You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મારિયા કોરિના મચાડો : અત્યારે તેઓ ક્યાં છે એ કોઈને ખબર નથી, શાંતિનો નોબલ પુરસ્કાર કેમ મળ્યો?
વર્ષ 2025નો શાંતિ માટેનો નોબલ પુરસ્કાર વેનેઝુએલાનાં રાજનેતા મરિયા કોરીના મચાડોને આપવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર નોબલ કમિટીએ કહ્યું, "વેનેઝુએલાના લોકો માટે લોકશાહીના અધિકારોને પ્રોત્સાહન આપવા તથા ન્યાયપૂર્ણ અને શાંતિપૂર્વક રીતે સરમુખત્યારશાહીનો સામનો કરવા માટે અને લોકશાહીના સંઘર્ષ" માટે આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષના શાંતિ માટેના નોબલ પુરસ્કારની જાહેરાતની ખૂબ જ રસપૂર્વક રાહ જોવાઈ રહી હતી, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વખત આને માટે પોતાની દાવેદારી કરી હતી.
ટ્રમ્પ અનેક વખત કહી ચૂક્યા છે કે તેમણે દુનિયામાં અનેક ક્ષેત્રોમાં સશસ્ત્ર સંઘર્ષોને શાંત કરાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે તાજેતરમાં ગાઝામાં હમાસ અને ઇઝરાયલ વચ્ચે પ્રથમ તબક્કાના સંઘર્ષવિરામની જાહેરાત કરી હતી.
નોબલ કમિટીએ શું કહ્યું?
નોબલ કમિટીએ પોતાના નિવેદનમાં કહ્યું કે વર્ષ 2025નો શાંતિ માટેનો નોબલ પુરસ્કાર "એવાં મહિલાને અપાઈ રહ્યો છે કે જેમણે ગાઢ અંધકારની વચ્ચે લોકશાહીનો દીપક પ્રજ્વલિત રાખ્યો."
નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે નોબલ માટેનો શાંતિ પુરસ્કાર જીતનારાં મારિયા કોરિના મચાડો તાજેતરના સમયમાં લેટિન અમેરિકામાં સાહસનાં "અસાધારણ ઉદાહરણો"માંથી એક છે.
કમિટીના ચૅરમૅનના કહેવા પ્રમાણે, મચાડો એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિત્વ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિવેદનમાં લખ્યું છે, "ભલે આપણે અસહમત હોઈએ, પરંતુ લોકપ્રિય શાસનના સિદ્ધાંતોની સુરક્ષા કરવીએ એ આપણી લોકશાહીની ઇચ્છાનો મૂળમંત્ર છે."
"લોકશાહી જોખમમાં હોય, ત્યારે અન્ય તમામ બાબતો કરતાં તેનું સંરક્ષણ કરવામાં આવે તે સૌથી વધુ જરૂરી બની રહે છે."
ટ્રમ્પ અંગે શું કહ્યું?
નોબલ શાંતિ કમિટીનાં ચૅરમૅન યોર્ગેન વાટને ફ્રીડનેસને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો.
તેમને પૂછવામાં આવ્યું હતું કે પુરસ્કાર આપવા માટે ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ તથા અન્ય આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી દબાણ હતું, ત્યારે શું તેનાથી કમિટીના વિચાર-વિમર્શ કે કામ પર અસર પડી?
આ સવાલના જવાબમાં ફ્રીડનેસે કહ્યું કે નોબલ શાંતિ પુરસ્કારના 'લાંબા ઇતિહાસ' દરમિયાન કમિટીએ અનેક અભિયાનો તથા 'મીડિયા ટેન્શન' જોયાં છે અને કમિટીના લોકોને દર વર્ષે હજારો પત્ર મળે છે. તેમણે જણાવ્યું કે 'શાંતિના માર્ગ માટે તેમણે શું કર્યું.'
ફ્રીડનેસે કહ્યું, "અમે અમારો નિર્ણય કામ પર તથા અલ્ફ્રેડ નોબલની વસિયત મુજબ લઈએ છીએ."
નોબલ વિજેતા મારિયા કોણ છે?
મારિયા કોરિના મચાડો વેનેઝુએલાનાં મુખ્ય વિપક્ષી નેતા છે. ગત વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ, ત્યારે મારિયાનાં ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો, જેની દુનિયાભરમાં ટીકા થઈ હતી. આ સાથે જ એવું કહેવામાં આવ્યું હતું કે આ ચૂંટણી નિષ્પક્ષ નથી.
બીબીસીના દક્ષિણ અમેરિકા સંવાદદાતા ઇયોન વેલ્સ ગત વર્ષે કારાકાસમાં ચૂંટણી દરમિયાન જોયું હતું કે તેમના ઉમેદવાર એડમુંડો ગોંજાલિઝની રેલીમાં રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળતી હતી.
આ ભીડે નિકોલસ માદુરોની સરકારને ચોંકાવી દીધી હતી. મારિયા દેશનાં મોટાં વિપક્ષી નેતા છે, જેઓ રસ્તા તથા મતદાનકેન્દ્રો પર હજારો લોકોની ભીડ એકઠી કરવાની ક્ષમતા ધરાવે છે.
ગત વર્ષે ચૂંટણી દરમિયાન પોલ્સમાં મારિયાની પાર્ટીનો વિજય નિશ્ચિત મનાતો હતો, પરંતુ માદુરો ત્રીજી વખત ચૂંટણી જીત્યા. જોકે, કેટલાક ચૂંટણી નિરીક્ષકોને ચૂંટણીપ્રક્રિયામાં ગેરરીતિઓ જણાઈ આવી હતી.
ઇયોન વેલ્સે જોયું કે એક મતદાન કેન્દ્રની બહાર બળજબરીપૂર્વક કલાકો સુધી લોકોને ઊભા રાખવામાં આવ્યા હતા.
ચૂંટણી પરિણામો બાદ દેશના અનેક વિસ્તારોમાં વિરોધપ્રદર્શન થયાં, પરંતુ સરકારે તેને કચડી નાખ્યાં.
મચાડો હાલમાં ક્યાં રહે છે, તેના વિશે કોઈને ખબર નથી. જાન્યુઆરી મહિનામાં માદુરોની શપથવિધિ દરમિયાન વિરોધપ્રદર્શન થયાં, ત્યારે તેઓ જાહેરમાં દેખાયાં હતાં.
મારિયાની થોડા સમય માટે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ એ પછી તેમને છોડી મૂકવામાં આવ્યાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન