You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભૂખમરો : લાંબા સમય સુધી ભોજન ન મળે તો શરીરમાં શું શું થાય?
- લેેખક, રેબેકા થૉર્ન અને એન્જેલા હેંશૉલ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એડ પ્રોગ્રામે ચેતવણી આપી છે કે ગાઝા પટ્ટીમાં દર ત્રણ વ્યક્તિમાંથી એકને ઘણા દિવસો સુધી ખાવાનું મળી નથી રહ્યું.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ગાઝામાં 'ભૂખમરો' છે. જ્યારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ વાતનો ઇનકાર કર્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી ઇઝરાયલ ગાઝામાં ભૂખમરાની સ્થિતિને નકારે છે, તો ત્યાં મદદ માટે અસ્થાયી સંઘર્ષવિરામની ઘોષણા કરી છે.
પણ સંયુક્ત રાષ્ટ્રના માનવીય મામલોના પ્રમુખ ટૉમ ફ્લેચરનું કહેવું છે કે ભૂખમરો રોકવા માટે 'મોટી માત્રામાં' ભોજનની જરૂર છે.
સંયુક્ત રાષ્ટ્ર એજન્સી (યુએનઆરડબલ્યુએ)નું કહેવું છે કે ગાઝા શહેરમાં દર પાંચ બાળકમાંથી એક કુપોષણનો શિકાર છે. આવા મામલાની સંખ્યા રોજ વધી રહી છે.
સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું કે હૉસ્પિટલોમાં એવા દર્દીઓ ભરતી થાય છે જે ભૂખને કારણે નબળા પડી ગયા છે. ઘણા લોકો રસ્તા પર ચાલતા પડી જાય છે.
સંયુક્ત રાષ્ટ્રે હજુ સુધી ગાઝામાં ઔપચારિકરૂપે દુકાળની ઘોષણા કરી નથી. પણ ઇન્ટિગ્રેટેડ ફૂડ સિક્યૉરિટી ફેઝ ક્લાસિફિકેશને ચેતવણી આપી છે કે આ વિસ્તાર પર ગંભીર રીતે દુકાળનો ખતરો તોળાઈ રહ્યો છે.
દુકાળ એટલે શું છે અને ક્યારે જાહેર કરવામાં આવે છે?
ઇન્ટિગ્રેટેડ ફૂડ સિક્યૉરિટી ફેઝ ક્લાસિફિકેશન (આઈપીસી) એક વૈશ્વિક માનક છે. જે આકલન કરે છે કે કોઈ વિસ્તારની વસતીને પર્યાપ્ત, સસ્તું અને પૌષ્ટિક ભોજન મેળવવામાં કેટલી મુશ્કેલી પડી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પાંચ તબક્કામાં સૌથી ગંભીર છેલ્લો તબક્કો છે. કોઈ જગ્યાને પાંચમાં તબક્કામાં ત્યારે રાખવામાં આવે છે જ્યારે:
- 20 ટકા ઘરોમાં ખોરાકની તીવ્ર અછત હોય
- ઓછામાં ઓછા 30 ટકા બાળકો ગંભીર કુપોષણથી પીડિત હોય
- દર 10,000 લોકોમાં રોજ કમસે કમ 2 વયસ્કો કે 4 બાળકોનાં મૃત્યુનું કારણ ભૂખ, કુપોષણ કે બીમારીને કારણે થતું હોય
12 મેના રોજ જાહેર થયેલા આઈપીસીની રિપોર્ટ પ્રમાણે ગાઝાની વસતી ફેઝ-3ની ઉપરની શ્રેણીમાં છે.
એક અનુમાન પ્રમાણે મેથી સપ્ટેમ્બર 2025 વચ્ચે લગભગ 4.69 લાખ લોકોને ગંભીર ફૂડ ઇન્સિક્યૉરિટીનો સામનો કરવો પડશે.
જ્યારે સ્થિતિ આટલી ગંભીર થઈ જાય છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર ક્યારેક સંબંધિત દેશની સરકાર અને આંતરાષ્ટ્રીય રાહત સંગઠનો સાથે મળીને ઔપચારિકરૂપે દુકાળની ઘોષણા કરે છે.
ભૂખમરા દરમિયાન શરીરમાં શું થાય છે?
ભૂખમરો લાંબા સમય સુધી પૂરતો ખોરાક ન મળવાને કારણે સર્જાય છે. એનો મતલબ એમ છે કે શરીરને જરૂર પ્રમાણે કૅલરી મળી રહી નથી.
સામાન્ય રીતે શરીર ખોરાકમાંથી ગ્લુકોઝ બનાવે છે અને જ્યારે ખોરાક નથી મળતો ત્યારે શરીર લિવર અને માંસપેશીઓમાં જમા થયેલા ગ્લાઇકોઝનને તોડીને લોહીમાં ગ્લુકોઝ ભેળવી દે છે.
જ્યારે ગ્લાઇકોઝન ખતમ થઈ જાય છે ત્યારે શરીર પહેલા ચરબી અને પછી માંસપેશીઓને તોડીને ઊર્જા પેદા કરે છે.
ભૂખમરાથી ફેફસાં, પેટ અને પ્રજનન અંગ સંકોચાઈ જાય છે અને તેની અસર મગજ પર પણ થાય છે. આ કારણે હેલુસિનેશન (ભ્રમ), ડિપ્રેશન અને ચિંતામાં વધારો થાય છે.
કેટલાક લોકો ભૂખમરાથી મરી જાય છે, પણ ગંભીર કુપોષણથી પીડિત લોકો હંમેશાં શ્વસન કે પાચનતંત્રના ચેપથી મૃત્યુ પામે છે, કારણ કે ભૂખમરો રોગપ્રતિકારક ક્ષમતાને નબળી પાડે છે.
ભૂખમરાની અસર અલગ-અલગ લોકો પર જુદી થાય છે.
યુકેની ગ્લાસગો યુનિવર્સિટીના હ્યુમન ન્યૂટ્રિશિયનના સિનિયર રિસર્ચર પ્રોફેસર શાર્લોટ રાઇટ કહે છે, "તમે અચાનક ગંભીરરૂપે કુપોષિત નથી થતા. આ બાળકોને પહેલાં ઓરી, ન્યૂમોનિયા, ઝાડા જેવી બીમારી થઈ ચૂકી હોય છે."
"જે બાળકો પહેલાં સ્વસ્થ હતાં, પણ ભૂખમરાનો શિકાર થયાં છે એમને ખોરાક મળે તો તેમનામાં હજુ પણ પાચન કરવાની ક્ષમતા હોય છે."
કુપોષણ બાળકોને કેવી રીતે અસર કરે છે?
બાળપણમાં ખોરાકની અછત જિંદગીભર અસર છોડી શકે છે. જેમાં મગજ અને બાળકની લંબાઈ પર અસર થાય છે.
WHO મુજબ, નબળું પોષણ, વારંવાર ચેપ અને પૂરતી સંભાળના અભાવને કારણે બાળકોમાં વૃદ્ધિ અને વિકાસમાં અવરોધ આવે છે.
ઘણી વાર આ બાળકો તેમની ઉંમર પ્રમાણે નાનાં દેખાય છે.
યુનાઇટેડ નૅશન્સ ફાઉન્ડેશન અનુસાર, જે લોકો કુપોષણથી પીડાય છે તેમનાં બાળકો કુપોષિત હોવાની શક્યતા વધુ હોય છે.
યુનિસેફનું કહેવું છે કે ગર્ભાવસ્થા દરમિયાન ખરાબ આહાર માતાને એનિમિયા, પ્રી-એક્લેમ્પસિયા, રક્તસ્રાવ અને મૃત્યુ તરફ દોરી શકે છે.
કુપોષિત માતાઓને તેમનાં બાળકોને આપવા માટે પૂરતું પૌષ્ટિક દૂધ પેદા કરવામાં પણ મુશ્કેલી પડી શકે છે.
કુપોષિત બાળકોની સારવાર કરતા ડૉક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (MSF)ના ડૉ. નુરુદ્દીન અલીબાબા કહે છે કે તેની અસરો જીવનભર ટકી શકે છે.
ડૉ. નુરુદ્દીન અલીબાબા સમજાવે છે, "અટકી ગયેલી વૃદ્ધિ ઉલટાવી શકાય તેવી નથી, એટલે કે કુપોષણનો સમયગાળો પૂરો થયા પછી પણ બાળકની ઊંચાઈ ટૂંકી રહેશે, જે તેમને ખૂબ નુકસાન પહોંચાડશે. ઘણી વાર બાળકમાં શીખવાની ક્ષમતા જોવા મળતી નથી. બાળક શાળાઓ જાય પછી આનો ખ્યાલ આવે છે.''
"કુપોષણ રોગપ્રતિકારક શક્તિને પણ દબાવી દે છે, જેના કારણે બાળક ચેપ માટે વધુ સંવેદનશીલ બને છે. બીજી એક મહત્ત્વપૂર્ણ બાબત જે ઘણા લોકો સમજી શકતા નથી તે એ છે કે છોકરીઓમાં કુપોષણ અમુક સ્તરે વંધ્યત્વ તરફ દોરી શકે છે. અને જો તેઓ ગર્ભવતી થાય તો પણ તેમનાં બાળકો ઓછાં વજનનાં હોવાની શક્યતા વધુ હોય છે."
બીજો રોગ ઓસ્ટીયોપોરોસિસ થઈ શકે છે.
ડૉ. અલીબાબાએ કહ્યું, "વય વધવાની સાથે નબળાં હાડકાં એટલાં નાજુક થઈ જાય છે કે તેઓ શરીરના વજનને યોગ્ય રીતે સંભાળી શકતાં નથી અને નાની ઈજા પણ હાડકાંને તોડી શકે છે."
ભૂખમરાની સારવાર કેવી રીતે કરવી?
પ્રોફેસર રાઇટનું કહેવું છે કે, ''આ સંકટનો સામનો કરવા માટે બે બાબતોની જરૂર છે- ગાઝામાં ખોરાક પહોંચાડવો અને મોંઘા, પરંતુ જરૂરી પોષણવાળા વિશેષ ખાદ્યપદાર્થ પૂરા પાડવા. ખોરાક બાળકો અને એમની માતાઓ સુધી પહોંચાડવા જોઈએ.''
"નવજાત શિશુ માટે માતાનું દૂધ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે, પરંતુ માતાને ખોરાક મળવો જોઈએ, જેથી તે બાળકને ખવડાવી શકે. ખોરાક ફક્ત પુરુષો સુધી પહોંચવાને બદલે ખરેખર સ્ત્રીઓ અને બાળકો સુધી પહોંચે એ પણ એક મોટો પડકાર છે.''
બીબીસી અરબીનાં હેલ્થ સંવાદદાતા સ્મિતા મુંડાસદ (જેઓ ડૉક્ટર તરીકે પણ પ્રશિક્ષિત છે) કહે છે કે, ''કુપોષણનાં ગંભીર પરિણામો આવી શકે છે, ખાસ કરીને બાળકો પર અને તેની સારવાર કરવી હંમેશાં સરળ હોતી નથી.
"ગંભીર કિસ્સાઓમાં જ્યારે કોઈ વ્યક્તિ ખોરાક ગળી શકતી નથી, ત્યારે હૉસ્પિટલ અથવા ક્લિનિકમાં ખાસ પોષક આહારની જરૂર પડી શકે છે અને ચેપ માટે વધારાની સારવારની જરૂર પડી શકે છે. કેટલાક કિસ્સાઓમાં કોઈને ખોટો ખોરાક આપવો અથવા ખૂબ વહેલો ખોરાક આપવો ભયાવહ પરિણામ લાવી શકે છે."
સ્મિતા મુંડાસદે કહ્યું, "તેથી, ફક્ત ખોરાક પૂરો પાડવો જ મહત્ત્વપૂર્ણ નથી, પરંતુ યોગ્ય ખોરાક પૂરો પાડવો અને સારી આરોગ્ય વ્યવસ્થા હોવી પણ મહત્ત્વની છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન