ગુજરાતના જૂનાગઢમાં મગફળીની નવી જાતો કેવી રીતે વિકસાવવામાં આવે છે, કઈ મગફળી વધારે ઉત્પાદન આપે?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં દસ વર્ષ અગાઉ, 2015ની ખરીફ એટલે કે ચોમાસાની ઋતુમાં 12.95 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર નોંધાયું હતું. તેના અગાઉનાં ત્રણ વર્ષમાં મગફળીનો સરેરાશ વાવેતર વિસ્તાર 13.69 લાખ હેક્ટર રહ્યો હતો.

પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં મગફળીના વાવેતર વિસ્તારમાં ઘણો વધારો થયો છે જયારે કપાસના વાવેતર વિસ્તારમાં ઘટાડો જોવાયો છે.

રાજ્ય સરકારના આંકડા અનુસાર 2022થી 2024ના ત્રણ વર્ષના ગાળામાં સરેરાશ 17.50 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર નોંધાયું છે.

તેની સરખામણીએ આ વર્ષે વાવેતર વિસ્તારમાં લગભગ અઢી લાખ હેક્ટર એટલે કે લગભગ 15 ટકાનો વધારો થયો છે.

ગત વર્ષે 19.08 લાખ હેક્ટરમાં મગફળીનું વાવતેર નોંધાયું હતું તેની સામે રાજ્ય સરકારે 28 જુલાઈએ જાહેર કરેલ આંકડા અનુસાર રાજ્યમાં 2025ની ખરીફ ઋતુ દરમિયાન ખેડૂતોએ 20.11 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરી દીધું છે અને આગામી થોડાં અઠવાડિયાંમાં આ આંકડો હજુ પણ ઊંચો જવાનું અનુમાન છે.

આમ, મગફળીનો વાવેતર વિસ્તાર ગયા વર્ષની સરખામણીએ એક લાખ હેક્ટર જેટલો વધી ગયો છે.

મગફળીનું વાવેતર કેમ વધી રહ્યું છે?

ગુજરાત સરકાર દ્વારા સંચાલિત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ભારત સરકાર સંચાલિત જૂનાગઢ ખાતે આવેલી ભારતીય મગફળી સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકો કહે છે કે મગફળીનો વાવેતર વિસ્તાર વધવા પાછળનાં મુખ્ય કારણોમાં તાજેતરનાં વર્ષોમાં મગફળીના વધેલ બજાર ભાવ, સરકાર દ્વારા જાહેર કરાતા ઊંચા લઘુતમ ટેકાના ભાવ, ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળીની સરકાર દ્વારા થતી સીધી ખરીદી, કપાસમાં ઘટી રહેલા ઉત્પાદન અને મગફળીમાં વધારે ઉત્પાદન આપતી નવી જાતોના સંશોધન સામેલ છે.

ભારતની મુખ્ય કૃષિ સંબંધિત સંસ્થાઓએ તાજેતરનાં વર્ષોમાં વિકસાવેલી અને વાવવા માટે ભલામણ કરેલી એટલે કે રિલીઝ કરેલી મગફળીની કેટલીક જાતો બહુ લોકપ્રિય સાબિત થઈ છે.

તેમાં ભારતીય મગફળી સંશોધન સંસ્થા દ્વારા 2020માં રિલીઝ કરેલી ગિરનાર-4 અને ગિરનાર-5, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 2016-17માં રિલીઝ કરાયેલી ગુજરાત જૂનાગઢ ગ્રાઉન્ડનટ-32 (જેને ખેડૂતો સામાન્ય રીતે બીટી-32 તરીકે કે માત્ર 32-નંબર ઓળખે છે), 2020-21માં રિલીઝ કરાયેલ ગુજરાત ગ્રાઉન્ડન્ટ-23, 2023માં રિલીઝ કરેલ ગુજરાત ગ્રાઉન્ડન્ટ-39, આચાર્ય એન.જી. રંગા કૃષિ યુનિવર્સિટી દ્વારા 2020માં રિલીઝ કરાયેલ કદીરી-લેપાક્ષી વગેરેનો સમાવેશ થાય છે.

મગફળીની નવી જાતો શા માટે વિકસાવાય છે?

ભારતીય મગફળી સંશોધન સંસ્થાના ડાયરેક્ટર ડૉ. સંદીપ કુમાર બેરા કહે છે કે મગફળીનું વતન દક્ષિણ અમેરિકા ખંડ છે અને તે દક્ષિણ આફ્રિકા ખંડના દેશો વાટે પ્રથમ દક્ષિણ ભારતમાં અને પછી ગુજરાતમાં પહોંચી છે. ગુજરાતમાં તેની ખેતી આશરે દોઢસો વર્ષથી થાય છે.

અત્યારે ગુજરાતમાં ગુજરાત ગ્રાઉન્ટનટ-20 (જેને ખેડૂતો સામાન્ય રીતે માત્ર 20-નંબર તરીકે પણ ઓળખે છે), 32 નંબર, 39 નંબર, 23 નંબર, ગિરનાર-4, કદીરી-લેપાક્ષી વગેરે લોકપ્રિય જાતો છે.

પરંતુ આ બધી જાતોના મૂળમાં કોઈ જંગલી મગફળી રહેલી છે.

મગફળીની કોઈ એક જાતનું મગફળીની અન્ય જાત સાથે સંકરણ કરીને એક ત્રીજા જ પ્રકારનો છોડ વિકસાવાય તો તે રીતે વિકસાવાયેલ છોડ એક નવી જાત બને છે.

કૃષિ વૈજ્ઞાનિકોનો પ્રયત્ન રહે છે કે પાકોની એવી જાતો વિકસાવવી જે વધારે ઉત્પાદન આપે, રોગ-જીવાત સામે ટકી રહે જેથી ખેતીનો ઉત્પાદન ખર્ચ ઘટે તેમ જ ઓછા વરસાદ કે પિયત મળે તો પણ પાક સફળ રહે.

વળી, કેટલાક કિસ્સાઓમાં કેટલીક સમસ્યાઓ જેમ કે ખારાશવાળી જમીન, વધારે રેતાળ જમીન, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિવાળા વિસ્તારો, તાપમાન વધારે ઊંચું કે નીચું રહેતું હોય તેવા વિસ્તારો, પિયત માટે વપરાતા ભૂગર્ભજળમાં ક્ષારનું ઊંચું પ્રમાણ વગેરે પણ ખેતી માટે પડકારરૂપ બને છે.

આવા પડકારોમાં પણ ખેતી સફળ અને ફાયદારૂપ રહે તે માટે વૈજ્ઞાનિકો આવા પડકારોમાં પણ સારું ઉત્પાદન આપે તે પ્રકારના પાકોની જાતો વિકસાવવા મથામણ કરતા રહે છે.

વળી, ખૂબ સફળ નીવડેલ જાતોની સમયાંતરે કોઈ રોગ-જીવાત સામે લડવાની ક્ષમતા ઘટે છે અને તેથી તે વાવવાથી ખેતી ખર્ચ વધે છે.

ગુલાબી ઈયળ સામે બીટી કપાસની ઘટી રહેલ પ્રતિરોધકતા આનું એક ઉદાહરણ છે. આ માટે પણ નવી જાતો વિકસાવવી અનિવાર્ય છે.

તે ઉપરાંત, માણસોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કોઈ ખાસ ગુણધર્મો ધરાવતી જાતો વિકસાવવાના પ્રયાસો પણ થતા રહે છે.

ઉદાહરણ તરીકે ખાદ્યતેલમાં ઓલિક એસિડ નામનું તત્ત્વ વધારે માત્રામાં વધારે હોય તો તેવું તેલ માનવ સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે.

આ બાબતને ધ્યાને રાખીને મગફળીની ગિરનાર-4 , ગિરનાર-5, ગુજરાત ગ્રાઉન્ડનટ-39 વગેરે જેવી જાતો વિકસાવાઈ છે.

મગફળીની નવી જાતો કઈ રીતે વિકસાવાય છે?

પ્રાકૃતિક અવસ્થામાં ઊગતી મગફળીની વિવિધ મૂળ જાતો અન્ય જાતો વિકસાવવામાં માટે મુખ્ય મટીરિયલ એટલે કે સામગ્રી છે.

આવી જાતોના જનીનીક બંધારણને જર્મપ્લાઝ્મ એટલ કે જનનરસ કહેવાય છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્રના વડા ડૉ. રાજેશ માદરિયા કહે છે કે વિવિધ જર્મપ્લાઝ્મ્સનું સંયોજન કરીને વિવિધ જેનોટાઇપ્સ એટલે કે કોઈ ખાસ આનુવંશિક લક્ષણો ધરાવતા છોડના સમૂહો વિકસાવવામાં આવ્યા છે.

ઉદાહરણ તરીકે અમુક સમૂહ ફૂગથી થતા પાનના ટપકાના રોગ સામે, તો કોઈ ગેરુના રોગ સામે તો કોઈ મૂળના કોહવાટના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. કોઈ મગફળીના વધારે પોપટા ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે તો કોઈ વહેલી પાકતી કે મોડી પાકતી જાતો હોય છે.

તે જ રીતે કોઈ વધારે તેલની માત્ર ધરાવતા મગફળીના દાણા તો કોઈ વધારે ઓલિક એસિડની માત્રાવાળું તેલ હોય તેવા દાણા ઉત્પન્ન કરવાની ખાસિયત ધરાવે છે.

આ વિવિધ જેનોટાઇપ્સના સંયોજન કરીને મગફળીની નવી જાતો વિકસાવાય છે. ડૉ. રાજેશ માદરીયા જણાવે છે કે જૂનાગઢ યુનિવર્સિટી પાસે આશરે 1700 જેટલા જર્મપ્લાઝ્મ્સ છે.

નવી જાતો વિકસાવવા જેનોટાઇપ્સનું સંયોજન કઈ રીતે કરાય છે?

નવી જાત વિકસવાની શરૂઆત કેવા ગુણધર્મો ધરાવતી નવી જાત વિકસાવવી છે તે નક્કી થઈ ગયા પછી આવા ગુણધર્મો હયાત કઈ જાતોમાં છે તેની ઓળખ કરવાથી થાય છે.

આવા છોડની ઓળખ થઈ ગયા બાદ તેમના કેટલાક છોડને નર છોડ એટલે કે પિતા તરીકે અને કેટલાકને માદા એટલે કે માતા તરીકે નક્કી કરવામાં આવે છે.

આ નક્કી થઈ ગયા પછી હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ પ્રક્રિયા મુખ્ય છે. હાઇબ્રિડાઇઝેશન એટલે બે ખાસિયતો ધરાવતી બે અલગ અલગ જાતોનું સંકરણ કરી તે બંને ખાસિયતો એક જ છોડમાં આવે તેવા આશયથી કરાતુ સંયોજન.

મગફળી સહિત છોડની વિવિધ જાતોમાં આ પ્રક્રિયા પરાગનયનની પ્રક્રિયાથી કરવામાં આવે છે. વૃક્ષોમાં ભેટ કલમ, ટીસ્યુ કલચર વગેરે પદ્ધતિથી પણ આ પ્રક્રિયા કરી શકાય છે.

કપાસની હાઇબ્રિડ જાતો પણ કૃત્રિમ રીતે પરાગનયનની પ્રક્રિયા કરી વિકસાવાય છે.

કપાસ અને મગફળી બંનેના ફૂલોમાં પરાગરજ ઉત્પન્ન કરતા પુંકેસર અને પરાગરજ મળ્યા બાદ ફળ અને બીજ ઉત્પન્ન કરતા સ્ત્રીકેસર મુખ્ય ભાગો હોય છે.

પરાગનયનની પ્રક્રિયા જંતુઓ, કીટકો, પક્ષીઓ, પવન વગેરે માધ્યમોથી કુદરતી રીતે થાય છે. આવી પ્રક્રિયા મનુષ્યો કોઈ એક ફૂલને બીજા ફૂલ સાથે સંપર્કમાં લાવીને કૃત્રિમ રીતે પણ કરી શકે છે.

પરંતુ ડૉ. રાજેશ માદરિયા જણાવે છે કે મગફળીમાં આ પ્રક્રિયા થોડી વધારે જટિલ હોય છે.

તેઓ કહે છે કે, "મગફળી જાતે જ પરાગનયનની પ્રક્રિયા કરી લેતા છોડની પ્રજાતિ છે. તેના ફૂલમાં પુંકેસરમાંથી સ્ત્રીકેસર સુધી પરાગરજ પહોંચાડવા કોઈ બાહ્ય પરિબળની જરૂર નથી પડતી.

"પુંકેસરમાંથી પરાગરજ આપોઆપ જ સ્ત્રીકેસર પર ખરે છે અને તે રીતે પરાગનયનની પ્રક્રિયા થાય છે. તેથી, મગફળીની કોઈ એક જાતમાં અન્ય જાતિના ગુણધર્મો દાખલ કરવા માટે કૃત્રિમ પરાગનયન કરવું પડે છે."

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્રમાં જ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે કામ કરતા ડૉ. ચિરાગ રાજાણી જણાવે છે કે કૃત્રિમ પરાગનયન કરવા માટે ફૂલ જયારે કળી અવસ્થામાં હોય ત્યારે જ કામ ચાલુ કરી દેવું પડે છે.

ડૉ. રાજાણી કહે છે, " મગફળી જાતે જ પરાગનયન કરી લેતો છોડ હોવાથી તેના ફૂલમાં આવેલા સ્ત્રીકેસર અને પુંકેસર પાંદડીઓથી ઢંકાયેલો જ રહે છે. તેથી, માતા તરીકે પસંદ કરેલ મગફળીનો છોડ કુદરતી રીતે જાતે જ પરાગનયનની પ્રક્રિયા કરી લે તે પહેલાં ફૂલ જયારે કળી અવસ્થામાં હોય ત્યારે તેને ખોલી તેમાંથી પુંકેસર દૂર કરવું પડે છે."

"આ એક પ્રકારનું ખસીકરણ છે. પુંકેસર દૂર કર્યા પછી કળીને પાછી બીડી દેવામાં આવે છે. બીજે દિવસે સવારે પિતા તરીકે પસંદ કરાયેલ છોડમાંથી પરાગરજ લાવી માતા તરીકે પસંદ કરાયેલ છોડની કળી ખીલે ત્યારે તે ફૂલમાં સ્ત્રીકેસર સાથે સ્પર્શ કરાવી તે રીતે કૃત્રિમ પરાગનયન કરાવવું પડે છે."

નવી જાત વિકસાવતા કેટલો સમય લાગે છે?

કૃત્રિમ પરાગનયન દ્વારા હાઇબ્રિડાઇઝેશન કર્યા બાદ તેવા છોડમાંથી જે દાણા મળે તેને F -1 જનરેશન એટલે કે પ્રથમ પેઢી કહેવાય છે. F-1 તૈયાર થઈ ગયા પછી આગળના સંશોધન માટે F -1ના દાણામાંથી છોડ ઉગાડવામાં આવે છે જેને F-2 જનરેશન એટલે કે દ્વિતીય પેઢી કહેવાય છે.

ત્યાર પછી F-2 ના દાણામાંથી ઉગાડેલ છોડમાંથી સારા છોડ પસંદ કરવાની પેડિગ્રી સિલેકશન પદ્ધતિ દ્વારા અથવા ઉગાડેલ છોડમાંથી દરેક છોડનો એક-એક દાણો લઈ આગળનું સંશોધન કરવા માટેની સિંગલ સીડ ડિસેન્ટ (એક બીજના વારસો) તરીકે ઓળખાતી પદ્ધતિ અપનાવાય છે.

આ રીતે F-5, F-6 કે F-7 સુધી આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરતા અપેક્ષિત ગુણધર્મોવાળી જાતના છોડ વિકસાવવામાં સફળતા મળી છે કે નહીં તેની ખબર પડે છે.

સંશોધનના આ તબક્કે પહોંચતા પાંચથી છ વર્ષ લાગી જાય છે.

જો સંશોધકો એવાં તારણ પર આવે કે અપેક્ષિત જાત વિકસાવવામાં પ્રાથમિક રીતે સફળતા મળી છે તો આવી નવી જાતનું પ્રાથમિક મૂલ્યાંકન કરવામાં આવે છે.

આ મૂલ્યાંકન જે-તે સંશોધનકર્તા સંસ્થા પોતાના જ ખેતરમાં કરે છે અને તેમાં રોગ સામે ટકી રહેવાની ક્ષમતા, વાતાવરણમાં ટકી રહેવાની ક્ષમતા વગેરે મપાય છે. આ ઉપરાંત નવી વિકસાવાઈ રહેલ જાત વધારે ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે કે નહીં તેનું પણ આ તબ્બકે મૂલ્યાંકન થાય છે.

આવા મૂલ્યાંકન માટે જે તે વિસ્તારની ભલામણ કરેલી વધુ ઉત્પાદન આપતી જાતોને અંકુશ જાતો તરીકે લેવાય છે.

નવી વિકસાવાઈ રહેલી જાતનું ઉત્પાદન અંકુશ જાતોથી ઓછામાં ઓછું 10 ટકા વધારે મળે તો તેના પર આગળનું સંશોધન ચાલુ રખાય છે.

જો પ્રાથમિક મૂલ્યાંકન સફળ રહે તો બીજા વર્ષે તેનું નાના પાયે મૂલ્યાંકન કરવામાં આવે છે.

આ મૂલ્યાંકનમાં નવી જાતનું જે તે રાજ્યનાં ચારથી પાંચ સંશોધન કેન્દ્રોમાં વાવીને કરાય છે.

જો તેમાં પણ સફળતા મળે તો પછી તેને નવ-દસ કેન્દ્રોમાં વાવીને ઓછામાં ઓછું બે વર્ષ સુધી મોટા પાયે મૂલ્યાંકન કરવામાં આવે છે.

આ દરમિયાન સંશોધનકર્તા સંસ્થા તે જે નવી જાત વિકસાવવાની કોશિશ કરી રહી છે તેનું સીડ-મલ્ટીપ્લિકેશન એટલે કે વધારે ને વધારે બીજ ઉત્પન્ન કરવાનું ચાલુ રાખે છે જેથી તેને આગળના મૂલ્યાંકન માટે વિવિધ સંશોધન કેન્દ્રોને મોકલી શકાય.

મોટા પાયે મૂલ્યાંકન ચાલુ હોય તે દરમિયાન જ આ મગફળીનું દેશના અમુક સંશોધન કેન્દ્રોમાં વાવેતર કરવામાં આવે છે અને તે કેવું ઉત્પાદન વગેરે આપે છે તે ચકાસાય છે. ત્યાર બાદ એડવાન્સ વેરાયટલ ટ્રાયલ-1 અને ઍડવાન્સ વેરાયટલ ટ્રાયલ-2 હાથ ધરાય છે જેમાં નવી જાતનું દેશના જુદા જુદા વિસ્તારનાં સંશોધન કેન્દ્રોમાં વાવીને તેનું પર્ફોર્મન્સ કેવું છે તેનો તાગ મેળવાય છે.

આ તબક્કે પહોંચતા બાર થી તેર વર્ષ નીકળી જાય છે.

જો આ ટ્રાયલ પણ સફળ રહે તો છેવટે નવી જાતને વ્યાપારિક ધોરણે વાવેતર માટે રિલીઝ કરાય છે એટલે કે વાવેતર માટે ભલામણ કરાય છે. આમ, મગફળીની જાત વિકસાવતા દસથી તેર વર્ષ જેટલો સમય લાગે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન