મુંબઈ મહાનગરપાલિકામાં જીત બાદ વડા પ્રધાન મોદીએ કહ્યું કે 'હવે બંગાળનો વારો' – ન્યૂઝ અપડેટ

મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપ-શિવસેના ગઠબંધનની જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે તેમને દરેક વર્ગનું સમર્થન મળી રહ્યું છે અને હવે બંગાળનો વારો છે.

પીએમ મોદીએ કહ્યું કે બંગાળના લોકોને ત્યારે જ ફાયદો થશે જ્યારે વિકાસ માટે અવરોધક ટીએમસી સરકાર નહીં, પણ ભાજપ સરકાર હશે.

પશ્ચિમ બંગાળમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે અને તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) હાલમાં મમતા બેનરજીના નેતૃત્વમાં સત્તામાં છે.

લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, "હવે બંગાળમાં સુશાસનનો વારો છે. બિહાર ચૂંટણીમાં વિજય પછી મેં કહ્યું હતું કે માતા ગંગાના આશીર્વાદથી બંગાળમાં વિકાસની નદી વહેશે અને ભાજપ આ કામ કરશે."

પીએમ મોદી હાલમાં પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. તેમણે શનિવારે વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી

પીએમ મોદીએ બીએમસી ચૂંટણીઓ વિશે શું કહ્યું?

બીએમસી ચૂંટણીઓમાં ભાજપની જીત અંગે પીએમ મોદીએ કહ્યું, "ગઈ કાલે જ મહારાષ્ટ્રમાં શહેરી એકમોની ચૂંટણીઓનાં પરિણામો જાહેર થયાં, જેમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી."

"ખાસ કરીને મહારાષ્ટ્રની રાજધાની અને વિશ્વની સૌથી મોટી મ્યુનિસિપલ કૉર્પોરેશનોમાંની એક, બીએમસીમાં ભાજપે પહેલી વાર રેકૉર્ડ જીત મેળવી છે."

બીએમસી ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધને 227માંથી 118 બેઠકો જીતીને બહુમતી મેળવી છે.

ભાજપે 89 બેઠકો જીતી અને શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ 29 બેઠકો મેળવી. બીએમસીમાં બહુમતી માટે 114 બેઠકોની જરૂર હોય છે.

બાંગ્લાદેશ: જમાત-એ-ઇસ્લામીના વડા સાથે ભારતીય રાજદ્વારીની મુલાકાત વિશે ભારતે શું કહ્યું?

બાંગ્લાદેશની જમાત-એ-ઇસ્લામીના વડા (અમીર) શફીકુર રહમાન સાથે ભારતના રાજદ્વારીની 'ગુપ્ત મીટિંગ'ના અહેવાલની ભારતે પુષ્ટિ કરી છે.

ન્યૂઝ એજન્સી રૉઇટર્સે તાજેતરમાં રહમાનનો ઇન્ટર્વ્યૂ કર્યો હતો, જેમાં રહમાને દાવો કર્યો હતો કે તેમની બાયપાસ સર્જરી થઈ એ પછી ભારતના રાજદ્વારીએ તેમની સાથે મુલાકાત કરી હતી.

રહમાને રૉઇટર્સને કહ્યું હતું કે અન્ય દેશના રાજદ્વારીઓએ સાર્વજનિક રીતે તેમની સાથે શિષ્ટાચાર મુલાકાત કરી હતી. એવી જ રીતે ભારતના રાજદ્વારીએ પણ મુલાકાત કરી હતી, પરંતુ તેમણે બેઠકને ગુપ્ત રાખવા વિનંતી કરી હતી.

શુક્રવારે સાપ્તાહિક પ્રેસ બ્રિફિંગ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો.

ત્યારે રણધીર જાયસવાલે કહ્યું, "ભારત અને બાંગ્લાદેશ દ્વિપક્ષીય સંબંધ ધરાવે છે. અમારા હાઇ કમિશનના અધિકારીઓ નિયમિત રીતે અનેક પક્ષકારો સાથે વાતચીત કરે છે. ત્યારે જમાત-એ-ઇસ્લામીના નેતા સાથે અમારી મુલાકાતને પણ એ સંદર્ભ સાથે જ જોવી જોઈએ."

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાશે, જેમાં જમાત-એ-ઇસ્લામી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, એવું માનવામાં આવે છે.

ભારતના રાજદ્વારી સાથે મુલાકાત બાદ વિવાદ વકર્યો હતો, એ પછી બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામીએ નિવેદન બહાર પાડીને સ્પષ્ટીકરણ આપ્યું હતું.

ટ્રમ્પની જાહેરાત, ગ્રીનલૅન્ડ ઉપર અમેરિકાના કબજાનો વિરોધ કરનારા દેશો પર ટેરિફ નાખીશું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલૅન્ડ ઉપર કબજાની તેમની મહત્ત્વકાંક્ષાનું સમર્થન નહીં કરનારા દેશો ઉપર ટેરિફ લાદવાની ચીમકી ઉચ્ચારી છે.

વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત એક બેઠક દરમિયાન ટ્રમ્પે આ વાત કહી હતી. જોકે, તેઓ કયા દેશો ઉપર ટેરિફ લાદશે અને કયા અધિકાર હેઠળ લાદશે, તે વાતની સ્પષ્ટતા તેમણે નહોતી કરી.

ગ્રીનલૅન્ડમાં અર્ધ-સ્વાયત સરકાર છે અને તે ડેનમાર્કના આધિપત્ય હેઠળ આવે છે. ડેનમાર્ક અને ગ્રીનલૅન્ડ ઉપરાંત અન્ય કેટલાક દેશોએ અમેરિકાની અધિગ્રહણની યોજના અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ટ્રમ્પ આ વાત કરી રહ્યા હતા, એવા સમયે અમેરિકન કૉંગ્રેસના સભ્યોનો એક સમૂહ ડેનમાર્કના પ્રવાસે છે. ગ્રીનલૅન્ડને અમેરિકાના નિયંત્રણમાં લેવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વધતા દબાણ વચ્ચે આ પ્રવાસને સમર્થનના પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યો છે.

11 સભ્યોવાળું પ્રતિનિધિમંડળ ડેનમાર્કના સાંસદોની સાથોસાથ ત્યાંના વડા પ્રધાન મેટે ફ્રેડરિક્સન અને ગ્રીનલૅન્ડના વડા પ્રધાન જેન્સ ફ્રેડરિક નેલ્સન સાથે પણ મુલાકાત કરશે.

ઈરાનથી ભારતીયોનો સમૂહ પરત ફર્યો

ઈરાનમાં ફસાયેલો ભારતીયોનો એક સમૂહ શુક્વારે રાત્રે દિલ્હીસ્થિત ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથકે ઉતર્યો હતો.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ આવા જ કેટલાક મુસાફરો સાથે વાતચીત કરી હતી. જેમણે ત્યાંની પરિસ્થિતિને ખૂબ જ ખરાબ ગણાવી હતી તથા ત્યાંથી પરત ફરવામાં સરકારનો સહકાર મળ્યો હોવાની વાત કરી હતી.

ઈરાનમાં પ્રવર્તમાન અનિશ્ચિતતાની સ્થિતિની વચ્ચે ભારતે પહોંચેલા પર્યટકો, શ્રદ્ધાળુઓ, વિદ્યાર્થીઓ તથા ઉદ્યોગપતિઓને ભારત પરત ફરવાની તથા આગામી સૂચના ન મળે, ત્યાર સુધી ઈરાનનો પ્રવાસ નહીં ખેડવાની સલાહ આપી છે.

ભારતીયોને ઈરાનમાં કોઈપણ જાતના વિરોધપ્રદર્શન કે દેખાવોમાં ભાગ નહીં લેવા તાકિદ કરવામાં આવી છે. ભારતના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તે ઈરાનની પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે અને ભારતીયોની ક્ષેમકુશળતા માટે પ્રતિબદ્ધ છે.

મમતા બેનર્જી સામે રૂ. 100 કરોડની બદનક્ષીની ફરિયાદ

પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા અને ભાજપના અગ્રણી સુવેન્દુ અધિકારીએ રાજ્યનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ અલીપોર કોર્ટમાં રૂ. 100 કરોડની બદનક્ષીની ફરિયાદ દાખલ કરી છે.

સુવેન્દુ અધિકારીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું કે, 'મમતા બેનર્જી મેં મારું વેણ પાળ્યું છે, તમે મારી નોટિસનો જવાબ નથી આપ્યો એટલે મેં તમારી વિરુદ્ધ રૂ. 100 કરોડની બદનક્ષીની ફરિયાદ દાખલ કરી છે.' સુવેન્દુ અધિકારીનુંકહેવું છે કે તેઓ આ રકમ દાનમાં આપી દેશે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, મમતા બેનર્જીએ ભાજપના નેતા સુવેન્દુ અધિકારી ઉપર કોલસાની સ્મગલિંગમાં સંડોવણીના આરોપ મૂક્યા હતા.

જેને રાજકીય અને બદઇરાદાપૂર્વકના જણાવીને તેમની વિરુદ્ધ અધિકારીએ ફોજદારી અને દિવાની બદનક્ષીની ફરિયાદ દાખલ કરવાની વાત કરી હતી.

આ અંગે તૃણમુલ કૉંગ્રેસ કે મમતા બેનર્જીએ ઉપરોક્ત સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આપી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન