You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની આધિકારિક જાહેરાત કરી– ન્યૂઝ અપડેટ
ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયાની આધિકારિક જાહેરાત કરી દીધી છે.
આ જાહેરાત ભાજપના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડૉ કે.લક્ષ્મણે કરી હતી.
ભાજપે કહ્યું કે તેના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા 19 જાન્યુઆરીથી શરૂ થઈને 20 જાન્યુઆરી સુધી પૂરી થશે.
19 જાન્યુઆરીના નામાંકન પ્રક્રિયા પૂરી થશે. આની સાથે જ નામાંકન પત્રકોની તપાસ પણ એ જ દિવસે થશે. ત્યારે 20 જાન્યુઆરીના જરૂર પડશે તો મતદાન યોજાશે.
જો મતદાનની જરૂર ન પડે તો એ જ દિવસે અધ્યક્ષની આધિકારિક ઘોષણા કરી દેવાશે.
વર્તમાનમાં બિહારથી આવતા નીતિન નબીન ભાજપના કાર્યકારી અધ્યક્ષ છે. આની પહેલાં જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.
તેમનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ અનેક વખત લંબાવાયો હતો.
મહારાષ્ટ્ર: બીએમસી સહિત 29 મ્યુનિસિપલ કૉર્પોરેશન માટે મતગણતરી શરૂ
મહારાષ્ટ્રમાં બીએમસી સહિત 29 મ્યુનિસિપલ કૉર્પોરેશન માટે સવારે 10 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે અને બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચૂંટણીપંચના નવા નિર્દેશને કારણે આ વખતે પરિણામો આવવામાં થોડું મોડું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીએમસીના પરિણામો માટે 23 સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવી છે.
પાડુ ડિવાઇસ દ્વારા મતગણતરી કરાવી શકાય તે માટે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડના (ઈવીએમ મશિન બનાવનારી કંપની) ટેક્નિશિયનને સજ્જ રાખવામાં આવ્યા છે.
જોકે, ચૂંટણીપંચે સ્પષ્ટતા કરી છે કે અપવાદરૂપ સંજોગોમાં જ પાડુનો ઉપયોગ કરવામાં આવશે. મુંબઈમાં 52.94 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ગુરુવાર સાંજથી જ ભાજપમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પાર્ટીએ વિજયની ઊજવણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
બીજી બાજુ, ચૂંટણીપરિણામો પહેલાં પોસ્ટર વૉર પણ જોવા મળ્યું. જ્યાં 'ભાવિ મેયર' તથા 'ભાવિ ધારાસભ્ય' જેવાં લખાણો સાથે ભાજપના નેતાના પોસ્ટર જોવા મળ્યાં હતાં. પુણેમાં 52 ટકા મતદાન થયું હતું.
વેનેઝુએલાનાં મારિયા મચાડોએ પોતાનો નોબલ પુરસ્કાર ટ્રમ્પને સોંપ્યો
વેનેઝુએલાનાં વિરોધપક્ષનાં દિગ્ગજ નેતા મારિયા મચાડો અમેરિકામાં છે. જ્યાં તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખાનગી બેઠક કરી હતી.
બંને નેતા પ્રથમ વખત વ્યક્તિગત રીતે મળ્યાં હતાં. આ બેઠક દરમિયાન મારિયાએ પોતાને મળેલો નોબલ શાંતિ પુરસ્કાર ભેંટ આપ્યો હતો.
ટ્રમ્પે આ ઘટનાની સોશિયલ મીડિયા ઉપર પુષ્ટિ કરી હતી અને લખ્યું હતું કે તે "પરસ્પર સન્માનની સુંદર અભિવ્યક્તિ છે." ટ્રમ્પે મારિયા સંદર્ભે કહ્યું હતું કે તે "મહાન મહિલા" છે અને "તેમણે ઘણુંબધું વેઠ્યું છે."
વ્હાઇટ હાઉસમાંથી નીકળતી વખતે મારિયાએ કહ્યું હતું કે "આપણે ટ્રમ્પ ઉપર મદાર રાખી શકીએ છીએ."
ટ્રમ્પ અનેક વખત માંગ કરી ચૂક્યા છે કે તેમને નોબલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ. કારણ કે તેમણે ભારત-પાકિસ્તાન સહિત વિશ્વના અનેક દેશોમાં યુદ્ધ થતાં અટકાવ્યાં છે અને લોકોના જીવ બચાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે મારિયાનું કહેવું છે કે વર્ષ 2024ની ચૂંટણી તેમનો પક્ષ જીત્યો હતો, પરંતુ અમેરિકાએ તેનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો છે અને વેનેઝુએલનાં ઉપરાષ્ટ્રપતિ સાથે વાટાઘાટો કરી રહ્યું છે.
થોડા દિવસો પહેલાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો તથા તેમનાં પત્નીને અમેરિકાના વિશેષદળોએ કારાકાસમાંથી 'પકડ્યાં' હતાં.
ઈરાને 800 લોકોની ફાંસીની સજા અટકાવી
વ્હાઇટ હાઉસે દાવો કર્યો છે કે ઈરાને લગભગ આઠસો લોકોની ફાંસીની સજાને મોકૂફ કરી દીધી છે.
વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કૅરોલિન લેવિટે કહ્યું, "રાષ્ટ્રપતિ (ટ્રમ્પ) અને તેમની ટીમે ઈરાનની સરકારને સંદેશ આપ્યો હતો કે જો હત્યાઓ ચાલુ રહેશે, તો તેના ગંભીર પરિણામ આવશે."
લેવિટે ઉમેર્યું, "શુક્રવારે 800 લોકોને ફાંસી મળવાની હતી, પરંતુ રાષ્ટ્રપતિને ગુરૂવારે માહિતી મળી છે કે આ સજાને અટકાવી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ અને તેમની ટીમ પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે અને રાષ્ટ્રપતિની સામે બધા વિકલ્પ ખુલ્લા છે."
તેહરાનમાં પ્રદર્શન દરમિયાન ઇરફાન સુલ્તાની નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. તેના પરિવારજને બીબીસીની પર્શિયન સર્વિસને જણાવ્યું કે માત્ર બે દિવસની અંદર કોર્ટે તેને મોતની સજા સંભળાવી હતી.
જોકે, ન્યાયતંત્રનું કહેવું છે કે ઇરફાન સુલતાની ઉપર જે આરોપ લાગ્યા છે કે તેના માટે જેલની સજાની જોગવાઈ છે અને ફાંસીની નહીં. ઇરફાન હાલ કરાજ સેન્ટ્રલ જેલમાં બંધ છે.
પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરનો વિરોધ
પશ્ચિમ બંગાળમાં ગુરૂવારે સતત બીજા દિવસે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના વિરોધમાં હિંસા થઈ હતી. બ્લૉક ડેવલ્પમેન્ટ ઑફિસરની કચેરીમાં તોડફોડ અને આગચંપનીની ઘટના ઘટી હતી.
કોલકતાથી બીબીસી હિંદીના સહયોગી પ્રભાકર મણિ તિવારીએ જણાવ્યું હતું કે દિનાજપુર જિલ્લાના ચાકુલિયામાં સ્થાનિકોએ રસ્તો રોક્યો હતો અને એફઆઈઆર દાખલ કરાવી હતી.
આ પહેલાં બુધવારે મુર્શિદાબાદ જિલ્લાના ફરક્કામાં તૃણમુલ કૉંગ્રેસના ધારાસભ્ય મનીરુલ ઇસ્લામ તથા તેમના સમર્થકો ઉપર બીડીઓની કચેરીમાં તોડફોડના આરોપ લાગ્યા હતા.
આ હોબાળા બાદ સુનાવણી અટકાવી દેવામાં આવી હતી. ચૂંટણીપંચના નિર્દેશ બાદ આ કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
ચાકુલિયાના બીડીઓએ તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે ગુરૂવારે સવારે લગભગ સાડા નવ વાગ્યે 300 જેટલા લોકોએ બળજબરીપૂર્વક તેમની કચેરીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભીડ બળજબરીપૂર્વક ઑફિસમાં ઘૂસી ગઈ હતી અને તોડફોડ કરવા લાગી હતી.
ચૂંટણીપંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે સમગ્ર ઘટનાક્રમ અંગે વિસ્તૃત અહેવાલ માંગ્યો છે.
બીજી બાજુ ટીએમસીના નૅશનલ જનરલ સેક્રેટરી અને સંસદસભ્ય અભિષેક બેનરજીનું કહેવું છે, "ઈસીઆઈ 'લૉજિકલ ડિસ્ક્રિપેંસી' લિસ્ટ બહાર નહીં પાડે, તો કોલકતા અન દિલ્હીમાં લોકશાહી ઢબે વિરોધપ્રદર્શન થશે. બંગાળને જ શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યું છે?"
"આયોજન વગરના એસઆઈઆરને કારણે 82થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે તથા આને માટે જ્ઞાનેશ કુમાર (મુખ્ય ચૂંટણી કમિશનર) જવાબદાર છે."
દરમિયાન ભાજપના નેતા રાજૂ બિસ્તાએ કહ્યું, "મતદાર યાદીમાં જે ગડબડ છે, તેને સુધારવા માટે એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મને લાગે છે કે અભિષેક બેનરજીએ હજુ તેના વિશે વાંચ્યું સમજ્યું નથી, તેઓ માત્ર રાજકીય નિવેદનબાજી કરી રહ્યા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન