You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તામિલનાડુના વેપારીઓ મગફળી ખરીદવા ગુજરાત શા માટે આવે છે?
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યૂસ માર્કેટ કમિટી (એપીએમસી)ના યાર્ડો ખેડૂતોએ વેચવા માટે લાવેલ મગફળીથી છલકાઈ રહ્યાં છે.
વેપારીઓએ જણાવ્યા મુજબ આ વર્ષે મગફળીના બજારભાવ ગત વર્ષની સરખામણીએ પ્રતિ મણ લગભગ 70 રૂપિયા જેટલા ઓછા છે. પરંતુ મગફળીની બે જાતો--ગુજરાત જૂનાગઢ ગ્રાઉન્ડનટ ૯ (ટૂંકમાં GJG -9) અને કાદીરી-6ના બજારભાવ ઊંચા છે. કારણ? આ બે જાતની મગફળી જેને ખેડૂતો સામાન્ય રીતે 'નવ નંબર' અને 'છાંસઠ નંબર' તરીકે ઓળખે છે તેની તામિલનાડુના વેપારીઓ મોટા પાયે ખરીદી કરી રહ્યા છે અને ઊંચા ભાવ આપી રહ્યા છે.
તામિલનાડુના આ જિલ્લાઓમાં ગુજરાતની મગફળીની માગ
મગફળીનો પાક સામાન્ય રીતે ત્રણ મહિનાથી ચાર મહિનામાં તૈયાર થઇ જતો હોય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક પ્રોફેસર રાજેશ માદરીયા જણાવે છે કે તામિલનાડુમાં ખેડૂતો મગફળીના ત્રણ પાક લે છે-ખરીફ, કે જેનું વાવેતર જૂનમાં થાય છે, લેઇટ (મોડું) ખરીફ કે જેનું વાવેતર સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં થાય છે અને રવિ-ઉનાળુ જેનું વાવેતર ડિસેમ્બર-જાન્યુઆરીમાં થાય છે.
"તામિલનાડુમાં ખરીફ એટલે કે ચોમાસામાં વાવેલ મગફળીની ગુણવત્તા બહુ સારી હોતી નથી અને તેથી મોટા ભાગનો પાક તેલ કાઢવા માટે તેલની મિલોમાં પીલાણમાં જતો હોય છે. આવી મગફળી બિયારણ માટે સારી ગણાતી નથી. લેઇટ ખરીફની લણણી ડિસેમ્બર-જાન્યુઆરીમાં થાય છે તેથી તે મગફળી રવિ-ઉનાળુ પાકના વાવેતર સમયે ઉપલબ્ધ રહેતી નથી. આ કારણે તામિલનાડુના ખેડૂતો રવિ-ઉનાળુ મગફળીના વાવેતર માટે જોઈતા બિયારણ માટે ગુજરાત પાર નિર્ભર છે." પ્રો. માદરીયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું.
હાપા યાર્ડ ખાતે તામિલનાડુથી મગફળી ખરીદવા આવેલ વેપારી સી. એન. સેન્થીલ જણાવે છે કે બિયારણની બહુ માંગ છે.
તેમણે જણાવ્યું, "તામિલનાડુના તંજાવુર, સેલાં, મદુરાઈ, ત્રિચી (તિરુચિરાપલ્લી) વગેરે જિલ્લાઓમાં મગફળીના બિયારણની બહુ માંગ છે. મહારાષ્ટ્રમાં મગફળી વવાય છે પણ આ બે જાતની મગફળીનું વાવેતર ત્યાં થતું નથી. તેથી ગુજરાત એક જ રાજ્ય છે કે જ્યાંથી અમે આવું બિયારણ ખરીદી શકીયે છીએ," તેઓ બીબીસીને જણાવે છે.
આ મગફળીની માગ તામિલનાડુમાં વધારે
તામિલનાડુના ખેડૂતો પાસે રવિ-ઉનાળુ મગફળીનો પાક લેવા માટે સમય સીમિત હોય છે.
પ્રો. માદરીયા કહે છે: "તામિલનાડુમાં દરિયાકાંઠાને કારણે શિયાળામાં તાપમાન બહુ નીચું જતું નથી તેથી શિયાળામાં પણ મગફળી ઉગાડી શકાય છે. પરંતુ ત્યાં નેઋત્યનું ચોમાસું વહેલું શરુ થાય છે અને ડિસેમ્બર-જાન્યુઆરીથી શરુ કરીને પાક લેવા માટે ખેડૂતો પાસે અંદાજે 100 દિવસ(સાડા ત્રણ મહિનાથી પણ ઓછો) જેટલો સમય હોય છે."
"મગફળીની વહેલી પાકતી જાતો કે જે ગુજરાતમાં ઉભડી જાતો તરીકે જાણીતી છે તેનો પાક લગભગ 90 દિવસમાં તૈયાર થઇ જાય છે. GJG-9 અને કે-6 (કાદીરી-6) બંને વહેલી પાકતી ઉભડી પ્રકારની મગફળીની જાતો છે."
"વળી K-6 નું ફોતરું થોડું જાડું હોવાથી પાક તૈયાર હોય અને ચોમાસાનો વરસાદ આવી જાય તો પણ પોપટ ઊગી જતા નથી અને તેથી ખેડૂતોને નુકસાન થતું અટકે છે. તેથી તામિલનાડુના વેપારીઓ બિયારણની મગફળી ખરીદવા આવે ત્યારે આ બે પ્રકારની મગફળી ખરીદે છે."
નવ નંબર મગફળીની જાત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ વિકસાવેલ છે જયારે કાદીરી-6 એ આંધ્ર પ્રદેશની એન. જી. રંગા કૃષિ યુનિવર્સિટીના કાદીરી ખાતે આવેલ ખેત સંશોધન કેન્દ્રએ વિકસાવેલ જાત છે.
પુજારા ઉમેરે છે તામિલનાડુના વેપારીઓ લગભગ છેલ્લા 20 વર્ષથી બિયારણની મગફળી ખરીદવા ગુજરાત આવી રહ્યા છે.
પ્રો. માદરીયા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર સાથે પણ સંકળાયેલા છે અને જેનેટિક્સ (પ્રજોત્પતિ વિજ્ઞાન) અને પ્લાન્ટ બ્રિડીંગ (છોડ સંવર્ધન)ના નિષ્ણાત છે.
તેમણે કહ્યું, "મગફળીમાં એક વાર ચોમાસું વીતી જાય પછી તેમાંથી કાઢેલ બીજ સામાન્ય રીતે ઉગતા નથી. તેથી લેઇટ ખરીફ કે રવિ-સમર (ઉનાળો)ની મગફળી સારી ગુણવત્તાની થાય તો પણ તેને બીજા વર્ષની રવિ-સમર સિઝન સુધી સાચવી રાખવી અને પછી બિયારણ તરીકે વાપરવી જોખમી છે," તેઓ ઉમેરે છે.
તામિલનાડુના ખેડૂતોને ગુજરાતની મગફળી માફક આવે છે
જામનગર શહેરની ભાગોળે હાપા ગામ પાસે આવેલ જામનગર એપીએમસીમાં મગફળીની ખરીદી કરતા વેપારી જતીન પુજારા જણાવે છે તામિલનાડુથી દર વર્ષે સરેરાશ 30 વેપારીઓ હાપા યાર્ડમાં મગફળીની ખરીદી કરવા ઑક્ટોબર મહિનામાં આવે છે અને લગભગ ડિસેમ્બરના અંત સુધી ખરીદી કરે છે. "આ વર્ષે તામિલનાડુના વેપારીઓ કચ્છ અને ભાવનગરમાંથી પણ મગફળીની ખરીદી કરી રહ્યા છે કારણ કે ત્યાં તેમને મગફળી પાંચ-સાત રૂપિયા પ્રતિ કિલો (20 કિલોએ એક મણ થાય) સસ્તી મળે છે. પરંતુ તેમની સૌથી વધારે ખરીદી તો હાપામાંથી જ થાય છે," તેઓ જણાવે છે.
ગુજરાતના એપીએમસીમાં હરાજીથી માલ ખરીદવા જે-તે યાર્ડનું લાઇસન્સ લેવું પડે છે. પરંતુ આવું લાઇસન્સ ના ધરાવતા હોવાથી તામિલનાડુના વેપારીઓ હાપા યાર્ડમાં જતીન પુજારા, ભાવિન પાબારી વગેરે જેવા સ્થાનીક વેપારીઓના માધ્યમથી ખરીદી કરે છે.
"જામનગરમાં અમે તેમને આ પ્રકારની ખરીદી માટે લઇ આવ્યા અને તેથી જામનગર તેમના માટે માનીતું કેન્દ્ર બની ગયું છે. તેમને અહીંના યાર્ડનું મેનેજમેન્ટ પણ ગમતું હશે કારણ કે જે વેપારી 2000 કિલોમીટર દૂરથી આવતા હોય તે બીજે પણ તાપસ કરતા હોય," ભાવિન પાબારી જણાવે છે.
તામિલનાડુના વેપારીઓએ થોડાક વર્ષ પહેલા ગોંડલ અને રાજકોટના એપીએમસીના યાર્ડઝમાંથી થોડી-ઘણી મગફળીની ખરીદી કરેલ. પરંતુ જામનગર એપીએમશિન હાપા યાર્ડ ખાતેથી આ વેપારીઓ 2017-18ના વર્ષથી નિયમિત ખરીદી કરી રહ્યા છે, તેમ જામનગર એપીએપીસીના સેક્રેટરી હિતેશ પટેલ જણાવે છે.
કેવા ભાવે ખરીદાય છે મગફળી?
જામનગર એપીએમસીના સેક્રેટરી હિતેષ પટેલ જણાવે છે કે ગજગ-9 અને કે-6 જાતની મગફળીના સરેરાશ ભાવ 17 ઑક્ટોબરના રોજ રૂપિયા 2400 પ્રતિ મણ બોલાયેલ.
"દિવાળી પછી ભાવ થોડા ઘટ્યા છે અને ગુરુવારે નવ નંબરના સરેરાશ ભાવ 1600 રૂપિયા હતો અને છાંસઠ નંબરનો સરેરાશ ભાવ 1500 હતો," પટેલે જણાવ્યું.
પુજારા જણાવે છે કે ગત વર્ષની સરખામણીએ તાજેતરના ભાવ એકંદરે ત્રણસો રૂપિયા પ્રતિ મણ ઓછા છે.
"આ વર્ષે મગફળીની ગુણવત્તા બહુ સારી નથી અને તામિલનાડુના વેપારીઓ દ્વારા થતી ખરીદી પણ બીજા મહિનામાં પ્રવેશી ચુકી છે તેથી ભાવ થોડા ગગડ્યા છે," પુજારા જણાવે છે.
પરંતુ સેક્રેટરી પટેલ ભાર પૂર્વક જણાવે છે કે આ નીચા ભાવ પણ ગુજરાતમાં વેચાતી અન્ય મગફળીના ભાવથી ઘણા ઊંચા છે.
તેમના મત પ્રમાણે, "મગફળીની અન્ય જાતોના સરેરાશ ભાવ રૂપિયા ૧૧૫૦ પ્રતિ મણ છે અને આમ, નવ નમ્બર અને છાંસઠ નંબરનું વાવેતર કરતા ખેડૂતોને પ્રતિ મણ બસ્સોથી ચારસો રૂપિયા વધારે ભાવ મળે છે."
પટેલ ઉમેરે છે કે ગત વર્ષે તામિલનાડુના વેપારીઓએ 300 ટ્રક ભરીને લગભગ ત્રણ લાખ મણ મગફળી હાપા યાર્ડમાંથી ખરીદી તામિલનાડુ લઇ ગયા હતા.
પટેલના મત પ્રમાણે, "અમારા યાર્ડમાં જામનગર ઉપરાંત રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાંથી તેમની નવ નંબર અને છાંસઠ નંબરની મગફળી વેચવા આવે છે અને દર વર્ષે યરમાં વેચવા આવતી મગફળીમાં આ પ્રકારની મગફળીનું પ્રમાણ વધી રહ્યું છે."
ગુજરાતની ખેતી પર આ ખરીદીની શું અસર થઇ છે
ભારતમાં ગુજરાત સૌથી વધારે મગફળીનો વાવેતર વિસ્તાર અને ઉત્પાદન કરતુ રાજ્ય છે. દેશમાં મગફળીના કુલ ઉત્પાદનનું અડધાથી વધુ ઉત્પાદન ગુજરાત એકલામાં થાય છે. ગુજરાત રાજ્યના ખેતી નિયામકની કચેરીએ બહાર પાડેલ ફર્સ્ટ ઍડ્વાન્સ ઍસ્ટીમેટ મુજબ રાજ્યમાં 2024-25ના વર્ષમાં મગફળીનું ઉત્પાદન 58.03 લાખ મેટ્રિક ટન (એક ટન એટલે પચાસ મણના હિસાબે કુલ 290 કરોડ મણ) રહેવાનો અંદાજ છે. તે ગયા વર્ષના 45.10 લાખ મેટ્રિક ટન કરતાં લગભગ 13 ટન વધારે હશે. ગુજરાતમાં ગુજરાત ગ્રાઉન્ડનટ-20 જેને ખેડૂતો 'વીસ નંબર' તરીકે ઓળખે છે ગુજરાત જૂનાગઢ ગ્રાઉન્ડનટ-32 જેને ખેડૂતો 'બત્રીસ નંબર કે બીટી બત્રીસ' તરીકે ઓળખે છે તે ખેડૂતોમાં લોકપ્રિય છે અને તેના વાવેતર વિસ્તાર સૌથી વધારે હોય છે. ખેતી નિયામકની કચેરીના સત્તાવાર આંકડા મુજબ 2024ની ખરીફ એટલે કે ચોમાસુ સિઝનમાં ગુજરાતમાં ખેડૂતોએ 19.08 લાખ હેક્ટર (6.25 વીઘા = 1 હેક્ટર)માં મગફળીનું વાવેતર કર્યું હતું. 2023ની ખરીફ ઋતુમાં આ વાવેતર વિસ્તાર માત્ર 16.35 લાખ હેક્ટર જ હતો.
પરંતુ જામનગર જિલ્લાના ખેતીવાડી અધિકારી રિતેશ ગોહિલ જણાવે છે કે છેલ્લાં-સાત વર્ષ દરમિયાન જામનગર જિલ્લામાં નવ નંબર અને K-6 જાતની મગફળીના વાવેતર વિસ્તાર વધ્યા હોય તેવા અવલોકનો છે.
"લોકલ લેવલે આ બે જાતોનું વાવેતર વધ્યું છે પરંતુ જાતવાર વાવેતર વિસ્તારની માહિતી એકથી કરવાની પ્રણાલિકા ના હોવાથી આ પ્રકારનું વાવેતર કેટલું વધ્યું છે તેમ ચોક્કસ આંકડા સાથે કહેવું મુશ્કેલ છે. પરંતુ વાવેતર વિસ્તાર વધ્યો તેવા અવલોકનો છે," ગોહિલ કહે છે અને પછી ઉમેરે છે: "આ બે જાતની મગફળીનું ઉત્પાદન ઓછો વરસાદ થાય કે ચોમાસાના અંત તરફ વરસાદ થાય તો ઓછું રહેવાની શક્યતા છે. પરંતુ હવે પિયતની સગવડતાઓનો વ્યાપ વધતા વરસાદ ખેંચાય તો પણ તેમના મગફળીના પાકને પિયત આપી શકે તેમ હોય અને વધારે ભાવ મળતાં હોવાથી જામનગરના ખેડૂતો આ બે જાત વધારે વાવતા થયા છે."
પ્રો. માદરીયા જણાવે છે કે જામનગરની જમીન આ જાતો માટે અનુકૂળ છે.
"આ જાતની મગફળી કેલ્શિયમયુક્ત જમીનોમાં સારી બસે છે અને તેથી જામનગર બેલ્ટની જમીનો અને માટે અનુકૂળ છે. બસ્સો ગ્રામ પોપટમાંથી સરેરાશ ૧૪૦ ગ્રામ સીંગદાણા મળે છે જે ઘણી સારી ગુણવત્તા હોવાનો પુરાવો છે," પ્રો માદરીયા જણાવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન