'દિવસમાં 15 પુરુષો પાસે જવું પડતું, પીરિયડ્સમાં પણ કામ કરવું પડતું', જ્યાં 2500 સેક્સવર્કર રહે છે એ વિસ્તારની કહાણી

    • લેેખક, પ્રેરણા
    • પદ, બીબીસી સંવાદદાતા

ચેતવણી: આ અહેવાલમાં આપવામાં આવેલી કેટલીક માહિતી અમુક વાચકોને વિચલિત કરી શકે છે. વાચકનો વિવેક અપેક્ષિત છે.

દર વર્ષે તા. 17 ડિસેમ્બરના રોજ સેક્સ વર્કર્સ સાથે થતી હિંસાને ખતમ કરવા તથા તેમના અધિકારોની સુરક્ષા માટે વિશ્વભરમાં અવાજ ઉઠાવવામાં આવે છે, જેથી કરીને આ મુદ્દે સમાજ તથા સરકારનું ધ્યાન દોરી શકાય.

ભારતમાં મોટા ભાગે મહિલાઓ સેક્સ વર્કમાં ધકેલાય છે. સરકારી આંકડા પ્રમાણે, ભારતમાં લગભગ 10 લાખ મહિલા સેક્સ વર્કર છે, જ્યારે બિનલાભકારી સંસ્થાઓનું અનુમાન છે કે આ આંકડો 30 લાખ આસપાસનો છે. આ મહિલાઓનાં જીવનમાં શોષણ, રોજબરોજની હિંસા અને ક્યારેય ખતમ નહીં થનારો સામાજિક ભેદભાવ વણાઈ જાય છે.

દિલ્હીના જીબી (ગાર્સ્ટિન બાસ્ટિયન) રોડની ગણતરી ભારતના સૌથી મોટા રેડ લાઈટ વિસ્તારોમાં થાય છે. અહીંની જર્જરિત ઇમારતોમાં લગભગ અઢી હજાર મહિલા સેક્સ વર્કર રહે છે અને દરરોજ શોષણ સહન કરે છે. રૂખસાનાની ઉંમર 13 વર્ષ આસપાસ હતી. તેઓ કહે છે, "મારા પતિએ મને જીબી રોડ ઉપર એક કોઠામાં વેચી દીધી હતી."

રૂખસાના યાદ કરતા કહે છે કે શરૂઆતમાં અનેક દિવસો સુધી તેમને નાનકડા અંધારિયા રૂમમાં પૂરી રાખવામાં આવતી હતી, જેથી કરીને તેઓ ક્યાંય નાસી ન છૂટે. આ વાત કરતી વેળાએ રૂખસાનાનો અવાજ ભારે થઈ જાય છે અને આંખો આંસુથી ભરાઈ જાય છે. રૂખસાના કહે છે, "પીરિયડ્સમાં પણ કામ કરવું પડતું હતું."

'20થી વધુ ગર્ભપાત'

રૂખસાના કહે છે કે શરૂઆતના સમયમાં જ્યારે કોઈ છોકરી પુરુષ સાથે જવાનો ઇનકાર કરે, ત્યારે તેના પાણીમાં નશાની ગોળી ભેળવી દેવામાં આવે છે. તેર વર્ષની રૂખસાનાનાં આગામી 14 વર્ષ નશાની ભારે આદત, રોજરોજ મારઝૂડ, 20થી વધુ ગર્ભપાત અને અંતહીન શોષણમાં વીત્યાં. જોકે, આ બધું વેઠનારી રૂખસાના એકલી નથી. જીબી રોડ ઉપરની મોટા ભાગની મહિલાઓની કહાણી એક જેવી જ જણાઈ આવે છે.

જેમ કે, જ્યોતિને તેના ગામની જ એક મહિલાએ નોકરીની લાલચ આપી હતી. એ પછી જ્યોતિને જીબી રોડ ઉપર એક દલાલને વેચી દેવામાં આવી. જ્યોતિની ઉંમર એ સમયે માત્ર 14 વર્ષ હતી. જ્યોતિ કહે છે કે જે મહિલાએ મારો સોદો કર્યો, તેના પતિએ સૌ પહેલી વખત તેનો રેપ કર્યો હતો. એ પછી અનેક દિવસ સુધી તેઓ બીમાર રહ્યાં. જ્યોતિને એ પછી જીબી રોડ ઉપર એક કોઠામાં મોકલી દેવાયાં.

જ્યોતિ કહે છે, "હું એ દિવસોને યાદ કરું છું, તો લાગે છે કે... કોઈએ એવા દિવસો ન જોવા પડે. એટલી નાની ઉંમરમાં દરરોજ 12-15 કસ્ટમર એટેન્ડ કરાવતા. ના પાડીએ તો મારઝૂડ, ખાવાનું ન આપવું... આ બધી વાતો સામાન્ય હતી. થોડા વર્ષ વીત્યાં કે બાળક પેદા કરવા માટે દબાણ કરવા લાગ્યા. પ્રેગ્નન્સીના છેલ્લા મહિના સુધી કામ કર્યું."

"ડિલિવરીના અમુક દિવસોમાં જ કોઠાની માલકણ બાળકને તેની માતાથી અલગ કરી દે છે, જેથી કરીને મહિલાઓ ફરીથી એ બધું ચાલુ કરી દે અને પોતાના બાળકના મોહમાં વર્ષો સુધી ફસાયેલી ન રહે."

જીબી રોડ – શોષણનું દલદલ

આજે રૂખસાના અને જ્યોતિ બંને જીબી રોડથી સ્વતંત્ર થઈ ગયાં છે, પરંતુ આવી સ્વતંત્રતા બધી મહિલાઓને નસીબ નથી થતી. જીબી રોડ ઉપર કામ કરનારી એક સેક્સ વર્કરે ઓળખ ન જાહેર કરવાની શરતે કહ્યું કે જે મહિલા એક વખત જીબી રોડ ઉપર આવી ગઈ, સમજો કે તેનું અહીંથી બહાર નીકળવું ખૂબ જ કપરું છે.

તેઓ કહે છે, "એક તો એટલો ચોકીપહેરો હોય છે કે તમે બહાર ન નીકળી શકો. નીકળી જાઓ, તો પણ રસ્તા ઉપર દરેક ખૂણે દલાલ બેઠેલા હોય છે, જે તમને ઓળખીને ફરી અહીં લાવશે. જીબી રોડનો સિક્કો લાગે એટલે પરિવાર પણ અમને મરી ગયેલા માની લે છે."

"તમારા દરેક ડૉક્યુમેન્ટમાં ઍડ્રેસની કૉલમમાં જીબી રોડ લખાયેલું હોય છે. જેથી ન કેવળ તમને, પરંતુ તમારાં બાળકોને પણ ધૃણાભરી નજરે જોવામાં આવે છે." પરિણામસ્વરૂપે મહિલાઓ વર્ષોવર્ષ હિંસા અને શોષણના દલદલમાં ધસતી જાય છે તથા અનેક વાર પોતાનો જીવ પણ ગુમાવી બેસે છે.

સેક્સ વર્ક અને હિંસા

બેએક વર્ષ પહેલાં જીબી રોડ ઉપર આવેલા કોઠામાં કેટલાક ગ્રાહકોએ ગોળીબાર કર્યો હતો, જેમાં 30 વર્ષીય સેક્સ વર્કરનું મૃત્યુ થયું હતું. જ્યારે વર્ષ 2025માં ગાઝિયાબાદના સૈન વિહાર વિસ્તારના નાળામાંથી મહિલા સેક્સ વર્કરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસનું કહેવું હતું કે ગ્રાહકે મહિલાની હત્યા કરી હતી.

સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા UNAIDSના રિપોર્ટ પ્રમાણે, ગત એક વર્ષના ગાળા દરમિયાન પાંચમાંથી એક મહિલા શારીરિક કે જાતીય હિંસાનો ભોગ બની હતી. બીજી બાજુ, સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પંચના (OHCHR) એક અભ્યાસ અનુસાર, ભારતમાં 50 ટકા મહિલા સેક્સ વર્કર્સે ભૂતકાળમાં કોઈ ને કોઈ સ્વરૂપે હિંસા વેઠી હતી. અભ્યાસમાં જાણવા મળ્યું કે પોલીસ રેડ દરમિયાન પકડાયેલી અનેક સેક્સ વર્કર મહિલાઓએ મારઝૂડ અને જાતીય શોષણનો સામનો કરવો પડે છે.

ગાઝિયાબાદ સિવિલ લાઇન્સનાં એસીપી પ્રિયાશ્રી પાલ કહે છે, "પોલીસ દ્વારા શોષણનો કોઈ મામલો મારા ધ્યાને નથી આવ્યો, પરંતુ તેને સદંતર નકારી ન શકાય. પક્ષપાત તથા પૂર્વાગ્રહોને કારણે અનેક લોકોએ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હશે, પરંતુ વર્ષ 2026 તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે અમે આશા કરીએ છીએ કે 'મિશન શક્તિ' તથા અન્ય કાર્યક્રમો મારફત સમાજના નબળા વર્ગો, વિશેષ કરીને મહિલાઓની સ્થિતિ સુધરશે."

વાસ્તવિક સમસ્યા અને કારણો

સરકાર દ્વારા જે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને પ્રયાસો થઈ રહ્યા છે, તેને સ્વયંસેવી સંગઠનો અપૂરતા ગણાવે છે. સેક્સ વર્કરોના અધિકારો માટે લાંબા સમયથી કાર્યરત મીના શેષુનું કહેવું છે, "તેઓ 'શક્તિ મિશન' હેઠળ સેક્સ વર્કને સંપૂર્ણપણે ખતમ કરી દેવા માંગે છે, નહીં કે સેક્સ વર્કમાં જે હિંસા થઈ રહી છે, તેને ખતમ કરવા માટે પ્રયાસ થઈ રહ્યા છે."

"આ મિશન હેઠળ તેઓ મહિલાઓને આ દલદલમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળે લઈ જવા માંગે છે, પરંતુ તેમનાં બાળકો શું કરશે? તેમનો ખર્ચો કોણ ભોગવશે? અનેક મહિલાઓ ગરીબીને કારણે આ વ્યવસાયમાં આવે છે, તો શું તમે તેમને નિયમિત રોજગાર આપશો? તેમના પરિવારની જવાબદારી ઉઠાવશો? મહિલાઓને માત્ર સ્કિલ ટ્રેનિંગ આપવાથી કશું નથી થતું."

પ્રજ્ઞા બસેરિયા જીબી રોડ ઉપર કામ કરતી મહિલાઓના અધિકાર અને સુરક્ષા માટે કામ કરતી સંસ્થા 'કટ-કથા'માં ફિલ્ડ મૅનેજર તરીકે કામ કરે છે. તેઓ કહે છે: "સરકાર તથા એનજીઓએ પ્રયાસ નથી કર્યા, એવું નથી. જે પ્રયત્નો થાય છે, તેમાં લોન્ગ ટર્મ પુનર્વાસની યોજના ઘડવામાં નથી આવતી."

પ્રજ્ઞા બસેરિયા કહે છે, "તમે સેક્સ વર્કર્સને મેઇનસ્ટ્રીમ સાથે જોડવા માંગતા હો, તો તેમના માનસિક આરોગ્યથી લઈને, બાળકોની સંભાળ, રોજગારની તકો, રહેવાની જગ્યા સહિતની બાબતો ધ્યાને લેવી રહી. જેમ કે અમે 'ડ્રીમ વિલેજ' બનાવ્યું, જેથી કરીને જો મહિલાઓ જીબી રોડ છોડીને અમારી સાથે આવે, તો તેમને રહેવા માટે છત મળે, ખાવા-પીવાની સુવિધા હોય, અમે તેમને રૂ. 10 હજારની આર્થિક મદદ આપીએ છીએ."

"સ્કિલ ટ્રેનિંગથી માંડીને રોજગારની તકો આપવામાં આવે છે... આમ છતાં અનેક દીદી જીબી રોડ ઉપર પરત જતી રહે છે, કારણ કે એટલી રકમમાં તેમના ખર્ચા પૂરા નથી પડતા. કોઠાની માલકણ તેમને વધુ રૂપિયાની લાલચ આપીને બોલાવી લે છે. તેમને અહેસાસ કરાવવામાં આવે છે કે આ દુનિયા તેમના માટે નથી. તેમને અહીં ક્યારેય કોઈ સન્માન નહીં મળે."

ભારતમાં વેશ્યાવૃત્તિ પૂર્ણપણે ગેરકાયદેસર નથી, પરંતુ અનૈતિક દેહવ્યાપાર અટકાવવાના કાયદા, 1956 (ITPA) અનુસાર, 'વેશ્યાલય' ચલાવવું, દલાલી કરવી, કોઈને બળજબરીપૂર્વક આ વ્યવસાયમાં ધકેલવી, સાર્વજનિક સ્થળોએ ગ્રાહક શોધવા અને સગીરો પાસે આ કામ કરાવવું ગુનાહિત કૃત્ય છે. સાથે જ કોઈનું શોષણ, હિંસા કે માનવતસ્કરી મારફત દેહવ્યાપાર કરવાને ગંભીર અપરાધ માનવામાં આવે છે.

વર્ષ 2022માં ભારતની સર્વોચ્ચ અદાલતે સેક્સ વર્કને પહેલી વખત વ્યવસાયનો દરજ્જો આપ્યો હતો અને કહ્યું હતું કે તેમને પણ સન્માન તથા સ્વાભિમાન સાથે જીવવાનો અધિકાર છે. સર્વોચ્ચ અદાલતના આદેશ છતાં સન્માન અને સ્વાભિમાન એમ બે શબ્દો હજુ સુધી સેક્સ વર્કર્સને મળ્યા નથી.

જ્યોતિ કહે છે કે બે દિવસ પહેલાં હું રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી, ત્યારે કોઈ શખ્સે મને ઓળખી લીધી અને પૂછ્યું, "તું એ જ છે ને, જે કોઠા ઉપર રહે છે?"

જ્યોતિ કહે છે, "મને ખૂબ જ ખરાબ લાગ્યું."

(એનસીઆરબીના (નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો) રિપોર્ટ પ્રમાણે, ભારતમાં વર્ષ 2023માં ત્રણ લાખ 24 હજાર 763 મહિલાઓ ગુમ થઈ ગઈ હતી. વર્ષ 2023ના રિપોર્ટ મુજબ, એ જ વર્ષે બે હજાર 189 મહિલાઓને સેક્સ ટ્રેડ માટે ટ્રાફિક કરવામાં આવી હતી. જ્યારે 12 સગીર છોકરીઓને દેહવ્યાપાર માટે વેચવામાં આવી હતી. ત્રણ હજાર 38 મહિલાઓને રૅસ્ક્યૂ કરવામાં આવી. જ્યારે સ્વૈચ્છિક સંસ્થાઓનું કહેવું છે કે વાસ્તવિક સંખ્યા આનાથી ઘણી વધુ છે.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન