You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વાવ વિધાનસભા : ઠાકોરસેનાથી ચર્ચામાં આવેલા અને ધારાસભ્ય બનેલા ભાજપના સ્વરૂપજી ઠાકોર કોણ છે?
23 નવેમ્બર, 2024ના રોજ બે મોટાં રાજ્યની વિધાનસભા મહારાષ્ટ્ર અને ઝારખંડનાં પરિણામો જાહેર થયાં અને એ સાથે ગુજરાતની પણ એક પેટાચૂંટણીનું પરિણામ આવ્યું અને એ છે બનાસકાંઠાની વાવ વિધાનસભા.
સમગ્ર ગુજરાતની નજર આ એકમાત્ર બેઠકના પરિણામ પર હતી. એનું એક કારણ એ પણ હતું કે અહીં એક સમયે કૉંગ્રેસનાં ગેનીબહેન ઠાકોર ધારાસભ્ય હતાં. ગેનીબહેન ઠાકોર લોકસભાની ચૂંટણી લડ્યાં અને સાંસદ બન્યાં બાદ આ બેઠક ખાલી પડી હતી.
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે અને કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ છે.
વાવ વિધાનસભા ચૂંટણીમાં આ વખતે રસાકસીનો માહોલ હતો અને એનું કારણ હતું અપક્ષ ઉમેદવાર માવજી પટેલ.
જ્યારથી તેમણે ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારથી રાજકીય વિશ્લેષકો સહિત ભાજપ અને કૉંગ્રેસને પણ લાગતું હતું કે અપક્ષ બાજી બગાડી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે મતગણતરી શરૂ થઈ ત્યારથી સતત 21 રાઉન્ડ સુધી કૉંગ્રેસના ઉમેદવાર આગળ રહ્યા હતા. જોકે છેલ્લી ઘડીએ અન્ય રાઉન્ડના મતોની ગણના થઈ એ સાથે જ ભાજપની સરસાઈ વધતી ગઈ.
આ ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને 92,176 મત મળ્યા છે અને 2442 મતની સરસાઈથી જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 89,734 મત મળ્યા છે. તો અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27,195 મત મળ્યા છે. ત્રીજા ક્રમે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ રહ્યા છે.
વાવ વિધાનસભામાં ત્રિપાંખિયો જંગ હતો
લોકસભાનાં ચૂંટણી પરિણામોને પગલે ખાલી પડેલી વાવ વિધાનસભાની બેઠક પર 'ભાજપના બળવાખોર' નેતા માવજી પટેલે ઉમેદવારી નોંધાવી હતી અને ચૂંટણી રસપ્રદ બની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત, ભાજપના સ્વરૂપજી ઠાકોર, અપક્ષ માવજી પટેલ સહિત દસ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.
કૉંગ્રેસે અહીં રાજપૂત સમાજના ગુલાબસિંહને ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે ઠાકોર સમાજના સ્વરૂપજીને ટિકિટ આપી હતી.
માવજી પટેલે પણ ટિકિટ માગી હતી પણ તેમને ટિકિટ ન મળતા તેઓ 'નારાજ' થયા હતા અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
કહેવાઈ રહ્યું છે કે વાવ વિધાનસભા બેઠક પરથી ચૌધરી સમાજે પણ ટિકિટની માગ કરી હતી પણ ટિકિટ ન મળતા સમાજ નારાજ હતો.
આ ત્રિપાંખિયા જંગમાં માવજી પટેલે મોટો ભાગ ભજવ્યો છે એ પરિણામ પરથી જોઈ શકાય છે. માવજી પટેલ અહીં ત્રીજા સ્થાને રહ્યા છે, એટલે કે તેમને 27,195 મત મળ્યા છે.
આ એ જ માવજી પટેલ છે, જેમણે 2007માં અપક્ષ ઊભા રહી કૉંગ્રેસનું ગણિત બગાડ્યું હતું અને આ ચૂંટણીમાં પણ એવું જ થયું છે.
વાવ વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને ભાજપે પણ એડીચોટીનું જોર લગાવ્યું હતું. એક સમયનાં વાવનાં ધારાસભ્ય અને લોકસભામાં ગુજરાતનાં એકમાત્ર વર્તમાન સાંસદ ગેનીબહેન ઠાકોરે પણ ચૂંટણીપ્રચાર કર્યો હતો. તો સામે પક્ષે વાવના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન સમયમાં થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ એવા શંકર ચૌધરીએ પણ ખૂબ પ્રચાર કર્યો હતો.
ભાજપના વિજેતા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર કોણ છે?
ગુજરાતમાં જ્યારે 2022માં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે કૉંગ્રેસે ગેનીબહેન ઠાકોરને મેદાને ઉતાર્યાં હતાં અને સામે એક નવા ચહેરા તરીકે હતા સ્વરૂપજી ઠાકોર.
સ્વરૂપજી ઠાકોરને રાજકારણ વારસામાં નથી મળેલું પણ સેવાકાર્યો અને ઝુંબેશ થકી તેઓ ચર્ચામાં આવ્યા હતા.
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવી અને 156 બેઠક જીતી હતી. જોકે આટલી મોટી જીતમાં વાવ બેઠક પરથી ગેનીબહેન ઠાકોર સામે સ્વરૂપજી ઠાકોરની હાર થઈ હતી. જોકે હવે તેઓ ધારાસભ્ય બની ગયા છે.
ભાજપના વિજેતા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ખેડૂત પરિવારથી આવે છે અને વેપાર-ધંધો કરે છે. ઠાકોર અને ચૌધરી સમાજમાં એમનો ઘરોબો છે.
બનાસકાંઠાના સ્થાનિક પત્રકાર કલ્પેશ ઠાકોરના કહેવા મુજબ, સ્વરૂપજી ઠાકોર યુવા ચહેરો છે અને યુવા મતદારોમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે.
બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "સ્વરૂપજી ઠાકોર અલ્પેશ ઠાકોરની ઠાકોરસેનાથી ખાસ ચર્ચામાં આવ્યા હતા. 2015 જ્યારે અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા વિસ્તારમાં વ્યસનમુક્તિ સહિતની ઝુંબેશ ઉપાડી એમાં સ્વરૂપજી ઠાકોર પણ સામેલ થયા હતા."
"તેઓ એક વેપારી પરિવારમાંથી આવે છે અને તેમના દાદા વિહાબા 'ભગતબા' તરીકે જાણીતા છે. તેમના દાદા વર્ષોથી આ વિસ્તારમાં સેવાકાર્યોમાં જોડાયેલા છે અને શિક્ષિત છે."
કલ્પેશ ઠાકોર જણાવે છે કે સ્વરૂપજી ઠાકોરનો પરિવાર શિક્ષિત છે. તેમના દાદા અને પિતા પણ ભણેલા છે.
સ્વરૂપજી ઠાકોરની જીત અને ચૂંટણીપ્રચાર
વાવ વિધાનસભાની બેઠક પર ઠાકોર, દલિત, ચૌધરી અને પશુપાલક મતદારો ચાવીરૂપ ભૂમિકામાં છે.
છતાં જાણકારોના મતે જો અન્ય નાની-મોટી જ્ઞાતિઓનું યોગ્ય સમીકરણ સાધવામાં આવે, તો અપેક્ષિત પરિણામ મેળવી શકાય અને આ ચૂંટણીમાં પણ પરિણામ એ મુજબનું આવ્યું છે.
કલ્પેશ ઠાકોર જણાવે છે કે સ્વરૂપજી ઠાકોરે તેમના ચૂંટણીપ્રચારમાં વિકાસની વાતો, વ્યસનમુક્તિ, શિક્ષણની વાત પર ભાર મૂક્યો હતો. ઠાકોર સમાજ શિક્ષિત રીતે પાછળ છે અને તેમણે એ દિશામાં કામ કર્યું.
2022ની ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોર ભાજપના ઉમેદવાર હતા અને ગેનીબહેન ઠાકોર સામે એ ચૂંટણી હારી ગયા હતા. એ સમયે ભાજપ અને કૉંગ્રેસ બંનેનાં ઉમેદવાર ઠાકોર સમાજમાંથી હતાં. જોકે આ ચૂંટણીમાં એવું નહોતું.
બીબીસીના સહયોગી પત્રકાર પરેશ પઢિયાર જણાવે છે કે આ ચૂંટણીમાં ઠાકોર મતદારોએ મોટો ભાગ ભજવ્યો છે.
તેઓ કહે છે કે અપક્ષ ઉમેદવાર માવજી પટેલને કારણે મતો વહેંચાઈ ગયા અને તેનો ફાયદો ભાજપને થયો છે. સામે પક્ષે ભાજપે ઠાકોર સમાજને ટિકિટ આપી હતી. એટલે સ્વાભાવિક છે કે ઠાકોર સમાજના ઉમેદવારને સમાજ પસંદ કરે અને એવું બન્યું છે.
કલ્પેશ ઠાકોર કહે છે કે સ્વરૂપજી ઠાકોરને ઠાકોર મતદારો સિવાય અન્ય મતદારોના મત પણ મળ્યા છે. બ્રાહ્મણ, લોહાણા, પ્રજાપતિ, જૈન, માળી સમાજ વગેરેનો ઝોક ભાજપ તરફી રહેતો હોય છે અને આ ચૂંટણીમાં તેમણે પણ મોટો ભાગ ભજવ્યો છે.
વાવ વિધાનસભા
વાવ વિધાનસભાના ઇતિહાસથી જાણવા મળે છે કે, આ બેઠક પર કૉંગ્રેસ હંમેશાંથી મજબૂત રહી છે. જોકે સમયાંતરે અન્ય પક્ષો પણ જીતતા આવ્યા છે.
1990માં માવજી પટેલ બિન-કૉંગ્રેસી ધારાસભ્ય ચૂંટાયા હતા. તેઓ જનતાદળથી 1990ની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.
2002ની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે આખા ગુજરાતમાં ‘મોદી-લહેર’ હતી ત્યારે પણ વાવ વિધાનસભાએ કૉંગ્રેસના હેમાજી રાજપૂતને જીતાડીને ગાંધીનગર મોકલ્યા હતા.
હેમાજી રાજપૂતના જ પૌત્ર ગુલાબસિંહ રાજપૂતે આ વખતે કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી.
જોકે 2007માં પ્રથમ વખત અને ત્યારબાદ 2012માં બીજી વખત ભાજપના ઉમેદવાર તરીકે પરબત પટેલ અને શંકર ચૌધરીની જીત થઈ હતી.
ત્યારબાદ 2017 અને 2022માં અહીંથી ગેનીબહેન ઠાકોરનો કૉંગ્રેસનાં નેતા તરીકે ઉદય થયો હતો.
2022ની છેલ્લી વિધાનસભામાં ગેનીબહેન ઠાકોરને લગભગ 45 ટકા, જ્યારે બીજા નંબરના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને લગભગ 38 ટકા મતો મળ્યા હતા. ગેનીબહેનની સરસાઈ આશરે 13 હજાર મતોની હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન