બાંગ્લાદેશની રચનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભારતના 'ઑપરેશન જેકપૉટ'ની કહાણી

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

પહેલી ઑગસ્ટ, 1971ના રોજ 20 હજાર પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા ન્યૂ યૉર્કના મૅડિસન સ્કૅવર ગાર્ડનમાં બીટલ્સના જ્યૉર્જ હેરિસને બાંગ્લાદેશ વિશે ગીત ગાયું ત્યારે સૌ કોઈ ઝૂમી ઊઠ્યા હતા.

એટલું જ નહીં સમગ્ર દુનિયાનું ધ્યાન પૂર્વ પાકિસ્તાનમાં થઈ રહેલા નરસંહાર પર અને ત્યાંથી લાખોની સંખ્યામાં ભારતમાં આવી રહેલા શરણાર્થીઓ પર ગયું હતું.

જોકે માર્ચ 1971થી જ પાકિસ્તાની સેના પોતાના જ લોકો પર અત્યાચાર કરવા લાગી છે તેની ખબરો દુનિયામાં ફેલાવા લાગી હતી.

તે વખતે ફ્રાંસના નૌકાદળના મથક તૂલોંમાં અભ્યાસ કરી રહેલા પાકિસ્તાની સબમરીન 'પીએનએસ માંગરો'ના આઠ બંગાળી સૈનિકોએ સબમરીન છોડીને બાંગ્લાદેશની આઝાદી માટે ચાલી રહેલી લડાઈમાં સામેલ થઈ જવાનું નક્કી કર્યું હતું.

'ઑપરેશન એક્સ, ધી અનટોલ્ડ સ્ટોરી ઑફ ઇન્ડિયાઝ કૉવર્ટ નેવલ વૉર ઇન ઈસ્ટ પાકિસ્તાન, 1971' નામનું પુસ્તક ઇન્ડિયા ટુડેના એક્ઝિક્યુટિવ એડિટર સંદીપ ઉન્નીથને લખ્યું છે.

તેઓ કહે છે, "31 માર્ચ, 1971ના રોજ ફ્રાંસથી નાસીને સ્પેનની રાજધાની મેડ્રિડમાં ભારતીય દૂતાવાસમાં આ આઠ બંગાળી નાવિકો આવી પહોંચ્યા હતા."

"દૂતાવાસમાં હાજર 1964 બેચના આઈએફએસ અધિકારી ગુરદીપ બેદીએ તેમના પાસપોર્ટની તપાસ કરી. તેમને નજીકની એક સસ્તી હોટેલમાં ઉતારો આપ્યો.""આગળ શું કરવું તે માટે દિલ્હીથી સલાહ માગી તો તેમને જણાવાયું કે બધાને તરત દિલ્હી મોકલી આપો."

"આઠેયને નકલી હિંદુ નામ આપવામાં આવ્યાં. તેમને ભારતીય બનાવીને દિલ્હી જતાં વિમાનમાં બેસાડી દેવાયા. પહેલાં મેડ્રિડથી રોમ તેમને મોકલાયા હતા."

"જોકે તેમના વિશેની માહિતી મીડિયામાં લીક થઈ ગઈ હતી એટલે રોમના પાકિસ્તાની દૂતાવાસને પણ તેમની જાણ થઈ ગઈ હતી."

"તે લોકોને મનાવવા માટે પાકિસ્તાની દૂતાવાસના અધિકારી ઍરપૉર્ટ પર પહોંચી ગયા હતા."

"દરમિયાન 'પીએનએસ માંગરો' ક્રૂ અને અધિકારી વચ્ચે ઝપાઝપી પણ થઈ ગઈ."

"જોકે નાવિકોના નેતા અબ્દુલ વાહેદ ચૌધરીએ તેમને ચોખ્ખું જણાવી દીધું કે તેઓ બાંગ્લાદેશની આઝાદી માટે લડવા જઈ રહ્યા છે."

પ્લાસી યુદ્ધભૂમિ પર ગુપ્ત ટ્રેનિંગ કૅમ્પ

આઠેય સબમરીન ખલાસીઓ ભારત પહોંચ્યા તે પછી તેમને દિલ્હીમાં રૉના એક સલામત સ્થળે તેમને રખાયા હતા. તે સમયે ભારતીય નૌકાદળના ડિરેક્ટર નેવલ ઇન્ટેલિજન્સ કૅપ્ટન એમ. કે. મિકી રૉય હતા. તેમને લાગ્યું કે આ બંગાળી નાવિકોનો ઉપયોગ પાકિસ્તાની જહાજોને નુકસાન કરીને ડુબાડવા માટે કરી શકાય છે.

આ રીતે 'ઑપરેશન જેકપૉટ'ની શરૂઆત થઈ હતી. કમાન્ડર એમએમઆર સામંતને તેની જવાબદારી સોંપવામાં આવી હતી.

ભારત અને પૂર્વ પાકિસ્તાનની સરહદ પાસે, જ્યાં પ્લાસીનું યુદ્ધ થયું હતું, ત્યાં એક કૅમ્પ ઊભો કરાયો હતો.

કૅમ્પમાં મુક્તિવાહિનીના લડાયકોને તાલીમ આપવામાં આવતી હતી. તેને કોડ નેમ અપાયું હતું 'કૅમ્પ ટૂ પ્લાસી' એટલે કે 'સી2પી'.

કૅમ્પમાં દિવસની શરૂઆત બાંગ્લાદેશના રાષ્ટ્રગાન 'આમાર શોનાર બાંગ્લાદેશ...'થી થતી હતી અને બાંગ્લાદેશના લીલા અને નારંગી રંગના ધ્વજને સલામી આપતા હતા.

તે કૅમ્પ ચલાવનારા કમાન્ડર વિજય કપિલ યાદ કરતાં કહે છે:

"ત્યાં વીજળી-પાણી કશું નહોતું. રાત્રે અમે ફાનસથી કામ ચલાવતા હતા. પાણી હૅન્ડપંપમાંથી મળતું હતું."

"કુલ નવ ટૅન્ટ લગાવાયા હતા. અમે સવારે પાંચ વાગ્યે ઊઠી જતા હતા."

"પીટી (ફિઝિકલ ટ્રેનિંગ) બાદ ઘઉંનાં ખેતરોમાં ખુલ્લે પગે દોડ લગાવાતી હતી."

"બાદમાં તેમને ભારતીય નૌકાદળના કમાન્ડો છૂપી રીતે બૉમ્બ લગાડવાની તાલીમ આપતા હતા."

"પાકિસ્તાનની સબમરીન માંગરોથી ભાગીને આવેલા નાવિકો તેમની સૂચનાનું ભાષાંતર કરીને મુક્તિવાહિનીના લડાયકોને સમજાવતા હતા."

"તેમને તરવાની તાલીમ આપવામાં આવતી હતી. ત્યાં સુધીમાં બપોરના ભોજનનો સમય થઈ ગયો હોય."

"દોઢ કલાક આરામ કર્યા પછી પૂરા કદની પ્રતિમાઓ પર ગોળી ચલાવવાની તાલીમ અપાતી હતી. સાંજ ઢળવા આવે ત્યાં સુધીમાં તો સૌ થાકીને લોથપોથ થઈ ગયા હોય."

"ત્યાર પછી રાત્રે તરણ માટેની તાલીમ આપવામાં આવતી હતી."

"આ રીતે તે લોકો દિવસના છથી સાત કલાક પાણીમાં રહેતા હતા."

"તે વખતે તેમના પહેરણમાં બે ઈંટ બાંધી દેવામાં આવતી હતી, જેથી તેમને વજન સાથે તરવાની આદત પડે."

ખાણીપીણીમાં ફેરફાર

આ લડાયકોને ભારતમાં શરણાર્થી તરીકે આવેલા લોકોમાંથી પસંદ કરવામાં આવ્યા હતા.

તેઓએ કેટલાંય અઠવાડિયાંથી ભાવતું ભોજન લીધું નહોતું. તેમને ભાત ખાવાની એટલી તલબ રહેતી હતી કે ચોખા હજી રંધાયા ના હોય ત્યાં ખાવા માંડતા હતા.

ભારતીય તાલીમ અધિકારીઓએ નક્કી કર્યું કે આ લોકોને યોગ્ય રીતે તાલીમ આપવી હશે તો તેમની ખાણીપીણીમાં પરિવર્તન કરવું પડશે.

કમાન્ડર વિજય કપિલ યાદ કરતા કહે છે, "તે લોકો આવ્યા ત્યારે ભૂખ્યા ડાંસ હતા."

"તેમનાં હાડકાં દેખાતાં હતાં. પાકિસ્તાની સેનાએ તેમના પર બહુ ત્રાસ ગુજાર્યો હતો."

"તેઓએ નજર સામે દુષ્કર્મ થતાં જોયાં હતાં અને પાકિસ્તાની સેનાની ક્રૂરતાનો અનુભવ થઈ ગયો હતો."

"તે લોકોને તાલીમ આપી રહેલા નૌકાદળના કમાન્ડોને ખ્યાલ આવ્યો કે આ લોકો જલદી થાકી જાય છે."

"લાંબા અંતર સુધી તરવામાં મુશ્કેલી પડતી હતી."

"કોલકાતાના ફોર્ટ વિલિયમમાં કમાન્ડર સાવંતને સંદેશ મોકલાયો કે પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરવી જરૂરી છે."

"ત્યારબાદ દરેક લડાયકોને રોજનાં બે ઈંડાં, 120 ગ્રામ દૂધ, એક લીંબુ અને 80 ગ્રામ ફળ મળવાં લાગ્યાં."

"તેની અસર તરત દેખાવા લાગી અને તેમનાં શરીર સારાં થવાં લાગ્યાં."

લિમ્પેટ માઇનનો ઉપયોગ કરવાની તાલીમ

આ લોકોને ત્રણ અઠવાડિયાં સુધી જહાજને નુકસાન કરવા માટેની તાલીમ આપવામાં આવી. તેમાં લિમ્પેટ માઇન્સ કેવી રીતે લગાવવી અને ક્યારેય હુમલો કરવો તેની તાલીમ પણ આપવામાં આવી.

કમાન્ડર વિજય કપિલ કહે છે, "પાણીમાં વિસ્ફોટ માટે લિમ્પેટ માઇન્સનો ઉપયોગ કરાય છે.""ભારતીય નૌકાદળ પાસે તેનો બહુ જથ્થો નહોતો."

"વિદેશી હૂંડિયામણની અછતને કારણે વિદેશથી વધુ મંગાવી શકાય તેમ નહોતી."

"વિદેશમાં તેના માટે ઑર્ડર આપ્યો હોત તો પણ પાકિસ્તાનને ખ્યાલ આવી જાત."

"તેથી ભારતની ઓર્ડિનન્સ ફૅક્ટરીઝમાં જ તેને બનાવવા માટેનો નિર્ણય કરાયો હતો."

"આ એક પ્રકારનો ટાઇમબૉમ્બ હોય છે, જેમાં ચુંબક પણ હોય છે."

"તરવૈયા તેને જહાજના તળિયે જઈને ચોંટાડી દે અને ભાગી જાય. થોડી વાર બાદ તેમાં વિસ્ફોટ થઈ જાય."

કૉન્ડોમનો ઉપયોગ

મજાની વાત એ છે કે આ સમગ્ર ઑપરેશનમાં મોટી સંખ્યામાં કૉન્ડોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કૉન્ડોમ મોકલવાનું જણાવાયું ત્યારે ફોર્ટ વિલિયમના કમાન્ડર સામંત પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.

લેફ્ટનન્ટ કમાન્ડર માર્ટિસે હસતાં-હસતાં તેમને જણાવ્યું કે તમે વિચારી રહ્યા છો એવો તેનો ઉપયોગ કરવાનો નથી.

સંદીપ ઉન્નીથન કહે છે, "હકીકતમાં લિમ્પેટ માઇન્સમાં એક ફ્યૂઝ લગાવેલો હતો, જે પાણીમાં ભીંજાઈ જાય તેવો હતો."

"ત્રીસ મિનિટમાં તે પાણીથી ધોવાઈ જાય તે પ્રકારનો ફ્યૂઝ હતો."

"બીજી બાજુ ડૂબકી લગાવનારે એક કલાક માટે પાણીમાં રહેવું પડે તેમ હતું."

"તેથી એવો રસ્તો કાઢવામાં આવ્યો કે ફ્યૂઝ ઉપર કૉન્ડોમ લગાવી દેવાનો."

"ડૂબકીમાર પાકિસ્તાની જહાજની નીચે પહોંચે પછી તે કૉન્ડોમ હઠાવી દેવાનો અને લિમ્પેટ માઇનને તળિયે ચોંટાડી દેવાની. તે પછી તરત ત્યાંથી દૂર જતા રહેવાનું."

આરતી મુખરજીનું ગીત બન્યું કોડ

150થી વધારે બંગાળી કમાન્ડોઝને પૂર્વ પાકિસ્તાની સરહદમાં ઘૂસાડી દેવાયા હતા. નૌકાદળના ઇન્ટેલિજન્સના વડા અને કમાન્ડ સાવંતે નક્કી કર્યું કે પૂર્વ પાકિસ્તાનનાં ચાર બંદરો પર લાંગરેલાં જહાજો પર એકસાથે હુમલો કરવો.

દરેક કમાન્ડોને એક-એક લિમ્પેટ માઇન, નેશનલ પેનાસોનિકના રેડિયો અને 50 પાકિસ્તાની રૂપિયા આપવામાં આવ્યા.

સંદીપ ઉન્નીથન કહે છે, "તેમની સાથે સંપર્ક કરવા માટે વૉકી-ટૉકીનો વિકલ્પ હતો, પણ તેનો ઉપયોગ 10થી 12 કિમીના મર્યાદિત પરિઘમાં જ થઈ શકે."

"તેથી નક્કી કરાયું કે કમાન્ડોને સંકેત મોકલવા માટે આકાશવાણીનો ઉપયોગ કરવામાં આવશે."

"બીજા વિશ્વયુદ્ધ વખતે પણ આવી રીતે ગુપ્ત સંદેશ મોકલવા માટે રેડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો."

"સૌને જણાવાયું હતું કે તેમણે રેડિયો સાંભળવો."

"કોડ પણ નક્કી થયો હતો કે સવારે 6 વાગ્યે આકાશવાણી કોલકાતાના બી કેન્દ્રમાંથી આરતી મુરખજીનું ગીત વાગશે."

"તેમનું ગીત 'આમાર પુતુલ આજકે પ્રથમ જાબે સુસુર બાડી...' વગાડાશે તેવું નક્કી થયું હતું."

"તેનો સંકેત એ હતો કે હુમલો કરવા માટે હવે 48 કલાક બાકી છે."

ટોયોટા પિકઅપ ટ્રકનો ઉપયોગ

14 ઑગસ્ટ, 1971ની સવારે 6 વાગ્યે આકાશવાણી કોલકાતાના કેન્દ્ર પરથી હેમંત કુમારનું એક ગીત રજૂ થયું હતું, 'આમી તોમાઈ જોતો શૂનિએ છિછિલેમ ગાન...'

આ પણ એક પ્રકારનો કોડ હતો, જેનો અર્થ એ કે તે રાત્રે જ કમાન્ડોએ ચટગાંવ સહિતનાં ચારેય બંદરો પર રહેલાં જહાજો પર હુમલો કરવાનો છે.

સંદીપ ઉન્નીથન કહે છે, "તે વખતે ચટગાંવમાં સેંકડો બસ અને ત્રણ પૈડાંની રિક્ષા ચાલતી હતી. ત્યાં ખાનગી કાર બહુ ઓછી હતી."

"કોઈનું ધ્યાન ના ખેંચાય તે રીતે ફરી શકે તેવી કાર હતી નહીં."

"આ મિશન પૂરું કરવા માટે મુક્તિવાહિનીના લડાયકોએ શહેરની બહાર જવું પડે તેમ હતું."

"મુક્તિવાહિનીના એક કાર્યકરે ઉપાય શોધી કાઢ્યો."

"તેમણે 'વૉટર ઍન્ડ પાવર સપ્લાય ડેવલપમૅન્ટ ઑથોરિટી'માં વપરાતી ટોયોટા પિકઅપ ટ્રકનો મેળ પાડ્યો."

"તેમાં નીચે લિમ્પેટ માઇન્સ રાખીને ઉપર ડ્રમ સ્ટિક્સ ગોઠવી દેવામાં આવી."

"તે ટ્રકને ગાંવ અનથારા થાણે લઈ જવાયો. ત્યાં એક સલામત ઘરમાં તેને રાખીને લિમ્પેટ માઇન્સમાં ડિટોનેટર ફિટ કરવામાં આવ્યા. પ્લગ પર કૉન્ડોમ ચડાવી દેવાયા."

એકસાથે ચાર બંદરો પરનાં જહાજો પર હુમલો

14 ઑગસ્ટ, 1971ની મધરાતે 100થી વધુ બંગાળી લડાયકોએ પોતાની લુંગી અને બનિયન ઉતારીને તરણ માટેનાં વસ્ત્રો અને પગમાં રબરના ફિન પહેરી લીધાં. ગમછાથી લિમ્પેટ માઇન્સને પોતાના શરીર સાથે બાંધી દીધા.

આ તરફ નૌકાદળના દિલ્હીના મુખ્ય મથકે કૅપ્ટન મિકી રૉય એક ખાસ ફોનની ઘંટડી વાગે તેની રાહ જોઈ રહ્યા હતા.

કોલકાતામાં ફોર્ટ વિલિયમમાંથી સમગ્ર ઑપરેશનનું સુકાન સંભાળી રહેલા કૅપ્ટન સામંત પોતાનો રિપોર્ટ તૈયાર કરતી વખતે એ જ ગીત ગણગણી રહ્યા હતા, જે સવારે આકાશવાણી કોલકાતા કેન્દ્રમાંથી વગાડવામાં આવ્યું હતું.

સમગ્ર મિશનમાં કૅપ્ટન સામંતની ભૂમિકા બહુ મહત્ત્વની હતી.

તે વખતે ફ્રાંસમાં રહેતાં તેમનાં પુત્રી ઉજ્જવલા સામંત યાદ કરતાં કહે છે:

"1971માં તેઓ 22 મહિના સુધી ઘરની બહાર જ હતાં. શરૂઆતમાં અમને ખબર પણ નહોતી કે તેઓ ક્યાં ગયાં છે.""આખરે એક દિવસ રજા લઈને તેઓઓ વિશાખાપટ્ટનમમાં ઘરે આવ્યા હતા."

"તેમણે દરવાજો ખખડાવ્યો અને મેં ખોલ્યો, પણ હું તેમને ઓળખી શકી નહીં. તેમણે દાઢી વધારેલી હતી."

"તેઓ પોતાની કોઈ વાતો બીજાને કહેતા નહોતા." "અમને એ ખબર હતી કે તેમને મહાવીર ચક્ર આપવામાં આવ્યો છે, પણ શા માટે તેની જાણ નહોતી."

"એ તો મારી માતા બાંગ્લાદેશ ગઈ ત્યારે તેમણે મને જણાવેલું કે તારા પિતાએ બાંગ્લાદેશની લડાઈમાં મોટું કામ કર્યું હતું."

શાહઆલમે લગાવી પહેલી છલાંગ

14 ઑગસ્ટ, 1971ની મધરાતે ચટગાંવમાં મુક્તિવાહિનીના કમાન્ડો શાહઆલમે સૌપ્રથમ પાણીમાં છલાંગ લગાવી અને એક કિલોમિટર તરીને ત્યાં લાંગરેલા પાકિસ્તાની જહાજની પાસે પહોંચી ગયા હતા.

સમગ્ર ઑપરેશનની આગેવાની ફ્રાંસમાંથી 'પીએનએસ માંગરો'થી ભાગીને આવેલા અબ્દુલ વાહેદ ચૌધરી કરી રહ્યા હતા.

સંદીપ ઉન્નીથન કહે છે, "તેમને ટ્રેનિંગ આપવામાં આવી હતી કે નદીના પ્રવાહની સાથે-સાથે તરીને જહાજ સુધી પહોંચી જવું."

"ત્યાં જઈને જહાજના તળિયે ચોંટેલા કાટને ચાકુથી સાફ કરવાનો.""ત્યાર બાદ ત્યાં લિમ્પેટ માઇન ચોંટાડી દઈને તરીને બીજા કિનારે જતા રહેવાનું."

"મધરાતનો સમય એટલા માટે પસંદ કરવામાં આવ્યો હતો કે ઓટ હોવાથી નદીનું પાણી દરિયા તરફ વહેતું હોય. બીજું તે સમયે શિફ્ટ પણ બદલાતી હતી."

"ઝડપી પ્રવાહને કારણે શાહઆલમ માત્ર દસ મિનિટમાં જહાજની નીચે પહોંચી ગયા હતા.""તેમણે શરીર સાથે બાંધેલી લિમ્પેટ માઇન કાઢી. ગમછા અને કૉન્ડોમને દૂર ફેંકી દીધા."

"માઇનનું ચુંબક જહાજના તળિયા સાથે ચોંટી ગયું તે સાથે જ શાહઆલમે કિનારા તરફ તરવાનું શરૂ કર્યું."

"કિનારે આવીને ફિન, સ્વિમિંગ ટ્રન્ક, ચાકુ ફેંકી દીધાં અને લુંગી પહેરી લીધી."

જોરદાર ધડાકો

લગભગ અડધા કલાક પછી રાત્રે એકને 40 વાગ્યે સમગ્ર ચટગાંવ બંદરમાં પાણીની અંદર વિસ્ફોટોનો સિલસિલો શરૂ થઈ ગયો.

પાકિસ્તાની જહાજ 'અલ અબ્બાસ'ની નીચે સૌથી પહેલો વિસ્ફોટ થયો અને થોડી જ મિનિટોમાં તે ડૂબવા લાગ્યું.

બંદર પર ભાગદોડ મચી ગઈ અને ગભરાયેલા સૈનિકોએ આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું.

લિમ્પેટ માઇનના વિસ્ફોટો થતા જ રહ્યા અને 'અલ અબ્બાસ' પછી 'ઓરિઍન્ટ બાર્જ નંબર 6' અને 'ઓરમાજ્દ' જહાજમાં પણ પાણી ભરાવા લાગ્યું અને ત્રણેય જહાજોએ જળસમાધિ લઈ લીધી.

તે જ રાત્રે નારાયણગંજ, ચાંદપુર, ચાલના અને મોંગલા બંદરમાં પણ જોરદાર વિસ્ફોટો થયા.

સમગ્ર ઑપરેશનને કારણે પાકિસ્તાની નૌકાદળના 44,500 ટન વજનનાં જહાજો ડૂબી ગયાં. પાકિસ્તાની સેનાએ બદલો લેવા આડેધડ હુમલા કર્યા અને આસપાસનાં ગામોને ઉજ્જડ કરી નાખ્યાં.

પૂર્વ કમાન્ડર વિજય કપિલ કહે છે, "પાકિસ્તાને ત્યાં સુધીમાં પૂર્વ પાકિસ્તાનમાં પોતાની ત્રણ ડિવિઝન ઉતારી દીધી હતી.""મુક્તિવાહિનીને ભગાડતાં ભગાડતાં પાકિસ્તાની સેના છેક ભારતીય સરહદ સુધી આવી ગઈ હતી."

"આ વિસ્ફોટોના કારણે નિયાઝીએ ત્યાંથી પોતાના સૈનિકોને ખસેડવા પડ્યા."

"તેના કારણે મુક્તિવાહિનીના લડાયકો પર અચાનક દબાણ ઓછું થઈ ગયું."

"સૌથી મહત્ત્વની વાત એ હતી કે આ વિસ્ફોટના કારણે આઝાદી માટે લડી રહેલા મુક્તિવાહિનીના લડાયકોનું મનોબળ મજબૂત થઈ ગયું."

કૅપ્ટન સામંતનું ઘરે પુનરાગમન

3 ડિસેમ્બર, 1971ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાઈ શરૂ થઈ હતી અને 16 ડિસેમ્બરે પાકિસ્તાનના 93,000 સૈનિકોએ ભારતીય સેના સામે આત્મસમર્પણ કરી લીધું.

22 મહિનાથી ઘરથી દૂર રહેલા કૅપ્ટન સામંત આખરે વિશાખાપટ્ટનમના પોતાના ઘરે પહોંચ્યા. જોકે થોડા દિવસ માટે જ તેઓ ઘરે આવ્યા હતા.

તેમનાં પુત્રી ઉજ્જવલાને આજે પણ તે દિવસો યાદ છે. તેઓ કહે છે, "તેઓ બહુ જ થાકી ગયા હતા. કેટલાય દિવસથી તેઓ સરખી રીતે સૂતા નહોતા."

"ડૉક્ટરે કહ્યું કે તેઓ જેટલી ઊંઘ લે તેટલી લેવા દેજો. મેં ખાસ નોંધ્યું હતું કે તેઓ બહુ શાંત થઈ ગયા હતા."

"મારી માએ તેમની મનપંસદ વસ્તુઓ બનાવી હતી. ફિશ કરી, કઢી અને ભાત.""અમારા માટે તો દશેરા, દિવાળી અને ક્રિસમસ એક જ દિવસમાં આવી ગયા હતા."

"મેં મારી માતાના ચહેરા પર જે ખુશી જોઈ હતી તે ક્યારે ભૂલી નથી.""ખુશી કરતાંય એ વાતનો સંતોષ હતો કે તેઓ હજી જીવિત હતા."

"જોકે મારા પિતાજી વધારે દિવસ અમારી સાથે રહ્યા નહોતા.""તેમણે તરત જ ફરી બાંગ્લાદેશ જવું પડ્યું હતું. તેમને ત્યાં નૌકાદળ ઊભું કરવામાં મદદ માટે મોકલાયા હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો