શ્રીલંકા સંકટ : ખેતી અને ખેડૂતો સાથે થયેલો એ પ્રયોગ જેણે આખા દેશને બરબાદ કરી નાખ્યો

શ્રીલંકામાં હાલ શું થઈ રહ્યું છે તેનાંથી આપણે સૌ વાકેફ છીએ પણ શ્રીલંકાને આ પાયામાલી તરફ લઈ જવા પાછળ કૃષિક્ષેત્ર સાથે કરાયેલો એક પ્રયોગ મુખ્ય કારણોમાંનો એક છે.

વર્ષ 2019માં ગોટાબાયે રાજપક્ષે શ્રીલંકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેમના ચૂંટણીઢંઢેરામાં એક મહત્ત્વપૂર્ણ જાહેરાત હતી. જે હતી 'એક એવી પૉલિસી બનાવવી જેનાંથી દેશ 10 વર્ષમાં સંપૂર્ણપણે ઑર્ગેનિક ફૂડનું ઉત્પાદન કરતો થઈ જાય.'

આ જાહેરાત આડકતરી રીતે દેશની રાસાયણિક ખાતર પરની નિર્ભરતા નાબૂદ કરવાની હતી. એક રીતે આ જાહેરાત સારી પણ હતી, પરંતુ તેની સામે ઘણી સમસ્યાઓ અને પડકારો હતા.

શ્રીલંકાનું અર્થતંત્ર મુખ્યત્વે પ્રવાસનઆધારિત હતું. દેશની જીડીપીનો દસ ટકા ફાળો પ્રવાસનક્ષેત્રમાંથી આવતો હતો.

જોકે, કૃષિ અને તેને લગતા અન્ય ક્ષેત્રો ભેગા મળીને જીડીપીમાં 13 ટકા જેટલો ફાળો આપતા હતા અને ચા, નાળિયેર, મસાલા જેવા ખાદ્યપદાર્થોની નિકાસથી શ્રીલંકાને સારી એવી વિદેશી હૂંડિયામણની આવક પણ થતી હતી.

જોકે, એક નિર્ણયના કારણે સમગ્ર કૃષિક્ષેત્ર વેરવિખેર થઈ ગયું અને પછી શું થયું એ આપણે જાણીએ જ છીએ.

હરિયાળી ક્રાંતિ અને રાસાયણિક ખાતરનું કનૅક્શન

1960ના દાયકામાં વૈશ્વિક કક્ષાએ કુપોષણ નાબૂદીની એક પહેલ કરવામાં આવી હતી. જે અંતર્ગત વિકાસશીલ અને અવિકસિત દેશોમાં આધુનિક પદ્ધતિઓ અને સાધનસરંજામોની મદદથી કૃષિપેદાશોનું ઉત્પાદન વધારવામાં મદદ કરાઈ હતી. મદદ મેળવનારા દેશોમાં શ્રીલંકા પણ સામેલ હતો.

ખેતપેદાશો વધારવા માટે શ્રીલંકાને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી અને સલાહ માનીને તેનો ઉપયોગ પણ શરૂ કરાયો હતો.

2.2 કરોડની વસતી ધરાવતા આ નાનકડા દેશમાં 25 ટકા એટલે કે 20 લાખથી વધુ લોકો ખેતી પર આધારિત હતા. અને તેમાંથી મોટાભાગના ખેડૂતો નાના અને ગરીબ હતા.

તેમને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ પોષાય તેમ ન હોવાથી વર્ષ 1962થી સરકારે સબસિડી આપવાનું શરૂ કર્યું. સમય જતા ખેડૂતોના પાકમાં મબલખ વધારો પણ થયો અને તેમને ફાયદો પણ થયો.

જોકે, આ સ્થિતિનું પ્રતિકૂળ પાસું એ હતું કે શ્રીલંકામાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનું ઉત્પાદન થતું ન હતું. તેના માટે તેણે વિદેશ પર આધાર રાખવો પડતો હતો.

એક તરફ શ્રીલંકા ચા, નાળિયેર, મરી-મસાલાની નિકાસ થકી વિદેશી હૂંડિયામણ કમાતું હતું, તો બીજી તરફ રાસાયણિક ખાતરની આયાત પાછળ તેને વાપરતું હતું.

જોકે, માત્ર રાસાયણિક ખાતર જ નહીં, પણ શ્રીલંકા મિલ્ક પાઉડર, પૅટ્રોલ-ડીઝલ જેવી અનેક વસ્તુઓ માટે અન્ય દેશો પર નિર્ભર હતું.

આ દરમિયાન કોરોના આવ્યો અને પરિસ્થિતિ વધુ વિકટ થઈ ગઈ.

શા માટે રાસાયણિક ખાતર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો?

90ના દાયકામાં શ્રીલંકાના ઉત્તર-મધ્ય પ્રાંતમાં ક્રૉનિક કિડની ડિસીઝના કેસ જોવા મળ્યા. જેનું કારણ જાણી શકાયું ન હતું.

સમય જતા કિડનીની બીમારીના કેસમાં સતત વધારો થતો ગયો અને 2019 સુધી શ્રીલંકા આ બીમારીનું હૉટસ્પોટ બની ગયું.

ગોટાબાયે રાજપક્ષેની સરકારે તેનું તારણ કાઢ્યું કે આ બીમારી પાછળ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ જવાબદાર છે અને તે કારણથી ઍપ્રિલ 2021માં એક દિવસે ટેલિવિઝન પર આવીને રાષ્ટ્રપતિએ તાત્કાલિક ધોરણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો.

જ્યારે આ પ્રતિબંધ મૂકાયો ત્યારે દેશમાં કોરોનાને લીધે જીડીપીમાં સૌથી મોટો ફાળો ધરાવતો પર્યટન ઉદ્યોગ તો સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયેલો હતો. આ વચ્ચે કૃષિક્ષેત્રને પણ મોટો ફટકો લાગ્યો.

તજજ્ઞો અનુસાર, સરકાર અને લોકો એમ માની રહ્યા હતા કે ફર્ટિલાઇઝરના કારણે લોકોને કિડનીની બીમારી થઈ રહી છે. તેની તબીબી અને કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા તપાસ પણ કરવામાં આવી, પરંતુ કોઈ પુરાવા મળ્યા ન હતા.

આ પગલું લઈને સરકાર રાસાયણિક ખાતરની આયાત માટે ખર્ચવી પડતી વિદેશી હૂંડિયામણ બચાવવા માગતી હોવાનું નિષ્ણાતોનું માનવું છે.

નિષ્ણાતોના આ મતને આંકડાઓ સમર્થન પણ આપે છે. નવેમ્બર 2021ના અંત સુધીમાં શ્રીલંકા પાસે માત્ર 1.6 અબજ ડૉલર વિદેશી હૂંડિયામણ હતું. શ્રીલંકાએ જીવન જરૂરિયાતની વસ્તુઓની પણ આયાત કરવાની હોવાથી આ ભંડોળ ગણતરીના દિવસો ચાલે તેટલું જ હતું.

પ્રતિબંધની આડઅસરો

રાષ્ટ્રપતિ ગોટાબાયે રાજપક્ષેએ એપ્રિલ 2021માં આ પ્રતિબંધ લાદ્યો હતો. તે સમયે કોરોના મહામારી ચાલી રહી હતી અને વિશ્વભરમાં સપ્લાય ચેઇન ખોરવાયેલી હતી.

આવા સમયે શ્રીલંકા માટે રાસાયણિક ખાતર સહિત મિલ્ક પાઉડર, પૅટ્રોલ-ડીઝલ જેવી અનેક વસ્તુઓ મળવામાં મુશકેલી પડી રહી હતી.

સપ્લાય ચેઇન ખોરવાયેલી હોવાથી દેશમાં માગ અને પુરવઠા વચ્ચે વિષમતા ઊભી થઈ હતી. જેના કારણે વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા હતા.

આ વચ્ચે રાસાયણિક ખાતર પર પ્રતિબંધ લાગી જતા ખેડૂતોને ધ્રાસકો પડ્યો હતો. શ્રીલંકાના 80 ટકા ખેડૂતો સરકાર દ્વારા સબસિડી પર મળતા રાસાયણિક ખાતર પર આધાર રાખતા હતા અને વાવણીની સિઝન પણ આવવાની હોવાથી તેમની તકલીફ વધી રહી હતી.

કોરોના મહામારી અને રાસાયણિક ખાતર પર પ્રતિબંધના કારણે પૂરતો પાક થયો ન હતો.

શ્રીલંકાના લોકોનો મુખ્ય ખોરાક ભાત છે. શ્રીલંકા ચોખાના ઉત્પાદનમાં સ્વાવલંબી હતું, પરંતુ રાસાયણિક ખાતર પર પ્રતિબંધ લાદવામાં આવતા ઉત્પાદનમાં 40 ટકા ઘટાડો નોંધાયો અને દેશનાં લોકો માટે પણ ચોખા વિદેશમાંથી મંગાવવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ.

કોરોનાને લીધે મોટાભાગની ચીજ-વસ્તુઓના ભાવ તો વધી જ રહ્યાં હતા. આ વચ્ચે સરકારે મુખ્ય ખોરાક ચોખાની પણ આયાત કરવાની પરિસ્થિતિ સર્જાતા તેના પણ ભાવ આસમાને પહોંચી ગયા.

લોકો કોરોનામાં રોજગારી ન મળવાથી નિરાશ હતા અને આ વચ્ચે સતત વધી રહેલા ભાવના કારણે તેઓ રોષે ભરાયા અને વિરોધપ્રદર્શન શરૂ થયા.

સમય જતા વિરોધપ્રદર્શન ઉગ્ર થયા આગળ જતા તે હિંસક થયા. ત્યાર બાદ શું થયું તે આપણે જાણીએ જ છીએ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો