ગુજરાતમાં અંબાજી પાસે આવેલો એ ત્રિશૂલિયા ઘાટ જ્યાં અકસ્માતો વધારે થાય છે

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં સોમવારે અંબાજીથી આગળ ત્રિશૂલિયા ઘાટ પાસે થયેલા અકસ્માતમાં 22 લોકોનાં મોત થયાં હતાં અને 30થી વધુ લોકો ઘાયલ થયાં હતાં.

ખાનગી બસ ત્રિશૂલિયા ઘાટ પાસે ઊંધી વળી જતાં વધારે ખુવારી થઈ હતી.

અંબાજી અને દાંતા વચ્ચેના હાઇવે પર આ ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર બસ વળાંક લેતી વખતે ઊંધી વળી ગઈ હતી.

આ ઘાટમાં આ પહેલાં પણ કેટલાક અકસ્માતો થઈ ચૂક્યા છે અને તેમાં ઘણા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

આ રોડમાં એવું શું છે કે ત્યાં અત્યાર સુધીમાં અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે.

અહીં સતત થઈ રહેલા અકસ્માતો મામલે સરકાર પણ ચિંતિંત છે અને રોડ અને બિલ્ડિંગ વિભાગ અહીં અકસ્માત ઓછા કરવાની યોજના અંગે વિચારી રહ્યો છે.

ઘાટનો રસ્તો ઘાતક કેમ?

અંબાજી દર્શનાર્થે જતા લોકો ટૂંકા રસ્તાના વિકલ્પ રૂપે દાંતા થઈને જાય છે. ઘણા લોકો અંબાજીથી પરત ફરતી વખતે અહીં આવેલા ત્રિશૂલિયા માતાના મંદિરે દર્શન કરવા જાય છે.

આ રસ્તો ડુંગરાળ વિસ્તારમાંથી પસાર થાય છે. અહીં રસ્તા પર અનેક વળાંકો છે અને 3 કિલોમિટરનો રસ્તો કેટલાક લોકો માટે ઘાતક સાબિત થાય છે.

આ ભયજનક રસ્તા પર 18 જેટલા જોખમી વળાંકો આવેલા છે, જેના કારણે આ વળાંકોમાં વાહન ચલાવવું મુશ્કેલ થઈ જાય છે.

ગુજરાત સિવિલ એન્જિનિયરિંગ ઍસોસિયેશનના પબ્લિક કેસ કમિટીના ચૅરમૅન પ્રિયવદન શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ડુંગરાળ વિસ્તારમાં તેના વળાંકો કેટલી ડિગ્રીના છે તેના પરથી રસ્તા બનાવવામાં આવે છે.

તેમણે કહ્યું, "ત્રિશૂલિયા ઘાટમાં આ રસ્તાઓમાં ખામી છે. આ રોડ ટૂ ટ્રેકનો છે અને એમાં ત્રણ જંકશન આવે છે. જે પ્રમાણમાં પહોળાં હોવાં જોઈએ તો ડુંગરાળ વિસ્તારમાં વળાંકવાળા રોડમાં અકસ્માત ઓછા થાય."

"એટલું જ નહીં 45 ડિગ્રીના ચઢાવ-ઉતારવાળા આ રસ્તાઓ પર અકસ્માતની સૂચનાઓ આપતી નિશાનીઓ વધુ હોવી જોઈએ પરંતુ આ રોડ પર તે ઓછી છે."

પ્રિયવદન શાહે કહ્યું, "ત્રિશૂલિયા ઘાટ પર જે વળાંકો આવે છે ત્યાં રસ્તા બૉટલ નેક થઈ જાય છે, ત્યાં લોખંડની રેલિંગ મૂકી છે."

"આ રેલિંગ નાનાં વાહનો માટે બરાબર છે પરંતુ તે મોટી બસ કે ટ્રક જેવાં વાહનોને રોકવા માટે કારગત નથી. એટલે તમે જુઓ કે નાનાં વાહનોને બદલે મોટાં વાહનોના અકસ્માત વધારે થાય છે."

"જેમ કે કાર કરતાં લકઝરી બસ અને એસ. ટી. બસના અકસ્માત વધારે થાય છે. બૉટલ નેક થતા વળાંકવાળા રસ્તાઓ વધારે પહોળા હોવા જોઈએ."

"એ સ્વાભાવિક છે કે ડુંગર વિસ્તારમાં રસ્તા વળાંકવાળા હોય પરંતુ તે પહોળા હોવાની સાથે તેમાં અમુક અંતરે નિશાનીઓ મૂકવી જોઈએ."

"ઉપરાંત વળાંક પર મિરર મૂકવા જોઈએ જેથી વળાંક પર એકબીજા સામે આવતાં વાહનોને જોઈ શકાય. અહીં માત્ર રેલિંગ મૂકી દેવાથી અકસ્માતો અટકવાના નથી."

સરકાર શું કહે છે?

અંબાજી ગુજરાતમાં એક પ્રખ્યાત તીર્થસ્થાન છે અને દર વર્ષે અહીં લાખો લોકો આવે છે.

સોમવારના અકસ્માત પહેલાં પણ અહીં અનેક અકસ્માતો થયા છે અને તેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

અહીં અકસ્માતો અટકાવવા માટે શું કરી શકાય તે અંગે બીબીસી ગુજરાતી સાથે ગુજરાતના વાહનવ્યવહાર મંત્રી આર. સી. ફળદુએ વાત કરી હતી.

ફળદુએ કહ્યું, "અહીં થઈ રહેલા અકસ્માત ખરેખર ચિંતાનો વિષય છે અને સરકાર આ મામલે ગંભીર પણ છે."

"આવનારા દિવસોમાં રોડ અને બિલ્ડિંગ વિભાગની ખાસ બેઠક બોલાવવામાં આવશે, જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે."

"બેઠકમાં આ ઘાટ પર અકસ્માત કેવી રીતે ઘટાડી શકાય તેના વિશે ચર્ચા કરવામાં આવશે."

"ઉપરાંત અકસ્માત રોકવા માટે ખીણ હોય ત્યાં લોખંડની રેલિંગ મૂકવી અથવા બીજાં સલામતી માટેનાં કયાં પગલાં લઈ શકાય તે અંગે પણ આવનારા દિવસોમાં વિચારવામાં આવશે."

આ પહેલાં પણ અહીં થયા છે અકસ્માત

ડુંગરાળ વિસ્તારમાંથી પસાર થતો આ રસ્તો મુસાફરો માટે ક્યારેક ઘાતક બની જાય છે.

આ ઘાટમાં એક તરફ ડુંગર છે તો બીજી તરફ ખીણ છે અને રસ્તાના વળાંકો તેને વધારે ભયજનક બનાવે છે.

સોમવારે થયેલા અકસ્માત પહેલાં પણ આ ઘાટ પર અકસ્માતો થઈ ચૂક્યા છે.

સરકારી ચોપડે નોંધાયેલા અકસ્માતો પર નજર કરીએ તો અહીં 4 જુલાઈ 2016માં થયેલા અકસ્માતમાં 7 લોકોને ઈજા થઈ હતી.

17 ડિસેમ્બર 2016ના દિવસે ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 4 લોકોનાં મોત થયાં હતાં.

28 ફેબ્રુઆરી 2017ના રોજ સ્કૂલના પ્રવાસે ગયેલી એક બસને અકસ્માત નડતાં 20 બાળકોને ઈજા થઈ હતી.

જૂન 2018માં અહીં એક બસ ખીણમાં ખાબકી હતી પરંતુ સદનસીબે મુસાફરોનો બચાવ થયો હતો, માત્ર ડ્રાઇવરને ઇજા થઈ હતી.

એપ્રિલ 2019માં થયેલા એક બસ અકસ્માતમાં 23 લોકોને ઇજા થઈ છે. તાજેતરમાં જૂન મહિનામાં થયેલા અકસ્માતમાં 9 લોકોનાં મોત થયાં હતાં.

આ પહેલાંનાં વર્ષોમાં પણ અહીં અકસ્માતો થયેલા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો