિ હીરાનંદ કહે છે કે રમઝાનમાં બેગમ આઠ-નવ રોજા જ પાળી શકતાં હતાં, કારણ કે તેઓ સિગારેટ વિના રહી શકતાં ન હતાં.

ઈફતારનો સમય થતાંની સાથે જ તેઓ ઊભાં-ઊભાં નમાજ પઢતાં હતાં. એક કપ ચા પીને તરત જ સિગારેટ સળગાવતાં હતાં. બે સિગારેટ પીધા પછી આરામથી બેસીને તેઓ નમાજ અદા કરતાં હતાં.

બેગમ અખ્તરને નજીકથી ઓળખતા પ્રોફેસર સલીમ કિદવઈના જણાવ્યા મુજબ, એકવાર બેગમે તેમને પૂછ્યું હતું કે 'તમે સિગારેટ પીઓ છો? ' તેના જવાબમાં પ્રોફેસર સલીમે કહ્યું હતું કે 'જી હા, પણ તમારી સામે નહીં પીઉં.'

પ્રોફેસર સલીમે કહ્યું હતું કે એકવાર તેઓ મારા પિતાની ખબર કાઢવા માટે હૉસ્પિટલમાં આવ્યાં હતાં. મારા પિતા ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં હતા. બેગમ મારા પિતા માટે ફળોનું એક મોટું બાસ્કેટ લાવ્યાં હતાં અને તેમાં ફળોની વચ્ચે સિગારેટના ચાર પૅકેટ પણ રાખવામાં આવ્યાં હતાં.'

'તેમણે મને ધીમેથી કહ્યું, ફળ તમારા પિતા માટે અને સિગારેટ તમારા માટે. હૉસ્પિટલમાં તમને સિગારેટ પીવા નહીં મળતી હોય.'

અલ્લાહ મિયાં સાથે લડાઈ

બેગમ અખ્તરને ભોજન બનાવવાનો જબરદસ્ત શોખ હતો. બહુ ઓછા લોકો જાણે છે કે બેગમ અખ્તર નમૂનેદાર રજાઈ બનાવતાં હતાં. લખનૌથી સંખ્યાબંધ લોકો બાંધણી માટે રજાઈ બેગમ અખ્તરને મોકલતા હતા.

બેગમ વારંવાર કહેતાં હતાં કે ભગવાન સાથે તેમને અંગત સંબંધ છે. તેમના દિમાગમાં સનક આવતી ત્યારે તેઓ સતત અનેક દિવસો સુધી કુરાન વાંચતાં, પણ ઘણી વખત એવું બનતું કે તેઓ કુરાન શરીફને બાજુ પર રાખી દેતાં હતાં.

'અમ્મી શું થયું?' એવો સવાલ બેગમને તેમનાં શિષ્યા શાંતિ હીરાનંદ કરતાં ત્યારે બેગમ કહેતાં કે 'અલ્લાહ મિયાં સાથે ઝઘડો થયો છે.'

એક વખત સંગીતસભામાં ભાગ લેવા માટે બેગમ મુંબઈ ગયાં હતાં. ત્યાં અચાનક તેમણે નક્કી કર્યું કે તેઓ હજ કરવા મક્કા જશે.

તેમણે પોતાની ફી લીધી, ટિકીટ ખરીદી અને ત્યાંથી જ મક્કા જવા રવાના થઈ ગયાં હતાં. તેઓ મદીના પહોંચ્યાં ત્યાં સુધીમાં તેમના બધા પૈસા ખલાસ થઈ ચૂક્યા હતા.

તેમણે જમીન પર બેસીને નાત (હઝરત મોહમ્મદની શાનમાં ગાવામાં આવતું ગીત) ગાવાનું શરૂ કર્યું. લોકોની ભીડ જોતજોતામાં એકઠી થઈ ગઈ અને લોકોને ખબર પડી ગઈ કે બેગમ કોણ છે.

સ્થાનિક રેડિયો સ્ટેશને તેમને તરત જ આમંત્રણ આપ્યું હતું અને રેડિયો માટે તેમની પાસે નાત રેકોર્ડ કરાવ્યાં હતાં.

બેગમ અખ્તરનો સૉફ્ટ કોર્નર

ઉર્દૂના વિખ્યાત શાયર જિગર મુરાદાબાદી પણ બેગમ અખ્તરના નજીકના દોસ્ત હોવાનું કહેવાય છે.

તેમણે સત્યજીત રેની ફિલ્મ 'જલસાઘર'માં શાસ્ત્રીય ગાયિકાની ભૂમિકા ભજવી હતી એ બહુ ઓછા લોકો જાણતા હશે.

બેગમ અખ્તર સાથે ગાઢ દોસ્તી હોવાને કારણે જિગર મુરાદાબાદી અને તેમનાં પત્ની લખનૌના હેવલોક રોડસ્થિત બેગમના મકાનમાં રહેવા વારંવાર આવતાં હતાં.

બેગમ અખ્તર જિગર સાથે કેવું ખુલ્લેઆમ ફ્લર્ટિંગ કરતાં હતાં તેની વાત શાંતિ હીરાનંદે કરી હતી.

બેગમે એકવાર મજાકમાં જિગર મુરાદાબાદીને કહ્યું હતું કે 'આપણાં લગ્ન થઈ જાય તો કેવું સારું. કલ્પના કરો કે આપણાં બાળકો કેવાં હશે. મારા અવાજ અને તમારી શાયરીનું જોરદાર મિશ્રણ.'

આ સાંભળીને જિગર ખડખડાટ હસી પડ્યા હતા અને જવાબ આપ્યો હતો કે 'પણ તેમનો ચહેરો મારા જેવો હશે તો શું થશે.'

કુમાર ગંધર્વ અને ફિરાક સાથે પણ દોસ્તી

જાણીતા શાસ્ત્રીય ગાયક કુમાર ગંધર્વ પણ બેગમ અખ્તરના દોસ્ત હતા. કુમાર ગંધર્વ લખનૌ આવ્યા હોય ત્યારે ખભા પર થેલો લટકાવીને બેગમને મળવા જરૂર આવતા હતા. તેઓ શાકાહારી હતા.

બેગમ અખ્તર સ્નાન કરીને પોતાના હાથે કુમાર ગંધર્વ માટે ભોજન બનાવતાં હતાં. કુમાર ગંધર્વને મળવા માટે બેગમ એકવાર દેવાસ પણ ગયાં હતાં. દેવાસમાં કુમાર ગંધર્વએ બેગમ માટે ભોજન બનાવ્યું હતું અને બન્નએ સાથે મળીને ગાયન પણ કર્યું હતું.

બેગમના કદરદાનોમાં એક શાયર ફિરાક ગોરખપુરી હતા. પોતાના મૃત્યુના થોડા દિવસ પહેલાં તેઓ દિલ્હીના પહાડગંજની એક હોટલમાં રોકાયા હતા. બેગમ તેમને મળવા ગયાં ત્યારે ફિરાક ઊંડા શ્વાસ લઈ રહ્યા હતા, પરંતુ તેમના ચહેરા પર સ્મિત હતું.

તેમણે બેગમને એક ગઝલ આપી અને આગ્રહ કર્યો કે બેગમ એ ગઝલ તેમના માટે એ જ સમયે ગાય. એ ગઝલના શબ્દો હતા 'શામ-એ-ગમ કુછ ઉસ નિગાહેં નાઝ કી બાતેં કરો, બેખુદી બઢતી ચલી હૈ, રાઝ કી બાતેં કરો.'

બેગમે આ ગઝલ ગાઈ સંભળાવી ત્યારે ફિરાકની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં હતાં.

ટ્રેનમાં રેલાયા ગઝલના સૂર

બેગમની મશહૂર ગઝલ 'એ મહોબ્બત તેરે અંજામ પે રોના આયા'ની પાછળ પણ દિલચસ્પ કહાણી છે.

આ બાબતે શાંતિ હીરાનંદે જણાવ્યું હતું કે બેગમ અખ્તર એકવાર ટ્રેનમાં મુંબઈ સેન્ટ્રલથી લખનૌ માટે રવાના થઈ રહ્યાં હતાં ત્યારે તેમને સ્ટેશને મૂકવા આવેલા શાયર શકીલ બદાયુનીએ બેગમના હાથમાં એક ચિઠ્ઠી પકડાવી દીધી હતી.

જૂના જમાનાના ફર્સ્ટ ક્લાસના કૂપેમાં પ્રવાસ કરી રહેલાં બેગમે મધરાતે પોતાનું હાર્મોનિયમ બહાર કાઢ્યું હતું અને ચિઠ્ઠીમાં લખેલી ગઝલનું સ્વરાંકન શરૂ કર્યું હતું.

બેગમ ભોપાલ પહોંચ્યાં ત્યાં સુધીમાં એ ગઝલ સ્વરબદ્ધ થઈ ચૂકી હતી. એક જ સપ્તાહમાં બેગમે તે ગઝલ લખનૌ રેડિયો સ્ટેશન પર પ્રસ્તુત કરી હતી અને આખા દેશે એ ગઝલને ઉમળકાભેર વધાવી લીધી હતી.

સારા ગ્લાસમાં સારી શરાબ

એકવાર બેગમ અખ્તર લશ્કરી જવાનો માટે કાર્યક્રમ આપવા કાશ્મીર ગયાં હતાં. તેઓ પાછાં ફરતાં હતાં ત્યારે સૈન્યના અધિકારીઓએ તેમને વ્હિસ્કીની કેટલીક બૉટલો ભેટ આપી હતી.

કાશ્મીરના તત્કાલીન મુખ્ય પ્રધાન શેખ અબ્દુલ્લાએ એક હાઉસ બોટ પર બેગમ અખ્તરની રોકાવાની વ્યવસ્થા કરાવી હતી.

રાત થઈ ત્યારે બેગમે વેઈટરને તેમનું હાર્મોનિયમ હાઉસ બોટની છત પર લઈ જવા જણાવ્યું હતું.

એ વખતે તેમનાં શિષ્યા રીતા ગાંગુલી બેગમ અખ્તરની સાથે હતાં. બેગમ તેમને પૂછ્યું કે 'હું થોડી શરાબ પીઉં તો તમને ખરાબ નહીં લાગેને?'

રતા ગાંગુલીએ હા પાડી. વેઈટર નીચે જઈને ગ્લાસ અને સોડા લઈ આવ્યો.

બેગમે રીતાને કહ્યું 'જરા નીચે જઈને જોઈ આવો કે હાઉસ બોટમાં કોઈ સુંદર ગ્લાસ છે કે નહીં? આ ગ્લાસ સારો દેખાતો નથી.'

રીતા નીચે જઈને કટ ગ્લાસ લઈને આવ્યાં. તેને ધોઈને તેમાં બેગમ અખ્તર માટે શરાબ નાખી. બેગમે ચંદ્ર તરફ જામ લંબાવીને કહ્યું હતું 'સારી શરાબ સારા ગ્લાસમાં જ પીવી જોઈએ.'

એ પ્રસંગને સંભારતાં રીતાએ જણાવ્યું હતું કે એ રાતે બેગમ બે કલાક સુધી ગઝલો ગાતાં રહ્યાં હતાં. ખાસ કરીને ઈબ્ને ઈન્શા પેલી ગઝલ 'કલ ચૌદવીં કી રાત થી, શબ ભર રહા ચર્ચા તેરા' ગાઈને તેમણે અવાક કરી નાખ્યા હતા.

પીરની સલાહ

બેગમ અખ્તર 11 વર્ષનાં હતાં ત્યારે તેમના માતા મુશ્તરી તેમને બરેલીના પીર અઝીઝ મિયાં પાસે લઈ ગયાં હતાં. તેમના હાથમાં એક નોટબુક હતી, જેમાં તમામ ગઝલો લખેલી હતી.

પીરે નોટબુકના એક પાના પર હાથ રાખીને કહ્યું કે આ ગઝલ પઢો. બેગમ અખ્તરે બહઝાદ લખનવીની એ ગઝલ ઊંચા અવાજમાં સંભળાવી.

ગઝલના શબ્દો હતા - 'દીવાના બનાના હૈ તો દીવાના બના દે,

વરના કહીં તકદીર તમાશા ન બના દે.

એ દેખનેવાલે મુજે હંસ હંસ કે ન દેખો,

તુમકો ભી મહોબ્બત કહીં મુજસા ન બના દે.'

પીરસાહેબે કહ્યું હતું કે આગલા રેકૉર્ડિંગમાં આ ગઝલનું ગાયન સૌથી પહેલાં કરજો. બેગમ કોલકાતા પહોંચતાંની સાથે જ તેમની રેકોર્ડિંગ કંપની પાસે ગયાં હતાં અને આ ગઝલ રેકૉર્ડ કરી હતી.

તેમાં સારંગી પર તેમની સંગત ઉસ્તાદ બડે ગુલામ અલી ખાંએ કરી હતી. (બન્ને પટિયાલા ઘરાનાનાં હતાં) 1925ની દુર્ગા પૂજા દરમ્યાન એ રેકર્ડ બહાર પાડવામાં આવી હતી અને એ રેકર્ડે સમગ્ર બંગાળમાં ધમાલ મચાવી હતી.

એ પછી અખ્તરી ફૈઝાબાદી ઉર્ફે બેગમ અખ્તરે ક્યારેય પાછું વળીને જોયું ન હતું.

સિગારેટની તલપ

બેગમ અખ્તર ચેઇન સ્મોકર હતાં. એક વખતે તેઓ ટ્રેનમાં પ્રવાસ કરતાં હતાં. તેમની ટ્રેન મોડી રાતે મહારાષ્ટ્રના એક નાનકડા સ્ટેશને રોકાઈ. બેગમ પ્લૅટફૉર્મ પર ઊતર્યાં.

તેમણે સ્ટેશન પર ગાર્ડને કહ્યું કે 'ભાઈ, મારી સિગારેટ ખતમ થઈ ગઈ છે. તમે સડકની સામે પાર જઈને મારા માટે કેપસ્ટન સિગારેટનું એક પૅકેટ લઈ આવશો?'

ગાર્ડે સિગારેટ લાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. બેગમ આગળપાછળનો કંઈ વિચાર કર્યા વિના ગાર્ડના હાથમાંથી સિગ્નલનું ફાનસ તથા ઝંડો છીનવી લીધાં અને ગાર્ડને કહ્યું કે તમે સિગારેટ લાવશો ત્યારે જ આ બધું તમને પાછું મળશે.

બેગમ અખ્તરે ગાર્ડને સો રૂપિયાની નોટ આપી. ગાર્ડ બેગમની સિગારેટ લઈને પાછા ન આવ્યા ત્યાં સુધી ટ્રેન સ્ટેશન પર રોકાયેલી રહી હતી.

સિગારેટને કારણે જ તેમણે 'પાકીઝા' ફિલ્મ છ વખત કટકે-કટકે જોવી પડી હતી.

સુંદર ચહેરાની પ્રેરણા

બેગમ અખ્તરનાં એક અન્ય શિષ્યા રીતા ગાંગુલીએ ભૂતકાળને સંભારતાં જણાવ્યું હતું કે બેગમ અખ્તર મુંબઈ આવતાં ત્યારે સંગીતકાર મદનમોહનને અચૂક મળતાં હતાં.

મદનમોહન બેગમને મળવા માટે તેમની હોટલ પર આવતા હતા અને પોતાની ગોરી મહિલા મિત્રોને સાથે લાવતા હતા.

બેગમ અખ્તર અને મદનમોહનના સંગીતની મહેફિલ અડધી રાત પછી પણ ચાલુ રહેતી હતી. એ દરમિયાન પેલી ગોરી છોકરી કંઈ કહ્યા વિના હોટલમાંથી ગાયબ થઈ જતી હતી.

મદનમોહનને બેગમ અનેકવાર પૂછતાં હતાં કે 'તમે એ ચૂડેલોને સાથે લાવો છો શા માટે? એમનામાં સંગીતના જરાય સમજ તો છે નહીં.'

મદનમોહન સ્મિત કરીને જવાબ આપતા કે 'તમે સારું ગાઈ શકો એટલા માટે તેમને સાથે લાવું છું. તમે તો કહો છો કે સુંદર ચહેરાઓ જોઈને તમને પ્રેરણા મળે છે.'

તેના જવાબમાં બેગમ અખ્તર કહેતાં કે 'તમારા વખાણ મફતમાં ન કરાવો. તમને ખબર છે કે મને પ્રેરણા આપવા માટે તમારો ચહેરો જ પૂરતો છે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો