સેક્સ માટે સહમતિની કાયદાકીય ઉંમર 'ઘટાડી દેવાની' ફરી ચર્ચા કેમ શરૂ થઈ?

    • લેેખક, શેરલીન મોલાન
    • પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ

ભારતમાં સેક્સ માટેની કાયદેસરની વય 18 વર્ષ છે અને વકીલ ઇંદિરા જયસિંહે જુલાઈના અંતમાં તે નિયમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. એ સાથે કિશોર વયના લોકો વચ્ચેના સેક્સને ગુનાહિત બનાવવા સંબંધી ચર્ચા ફરીથી શરૂ થઈ છે.

16થી 18 વર્ષની વયના લોકો વચ્ચે સંમતિથી સેક્સ શોષણકારક કે દુર્વ્યવહાર નથી એવી દલીલ કરીને ઇંદિરા જયસિંહે તેને ફોજદારી કાર્યવાહીમાંથી મુક્તિ આપવાની અરજ કોર્ટને કરી છે.

ઇંદિરા જયસિંહે કોર્ટમાં તેમની લેખિત રજૂઆતમાં કહ્યું હતું કે "વય-આધારિત કાયદાઓનો હેતુ દુર્વ્યવહાર અટકાવવાનો છે. વય અનુસારના સમંતિથી બાંધવામાં આવેલા ઉત્કટ સંબંધને ગુનાહિત બનાવવાનો નથી."

જોકે, કેન્દ્ર સરકારે તેનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે આ પ્રકારની છૂટ આપવાથી બાળકોની (ભારતીય કાયદા અનુસાર 18 વર્ષથી ઓછી વયની વ્યક્તિ) સલામતી અને સંરક્ષણ પર જોખમ સર્જાશે તથા તેઓ દુર્વ્યવહારનો શિકાર બનશે.

આ કેસને પગલે સહમતિ બાબતે અને ભારતીય કાયદા, ખાસ કરીને બાળ યૌનશોષણ વિરુદ્ધના મુખ્ય કાયદા પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ ઍક્ટ – 2012માં (પોક્સો) ફેરફાર દ્વારા 16થી 18 વર્ષની વયનાં બાળકોને સંમતિથી સેક્સ સંબંધ બાંધવાના દાયરામાંથી મુક્ત કરવાની જોગવાઈ કરવી જોઈએ કે કેમ તે બાબતે ફરી ચર્ચા શરૂ થઈ છે.

સેક્સની કાયદાકીય ઉંમર અંગે નિષ્ણાતો શું કહે છે?

બાળ અધિકાર કાર્યકરોનું કહેવું છે કે કિશોર વયનાં બાળકોને છૂટ આપવાથી તેમની સ્વાયત્તતાનું રક્ષણ થાય છે, જ્યારે વિરોધીઓ એવી ચેતવણી આપે છે કે આમ કરવાથી બાળતસ્કરી અને બાળવિવાહ જેવા ગુનામાં વધારો થઈ શકે છે.

કિશોર વયનાં બાળકો તેમની સાથે દુર્વ્યવહાર થાય, ત્યારે પુરાવા આપવાનું જોખમ ઉઠાવી શકશે કે કેમ, તેવો સવાલ નિષ્ણાતો ઉઠાવી રહ્યા છે. તેનાથી પણ વધારે મહત્ત્વની વાત એ છે કે સંમતિની વય સંબંધી કાયદા કોણ બનાવે છે અને વાસ્તવમાં તે કોનું હિત થાય છે.

વિશ્વના ઘણા દેશોની માફક ભારત પણ જાતીય સંમતિની વય નક્કી કરવા બાબતે સંઘર્ષ કરી રહ્યું છે. અમેરિકામાં તે રાજ્ય પ્રમાણે બદલાય છે, જ્યારે ભારતમાં સમગ્ર દેશ માટે તેમાં સમાન વય લાગુ પડે છે.

ભારતમાં સેક્સ માણવાની કાયદેસરની વય મોટા ભાગના યુરોપિયન દેશો અથવા યુનાઇટેડ કિંગ્ડમ અને કૅનેડા જેવા દેશોની 16 વર્ષની વય કરતાં ઘણી વધારે છે.

ભારતમાં 1860માં ફોજદારી સંહિતા અમલી બનાવાઈ, ત્યારે તે વય 10 વર્ષની હતી અને 1940માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો અને તેને વધારીને 16 વર્ષ કરવામાં આવી હતી.

તેમાં પોક્સોએ મોટો ફેરફાર કર્યો હતો અને 2012માં સંમતિની વય 18 વર્ષ કરવામાં આવી હતી. તે ફેરફારના અમલ માટે ભારતના ફોજદારી કાયદાઓમાં એક વર્ષ પછી સુધારો કરવામાં આવ્યો હતો અને 2024માં રજૂ કરવામાં આવેલી નવી ફોજદારી સંહિતામાં સુધારિત વયનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સેક્સ માટેની ઉંમર ઘટાડવાની દલીલ કેમ?

છેલ્લા એક દાયકામાં અનેક બાળ અધિકાર કાર્યકરો અને અદાલતોએ પણ દેશમાં સેક્સ માણવાની કાયદેસરની વય બાબતે ટીકાત્મક વલણ લીધું છે તથા તેને ઘટાડીને 16 વર્ષ કરવાની માગ કરી છે.

તેમના કહેવા મુજબ, આ કાયદો કિશોર વયના લોકોમાં સંમતિથી બાંધવામાં આવતા સંબંધને ગુનો બનાવે છે અને ખાસ કરીને છોકરીઓના સંબંધોને નિયંત્રિત કરવા અથવા તો અવરોધિત કરવા પુખ્ત વયના લોકો દ્વારા તેનો ઘણી વાર દુરુપયોગ કરવામાં આવે છે.

કિશોર વયના લાખો ભારતીયો જાતીય રીતે સક્રિય હોવાનું અભ્યાસો દર્શાવતા હોવા છતાં દેશમાં સેક્સ એક વર્જિત વિષય છે.

ફાઉન્ડેશન ફૉર ચાઇલ્ડ પ્રૉટેક્શન – મુસ્કાન નામની બાળ જાતીય દુર્વ્યવહાર અટકાવવા માટે બે દાયકાથી વધુ સમયથી કાર્યરત્ સ્વયંસેવી સંસ્થાના સહ-સ્થાપક શર્મિલા રાજે કહે છે, "એક સમાજ તરીકે આપણે જાતિ, વર્ગ અને ધર્મનાં ચોકઠાંમાં વિભાજિત છીએ, જે (સંમતિની વયના) કાયદાના દુરુપયોગની શક્યતા વધારે છે."

કર્ણાટક હાઇકોર્ટે "વાસ્તવિકતાને ધ્યાનમાં લઈ શકાય" એટલે ભારતના કાયદા પંચને પોક્સો હેઠળ સંમતિની વય બાબતે પુનર્વિચાર કરવાનો આદેશ 2022માં આપ્યો હતો.

16 વર્ષની વયની છોકરીઓ પ્રેમમાં પડીને ભાગી ગઈ હોય અને સેક્સ માણ્યું હોય, પરંતુ માત્ર છોકરાઓ પર જ પોક્સો તથા ફોજદારી કાયદા હેઠળ બળાત્કાર તેમજ અપહરણના આરોપ મૂકવામાં આવ્યા હોય તેવા અનેક કિસ્સાની નોંધ તેમાં લેવામાં આવી હતી.

એ પછીના વર્ષે પોતાના અહેવાલમાં કાયદા પંચે સંમતિની વય ઘટાડવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ 16થી 18 વર્ષની વયનાં બાળકોમાં "મૂક સંમતિ"ના (જેમાં સંમતિથી સંબંધ બંધાયો હોય) કિસ્સાઓમાં સજા આપતી વખતે "ન્યાયિક વિવેકબુદ્ધિ"ના ઉપયોગની ભલામણ કરી હતી.

ન્યાયિક વિવેકબુદ્ધિનો તર્ક

તેનો અમલ હજુ સુધી થયો નથી, પરંતુ દેશભરની અદાલતો કેસનાં તથ્યો તથા પીડિતાની જુબાનીને ધ્યાનમાં લીધા પછી અપીલ માટે, જામીન આપવા, નિર્દોષ મુક્તિ માટે અને કેસ રદ કરવા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ કરી રહી છે.

શર્મિલા રાજે સહિતના ઘણા બાળ અધિકાર કાર્યકરો આ જોગવાઈના અમલીકરણને સંહિતાબદ્ધ કરીને પ્રમાણિત કરવા વિનંતી કરી રહ્યાં છે.

એપ્રિલમાં મદ્રાસ હાઇકોર્ટે એક કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતા ચુકાદાને ઉલટાવી દીધો હતો. એ કિસ્સામાં 17 વર્ષની પીડિતાને 23 વર્ષના આરોપી સાથે સંબંધ હતો.

પીડિતાનાં માતાપિતાએ તેનાં લગ્ન બીજા પુરુષ સાથે ગોઠવ્યાં, ત્યારે પીડિતા અને આરોપી બંને ભાગી છૂટ્યાં હતાં. આરોપીને 10 વર્ષની જેલ સજા ફટકારવામાં આવી હતી.

બાળ અધિકાર સખાવતી સંસ્થા ઍનફોલ્ડ પ્રોઍક્ટિવ હેલ્થ ટ્રસ્ટનાં સંશોધક શ્રુતિ રામકૃષ્ણને ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબારમાં પ્રકાશિત તેમની કૉલમમાં આ ઘટનાને "ન્યાયની ગંભીર નિષ્ફળતા" ગણાવી હતી.

ઇંદિરા જયસિંહ એવી દલીલ કરે છે કે સજા કરવામાં ન્યાયિક વિવેકબુદ્ધિ પૂરતી નથી, કારણ કે આરોપીઓએ હજુ પણ લાંબા તપાસ અને અદાલતી ખટલાઓનો સામનો કરવો પડે છે.

ન્યાય પ્રણાલી અને પડતર કેસો

ભારતની ન્યાયિક પ્રણાલી અત્યંત ધીમી છે અને તમામ અદાલતોમાં પ્રત્યેક સ્તરે લાખો કેસ પૅન્ડિંગ છે. ઇન્ડિયા ચાઇલ્ડ પ્રોટેક્શન ફંડના એક રિસર્ચ પેપરમાં જાણવા મળ્યું છે કે જાન્યુઆરી 2023 સુધીમાં આવા કેસોની સુનાવણી માટે સ્થાપવામાં આવેલી ખાસ અદાલતોમાં પોસ્કોના લગભગ અઢી લાખ કેસ પૅન્ડિંગ હતા.

ઇંદિરા જયસિંહ નોંધે છે, "આ પ્રક્રિયા ઘણા લોકો માટે સજા છે."

તેઓ ઉમેરે છે, "ન્યાયાધીશોની વિવેકબુદ્ધિને આધારે કેસ અનુસાર અભિગમ પણ શ્રેષ્ઠ નિરાકરણ નથી, કારણ કે તેનું પરિણામ અસમાન આવી શકે છે અને તેમાં પક્ષપાતની શક્યતાને ધ્યાનમાં લેવાતી નથી."

ઇંદિરા જયસિંહ પોક્સો અને સંબંધિત કાયદાઓમાં 16થી 18 વર્ષની વયના લોકો વચ્ચે સંમતિથી થયેલા સેક્સ માટે "ક્લોઝ-ઇન-એજ ઍક્સેપ્શન" ઉમેરવાની વિનંતી કરે છે. આ અપવાદ તે વય જૂથના સાથીઓ વચ્ચે સંમતિથી થયેલાં કૃત્યોને ગુનો તરીકે ગણતા અટકાવશે.

વકીલ અને બાળ અધિકાર કાર્યકર્તા ભુવન ઋભુ ચેતવણી આપે છે કે અપહરણ, તસ્કરી અને બાળલગ્નોના કિસ્સામાં કોઈ સામાન્ય અપવાદનો દુરુપયોગ થઈ શકે છે. તેઓ ન્યાય વ્યવસ્થામાં સુધારા સાથે ન્યાયિક વિવેકબુદ્ધિની હિમાયત કરે છે.

તેઓ કહે છે, "આપણને ઝડપી પ્રક્રિયાની જરૂર છે, જેથી નિર્ધારિત સમયમર્યાદમાં કેસોનો નિકાલ કરી શકાય. આપણને પીડિતો માટે વધુ સારી પુનર્વસન સુવિધાઓ અને વળતરની પણ જરૂર છે."

જોકે, હક: સેન્ટર ફૉર ચાઇલ્ડ રાઇટ્સનાં સહ-સ્થાપક ઇનાક્ષી ગાંગુલી ઇંદિરા જયસિંહ સાથે સંમત છે.

"કાયદાનો દુરુપયોગ થવાના ડરે આપણે ફેરફારો કરવામાંથી બચી શકીએ નહીં," એમ કહેતાં તેઓ ઉમેરે છે કે ઇંદિરા જયસિંહની દલીલ નવી નથી, કારણ કે ઘણા કાર્યકરો અને નિષ્ણાતો વર્ષોથી સમાન ભલામણ કરતા રહ્યા છે.

ઇનાક્ષી ગાંગુલી કહે છે, "કાયદાઓ અસરકારક અને સુસંગત રહે એ સુનિશ્ચિત કરવું હોય તો તે સમાજમાં થતા ફેરફારો સાથે તાલમેલ ધરાવતા હોય એ જરૂરી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન