You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આદમજી હાજી દાઉદ : એ ગુજરાતી જેમણે 'કોરો ચેક' આપીને પાકિસ્તાનને મુસીબતમાંથી બચાવી લીધું
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
14 ઑગસ્ટ, 1947ના રોજ પાકિસ્તાન આઝાદ થયું. નવા બનેલા દેશ પાકિસ્તાન અને ભારત વચ્ચે તમામ પ્રવાહી મિલકતોની વહેંચણી બ્રિટિશ શાસન અને તત્કાલીન વાઇસરૉય લૉર્ડ માઉન્ટબેટની ફૉમ્યુલા મુજબ થવાની હતી.
પાકિસ્તાનને ભારત પાસેથી મળવાપાત્ર પ્રવાહી મિલકતો, જેની કિંમત 75 કરોડ રૂપિયા હતી, તેના સ્થાને આ નવા બનેલા દેશને માત્ર 20 કરોડ જ મળ્યા હતા.
સ્વાભાવિક છે કે આ વાતથી કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણા અને મુસ્લિમ લીગના તેમના ટેકેદારો ચિંતામાં હતા. નવા બનેલા દેશને રાજકીય સ્થિરતાની સાથોસાથ આર્થિક સ્થિરતા વિશે પણ વિચારવાનું હતું.
"ભાગલા સમયે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ જ્યારે ડામાડોળ હતી ત્યારે તે સમયના ટોચના ઉદ્યોગપતિ સર આદમજી હાજી દાઉદે ઝીણાને પાકિસ્તાનની આર્થિક મદદ માટે કોરો ચેક આપ્યો. આમ આ ઉદ્યોગપતિએ નવા બનેલ પાકિસ્તાનને પોતાના દાનથી આર્થિક મુશ્કેલીમાં સપડાતાં બચાવી લીધું."
ઑલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ અને ઇતિહાસકાર ઇકબાલ ઑફિસર કંઈક આ રીતે પાકિસ્તાનના નિર્માણ અને પ્રગતિમાં ગુજરાતી ઉદ્યોગપતિ સર આદમજી હાજી દાઉદની અવિસ્મરણીય ભૂમિકા વિશે માહિતી આપે છે.
પાકિસ્તાનના નિર્માણ અને વિકાસમાં સર આદમજીના ફાળાને માત્ર એક વાતથી સમજી શકાય એમ છે.
14 ઑગસ્ટ, 1999ના રોજ પાકિસ્તાનની સરકારે સર આદમજીની યાદમાં 'આઝાદીના અગ્ર-દૂતો'ની શ્રેણીમાં સ્ટૅમ્પ બહાર પાડ્યો હતો.
ભારત અને પાકિસ્તાન બંને દેશોના નિર્માણ અને પુનર્નિર્માણ અને બંનેને સ્થિરતા બક્ષવામાં ગુજરાતીઓનું પ્રશંસનીય યોગદાન છે. તેમાં પણ ખાસ કરીને કાઠિયાવાડીઓનું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક તરફ ભારતમાં જ્યાં 'બાપુ' હતા, તેવી જ રીતે સામેની તરફ પાકિસ્તાનના નિર્માણ અને તેની પ્રગતિમાં કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણા જેવા કાઠિયાવાડીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી.
કાઠિયાવાડનું આવું જ એક નામ એટલે, સર આદમજી હાજી દાઉદ. તેઓ બ્રિટિશ ભારત અને પાછળથી પાકિસ્તાનના પ્રખ્યાત અને દાનવીર ઉદ્યોગપતિઓમાંથી એક હતા.
બીજા ધોરણ સુધી ભણેલા આદમજી બન્યા બિઝનેસ ટાયકૂન
વર્લ્ડ મેમણ ઑર્ગેનાઇઝેશન દ્વારા પ્રકાશિત મૅગેઝિન 'મેમણ આલમ'ના ડિસેમ્બર, 2012ના અંકમાં સર આદમજી હાજી દાઉદ વિશે વિગતવાર લેખ છે.
આ લેખ અનુસાર આદમજીનો જન્મ 30 જૂન, 1880ના રોજ કાઠિયાવાડના જેતપુરમાં જન્મ થયો હતો. તેમના પિતા એક ધંધાર્થી હતા.
આદમજી ઝાઝું ભણ્યા નહીં, તેમણે માત્ર બીજા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો, પરંતુ પોતાની કુનેહ અને સાહસિકતાથી ભારતના ઉદ્યોગજગતના તેઓ શિરમોર બની ગયેલા.
સફળતા માટે ભણતર નહીં પરંતુ મહેનતુ સ્વભાવ અને જોખમ ઉઠાવવાની તૈયારી વધુ મહત્ત્વ ધરાવે છે, તે વાતનો તેઓ પુરાવો હતા.
જેતપુરના ભૂતપૂર્વ ઉદ્યોગપતિ અને ઇતિહાસના અભ્યાસુ ગુણવંતભાઈ ધોરડા જણાવે છે કે, "આદમજી જ્યારે પણ કોઈ સભામાં કે સમિતિમાં પોતાની ઓળખ આપતાં ત્યારે તેઓ કહેતા કે તેઓ ભાદરના ગ્રૅજ્યુએટ છે."
પોતાની સફળતામાં જેતપુરમાં મળેલ ગુજરાતી સંસ્કારોને તેઓ ક્યારેય ના ભુલ્યા.
અહીં નોંધનીય છે કે જેતપુર એ ભાદર નદીને કિનારે વસેલ શહેર છે. આ વાત એનો પુરાવો છે કે તેઓ ક્યાંય પણ ગયા પરંતુ પોતાના મૂળથી અલગ નહોતા પડ્યા.
તેઓ ખૂબ નાની ઉંમરે બર્મા (હાલનું મ્યાનમાર) ખાતે મેસર્સ સાલેહ મોહમ્મદ ગઝિયાની ઍન્ડ કંપની સાથે કામ કરવા લાગ્યા. ત્યાર બાદ 1896માં તેમણે પોતાના પારિવારિક બિઝનેસમાં ઝંપલાવ્યું.
ગળથૂથીમાં વેપારનાં ગુણો મેળવેનાર આદમજીએ ઝડપથી જુદા-જુદા ધંધાર્થીઓ સાથે ટ્રેડિંગ લિંક પ્રસ્થાપિત કરવાનું શરૂ કરી દીધું અને કૉમોડિટી માર્કેટમાં સારું એવું નામ બનાવી લીધું.
થોડો સમય પસાર થયા બાદ તેઓ ધંધામાં એટલા પાવરધા થઈ ગયા કે તેમણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો. તેઓ એક દીર્ઘદૃષ્ટા અને સાહસિક ધંધાદારી હતા.
જોતજોતામાં 1901માં શરૂ કરેલી તેમની આ પેઢી ચોખા અને માચીસની નિકાસ કરતી સૌથી મોટી પેઢી બની ગઈ. આટલું જ નહીં તેમણે અન્ય ક્ષેત્રો પર પણ હાથ અજમાવ્યો અને તેઓ બર્માના શણ અને શણની વસ્તુઓના સૌથી મોટા આયાતકાર બની ગયા.
તેમણે પોતાની સમગ્ર મૂડી આ તમામ વસ્તુઓના સંગ્રહમાં રોકી દીધી હતી.
જેનું પરિણામ એ આવ્યું કે બજારમાં તેની ભારે અછત સર્જાઈ અને પરિણામે ભાવવધારો થયો. આ ભાવવધારાથી આદમજીની પેઢી જબરદસ્ત નફો રળતી થઈ ગઈ.
આવી રીતે ભારત અને તેની આસપાસના દેશોમાં એક મોટા ઉદ્યોગસાહસિક તરીકે તેમની નામના થવા લાગી.
એક મુસ્લિમ દ્વારા શરૂ કરાઈ પ્રથમ પબ્લિક લિમિટેડ કંપની
એક ઉદ્યોગસાહસિક તરીકે આદમજી હાજી દાઉદની ખ્યાતિ તો પ્રસરતી જઈ રહી હતી, પરંતુ તેઓ આટલાથી સંતોષ માને એવું નહોતું.
ધંધાર્થી તરીકે થોડો સમય વિતાવ્યા બાદ તેમને ખ્યાલ આવી ગયો કે વધુમાં વધુ નફો રળવો હોય તો તેની માટેનો માર્ગ છે, ઉત્પાદન.
નફાની સાથોસાથ તેમના મનમાં રોજગારીસર્જનનો ખ્યાલ હતો.
આ ખ્યાલ સાથે જ તેમણે વર્ષ 1921માં બર્માના રંગૂન ખાતે માચીસની એક ફેકટરી શરૂ કરી અને વર્ષ 1929માં કલકત્તા પાસે એક શણના કારખાનાના બાંધકામની શરૂઆત કરી.
1931માં આ ફેકટરીનું બાંધકામ પૂરું થયું, ત્યારે તેમણે કલકત્તા સ્ટૉક ઍક્સ્ચેન્જ ખાતે આ ફેકટરીના શૅર બહાર પાડ્યા.
મેમણ આલમ મૅગેઝિનના લેખ અનુસાર આ પ્રથમ વાર હતું કે કોઈ મુસ્લિમ વેપારી દ્વારા પબ્લિક લિમિટેડ કંપની શરૂ કરવામાં આવી હોય.
આમ, સમય જતાં બીજા વિશ્વ યુદ્ધના અંત સુધીમાં તો તેઓ ભારતના શણના મોટા નિકાસકાર બની ગયા.
સમાજકાર્યના ક્ષેત્રે પણ સક્રિય
પોતાના વેપાર અને ઉદ્યોગો થકી તાલેવાન બનેલ આદમજીએ સમાજકાર્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી.
તેમણે બર્મા અને ભારતમાં જુદાં-જુદાં સ્થળોએ સ્કૂલો, કૉલેજો અને હૉસ્પિટલોનું નિર્માણ કરાવ્યું. પોતાના લોકોપકારક સ્વભાવને કારણે તેમણે ક્યારેય સારા કાજ માટે મદદ કરવાથી પીછેહઠ નહોતી કરી.
1933માં પોતાના ગુજરાતી મેમણ સમાજમાં શિક્ષણની જરૂરિયાત લાગતાં તેમણે જેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તેવાં કુટુંબોનાં બાળકોની મદદ માટે મેમણ ઍજ્યુકેશન ઍન્ડ વેલફેર સોસાયટીની સ્થાપના કરી.
વહાલું વતન નામના પુસ્તકમાં પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા સર આદમજીના સમાજકાર્યની નોંધ લેતાં લખે છે, "જેતપુર પર એક શાપ છે : કદાચ મોટા કલાકારો-કવિઓ-ઉદ્યોગપતિઓ-વેપારી ત્યાં થયા, પણ કોઈ ત્યાં રહ્યા નહીં."
"ગઝલનો સિતારો પંકજ ઉધાસ જેતપુરમાં જન્મ્યા, પણ મુંબઈ જઈને ચમક્યા."
"પાકિસ્તાનમાં ટોચના ઉદ્યોગપતિ તે સર આદમજી હાજી દાઉદ જેતપુર છોડીને પાકિસ્તાન ચાલ્યા ગયા. તેમણે તો પાકિસ્તાન જઈને પણ નામના કાઢેલી."
"તેમની સ્થાપેલી અને જેતપુરના ધોરાજી રોડને કાંઠે ઊભેલી સર આદમજી હાજી દાઉદ હૉસ્પિટલનું ખંડેર પણ કોઈ ઇમારત કરતાં ભવ્ય લાગે, હવે તો ત્યાં સપાટ મેદાન છે."
આદમજીના કુટુંબની એક પરંપરા હતી. તેઓ તમામ સુખ-દુખના પ્રસંગે પોતાના વતન આવતા અને ત્યાં આવીને જ તમામ જરૂરી વિધિ કરતા હતા.
આવા જ બે પ્રસંગોમાં જેતપુરને તેમણે બે મોટી સખાવતરૂપી ભેટો આપી હતી.
ગુણવંતભાઈ ધોરડા આ પ્રસંગો વિશે જણાવતાં કહે છે, "કુટુંબના રિવાજ પ્રમાણે આદમજીએ પોતાના મોટા દીકરા અબ્દુલ હામીદનાં લગ્ન રંગૂનથી આવી જેતપુરમાં સંપન્ન કરાવ્યાં હતાં."
"કુટુંબના રિવાજ પ્રમાણે તેમણે પોતાના દીકરાના લગ્નપ્રસંગની યાદમાં મોટી સખાવતની જાહેરાત કરી. જે અંતર્ગત પહેલાંથી નાના પાયે ચાલી રહેલી હાજી દાઉદ ડિસ્પેન્સરીનો વ્યાપ વધારી તેને વિશાળ હૉસ્પિટલમાં તબદીલ કરી હતી. જેનો લાભ વર્ષો સુધી જેતપુરવાસીઓને મળતો રહ્યો."
ત્યારબાદ તેમનાં નાનાં પુત્રી અને પુત્રનાં લગ્ન વખતે પણ તેમણે આવી જ રીતે મોટી સખાવતની જાહેરાત કરી હતી.
ધોરડા કહે છે, "આ વખત તેમણે શહેરને સર આદમજી મુસ્લિમ હાઈસ્કૂલની ભેટ આપી. આ ઇમારત એટલી વિશાળ હતી કે તે સમયે કોઈ યુનિવર્સિટી જેવી લાગતી હતી."
મુસ્લિમ સમાજ માટે કરાયેલ તેમનાં આ સેવાભાવી કાર્યોની નોંધ લેવાનું સ્થાનિક અને અન્ય મુસ્લિમ સમાજોએ શરૂ કરી દીધું હતું. તેમની લોકપ્રિયતા વધતી જતી હતી.
મુસ્લિમ સમાજે તેમને તેમનાં સેવાભાવી કાર્યો માટે બિરદાવવામાં આવે તેવી માગણી ઉઠાવી.
જેને પગલે નવ જૂન, 1938ના રોજ, બંગાળના તત્કાલીન ગવર્નર લૉર્ડ બ્રેડબોર્ને આદમીજીને 'નાઇટ કમાન્ડર ઑફ ઇન્ડિયન ઍમ્પાયર'નો ખિતાબ આપ્યો. ત્યાર પછીથી તેઓ સર આદમજી દાઉદ તરીકે ઓળખાવા લાગ્યા.
ઝીણા સાથે મુલાકાત બાદ બન્યા નિષ્ઠાવાન અનુયાયી
વર્ષ 1928માં મુસ્લિમ ચૅરિટી ટ્રસ્ટ પર બજેટરી ટૅક્સમાં વિસંગતતાના મુદ્દે આદમજીની મુલાકાત બૅરિસ્ટર મોહમ્મદ અલી ઝીણા સાથે થઈ. તેઓ ઝીણાના તાર્કિક વિચારશક્તિથી પ્રભાવિત થયા અને ઝીણાને તેમનામાં મુસ્લિમ લીગ માટે એક સહાયક, નિષ્ઠાવાન અને શ્રીમંત કાર્યકર દેખાયા.
થોડો સમય પસાર થયા બાદ તેઓ મુસ્લિમ લીગના સૌથી મોટા દાતા તરીકે સામે આવ્યા અને એકલાહાથે પાર્ટીને જરૂરી ફંડ પૂરું પાડવા લાગ્યા.
તેઓ ધીરે-ધીરે ઝીણાના ગણતરીના ભરોસાપાત્ર માણસો પૈકી એક બની ગયા. આ માણસો એટલે એવા માણસો જેમને ઝીણા પર અને જેમના પર ઝીણાને ગળાડૂબ વિશ્વાસ હતો.
મોટા ભાગે ઝીણાના આવા માનીતા સાથીદારો ધનિક, અનુભવી, ચતુરાઈ અને દેશભક્તિની ભાવના જેવાં ગુણોથી સંપન્ન લોકો હતા.
ઝીણાની આ ભરોસાપાત્ર વ્યક્તિઓ સીધેસીધે ભલે પૉલિટિક્સમાં સક્રિય ન હોય, પરંતુ તેમની સક્રિયતાથી ભલભલા રાજકીય નિર્ણયોની દિશા બદલી શકાતી હતી.
ઝીણાના આદમજી જેવા સિપાહસાલારોની ભૂમિકાનું મહત્ત્વ નોંધતાં મેમણ આલમ મૅગેઝિનના લેખમાં યોગ્ય જ નોંધાયું છે, "ઝીણાના આવા ભરોસાપાત્ર સાથીદારો વગર પાકિસ્તાનની રચના શક્ય નહોતી."
પાકિસ્તાનના અસ્તિત્વ અને વિકાસમાં ફાળો
આદમજી ન માત્ર ઝીણાના અનુયાયી બનીને પાકિસ્તાનની રચના માટે સક્રિય ભૂમિકા ભજવી, પરંતુ તેમણે રાષ્ટ્રની રચના બાદ તેના માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવાનું પણ બીડું ઝડપી લીધું હતું.
પાકિસ્તાનની રચના વખતે પહેલાંથી સ્થાપિત બિઝનેસમૅન આદમજીએ દેશકાજ માટે ઘણું અનુદાન અને યોગદાન આપ્યું.
આ લેખની શરૂઆતમાં નોંધાયું છે તેમ ભારતમાંથી અલગ રાષ્ટ્રના નિર્માણ સમયે પાકિસ્તાન અને ભારત વચ્ચે પ્રવાહી સંપત્તિની વહેંચણી અગાઉથી નક્કી થયેલાં ધારાધોરણો પ્રમાણે થવાની હતી.
પરંતુ આઝાદી બાદ પણ પાકિસ્તાનને હજુ સુધી ભારત તરફથી મળવાપાત્ર મૂડી મળી નહોતી.
આદમજી ગ્રૂપની વેબસાઇટ પર રજૂ કરાયેલ માહિતી અનુસાર ભારત તરફથી મળવાપાત્ર રકમ સમયસર ન મળતાં કાયદે આઝમ ઝીણા ગુસ્સે ભરાયા.
વેબસાઇટ પર જણાવાયું છે કે આ વાતની જાણ થયા બાદ તેમણે સર આદમજીને દેશની આર્થિક સ્થિતિ વિશે જાણ કરતો 'SOS' (સેવ અવર સૉલ) મૅસેજ મોકલ્યો.
તેના થોડા સમય બાદ મુસ્લિમ લીગના સભ્ય હાતિમ અલવી અને પાકિસ્તાનના પ્રથમ નાણામંત્રી ગુલામ મોહમ્મદે સર આદમજી અને તેમના પુત્ર વાહિદનો સંપર્ક સાધ્યો અને તેમની પાસેથી આર્થિક મદદની માગ કરી.
તે સમયે ઇમ્પિરિયલ બૅન્ક ઑફ ઇન્ડિયાની કરાચી શાખા પાસે પણ પૂરતાં નાણાંની અછત હતી.
1947ના નવેમ્બર માસમાં અચાનક આ અછત પુરાઈ ગઈ કારણ કે એક રહસ્યમય સ્રોતથી બૅંકમાં નાણાં જમા થઈ ગયાં હતાં. બૉમ્બે ટ્રેઝરી ખાતે એક ક્રૅડિટ ઍન્ટ્રી થઈ. જે ઇમ્પિરિયલ બૅન્ક ઑફ ઇન્ડિયા થકી નાણાં આવ્યાં હોવાનું સૂચન કરતી હતી, એવું મનાય છે કે આ મદદ આદમજી દાઉદ પાસેથી મળી હતી.
અહીં જે રહસ્યમય ફંડિંગની નોંધ કરાઈ છે, તે અંગે ઇકબાલ ઑફિસર જેવા ઇતિહાસકારો ખાતરીપૂર્વક જણાવે છે કે આ નાણાંની મદદ પાકિસ્તાનને અન્ય કોઈ પાસેથી નહીં, પરંતુ આદમજી પાસેથી જ મળી હતી.
ગુણવંતભાઈ ધોરડા પણ ઇકબાલ ઑફિસરની આ વાત સાથે સાથે સંમત થાય છે.
તેઓ કહે છે, "માત્ર કોરો ચેક જ નહીં. પાકિસ્તાનને આર્થિક મદદની જરૂર હતી ત્યારે તેમણે ઝીણાને પોતાની તમામ માલ-મિલકત દેશને સમર્પિત કરી દેવા પણ તૈયારી બતાવી હતી."
રાષ્ટ્રનિર્માણ માટે ઝીણાએ જુદા-જુદા ઉદ્યોગો સ્થાપવાની જવાબદારી જુદા-જુદા ઉદ્યોગપતિઓના ખભે નાખી હતી.
ઉદ્યોગપતિઓની આ યાદીમાં સ્વાભાવિક છે કે આદમજીનું પણ નામ સામેલ હતું. આદમજીએ કલકત્તામાં ઝીણાની પ્રેરણાથી મુસ્લિમ કૉમર્શિયલ બૅંકની સ્થાપના કરી.
પાકિસ્તાનની ટોચની સમાચાર સંસ્થા ડૉન ડોટકૉ઼મના એક અહેવાલ પ્રમાણે ઝીણાએ પાકિસ્તાનમાં બૅન્કિંગ તંત્ર ગોઠવવાની જવાબદારી આદમજી અને હબીબ પરિવારને સોંપી હતી.
વીમાક્ષેત્રને વિકસાવવાનું કામ ઇસ્ટર્ન ફેડરલ યુનિયન ઇન્સ્યૉરન્સ કંપનીને સોંપાયું હતું.
જોકે, હાલમાં આદમજી ગ્રૂપની એક શાખા હનીફ્સ, આદમજી ઇન્સ્યૉરન્સ કંપની પાકિસ્તાનમાં ચલાવે છે. જે પાકિસ્તાનની સૌથી વધુ વિશ્વસનીય વીમા કંપનીઓ પૈકી એક છે.
ત્યાર બાદ ઝીણાએ નવા રચાયેલા દેશમાં વિમાનસેવા માટેની જવાબદારી પણ આદમજી અને ઇસ્પાહના ખાનદાન પર નાખી હતી. જેમણે સાથે મળીને ઑરિએન્ટ ઍરવૅઝની શરૂઆત કરી હતી.
1948માં કાયદે આઝમ ઝીણાના સંદેશ બાદ સ્ટૅટ બૅન્ક ઑફ પાકિસ્તાનની સ્થાપના માટે આદમજી કલકત્તાથી કરાચી આવ્યા.
પરંતુ કમનસીબે આ હેતુસર મળેલી મિટિંગમાં ભાગ લેતી વખતે જ તેમને હૃદયરોગના હુમલો આવ્યો અને 27 જાન્યુઆરી, 1948ના રોજ કરાચી ખાતે તેમનું નિધન થયું.
તેમના મૃત્યુ બાદ શોકસંદેશમાં મોહમ્મદ અલી ઝીણાએ કહ્યું હતું કે, "જો આપણી પાસે સર આદમજી જેવી બાર વ્યક્તિઓ હોત તો પાકિસ્તાન ઘણું જલદી મેળવી શકાયું હોત."
તેમણે આદમજીના મૃત્યુને પાકિસ્તાન માટે રાષ્ટ્રીય ખોટ ગણાવી હતી.
ઝીણાએ કહ્યું હતું, "તેઓ એક વફાદાર મુસ્લિમ હતા અને પાકિસ્તાન મેળવવાના આપણા સંઘર્ષમાં તેમનો મહત્ત્વનો ફાળો હતો. હવે જ્યારે આપણે પાકિસ્તાન મેળવી લીધું છે, ત્યારે તેમની ખોટ વધુ સાલશે, કારણ કે આ જ એ સમય હતો જ્યારે આપણને તેમની સેવાઓની તાતી જરૂરિયાત હતી."
"તેમના મૃત્યુના કારણે મુસ્લિમ બિઝનેસ કૉમ્યુનિટીમાં એક એવો અવકાશ સર્જાશે જેની ખોટ પૂરવી અઘરું સાબિત થશે. તેમનું મૃત્યુ પાકિસ્તાન માટે રાષ્ટ્રીય ખોટ છે."
મૃત્યુ પછી પાકિસ્તાનમાં બન્યા વિશ્વાસનું બીજું નામ
આદમજીના મૃત્યુ પછી તેમનો પરિવાર પાકિસ્તાનના કરાચી અને પૂર્વ પાકિસ્તાનના ઢાકામાં સ્થાયી થયો. જ્યાં વેપારક્ષેત્રે પોતાના પૂર્વજોનું નામ કાઢવાનું ચાલુ રાખ્યું.
આદમજીના સૌથી મોટા પુત્ર એ. ડબ્લ્યૂ આદમજીએ ઢાકા ખાતે વિશ્વની સૌથી મોટી શણની મિલ શરૂ કરવાની જાહેરાત કરી. એ સમયે આ મિલમાં બે લાખ કામદારો કામ કરતા હતા.
ત્યાર બાદ દાયકાઓ સુધી આદમજી પરિવારે 'આદમજી' બ્રાન્ડનૅમ સાથે ઘણી પ્રોડક્ટ લૉન્ચ કરી. હાલ આદમજી નામ પાકિસ્તાનમાં ઘરે-ઘરે ઓળખાતું નામ બની ગયું છે.