ગુજરાતના આદિવાસીઓની એ લડાઈ જેણે વર્ષો સુધી અંગ્રેજોને હંફાવ્યા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

1857માં જ્યારે સનથાલો, મુંડા અને ખારિયા આદિવાસી સમુદાયે અંગ્રેજ આધિપત્ય સામે અવાજ ઉઠાવ્યો હતો, ત્યારે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી હતી.

આણંદમાં મુખી ગરબડદાસ, ઓખામંડળમાં વાઘેરો અને છોટા ઉદેપુરમાં તાત્યા ટોપેએ સશસ્ત્ર ચળવળ હાથ ધરી હતી. આવી જ એક નોંધપાત્ર ચળવળ 'નાયક'ની હતી, જેની અસર પંચમહાલ તથા આસપાસના વિસ્તારોમાં જોવા મળી હતી. 1858માં તેનું નેતૃત્વ કેવલ તથા રૂપા નાયકે લીધું હતું અને તેમને તાત્યા ટોપેના સૈનિકો તથા મકરાણીઓનો ટેકો મળ્યો હતો.

અંગ્રેજ શાસન સામેના અવાજને કડક કાર્યવાહી દ્વારા દાબી દેવામાં આવ્યો હતો. આ ચળવળ પોતાની જ કેટલીક મર્યાદાઓ અને ખામીઓ હતી, જેના કારણે આ લડાઈ ઇતિહાસને નવો વળાંક આપવામાં નિષ્ફળ રહી હતી.

એક નજર ઇતિહાસના એક પન્નાં પર જેની ઉપર ઇતિહાસનાં પુસ્તકોમાં બહુ થોડો તથા અંગ્રેજોના ગૅઝેટ્સમાં આછેરો ઉલ્લેખ જોવા મળે છે.

લુણાવડામાં 'સૂરજ' ઉગ્યો

લાધાભાઈ હરજી પરમાર લખે છે, "સૂરજમલે લુણાવાડાની ગાદી ઉપર દાવેદારી કરી હતી, જેને માન્ય રાખવામાં આવી ન હતી. આથી, તેમણે હથિયાર ઉપાડ્યા હતા. તેમણે જુલાઈ-1857માં લુણાવાડા ઉપર હુમલો કર્યો. પરંતુ આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો." (રેવાકાંઠા ડિરેક્ટરી, વૉલ્યુમ-1, પેજ નં. 64)

આ પહેલાં તેમણે પાલી ગામમાં આશરો લીધો હતો. આ અંગે અંગ્રેજોને માહિતી મળતા ગુજરાત હૉર્સના લેફ્ટનન્ટ અલબાન તથા લેફટનન્ટ કનિંગહામના નેતૃત્વમાં સાતમી નૅટિવ ઇન્ફૅન્ટ્રીએ હુમલો કર્યો હતો. લેફટનન્ટ અલબાન અહીં વધુ એક વખત નસીબદાર પુરવાર થનાર હતા.

સંક્ષિપ્તમાં : ગુજરાતની અંગ્રેજો સામેની લડાઈ અને તેઓ અંત

  • નાયકાઓએ 1838, 1858 તથા 1868 એમ ત્રણ વખત અવાજ ઉઠાવ્યો હતો
  • આણંદમાં મુખી ગરબડદાસ અને ઓખામંડળમાં વાઘેરોએ લડત આદરી હતી
  • છોટા ઉદેપુરમાં તાત્યા ટોપેએ સશસ્ત્ર ચળવળ હાથ ધરી હતી
  • અંગ્રેજ શાસન સામેના અવાજને સશસ્ત્ર કાર્યવાહી વડે દબાવી દેવાયો હતો
  • આ સિવાય ચળવળી પોતાની જ કેટલીક મર્યાદાઓ અને ખામીઓ હતી
  • 1857 બાદ નિઃશસ્ત્રીકરણ અભિયાન અંતર્ગત સ્થાનિકો પાસેથી હથિયારો ઝૂંટવી લેવાયા
  • ત્યાર બાદ દેશમાં કંપનીશાસનનો અંત આવ્યો અને દેશ સીધો જ બ્રિટિશ તાજને આધીન થયો

થોડા સમય પહેલાં જ પંચમહાલના પ્રમાણમાં નાના એવા સંતના (આજના સમયનું સંતરામપુર) રાજવીને તેના આરબ જમાદાર મુસ્તફા ખાને તેની બાકી નીકળતી રકમ માટે બાનમાં લીધા હતા.

આરબોને શસ્ત્રહીન કરવા માટે લેફ્ટનન્ટ અલબાનને મોકલવામાં આવ્યા હતા. આરબો પાસે મૅચલૉક રાયફલો (દારૂગોળામાં જામગીરી ચાંપીને ફોડવામાં આવતી બંદૂકો) હતી.

લેફટનન્ટ અલબાન તંબુમાં મુસ્તફાખાન સાથે વાટાઘાટો કરવા માટે પહોંચ્યા. જ્યારે અન્ય આરબો તથા અંગ્રેજી અધિકારીના સાથીઓ બહાર રહ્યા.

વાટાઘાટો થઈ શકે તે માટે અગાઉથી જ મુસ્તફાખાનની તલવાર નજીકના ટેબલ પર મૂકી દેવામાં આવી હતી.

વાતચીત વણસતા કથિત રીતે મુસ્તફા ખાને હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ લેફ્ટનન્ટ અલબાને પોતાની રિવૉલ્વરમાંથી ગોળી ફોડીને તેમને ઠાર કર્યા. અન્ય આરબોને પણ નાનકડી અથડામણ બાદ બંદી બનાવી લેવામાં આવ્યા. મુસ્તફા ખાન, ચાર આરબ તથા ગુજરાત હૉર્સના એક અશ્વારનાં મૃત્યુ થયાં.

પાલી ગામે સૂરજમલ તથા તેમના રાજપૂત સાથીઓ અને અંગ્રેજ ટુકડીનો આમનો-સામનો થયો. સૂરજમલ તથા સાથીઓના હુમલાને નિષ્ફળ બનાવવામાં અંગ્રેજ ટુકડી સફળ રહી. એ પછી ટુકડીએ પાલી ગામને સળગાવી દીધું.

સૂરજમલ મેવાડ તરફ નાસી છૂટ્યા.

એ પછી રાજા સાથે સમાધાન થતાં તેઓ પરત ફર્યા હતા અને તેમને સાલિયાણું બાંધી આપવામાં આવ્યું હતું. બીજા જ વર્ષે તેમનું મૃત્યુ થયું હતું.

ભૌગોલિક દૃષ્ટિએ જોવામાં આવે તો આજના સમયનો દાહોદ જિલ્લો પણ એક સમયે પંચમહાલનો જ ભાગ હતો. જે ગુજરાત, રાજસ્થાન તથા મધ્ય પ્રદેશની ત્રિભેટે આવેલું છે. આ વિસ્તારની અન્ય એક નોંધપાત્ર ચળવળ નાયકાની હતી. જેમણે 1838, 1858 તથા 1868 એમ ત્રણ વખત અવાજ ઉઠાવ્યો હતો.

'મારા હાથમાં શું છે?'

1868માં વધુ એક વખત ગુજરાતના નાયકોએ તત્કાલીન અંગ્રેજ શાસન તથા તેમનું સંરક્ષણપ્રાપ્ત સ્થાનિક રાજાઓ સામે અવાજ ઉઠાવ્યો હતો.

અમદાવાદના ડેપ્યુટી કલેકટર એદાલજી ડોસાભાઈએ તેમના પુસ્તક હિસ્ટ્રી ઑફ ગુજરાત, ફ્રૉમ ધ અર્લિયેસ્ય પીરિયડથી વર્તમાનકાળ સુધી (1894)માં એ પ્રકરણનો ઉલ્લેખ (પૃષ્ઠ ક્રમાંક 293-296) કર્યો છે :

જોરિયા નાયક વેડકના હતા. લોકો તેમને 'પરમેશ્વર' (ભગત) તરીકે ઓળખતા અને નાયકો તેમને પૂજનીય માનતા.

તેમનામાં દૈવીશક્તિઓ હોવાનો નાયકોને વિશ્વાસ હતો, જેમાં દાંડિયાપુરના રૂપસિંહ નાયકનો પણ સમાવેશ થતો હતો. બંને મળીને સંયુક્ત રીતે શાસન કરતા હતા.

તેઓ ધાર્મિક તથા અન્ય ક્રિયાઓ દ્વારા નાણા વૂસલતા. શરૂઆતમાં તો સ્થાનિક અધિકારીઓએ એજન્ટને આ વિશે જાણ કરી ન હતી.

બીજી ફેબ્રુઆરી (1868)ના અનેક હથિયારધારી નાયકા રાજગઢ પહોંચ્યા. જોરિયા ભગત, રૂપસિંહ તથા તેમના દીકરા ગલાલિયા અંદર ગયા અને સ્થાનિક અધિકારી પાસે બેસીને વાતો કરી રહ્યા હતા.

વાતમાંથી વાત જોરિયા ભગતની દૈવી શક્તિ પર આવી. એક અધિકારીએ હાથની બંધ મુઠ્ઠી દેખાડતા જોરિયા ભગતને તેમાં શું છે તે કહેવા માટે પડકાર ફેંક્યો.

આ સાંભળીને રૂપસિંહના દીકરા ગલાલિયાને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેમણે કહ્યું, "મોત." આમ કહેતા તેમણે પોતાની તલવાર કાઢી અને અધિકારીના બંને હાથ કાપી નાખ્યા.

મકરાણીએ સુરક્ષાકર્મીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફાવ્યો નહીં. નાયકોએ લૂંટ ચલાવી.

નાયકાઓ અહીંથી જાંબુઘોડા ગયા. પોલીસે તેમની ઉપર ગોળીબાર કર્યો, પરંતુ કોઈને નુકસાન ન થયું, આથી તેમને લાગ્યું કે જોરિયા ભગતની દૈવીશક્તિને કારણે આમ થઈ રહ્યું છે, એટલે તેઓ નાસી છૂટ્યા.

અહીં તેમણે સરકારી દસ્તાવેજોને નુકસાન પહોંચાડ્યું. જ્યાંથી તેઓ છોટાઉદેપુરના વડાના ઘરે પહોંચ્યા. જેઓ અંધાધૂંધીની માહિતી મળતા ત્યાંથી નાસી છૂટ્યા હતા.

અહીં બે નાયક માર્યા ગયા હતા. જેના કારણે દૈવીશક્તિને કારણે ગોળી તેમને અડકી ન શકતી હોવાની તેમની માન્યતાને આંચકો લાગ્યો હતો. છતાં તેમનું અભિયાન ચાલુ રહેવા પામ્યું હતું.

રેવાકાંઠાના પૉલિટિકલ એજન્ટ, પોલીસ સુપરિન્ટેન્ડન્ટ તથા અન્ય સૈન્યઅધિકારીઓને રાજગઢમાં બનેલી ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી. અમદાવાદ તથા વડોદરાથી પૂરકદળ મંગાવવામાં આવ્યાં.

લાલપીળાં કપડાં અને કૃપા

15મી ફેબ્રુઆરીના કેટલાંક દળોને શિવરાજપુર ખાતે રાખીને અંગ્રેજ ટુકડીઓ તથા ભીલ કૉર્પ વેડક જવા રવાના થયા, જેનું નેતૃત્વ કૅપ્ટન મૅકલિયોડ કરી રહ્યા હતા.

વેડક ખાતે તેમણે ચમકતા લાલ અને પીળાં કપડાંમાં જોરિયા ભગતને જોયા. તેમની આસપાસ તીરકામઠાં સાથે તેમના સંરક્ષક હતા. તેઓ કોઈ ધાર્મિકવિધિ કરી રહ્યા હતા અને નાચી રહ્યા હતા.

અગાઉ જોરિયા ભગતને મારવાના બે પ્રયાસ નિષ્ફળ રહ્યા હોવાથી ટુકડીના સૈનિકો તેમની ઉપર ગોળી ચલાવતા ખચકાતા હતા.

નાયકાઓએ અંગ્રેજો તરફ તીર છોડ્યા. પુણે હૉર્સના એક અધિકારીનું તત્કાળ મૃત્યુ થયું, જ્યારે ટુકડીનું નેતૃત્વ કરી રહેલા કૅપ્ટન મૅકલિયોડનો સહેજમાં બચાવ થયો. ત્યાંથી નાયકા નાસી છૂટ્યા.

16મી ફેબ્રુઆરીએ જળસ્રોત પાસે ત્રણ જિલ્લાનાં દળોએ ઘાલેલા ઘેરામાં નાયકા ફસાઈ ગયા. ગોળીબારમાં લાલપીળાં વસ્ત્રધારી તથા અન્ય બે શખ્સોનું મૃત્યુ થયું.

વધુ નવ નાયકાનાં મૃત્યુ થયાં. અંગ્રેજ અધિકારીઓને આશા હતી કે આ સાથે નાયકચળવળનો અંત આવશે.

તેમણે નજીક જઈને જોયું તો લાલપીળાં વસ્ત્રમાં જોરિયા ભગત ન હતા, પરંતુ કોઈ અન્ય શખ્સે તે કપડાં પહેરેલા હતા.

એ દિવસે નાયકા ચળવળનો અંત તો નહોતો થયો, પરંતુ પડતીની શરૂઆત ચોક્કસથી થઈ હતી.

આગામી એક મહિના દરમિયાન જોરિયા ભગત, રૂપસિંહ નાયક, તેમના દીકરા ગલાલિયા નાયક તથા અન્યોને ફાંસી આપી દેવામાં આવી.

અન્ય કેટલાકને કાળાપાણી તો બીજાને નાની-મોટી સજાઓ થઈ અને ઇતિહાસના પાનાંમાં તેમનાં નામ નોંધાઈ ગયાં.

કેટલાક મૂળનિવાસી ઇતિહાસકારોના મતે જોરિયા ભગતે નાયકાઓમાં પ્રવર્તમાન બદીઓ અને સામાજિક કુરીતિઓને દૂર કરવા પ્રયાસ હાથ ધર્યા હતા.

એવું પણ માનવામાં આવે છે કે તેમણે ખરા અર્થમાં 'નાયકરાજ' સ્થાપ્યું હતું, જેમાં યોદ્ધા, વજીર, કોટવાળ અને હનુમાન જેવી પદવીઓ હતી.

ધિસ ઇઝ અવર હોમલૅન્ડ - એ કલેક્શન ઑફ એસેઝ ઑન ધ બિટ્રેયલ ઑફ આદિવાસી રાઇટ્સ ઇન ઇન્ડિયા(2007)માં ગુજરાતમાં આદિવાસીઓના આંદોલન અંગે એક પેટા પ્રકરણમાં રૂપસિંહ વિશે ઉલ્લેખ છે કે તેમનો જન્મ જાંબુઘોડા તાલુકાના દાંડિયાપુર ખાતે રૂપસિંહ નાયકનો જન્મ થયો હતો. 1838માં એક સ્થાનિક સામંત, છોટા ઉદયપુરના રાજા તથા પંચમહાલના અન્ય રાજાઓની મદદથી રૂપસિંહના પિતાની હત્યા કરી દેવામાં આવી હતી.

નાયકો જંગલ તથા જમીનના સંશાધનો પર પોતાનું આધિપત્ય સમજતા હતા, એટલે તેમણે 'નાયકરાજ' સ્થાપવા માટે પ્રયત્નશીલ હતા. 1858માં જે અમુક નાયકોને માફી આપવામાં આવી હતી, તેમાં રૂપસિંહ પણ હતા.

1868 પછી દાંડિયાપુર, વેડક તથા આજુબાજુના ગામોમાંથી નાયકોને હાંકી કાઢવામાં આવ્યા અને આ ગામોમાં બીજા એક આદિવાસી સમુદાય 'રાઠવા'ને વસાવવામાં આવ્યો.

એ વિરલ પટેલ મહિલા

આણંદમાં અંગ્રેજો સામે મુખી ગરબડદાસ પટેલ અને મૂળજી જોશી સહિતનાઓ વિપ્લવનો ઝંડો ઉઠાવ્યો હતો. ઇતિહાસમાં આણંદના એ પ્રકરણના એક પાત્રની ચર્ચા થતી નથી.

આણંદની એન. એસ. પટેલ આર્ટ્સ કૉલેજના ઇતિહાસ વિભાગના વડા ડૉ. મૌલેશકુમાર પંડ્યાએ બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ જયદીપ વસંત સાથે વાત કરતા કહ્યું, "1857ના સ્વાતંત્ર્યવીરોની ચર્ચા કરતી વખતે આપણે આણંદના મુખી ગરબડદાસની ચર્ચા કરીએ છીએ, પરંતુ તેમનાં પત્ની લાડબાની પણ નોંધ લેવી પડે એવું પાત્ર છે. અંગ્રેજોએ ચોરીમાંથી મિંઢોળબાંધા ગરબડદાસની ધરપકડ કરી હતી. તેમને અંદમાન મોકલી દેવામાં આવ્યા હતા."

"આવા સંજોગોમાં લાડબાએ હાથ પર હાથ ધરી રહેવા અને વિલાપ કરવાને બદલે એ જમાનામાં મુંબઈની સફર ખેડી હતી. તેમણે બૉમ્બે ખાતે કમિશનરને મળીને પોતાના પતિનો કેસ સમજાવ્યો હતો અને તેમને છોડી દેવા માટેનું આશ્વાસન મેળવ્યું હતું."

ગરબડદાસની અંદમાનની જેલમાં કાળાપાણીની (આજીવન કેદ) સજા પામનાર પ્રથમ ગુજરાતી માનવામાં આવે છે. બૉમ્બેથી પત્ર અંદમાન પહોંચે તે પહેલાં મોડું થઈ ગયું હતું અને ગરબડદાસ મૃત્યુ પામ્યા હતા.

પંડ્યાના કહેવા પ્રમાણે, "લાડબાને આશા હતી કે તેમના પતિ પરત આવશે અને આજીવન તેમની વાટ જોતા રહ્યા હતા. પરંતુ કોઈપણ ગ્રામજને તેમના પતિનું અંદમાનમાં મૃત્યુ થયું હોવાનું જણાવ્યું ન હતું અને પતિ ફરી આવશે એની આશા સાથ જ તેમના વિયોગમાં ઝૂરતા-ઝૂરતા મૃત્યુ પામ્યા હતા. આઝાદીની લડાઈમાં તેઓ વિરલ સ્ત્રી કહેવાય."

કેટલાક ઇતિહાસકારોના મતે ગરબડદાસનાં પત્નીનું નામ લાલબા હતું અને એ તેમનું પ્રથમ લગ્ન ન હતું.

...એટલે નિષ્ફળતા મળી

બૉમ્બે પ્રૅસિડન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા 'હિસ્ટ્રી ઑફ ગુજરાત' (1896) 1857ની ચળવળની નિષ્ફળતા અંગેના કારણોની સમીક્ષા કરતા પૃષ્ઠ ક્રમાંક 442 પર જે લખ્યું છે, તેનો સાર છે કે:

અત્રે એ નોંધવું ઘટે કે સિપાહીઓના યુદ્ધ દરમિયાન એવી એક પણ વ્યક્તિ પેદા ન થઈ કે જે સિપાહીઓનું નેતૃત્વ લઈ શકે. દરેક નૅટિવ રૅજિમૅન્ટમાં (મૂળનિવાસીઓની સૈન્યટુકડી) બળવાની સ્થિતિ હતી. પ્રજા પણ બળવા માટે તૈયાર હતી. પોતાના દેશવાસીઓનો વિશ્વાસ જીતી શકે એવો એક ઇમાનદાર માણસ તેમને મળ્યો હોત, તો સમગ્ર ગુજરાત તેને આધીન હોત.

પરંતુ મોટાભાગના નિવાસીઓમાં હિતોનો ટકરાવ હતો અને પરસ્પર વિશ્વાસનો અભાવ હતો એટલે તેઓ સાથે રહી શકે તેમ ન હતા. કાવતરાંખોર પહેલું કામ તેના સાથીઓને દગો આપવાનું કરે છે. જેઓ ભારતની સ્વતંત્રતા તથા સ્વરાજની વાત કરે છે, તેમણે આ વાત ધ્યાને લેવી જોઈએ.

તેમની વચ્ચે સંકલનનો અભાવ હતો. જો ગુજરાત હૉર્સ, આર્ટિલરી તથા સેકન્ડ ગ્રૅનેડિયર્સે સાથે મળીને બળવો કર્યો હોત તો અમુક સમય માટે આપણે ગુજરાત ગુમાવી દીધું હોત અને અહીં વસતા તમામ યુરોપિયનો માર્યા ગયા હોત.

1857 પછી નિઃશસ્ત્રીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું અને સ્થાનિક લોકો પાસેથી હથિયારો ખૂંચવી લેવામાં આવ્યા. વિપ્લવ પછી ભારતમાંથી કંપની શાસનનો અંત આવ્યો અને દેશ સીધો જ બ્રિટિશ તાજને આધીન આવ્યો.

સરકારે રાજ્યોની આંતરિક તથા ધાર્મિક બાબતોમાં દખલ દેવાનું ઓછું કરી નાખ્યું. એ પ્રયાસ નિષ્ફળ રહ્યો, પરંતુ દેશદાઝની જામગીરી ચાંપી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો