You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતને અડીને આવેલું દીવ રાજ્યમાં કેમ સામેલ ન થયું?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
15 ઑગસ્ટ 1947ના દેશનો મોટા ભાગનો ભૂભાગ સ્વતંત્ર થઈ ગયો, પરંતુ ગોવા, દમણ, દીવ અને દાદરા તથા નગરહવેલીને ભારતનો હિસ્સો બનવામાં લગભગ દોઢ દાયકાનો સમય લાગી જવાનો હતો, કારણ કે ત્યાં પોર્ટુગીઝોનું શાસન હતું.
આઝાદી પછીના પાંચેક વર્ષમાં જ દાદરા અને નગરહવેલી સ્વાયત્ત તો બની ગયાં હતાં, પરંતુ તે ભારતના ભાગરૂપ ન હોતાં. વર્ષ 1987માં ગોવાને પૂર્ણ રાજ્ય તરીકેનો દરજ્જો મળી ગયો.
જોકે દમણ-દીવ કેન્દ્રશાસિત પ્રદેશ જ રહ્યા અને ગુજરાતનો હિસ્સો ન બની શક્યા, જેની પાછળ એથી વીસ વર્ષ અગાઉ ઘટેલી એક ઘટના હતી.
આમ તો મહાભારતકાળમાં પણ દીવનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ મધ્યકાલીન યુગમાં બનેલી ઘટનાઓની દીવના વર્તમાન શાસનદરજ્જા પર સીધી જ અસર જોવા મળે છે.
અયાઝ મલિક: દરિયાનો દિલેર
16મી સદી દરમિયાન દરિયાઈ વેપાર પર પોર્ટુગલની આણ વર્તાતી હતી. ફિરંગીઓ મધદરિયે મોટા-મોટા શાહસોદાગરોનો માલ લૂંટી લેતા અને જહાજો સળગાવી દેતા.
એ અરસામાં અયાઝ મલિકનો જન્મ વર્તમાન સમયના જ્યૉર્જિયામાં થયો.
તુર્કોએ અયાઝને ગુલામ તરીકે પકડ્યો હતો તથા અન્ય દાસોની સાથે તેને પણ ગુજરાતના સુલતાન મહંમદ બેગડાના દરબારમાં રજૂ કરવામાં આવ્યો હતો. બાદશાહે તેને મુક્ત કરી દેવાના આદેશ આપ્યા. અયાઝ જેમ-જેમ મોટો થતો ગયો, તેમ-તેમ તેનામાં કુશળ વ્યૂહરચનાકાર તથા સમજદાર શાસક તરીકેના ગુણ ખીલવા લાગ્યા.
વર્ષ 1478માં મહમદ બેગડાએ દીવ બંદરના સુબેદાર તરીકે મલિકની નિમણૂક કરી અને સુલતાનના નૌકાધિપતિ બન્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મલિકે જૂનાગઢને બદલે વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ એવા દીવને વહીવટનું કેન્દ્ર બનાવ્યું. અયાઝે ગુજરાતના દરિયાકિનારાને આરબોથી સુરક્ષિત બનાવ્યો અને વેપારીઓ નિર્ભય બનીને હિંદ મહાસાગર ખેડતા થયા.
મલિક નૌકાધ્યક્ષ હોવા ઉપરાંત રાજદ્વારી અને વેપારી પણ હતા. તેમના વ્યક્તિગત જહાજ દેશદેશાવરની સફરો ખેડતા. જે સમયમાં રાજાઓ અને સુલતાનો તેમની જમીની સેનાને સશક્ત બનાવવા માટે પ્રયાસરત હતા અને દેશ-વિદેશથી આધુનિક હથિયાર મંગાવતા, ત્યારે અયાઝે દરિયાને સલામત બનાવવા પર ધ્યાન આપ્યું હતું, આ માટે તેમણે પાણીકોઠાનું નિર્માણ કરાવડાવ્યું.
દીવના ઇતિહાસના અભ્યાસુ હિતેષ શાસ્ત્રીના કહેવા પ્રમાણે, "અયાઝ મલિકે દીવમાં માળખાકીય સુવિધાઓમાં વધારો કર્યો, જેના કારણે આ બંદર પરથી વેપાર વધ્યો. તેણે પોર્ટુગીઝોથી દીવનો બચાવ કરવા માટે બે તોપ વિદેશથી મંગાવી તથા તેને ચલાવવા માટે તુર્કિસ્તાનથી નિષ્ણાતોને બોલાવ્યા."
પોર્ટુગીઝ મુસાફર ડુરાટ બાર્બોસાએ ઈ.સ. 1515 આસપાસ ભારતની મુલાકાત લીધી હતી, જેણે દીવના સુબેદાર મલિક વિશે પોતાના વર્ણનમાં લખ્યું છે કે, 'મલિક મૂર્તિપૂજક હોય તથા ન હોય તેમના વચ્ચે ભેદ નથી કરતા. તેમનાં જહાજ અદ્યતન તોપો તથા તોપચીઓથી સજ્જ છે. આ તમામ તોપચી મૂર (મુસલમાન) છે.'
અયાઝ મલિકે વર્ષ 1508થી 1521 દરમિયાન ઇજિપ્તના વહાણવટીઓને સાથે લઈને પોર્ટુગીઝ વહાણોનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો અને ગુજરાતી શાહસોદાગરોના દરિયાઈ વેપારને ફિરંગીઓથી સલામત બનાવ્યો.
જીવનપર્યંત દીવ, ઘોઘા, ખંભાત કે અન્યત્ર થાણું સ્થાપવાના પોર્ટુગીઝોના પ્રસ્તાવનો સુલતાનના દરબારમાં વિરોધ કર્યો, ચાહે તે મહમદ બેગડા હોય કે સુલતાન મુજ્જફરશાહ. 70 વર્ષની જૈફ વયે પણ અયાઝ મલિકે લડત ચાલુ રાખી અને અવસાન થયું.
એ પછીનાં વર્ષો દરમિયાન ફિરંગીઓએ દીવને પોતાને અધીન કરવાના કે ત્યાં કોઠી સ્થાપવાના પ્રયાસ ચાલુ રાખ્યા. છતાં તેમાં ખાસ સફળતા ન મળી.
વર્ષ 1935માં તેમણે ચઢાઈ કરી, પરંતુ નિષ્ફળ રહ્યા.એક તરફ પોર્ટુગીઝ તો બીજી તરફ હુમાયુના નેતૃત્વમાં મુઘલોએ ગુજરાતના દરવાજે ટકોરા દીધા હતા.
આવા સમયે ગુજરાતના સુલતાન બહાદુરશાહે પોર્ટુગીઝ પ્રતિનિધિ નૂનો-ડી-કુન્હા સાથે 25 ઑક્ટોબર, 1535ના કરાર કર્યા તથા દરિયા કે જમીનમાર્ગે સુલતાન પર હુમલો થાય તો પોર્ટુગીઝોએ સાથ આપવો એવું નક્કી થયું.
પાછળથી પોર્ટુગીઝોએ ગુજરાતના બાદશાહને મધદરિયે મિજબાનીનું આમંત્રણ આપ્યું, જ્યાં તેમની હત્યા કરી દેવામાં આવી અને તેમના મૃતદેહને દરિયામાં વહાવી દેવામાં આવ્યો.
વર્ષ 1510થી જ ફિરંગીઓએ બીજાપુરના સુલતાન પાસેથી ગોવા ખૂંચવી લીધું હતું અને વેલ્હા ગોવામાંથી શાસન કરતા. વર્ષ 1523માં બંદર તરીકે દમણ પર પોર્ટુગીઝોની નજર ઠરી હતી તથા તેને હાંસલ કરવા માટે અનેક વખત ચઢાઈઓ કરી હતી, પરંતુ સફળતા ન મળી.
છેવટે વર્ષ 1559માં સંધિ દ્વારા ગુજરાતના સુલતાન પાસેથી દમણનો કબજો મેળવ્યો.
દાદરા (1783) તથા નગરહવેલી (1785) પર પ્રભુત્વ સ્થાપવામાં ફિરંગીઓને વધુ દોઢસો વર્ષ જેટલો સમય લાગી જવાનો હતો. એ સમયે તે 72 ગામનો સમૂહ હતો, જેનો કુલ વિસ્તાર 491 વર્ગ કિલોમીટર જેટલો હતો.
પોર્ટુગીઝોએ મરાઠાઓ પાસેથી તેની મહેસૂલ વસૂલવાની સત્તા મેળવી હતી, પરંતુ એંગ્લો-મરાઠા યુદ્ધમાં મરાઠાઓનો પરાજય થતાં આ બંને વિસ્તાર પોર્ટુગીઝોને અધીન થયા હતા.
ઑપરેશન વિજય
રિઅર ઍડમિરલ (રિટાયર્ડ) સત્યેન્દ્રસિંહે ભારતીય નૌકાદળના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતાં 'ધ ઇન્ડિયન નેવી, 1951- '65' નામનું પુસ્તક લખ્યું છે. જેમાં તેમણે (પેજ 344-415) ગોવા અને દીવ-દમણની સમસ્યા પર પ્રકાશ પાડ્યો છે.
તેઓ લખે છે કે, 'દીવ, દમણ, ગોવા, મુંબઈ, સેન થોમ (ચેન્નાઈ પાસેની જગ્યા) અને હુગલીને (બંગાળ) પોર્ટુગીઝ તાજનાં રતન માનવામાં આવતાં.'
'વર્ષ 1947માં ભારત સ્વતંત્ર થઈ ગયું હતું અને 14-15 ઑગસ્ટ, 1955ની રાત્રે દીવ, દમણ અને ગોવામાં માત્ર તિરંગા સાથે સત્યાગ્રહીઓએ પ્રવેશ કર્યો, તેઓ સ્થાનિકોની સ્વાતંત્ર્યચળવળ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા માગતા હતા. સરહદ પર પોલીસે લાકડીઓ અને રાયફલોથી 'ઘૂસણખોરો'ને ફટકાર્યા. દીવ અને દમણ નાનાં કેન્દ્ર હતા, પરંતુ આ અભિયાનનું મુખ્ય કેન્દ્ર ગોવા હતું, જ્યાં 'જયહિંદ' અને 'વિવા ગોવા'ના નારાઓ અને પત્રિકાવિતરણ કરીને સ્થાનિકોએ પોર્ટુગીઝ શાસન પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો.
એમાં 22 ભારતીય તથા બે ગોવાવાસીઓનાં મૃત્યુ થયાં. 225 લોકો ઘાયલ થયા, જેમાંથી 38ની ઈજાઓ ગંભીર પ્રકારની હતી. ભારતના મીડિયામાં આ ઘટનાની વ્યાપક ચર્ચાઓ થઈ અને ગોવામાં પોલીસ કાર્યવાહી હાથ ધરવાની માગ થવા લાગી, પરંતુ જવાહરલાલ નેહરુ ધીરજપૂર્વક આ સમસ્યાનો ઉકેલ લાવવા માગતા હતા.
વર્ષ 1960માં જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ગોવાનો મુદ્દો ચર્ચાયો ત્યારે પોર્ટુગલે વિશ્વભરમાં તેનાં સંસ્થાનો વિશે અહેવાલ આપવાનો ઇન્કાર કરી દીધો.
પોર્ટુગલનું કહેવું હતું કે એ દરેક સ્થળ તેના આંતરિક ભાગરૂપ છે. બીજા વર્ષે યુએનની ટ્રસ્ટીશિપ કાઉન્સિલે પોર્ટુગલના વલણને વખોડી કાઢ્યું.
નવેમ્બર-1961માં યુએન ખાતે ભારતના પ્રતિનિધિ વી.કે. કૃષ્ન મેનને સ્પષ્ટ કરી દીધું હતું કે જો ભારતની ઉશ્કેરણી કરવામાં આવશે તો તે બળપ્રયોગ કરતાં પણ ખચકાશે નહીં. ભારતનું આકલન હતું કે ગોવામાં 2200 જેટલા અને દીવ-દમણમાં 360-360 જેટલા સૈનિક હતા. આ સિવાય મૉર્ટાર, વિમાનવિરોધી હથિયાર, જહાજવિરોધી હથિયાર, ગોવામાં નૌકાદળની બોટો, જેમાં આધુનિક હથિયારો હોવાનું આકલન હતું.
પોર્ટુગલના કબજાવાળા અંજાદ્વીપ ટાપુ પાસેથી ભારતીય જહાજોની અવરજવર નિયમિત રહેતી. 17 નવેમ્બર, 1961ના ભારતીય જહાજ ઉપર પોર્ટુગીઝો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો. જેમાં જહાજના ચીફ એંજિનિયર ઘાયલ થયા, જેના કારણે ભારતીય અખબારોમાં વ્યાપક ચર્ચાઓ થઈ.
24 નવેમ્બરે ભારતીય માછીમારોની નાની-નાની હોડીઓ ઉપર ગોળીબાર થયો, જેમાં એક માછીમારનું મૃત્યુ થયું. પોર્ટુગલ દ્વારા દાવો કરવામાં આવ્યો કે તે પોર્ટુગીઝ સીમાઓ ઉપર હુમલાનો પ્રયાસ કરી રહ્યા હતા. ચાર દિવસ પછી નેહરુએ દેશની સંસદમાં ચર્ચા કરતા કહ્યું કે, 'ભારત પાસે ઘણાં શક્તિશાળી જહાજ છે, તે માલવાહક કે મુસાફર જહાજોનો ઉપયોગ નહીં કરે.'
ભારતના ત્રણેય દળોએ મળીને અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં દીવના અભિયાન માટે મુખ્યત્વે ખુશ્કી અભિયાન હાથ ધરવામાં આવનાર હતું. નૌકાદળનું જહાજ 'દિલ્હી'ને કિનારાથી 10 માઇલ દૂર રહીને ટેકો આપવાનો હતો. ભૂમિદળની 20 રાજપૂત તથા ચાર મદ્રાસ ટુકડીઓને દીવને તાબે કરવાનું અભિયાન સોંપવામાં આવ્યું હતું.
દિલ્હીની કમાન કૅપ્ટન એન. કૃષ્નન સંભાળી રહ્યા હતા. તેમનું જહાજ બૉમ્બેથી નીકળ્યું અને 18 ડિસેમ્બર સવારે ચાર વાગ્યે અભિયાન હાથ ધરવામાં આવ્યું. જોકે, જમીનમાર્ગે આગળ વધતી વખતે ભારતીય સૈનિકોને ભારે પ્રતિકારનો સામનો કરવો પડ્યો.
'દિલ્હી'ના કપ્તાને સક્રિય ભૂમિકામાં ઝંપલાવવાનું નક્કી કર્યું. નૅવિગેટર નાડકર્ણીએ કહ્યું કે જહાજ દરિયાથી લગભગ એક માઇલ નજીક સુધી જઈ શકાય તેમ હતું.
જહાજ ઉપરની તોપોએ દીવાદાંડી, એટીસી ટાવર તથા અન્ય મહત્ત્વપૂર્ણ સ્થાનોને નિશાન બનાવ્યાં. ગણતરીના કલાકોમાં આખું અભિયાન પૂર્ણ થયું અને દીવ તથા અન્ય સ્થળો ઉપર ભારતીય તિરંગો ફરકવા લાગ્યો. આગળ જતાં કૃષ્નન ભારતીય નૌકાદળના રિયર ઍડમિરલ તથા નાડકરણી ઍડમિરલ બન્યા.
દીવ, દમણ, ગોવામાં ઓપિનિયન પોલ
વડા પ્રધાન જવાહરલાલ નહેરુ ઇચ્છતા હતા કે જે રીતે વર્ષ 1954માં પોંડીચરી (હાલનું પુડ્ડુચેરી) સહિતનાં સંસ્થાનો જે રીતે ભારતમાં ભળ્યાં અને તેમણે પોતાની આગવી ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખી, એવી જ રીતે ગોવા, દીવ અને દમણ પણ તેમની ઓળખ જાળવી રાખે તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરે. આ સંદર્ભે પોર્ટુગીઝો સાથે વાટાઘાટો પણ કરવામાં આવી હતી, પરંતુ તેણે નકારી કાઢી હતી.
ફિરંગી સંસ્થાનોમાં સૈન્ય કાર્યવાહી પછી ગોવાને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તેની 30 સભ્યવાળી વિધાનસભા હતી અને દીવ તથા દમણ તેની બે બેઠકો હતી. ઉપરાજ્યપાલ એ રાજ્યમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ હતા.
નહેરુના અવસાન પછી વડા પ્રધાન બનેલા લાલ બહાદુર શાસ્ત્રી પણ ઇચ્છતા હતા કે ગોવાની મૂળભૂત સંસ્કૃતિ, ધર્મ તથા ઓળખ જળવાઈ રહે. ઇંદિરા ગાંધી ઉપર ગોવા, દમણ અને ગોવાના લોકોની મરજી જાળવાની જવાબદારી આવી પડી. જોકે, આ પહેલાં મોટા પાયે મરાઠીઓનું ગોવામાં આગમન થયું હતું, જેના કારણે સ્થાનિક વસતિ ઓળખ બદલાઈ રહી હતી.
દીવના સરકારી ગૅઝેટિયરમાં (પેજ 29) આપવામાં આવેલી વિગત પ્રમાણે, વર્ષ 1960માં પોર્ટુગીઝોના શાસન દરમિયાન થયેલી વસતિગણતરી દરમિયાન દીવમાં 14 હજાર 200 જેટલા રહીશ હતાં, જેમાં છ હજાર જેટલા પુરુષ તથા આઠ હજાર 200 મહિલાઓનો સમાવેશ થતો હતો. 1950ની સરખામણીમાં આ વિસ્તારની વસતિ 21 હજાર 100 જેટલી હતી.
ટૉરેન્ટો યુનિવર્સિટીમાં રાજનીતિશાસ્ત્રના પ્રાધ્યાપક આર્થર રૂબિનૉફે ભારતને અધીન આવ્યા બાદ દીવ, દમણ અને ગોવાની રાજકીય પરિસ્થિતિ ઉપર વિશ્લેષણ કરતો લેખ 'એશિયન સર્વે'માં (વૉલ્યુમ 32, અંક પાંચ, 471-487) લખ્યો છે. તેઓ નોંધે છે:
'સ્થાનિકો નવા લોકોના આગમનથી અસહજ થઈ ગયા હતા. તેમણે ઓપિનિયન પોલ પહેલાં ગોવામાં કેટલાક સુધાર કરવાની શરતો મૂકી. જોકે, તંત્ર કેન્દ્ર સરકારને આધીન રહે અને મતદાન થાય તે એકમાત્ર શરતનો સ્વીકાર થયો.
ગોવાના મતદારો સમક્ષ બે વિકલ્પ હતા, તેમણે કેન્દ્રશાસિત પ્રદેશ બની રહેવું કે મહારાષ્ટ્રમાં ભળવું. દીવ અને દમણના લોકો સામે બે વિકલ્પો હતા. ગુજરાતમાં ભળવું કે કેન્દ્રશાસિત રહેવું.
ગોવાની સંસ્કૃતિને કાજે મુખ્ય મતદારવર્ગ ખ્રિસ્તી તથા બ્રાહ્મણોએ ગોવાને કેન્દ્રશાસિત રાખવા માટે જાન્યુઆરી-1967માં મતદાન કર્યું. જ્યારે દમણ તથા દીવના લગભગ દસ હજાર મતદારોએ ગુજરાતમાં ન ભળવાનો નિર્ણય લીધો. ગુજરાતમાં દારૂબંધી હતી અને જો તેની સાથે ભળશે તો તેનો દીવ-દમણમાં પણ અમલ થશે, તેવા વિચારે તેમણે ગુજરાતમાં ન ભળવાનો નિર્ણય લીધો.'
ગોવા, દીવ, દમણ
ફેબ્રુઆરી-1967માં ગોવા, દીવ અને દમણમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી નામની એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી સામેલ થઈ હતી. જોકે, ગોવામાં મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી અને યુનાઇટેડ ફ્રન્ટ (સુપેરિયા) છવાયેલા રહ્યાં. દીવ તથા દમણમાંથી અપક્ષ ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હતા.
વર્ષ 1987માં અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ બાદ ગોવાને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો. દીવ, દમણ અને દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ બની રહ્યા.
દાદરા અને નગરહવેલીનું વડું મથક સેલવાસ હતું, જ્યારે દમણ અન્ય બે માટે વહીવટી કેન્દ્ર બની રહ્યું. રાષ્ટ્રપતિ દ્વારા નીમવામાં આવેલા ઍડમિનિસ્ટ્રેટર દ્વારા આ કેન્દ્રશાસિત પ્રદેશનું સંચાલન કરવામાં આવે છે.
વર્ષ 2020માં દીવ, દમણ અને દાદરા અને નગરહવેલીને ભેળવીને એક એકમ બનાવી દેવામાં આવ્યું.