You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લગ્નપ્રથામાં શારીરિક સંબંધો સાથે સહમતી અને સન્માન જરૂરી- છૂટાછેડાના કેસમાં ગુજરાત હાઇકોર્ટની ટિપ્પણી
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
'લગ્નજીવનમાં જાતીય સંબંધ સામાન્ય બાબત છે, પણ એમાં એકબીજાની સહમતી અને સન્માન જરૂરી છે. લગ્નજીવન દરમ્યાન પરસ્પર સંમતિ વગર અપ્રાકૃતિક શારીરિક સંબંધ માનસિક અને ભાવનાત્મક ટ્રોમા તરફ લઈ જાય છે', છૂટાછેડાના એક કેસમાં ગુજરાત હાઇકોર્ટે આ ટિપ્પણી કરી છે.
ગુજરાત હાઇકોર્ટે પતિના આગોતરા જામીન ફગાવી દીધા છે. લગ્નજીવન અને છૂટાછેડાના આ કેસમાં સામસામે પક્ષે કોર્ટમાં દલીલ થઈ હતી અને બંનેએ પોતાના પક્ષ મૂક્યા હતા.
પત્ની તરફથી પતિ પર શારીરિક, માનસિક અત્યાચારના આરોપ કરાયા છે, તો સામે પક્ષે પતિ તરફથી એ તમામ આરોપોને નકારી દેવાયા છે.
પત્ની હાલમાં એમનાં વૃદ્ધ માતાપિતા અને બહેન સાથે રહે છે.
શું છે સમગ્ર મામલો?
અમદાવાદનાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીમા (નામ બદલ્યું છે)નાં લગ્ન હરિયાણાના ગુડગાંવમાં ત્રણ બાળકોના પિતા એવા એક બિઝનેસમેન સાથે 2022માં થયાં હતાં.
સીમાએ બે વર્ષ પછી "શારીરિક, માનસિક ત્રાસ અને અપ્રાકૃતિક જાતીય સંબંધો"થી કંટાળીને ગત વર્ષે 14 ઑક્ટોબરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
પતિ લોકેશ (નામ બદલ્યું છે) સામે કરેલી ફરિયાદમાં સીમાએ પતિ પર 10 કિલો ચાંદી અને 15 લાખ રૂપિયા માગવાનો આરોપ લગાવ્યો છે.
ફરિયાદમાં કહેવાયું છે કે "પતિને દારૂ પીધા પછી અઘટિત માગણીઓ કરતો અને ન સંતોષે તો ભીંત સાથે માથું અફળાવી માર મારતો. પતિ સતત માનસિક ત્રાસ આપતો અને અપ્રાકૃતિક જાતીય સંબંધ બાંધતો અને ઇનકાર કરાતાં સિગારેટના ડામ આપતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"શંકાશીલ પતિને ફરજિયાત પોતાનું લાઇવ લોકેશન મોકલવું પડતું. એને પોતાની મરજી પ્રમાણે કોઈ મૉલ કે કૉફી શૉપ જાય તો એને માનસિક ત્રાસ અપાતો."
માત્ર પતિનો ત્રાસ હતો એટલું નહીં. સીમાએ ફરિયાદમાં એમના સસરા વિરુદ્ધ પણ જાતીય સતામણીના આરોપ મૂક્યા છે.
કોર્ટમાં પતિ-પત્નીના પક્ષે શું દલીલ થઈ?
14 ઑક્ટોબરે થયેલી ફરિયાદ બાદ નીકળેલા વૉરંટ પછી સેશન્સ કોર્ટમાં લોકેશે આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ નીચલી કોર્ટે આગોતરા જામીન ન આપતા તેમણે ગુજરાત હાઇકોર્ટમાં 24 ડિસેમ્બરે આગોતરા જામીનની અરજી કરી હતી.
આગોતરા જામીનની અરજીની જસ્ટિસ ડી.એ. જોશીની કોર્ટમાં સુનાવણી થઈ હતી. લોકેશ દ્વારા કોર્ટમાં એવી દલીલ કરાઈ કે એમનાં લગ્ન ફેબ્રુઆરી 2022માં ગુડગાંવના ગેસ્ટહાઉસમાં થયાં હતાં, જેનો તમામ ખર્ચ પણ એમણે ઉઠાવ્યો હતો.
લગ્ન પછી જ્યારે વૅકેશન પર ગયા ત્યારે તમામ ખર્ચ પતિ તરીકે પોતે ઉઠાવ્યો અને એમણે પત્ની તરફથી કરાયેલા તમામ આરોપ ફગાવી દીધા છે.
આગોતરા જામીનની અરજી અંગે દલીલ કરતા લોકેશના વકીલ આદિત્ય ગુપ્તાએ ગુજરાત હાઇકોર્ટમાં કહ્યું કે, "જે પતિ લગ્નનો ખર્ચ ઉઠાવે, પત્નીને વૅકેશન પર લઈ જાય અને એને ગુડગાંવમાં મોટો બિઝનેસ હોય ત્યારે દહેજ માગવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી."
વકીલ આદિત્ય ગુપ્તાએ ગુજરાત હાઇકોર્ટમાં કહ્યું કે, "જે દિવસે સસરા દ્વારા જાતીય સતામણી થઈ હોવાનો આરોપ લગાવાયો છે એ દિવસે તેમની સોસાયટીમાં ફંક્શન હતું, તેમાં પરિવાર હાજર રહ્યો હતો અને સાથે ખુશખુશાલ હાલતમાં ફોટા પડાવેલા છે."
તેમણે કહ્યું કે, "બીજી તરફ લોકેશ તપાસનીશ અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપે છે, જરૂરી તમામ પુરાવા આપ્યા છે. તેના પિતાને મોઢાના કૅન્સરની ટ્રીટમેન્ટ કરાવેલી છે, ઓપન હાર્ટ સર્જરી કરાવેલી છે અને તેની માતાને સિવિયર આર્થરાઇટિસની સમસ્યા છે, માટે તમામના આગોતરા જામીન થવા જોઈએ."
બીજી તરફ સીમાના વકીલ જાલ ઉનવાલાએ કોર્ટમાં દલીલ કરતા કહ્યું હતું કે, "ગુડગાંવના આ બિઝનેસમેન દ્વારા તેની પહેલી પત્ની પર આવા જ અત્યાચાર કરાયા હતા એટલે તેના છૂટાછેડા લીધા હતા, જ્યારે બીજી પત્નીને સતત માનસિક ત્રાસ અપાતો, જેના કારણે તે મેન્ટલ ટ્રોમામાં હતી, તેની પાસે દહેજની માગણી થતી હતી. તેને પૈસા કમાવવા માટે પણ મજબૂર કરાઈ હતી."
"સીમાનાં સાસુ-સસરા અન્યની મદદ વગર રોજિંદા કામ કરી નહીં શકતાં હોવાની દલીલને ખોટી ગણાવતા સાસુ-સસરાના સોસાયટી ફંક્શનમાં હાજર હોવાના ફોટા કોર્ટમાં રજૂ કર્યા હતા."
કોર્ટે કયા કારણસર આગોતરા જામીન ન આપવાનો નિર્ણય કર્યો?
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ ડી.એ. જોશીએ પતિના આગોતરા જામીન રદ કરતાં કહ્યું કે, એમાં કોઈ શંકા નથી કે દાયકાઓથી લગ્ન થાય એટલે જાતીય સંબંધ બંનેની સંમતિથી બંધાતા હોય છે, પણ હવે નવા ન્યાયિક માળખામાં (ફ્રેમવર્કમાં) દરેકને પોતાના લગ્નજીવનમાં પણ શારીરિક સ્વાતંત્ર્યનો અધિકાર છે. લગ્નજીવનમાં જાતીય સંબંધ સામાન્ય બાબત છે, પણ એમાં એકબીજાની સહમતી અને સન્માન અગત્યનાં છે.
કોર્ટના જણાવ્યા પ્રમાણે, "લગ્નજીવન દરમિયાન પરસ્પર સંમતિ વગર અપ્રાકૃતિક શારીરિક સંબંધ બાંધવો માનસિક અને ભાવનાત્મક આઘાત (ટ્રોમા) તરફ દોરી જાય છે. સંસ્કારી અને સભ્ય સમાજમાં કોઈ વ્યક્તિ પોતાની સાથેની આવી સમસ્યા લઈને બહાર ત્યારે જ આવે છે, જ્યારે તેણે સહનશીલતાની હદ વટાવી દીધી હોય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન