નકલી બિયારણને કારણે ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • ગુજરાતમાં બીટી કપાસના બીજનું ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણને કારણે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આર્થિક નુકસાનીનો ભોગ બનતા રહે છે
  • સસ્તા ભાવે અથવા તો સારા મબલખ પાકની લાલચ આપીને તેઓ આ પ્રકારના અનધિકૃત બિયારણો લઈ આવે છે
  • આધાર પુરાવા વગર સરકારી અધિકારીઓ માનવા તૈયાર નથી હોતા અને તેને કારણે તેમને સહાય મળતી નથી
  • ખેડૂત આગેવાનો કહે છે કે અનધિકૃત બિયારણો વેચતા વેપારીઓ અને ઉત્પાદકોની સાંઠગાંઠ ઉપર સુધી હોય છે જેને કારણે તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી
  • ગુજરાતના કૃષિમંત્રીએ જવાબ આપ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં તેમને નકલી બિયારણ અંગેની 15 ફરિયાદો મળી છે જે પૈકી 11 સામે કાર્યવાહી ચાલુ છે

ગુજરાતમાં ઘણા સમયથી નકલી બિયારણને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાની વિગતો મળી રહી છે.

હાલમાં જ કૃષિ વિભાગે કેટલાક અનધિકૃત બિયારણનો વ્યાપાર કરતા એક ગોડાઉન પર છાપો માર્યો હતો. પણ સવાલો ઊઠે છે કે સરકાર આ પ્રકારે કાર્યવાહી કરતી હોવા છતાં પણ આ પ્રકારે નકલી બિયારણનો કારોબાર અટકતો કેમ નથી?

ખેડૂત આગેવાનોનું પણ કહેવું છે કે ભલે સરકાર ગમે તેટલો દાવો કરે પણ ગુજરાતમાં બીટી કપાસના બીજનું ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણ થતું રહે છે અને તેને કારણે ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો નબળા અથવા તો નકલી બીટી કપાસ બીજથી આર્થિક નુકસાનીનો ભોગ બનતા રહે છે.

સસ્તા બિયારણની લાલચ

ખેડૂતો કહે છે કે ઘણીવાર તેઓ છેતરપિંડીનો ભોગ બને છે. સસ્તા ભાવે અથવા તો સારા મબલખ પાકની લાલચ આપીને તેઓ આ પ્રકારના અનધિકૃત બિયારણો લઈ આવે છે અને છેવટે તેમને નુકસાન વેઠવાનો વારો આવે છે.

જૂનાગઢના તલિયાધર ગામના ખેડૂત ભાદાભાઈ બાંટવા કહે છે કે નકલી બિયારણને કારણે તેમને નુકસાન ગયું.

ભાદાભાઈ બાંટવાએ બીબીસી ગુજરાતી સાથે કરેલી વાતચીતમાં તેમણે કહ્યું કે, “ તેમણે 8 વિઘા જમીનમાં કપાસની ખેતી કરી હતી. તે માટે બિયારણના પાંચ પેકેટ ખરીદ્યા હતા. પણ કપાસનો પાક સુકાઈ ગયો. ત્રણ લાખનું નુકસાન ગયું. જે પૈકી 1.60 લાખની સહાય મળી પરંતુ 1.40 લાખ તો ગયા જ.”

તો જૂનાગઢના વધાવી ગામના ખેડૂત મનસુખ ગુદણિયાનો બે વિઘા જમીનમાં નકલી બિયારણને કારણે પાક નિષ્ફળ ગયો હતો.

મનસુખ ગુદણિયા બીબીસી સાથે વાત કરતા કહે છે, “પાક તો નિષ્ફળ ગયો પરંતુ તેના વળતર માટે પૂરાવાની જરૂર પડે છે. આપણે સાબિત કરવું પડે કે નકલી બિયારણને કારણે આપણો પાક નિષ્ફળ ગયો છે. તે માટેની પ્રક્રિયા બહું પેચીદી છે જે સામાન્ય ખેડૂતની પહોંચ બહાર છે.”

મનસુખભાઈ વધુમાં ઉમેરે છે કે આધાર પુરાવા વગર સરકારી અધિકારીઓ માનવા તૈયાર નથી હોતા અને તેને કારણે તેમને સહાય મળી નહોતી.

અનધિકૃત બિયારણોના ઉત્પાદકો અને વ્યાપારીઓ વચ્ચે સાંઠગાંઠના આરોપ

ખેડૂત આગેવાનો પણ કહે છે કે આ પ્રકારના અનધિકૃત બિયારણો વેચતા વ્યાપારીઓ અને ઉત્પાદકોની સાંઠગાંઠ ઉપર સુધી હોય છે જેને કારણે તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી.

જોકે સરકારી તંત્ર કહે છે કે તેઓ સમયે-સમયે કાર્યવાહી કરે જ છે. ગુજરાતના કૃષિ વિભાગના નાયબ ખેતી નિયામક એસ. એન. દઢાણિયા કહે છે, “કૃષિ વિભાગની સ્ક્વૉડ આ પ્રકારની ફરિયાદો મળતા જ કાર્યવાહી કરે છે. ગત સપ્તાહે પણ તેમણે આ પ્રકારનો છાપો માર્યો છે અને આરોપીઓ સામે કાર્યવાહી કરી છે.”

દઢાણીયા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “ જેને વેચવાની મંજૂરી નથી હોતી તેવા ઘણાં બિયારણ ઉત્પાદકો અને વેચાણકર્તાઓને ત્યાં અમે દરોડા પાડ્યા છે અને તે કાર્યવાહી હજુ ચાલું જ છે. કાયદેસરની કાર્યવાહી પણ થાય છે. જોકે બધાં બિયારણ નકલી નથી હોતા તે પૈકીના ઘણાખરા તો મંજૂરી વિના અનધિકૃત રીતે વેચાતાં હોય છે.”

“કાર્યવાહી ચાલુ છે”

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર માર્ચ મહીનામાં ગુજરાત વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં ગુજરાતના કૃષિમંત્રીએ જવાબ આપ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં તેમને નકલી બિયારણ અંગેની 15 ફરિયાદો મળી છે જે પૈકી 11 સામે કાર્યવાહી ચાલુ છે.

એક કંપનીનું લાયસન્સ રદ કરી દેવાયું છે અને એક કિસ્સામાં ખેડૂત અને કંપની વચ્ચે સમાધાન થઈ ગયું છે.

તો નકલી બિયારણના ગેરકાયદે વેચાણના સબંધમાં લોકસભાના અતારાંકિત પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય કૃષિ મંત્રીએ 26 જુલાઈ 2022ના રોજ જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણા રાજ્યોએ નકલી બિયારણનું વેચાણ થતું હોવાની જાણ કરી છે.

વર્ષ 2015થી 2022 દરમિયાન ગુજરાતમાં 9 કંપનીઓ સામે નકલી બિયારણની ફરિયાદ થઈ છે અને આ મામલે 38 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતમાં કપાસ, મગફળી અને સોયાબિનના નકલી બિયારણનો 150 કરોડ રૂપિયાનો જથ્થો આટલા વર્ષ દરમિયાન જપ્ત કરવામાં આવ્યો છે.

ગત મે મહીનામાં ભૂપેન્દ્ર પટેલ સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, “9 મેથી તેમણે ઝુંબેશ આદરીને દરોડા પાડ્યા છે. રાજ્યમાં કપાસનું નકલી બિયારણ મોટે પાયે 4જી કે 5જી નામે વેચાય છે. ખેડૂતો સાથે કાળા બજાર કરનારાઓને તેમની સરકાર છોડશે નહીં.”

રાઘવજી પટેલે વિગતો આપતા કહ્યું હતું કે તેમની સરકારે નકલી બિયારણનો સાડા ત્રણ કરોડ રૂપિયાનો જથ્થો પકડી પાડ્યો છે અને 49 જેટલા નમૂનાઓ તપાસ માટે લીધા છે. સરકારે એ પણ ખુલાસો કર્યો હતો કે 33 જિલ્લાઓમાં આ પ્રકારના નકલી બિયારણના ધંધા સામે કાર્યવાહી કરવા માટે 35 અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે.

કાર્યવાહી સામે સવાલો

જોકે સરકારની કાર્યવાહી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. જૂનાગઢમાં ખેડૂત એકતા મંચ ચલાવતા ખેડૂત આગેવાન મહંમદભાઈ સીદા કહે છે કે તેમના જિલ્લા જૂનાગઢમાં અનધિકૃત બીટી કૉટનના બિયારણના ઉપયોગને કારણે ઘણા ખેડૂતોને નુકસાન થયું છે.

મહંમદભાઈ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, “સસ્તાભાવે મળે છે એટલે ખેડૂત લાલચમાં આવી જાય છે. કોઈ પણ તપાસ કે ચકાસણી થતી નથી નહીંતર આ પ્રકારના અનધિકૃત બિયારણ બજારમાં આવે કઈ રીતે?”

તો ખેડૂત આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી કહે છે કે હાલમાં બજારમાં કેટલાક એવા પણ કપાસના અનધિકૃત બિયારણો મળી રહ્યા છે જે બાયોટેકનૉલૉજીની દૃષ્ટીએ કદાચ ઍડ્વાન્સ મનાય છે પણ તેને સરકારની મંજૂરી નથી.

સાગર રબારી બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, “આ સુધારેલું બિયારણ હોય છે જેને કારણે કપાસના પાકમાં જીવાત થતી નથી. અને સુકારાનો રોગ લાગતો નથી. પણ કપાસિયામાંથી તેલ પણ કાઢવામાં આવે છે. હવે આ તેલની માનવ શરીર પર કેવી અસર થાય છે તેના કોઈ ટ્રાયલ થયા નથી કે તેની કોઈ તપાસ થઈ નથી. એટલે આવા બિયારણો આરોગ્ય માટે પણ હાનિકારક હોઈ શકે છે.”

સાગર રબારી વધુમાં કહે છે કે આ પ્રકારના અનધિકૃત બિયારણોના ઉત્પાદકો અને વ્યાપારીઓ વચ્ચેની સાંઠગાંઠ હોય છે જેને કારણે બજારમાં બેરોકટોક વેચાઈ રહ્યા છે.

સાગર રબારી કહે છે કે, “ આ પ્રકારના બીજ માફિયાઓ સામે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ.”

કૉંગ્રેસ નેતા મનહર પટેલ કહે છે કે ગુજરાતમાં અમરેલી, જૂનાગઢ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કેટલીક જગ્યાએ આવા બિયારણો સરકારની મંજૂરી ન હોવા છતાં વેચાઈ રહ્યા છે.

મનહર પટેલ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, “કૃષિ વિભાગની સ્વૉડ છાપો મારે છે એ વાત સાચી પણ સવાલ એ છે કે આવા નકલી બિયારણોનું ઉત્પાદન કેવી રીતે થઈ રહ્યું છે. નકલી બિયારણોનું ઉત્પાદન થાય તો જ તેનું વેચાણ થાય. એટલે સરકારે પહેલા તેનું ઉત્પાદન બંધ કરાવવું જોઈએ.”

મનહર પટેલ આરોપ લગાવતા કહે છે કે. “સરકારની મનસા જ નથી આ બીજ બુટલેગરો સામે કાર્યવાહી કરવાની”

બિયારણ ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું

હવે કેટલીક કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઇટ પર બિયારણ ખરીદતી વખતે શું ધ્યાનમા રાખવું તેની વિગતો પણ છે. જૂનાગઢ ઍગ્રીકલ્ચર યુનિવર્સિટીની વેબસાઇટ પર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ખેડૂત તાલીમ કેન્દ્રમાં આ૫વાની તાલીમનું ટ્રેઇનિંગ મૅન્યુઅલ દર્શાવાયું છે.

જેમાં જણાવાયું છે કે,

  • વાવેતર માટે કૃષિ યુનિવર્સિટી અને ખેતીવાડી ખાતાએ ભલામણ કરેલ સુધારેલ - સંકર જાતોનું જ બીજ ખરીદવું.
  • સુધારેલ સંકર જાતોનું બીજ હંમેશાં ગુજરાત રાજ્ય બીજ નિગમ અને ગુજરાત રાજ્ય બીજ નિગમનાં માન્ય ડીલર પાસેથી જ ખરીદવું.
  • બિયારણના પૅકિંગ ઉપર બીજી પ્રમાણન એજન્સીનું લેબલ તપાસીને પછી જ ખરીદી કરવી.
  • શક્ય હોય ત્યાં સુધી 'ટ્રુથફુલ' બિયારણને બદલે સર્ટિફાઇડ' બિયારણ જ ખરીદવું.
  • બિયારણ ખરીદતી વખતે પેકિંગ ઉપર બીજની સ્ફુરણની ટકાવારી દર્શાવેલી હોય તેમજ તે કઈ સાલનું ઉત્પાદન છે તે પણ દર્શાવેલું હોય તેની જોઈ ચકાસીને બિયારણી ખરીદી કરવી જોઈએ.
  • સંકર જાતોના બિયારણો દર વર્ષે નવા ખરીદવા પડતા વાવેલા સંકર પાકોના બીજનો ઉપયોગ બીજે વર્ષે કરવો ખેડૂતો માટે હિતાવહ નથી તેમ પણ જણાવવામાં આવે છે.
  • ખેડૂતોને કોઈપણ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.
  • બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બિલ સહી સાથે અવશ્ય લેવું.
  • બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં.
  • ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં.
  • આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ઍગ્રિકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ને તુરંત જાણ કરવી.
  • વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે.